09 October, 2024 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્પના બુચ
કોઈ પણ ગુજરાતીની જેમ મારો પણ પ્રિય તહેવાર નવરાત્રિ છે. ગરબા રમું તો મારું શેર લોહી ચડે. ગરબા ન રમી શકું એ કલ્પના પણ મારા માટે અતિ ભારે પડે. દર વર્ષે ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ હું ગરબા રમવાનું ક્યારેય ન મૂકું. ગમે તેટલી ખેંચાઈ રહું, બીજે દિવસે કામ પર જવાનું ભારે પડે તો પણ ગરબા તો રમવાના જ. જોકે સાચું કહું તો મુંબઈમાં અમારા જેવા ગરબાપ્રેમીઓ માટે અમારા ગરબા પ્રત્યેના પ્રેમને ન્યાય આપવો અઘરો થઈ રહ્યો છે. અતિ વ્યસ્ત એવું આ શહેર ભાગ્યે જ કોઈ તહેવારને ન્યાય આપી શકે છે. નવરાત્રિમાં તો અલગ પ્રકારની તકલીફો છે. ટીવી-ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ એટલે બાર-સાડાબાર કલાક તો અમારા શૂટમાં જતા હોય છે. વળી, અમારે તો શનિ-રવિની રજા પણ ન હોય. આવામાં ગરબા રમવા ક્યારે જવું? ઘણી વાર હું એવું કરું કે પહેલેથી રજા મૂકી રાખું. જો એનો મેળ ન પડે તો જ્યાં શૂટ કરતી હોઉં એમને કહી રાખું કે મારું કામ વહેલું પતાવીને મને જલદી જવા દઈ શકો? આપણો ગરબાપ્રેમ જ એટલો હોય કે જોઈને કોઈ પણ પીગળી જાય અને જલદી નીકળવા દે. આમ ગરબાપ્રેમથી ઓવારીને કંઈ પણ કરીને ગરબા રમવાનો મેળ પાડીએ કે પ્લાન કરીએ તો ખરા જ, પણ તકલીફ ત્યાં છે કે આ રીતે ગરબા રમવા પણ સહેલા નથી.
કામ પરથી જલદી ઘરે પહોંચીને ગરબા માટે નીકળવાની સ્ટ્રગલ એક છે અને જ્યાં તમારે ગરબા કરવા છે ત્યાં સુધી પહોંચવાની અને ત્યાં ગરબા રમવાની સ્ટ્રગલ બીજી છે. મુંબઈમાં કમર્શિયલ ગરબાનાં સ્થળો ઘણાં છે. બધાનાં પોતપોતાનાં ફેવરિટ પણ ખરાં. મારાં પણ છે, પણ એક એરિયામાંથી તમારા મનગમતા ગાયક સુધી પહોંચવું એટલે મુંબઈમાં લાગે ઓછામાં ઓછો ૧ કલાક. તૈયાર થવાનો સમય, ટ્રાફિકમાં અટકવાનો સમય અને મહામહેનતે લાઇનો વટાવીને અંદર જઈએ ત્યારે જવું હોય એના કરતાં અડધો-પોણો કલાક સહજ રીતે મોડું થઈ જ ગયું હોય. ત્યાં પાછા અઢળક લોકો હોય અને એ જગ્યા પચાવીને પોતાના ગ્રુપ સાથે રમતા હોય એટલે તમને રમવાની જગ્યા જ ન મળે. જગ્યા મળે તો લોકો એટલા કે સામે અથડાયા જ કરે. અને આ બધામાંથી પસાર થતાં-થતાં માંડ-માંડ હજુ તમે ગરબાનું વૉર્મઅપ જ કર્યું હોય ત્યાં ૧૦ ક્યારે વાગી જાય એ જ ખબર નહીં પડે. આમાં ગરબા રમવાનો સંતોષ જ ન થાય. મારી જેમ કેટલાય લોકોને કામ પરથી ગરબા રમવા જવું હોય તો એ પહોંચી જ ન શકે, કારણ કે ૧૦ વાગ્યાની લિમિટ હોય. જે દિવસોએ ૧૨ વાગ્યા સુધીની પરમિશન હોય એ દિવસોમાં ભીડ એટલી વધી જાય છે કે કલાકો વધવાનો પણ ફાયદો થતો નથી. ગુજરાત બાજુ એ સારું કે લોકો પ્રોફેશનલ હોય તો પણ પોતાનો શોખ પૂરો કરી શકે, કારણ કે દરરોજ ગરબા મોડે સુધી ચાલે. શું મુંબઈના પ્રોફેશનલ્સને પોતાના શોખ પૂરો કરવાનો હક નથી?
