21 May, 2023 11:01 AM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભારતીય સંવિધાનમાં ધર્મને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એટલે જ ધાર્મિક લાગણીના નામે ભૂતકાળમાં અનેક લોકોએ પારાવાર લોકોને હેરાન કર્યા છે, પણ આ જે મુદ્દો છે એ મુદ્દામાં એક સુધારો કરવાની તાતી આવશ્યકતા ઊભી થઈ છે.
ધર્મના નામે ધતિંગ ચલાવતા, અંધશ્રદ્ધા ફેલાવતા અને દૂષણ બનીને લોકોનું શોષણ કરનારાઓને આડે હાથ લેવાનો સમય આવી ગયો છે. છે જ, કાયદામાં એ સુવિધા છે જ, પણ એમ છતાં કહેવું રહ્યું કે આ બાબતમાં વધારે સજાગ થવાનો, વધારે અલર્ટ થવાનો અને વધારે કડક થઈને પગલાં લેવાનો સમય આવી ગયો છે. તમે જુઓ તો ખરા, દર બીજા અને ત્રીજા દિવસે એવી-એવી ઘટના સાંભળવા મળે જેના વિશે તમે કલ્પના સુધ્ધાં ન કરી હોય. કમળપૂજાની ઘટના પણ હજી થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્રમાં સાંભળવા મળી હતી, જેમાં એક કપલે પ્રી-પ્લાન સાથે માંચડો બનાવી બન્નેની ગરદન ભગવાનને ધરી દીધી. રૂંવાડાં ઊભાં થઈ જાય એવી ઘટનાઓ સમયાંતરે બનતી રહી છે, પણ હવે એનો અંત આવે એ જરૂરી બન્યું છે.
ધર્મના આધારે હિન્દુસ્તાન ઊભું છે અને ધતિંગના આધારે આ જ હિન્દુસ્તાન દર વખતે શરમજનક અવસ્થામાં મુકાય છે. ધર્મના નામે આ જ હિન્દુસ્તાન આજે પણ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે અને ધતિંગના આધારે આ જ હિન્દુસ્તાન અનેક વખત દુનિયાભરમાં બદનામ પણ થયું છે. આ બદનામી અને આ શરમજનક અવસ્થાનો હવે આપણે વહેલી તકે અંત આણીએ અને એને માટે ન્યાયાલયે જાગ્રત થવું પડશે.
ધારો કે આવી કોઈ ઘટના ઘટે તો એ ઘટનાને પ્રાથમિક તબક્કામાં જ વેગ આપીને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવું કોર્ટ દ્વારા કામ થશે તો ચોક્કસપણે ઘણો બદલાવ આવશે. ઘણી વખત સ્થાનિક લોકોથી અને અન્ય ધાર્મિક દબાણોને વશ થઈને કાનૂની પગલાં લેવામાં પોલીસ વિભાગ ખચકાતો હોય છે, પણ જો ન્યાયાલયની બાજનજર આવી ઘટના પર હશે તો એ ખચકાટ હટશે અને કડક પગલાં લેવાની બાબતમાં તેમને પણ કોઈનો ગભરાટ નહીં રહે. જરૂરી પણ છે એ.
જ્યારે પણ ધતિંગકારીઓ આગળ આવ્યા છે ત્યારે તેણે સમાજને ભારોભાર નુકસાન કર્યું છે અને આ જ નુકસાનીએ સમાજને શોષણ પણ સ્વીકારવાની માનસિકતા આપી દીધી છે. આ માનસિકતા દૂર ત્યારે જ થશે જ્યારે કોઈના બાપની સાડાબારી રાખ્યા વિના પોલીસ અને કોર્ટ કડક હાથે કામ લેશે. અહીં એક નાનકડી સ્પષ્ટતા કરવાની. કડક હાથે કામ લેવામાં આવે જ છે, પણ એ કડક હાથને વધારે મજબૂત કરવાનો છે, જેથી ઘટના ઘટે એ પહેલાં જ માહિતી મળતી થાય અને એ માહિતીના આધારે જ સૌકોઈને સીધાદોર કરવામાં આવે. સંસારમાં બધાં દૂષણ ચલાવી લઈ શકાય, પણ કોઈ કાળે, કોઈ હિસાબે ધર્મના નામે ચાલતાં ધતિંગ ચલાવી ન શકાય અને તમે જોયું જ છે, જ્યારે પણ એ ચલાવી લેવામાં આવ્યું છે ત્યારે રામરહીમ અને આસારામ જેવા ઠગોએ દેશને જબરદસ્ત માનસિક, શારીરિક અને સામાજિક નુકસાન પહોંચાડ્યું છે. આ નુકસાન સહેવાની હવે કોઈ ક્ષમતા હિન્દુસ્તાનની રહી નથી અને એટલે જ કહેવાનું કે ન્યાયાલય વધારે કડક બનીને કેસ તેમની પાસે આવે એ પહેલાં જ ઘટનાના આધારે પગલાં લેવાનું શરૂ કરે અને એ પગલાં લેવામાં પણ ઉતાવળ રાખે.