યાદ રહે કે સામાન્ય વિવેક પણ આપણને દુષ્કર્મોથી દૂર રાખવા માટે સક્ષમ છે

02 October, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈની મદદ કરવા જતાં આપણું નુકસાન થતું હોય તો પણ તેની મદદે દોડવું એ જ ખરી માનવતા છે

પ્રતીકાત્મક તસવીર

આત્મા અજરામર છે, નિરાકાર છે, લખ્યા લેખ મિથ્યા નથી થતા, ખરા હૃદયથી કરેલી પ્રાર્થના પ્રભુ સ્વીકારે જ છે. આ બધાં વાક્યો એકસાથે વાંચો તો ખબર પડશે કે કેવી પ્રચંડ પ્રવચનાઓ સદીઓથી ચાલી રહી છે.

પ્રાર્થના જો ભાગ્યના લેખથી વધુ બળવાન હોય તો લક્ષ્મીપ્રાપ્તિ માટે કોઈ લાલચુ વ્યક્તિએ કરેલી પ્રાર્થના કરતાં કોઈ વિધવા માતાએ મરણપથારીએ પડેલા જુવાનજોધ દીકરાના જીવન માટે કરેલી પ્રાર્થના વધુ બળ‍વાન ન હોય? ભૂખથી લાખો માણસો મોતનો કોળિયો બને છે અને વિધવાનો દીકરો માની આંખ સામે દેહત્યાગ કરે છે. આ બધી વ્યક્તિગત લાલસા, ઇચ્છા અને તૃષ્ણાઓ છે પણ આખરે તો આપણે જ પોતપોતાનું ફોડી લેવાનું છે. ઈશ્વરે લાખો વર્ષ પહેલાં માનવને જે ધરતી સોંપી હતી એ ધરતી આપણી કલ્પનામાં રહેલા નરકથી પણ બદતર હતી. માણસે એને આપણી કલ્પનામાં રહેલા સ્વર્ગથી ચડિયાતી બનાવી છે.આકાશમાં ઊડતાં વિમાનો, સબમરીનો અને ચંદ્રલોક પર ડગ માંડતો અવકાશયાત્રી, કમ્પ્યુટર, મોબાઇલ આ બધાં માનવીની ગરિમાનાં ચિહ્નો છે, એમાં ઈશ્વરે કે કુદરતે સાથ આપ્યો હોય એવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં માનવીને લાખો પ્રાકૃતિક વિઘ્નોનો સામનો કરવો પડ્યો છે અને અંતે એ બધામાં માનવી જ વિજયી ઠર્યો છે.

માનવીને ભાગ્ય, કુદરત કે બીજી કોઈ શક્તિ હરાવી શકી નથી. તમે જો આત્મા, સ્પિરિચ્યુઅલિઝમ, મોક્ષ ઇત્યાદિ શબ્દવૈભવમાં રાચતા હો તો એક વાત નિર્વિવાદ છે કે તમારું પેટ ભરેલું છે. ભૂખ્યા પેટે કોઈ આધ્યાત્મવાદનાં ચીંથરાં ન જ ફાડે.

આધ્યાત્મવાદની વ્યાખ્યાઓ કરતી વ્યક્તિને અઠવાડિયું પણ લાંઘણ કરવાનું આવે તો તકલીફ થતી હોય છે. સ્વૈચ્છિક ઉપવાસની આ વાત નથી. કારણ આવી વ્યક્તિને ખબર છે કે તેના પોતાના માટે અન્ન ઉપલબ્ધ છે. આત્મા જેવી કોઈ વસ્તુ હોય તો પણ એ પરાવલંબી તો છે જ. શરીર એ જ આત્માનું આશ્રયસ્થાન છે.  

ખરાબ કાર્યોથી દૂર રહેવા નરકનો ભય જરૂરી છે? સામાન્ય વિવેક પણ આપણને દુષ્કર્મોથી દૂર રાખવા માટે સક્ષમ છે. કોઈની મદદ કરવા જતાં આપણું નુકસાન થતું હોય તો પણ તેની મદદે દોડવું એ જ ખરી માનવતા છે. આ વિશ્વ સંવાદિતા સાધવા મથી રહ્યું છે એથી સંવાદિતામાં અવરોધ પેદા કરે એવું કોઈ પણ કાર્ય પાપ છે. માનવજાતિના વિકાસને નડે એવું કોઈ પણ કાર્ય અધર્મ છે. 

- હેમંત ઠક્કર

columnists gujarati mid-day