આ બધાથી ત્રાસીને હું હાલમાં મારી સોસાયટીની નજીક આવેલી સોસાયટીમાં ગરબા રમવા ગઈ હતી. સાચું કહું, અમે ખૂબ રમ્યા અને ખૂબ જ મજા પડી. નવરાત્રિના કમર્શિયલાઇઝેશનના નામે એક દિવસના ૧૮૦૦ રૂપિયાના પાસ ખરીદીને પણ ગરબા રમવાનો આવો સંતોષ મળતો નથી એ અફસોસની વાત છે. પહેલાંના સમયમાં જે શેરીગરબા થતા એ હવે પાછા લાવવાની જરૂર છે એવું મને લાગ્યું. પહેલાં ગરબા રમતા તો આધ્યાત્મિકતા પણ લાગતી. આ નવ દિવસ તમે માની આરાધના કરો છો એવું ફીલ પણ થતું. નવરાત્રિનું જે કમર્શિયલાઇઝેશન થયું એના ફાયદાઓ તો ઘણા થયા હશે પણ નુકસાન મોટું એ થયું કે આધ્યાત્મિકતાની ફીલ જતી રહી. મને જ નહીં, મારી દીકરી ભવ્યાને પણ સોસાયટીના નાના સેટઅપમાં ગરબા રમવાની ખૂબ મજા પડી. મને એવું લાગે છે કે આપણે કમર્શિયલાઇઝેશનના નામે એક વસ્તુ ભૂલી રહ્યા છીએ, એ છે તહેવાર માણવાનો સંતોષ. વ્યસ્ત જીવન બદલાવાનું નથી. ટ્રાફિક મુંબઈમાં કદી ઘટવાનો નથી. રમવાનો સમય દરરોજ રાત્રે ૧૨ વાગ્યા સુધીનો થાય તો એનાથી રૂડું કંઈ નહીં, પણ એ ક્યારે થશે એ આપણને ખબર નથી. તો આ બધાની વચ્ચે એક સૉલ્યુશન લાવવાનો સમય આવી ગયો છે.
જે લોકો યુવાન છે, કૉલેજમાં ભણે છે અને નવરાત્રિના એક દિવસ પાછળ ૫-૬ કલાક આપી શકે એમ છે તેઓ ચોક્કસ આ કમર્શિયલ સ્થળોએ જાય અને મજા કરે એમાં ના નહીં; પરંતુ એક મિડલ-એજ ગ્રુપ છે જેમના કામના કલાકો વધારે છે, ઘરની જવાબદારીઓ પણ તેમના માથે છે; એવા લોકો કામ પછી ભાગીને ઘરે આવે તો તરત તૈયાર થઈને સોસાયટીમાં નીચે જાય. વધુ નહીં તો બે રાઉન્ડ ગરબાના રમે તો તેમને પણ ગરબા રમવાનો પૂરો આનંદ મળે. પહેલાંના સમયમાં મુંબઈમાં પણ લોકો ગરબા પોતાની સોસાયટીઓમાં જ કરતા. ત્યારે આજના જેવું ન હતું. નાના-નાના સેટઅપમાં ગરબા ચાલુ થાય, ભલેને બે-ત્રણ સોસાયટીઓ મળીને કરે, પણ જો એ બહાને પણ તહેવારની ગરિમા અને આધ્યાત્મિક આનંદ જળવાઈ રહેતો હોય તો ચોક્કસ એ કરવું જોઈએ.