આપવાના કેટલા ને રાખવાના કેટલા!

10 November, 2024 02:31 PM IST  |  Mumbai | Hiten Anandpara

વિશ્વમાં અને રાષ્ટ્રીય સ્તરે કેટલા બધા બનાવો બની રહ્યા છે. ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધનો દીવો તો અખંડ બળી રહ્યો છે. હુતી-હિઝબુલ્લા સાથે ઈરાન પણ ઉમેરાઈ ચૂક્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં અને રાષ્ટ્રીય સ્તરે કેટલા બધા બનાવો બની રહ્યા છે. ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધનો દીવો તો અખંડ બળી રહ્યો છે. હુતી-હિઝબુલ્લા સાથે ઈરાન પણ ઉમેરાઈ ચૂક્યું છે. બીજી તરફ અમેરિકામાં રસાકસી સાથે સત્તાપલટો થયો અને ટ્રમ્પ સરકાર ફરી સત્તા પર આવી. અમેરિકાની ચૂંટણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આખી દુનિયા પર અસર પાડે છે. સૌથી વધારે GDP અને ડૉલરનું વર્ચસ ધરાવતા અમેરિકાની ગુડ બુક્સમાં રહેવા મોટા ભાગના દેશો પ્રયાસ કરે છે. ભારેખમ દેવું અને ફુગાવાનું જોર હોવા છતાં અમેરિકાનું મહાસત્તાનું સ્ટેટસ સશક્ત છે. અમેરિકા ફર્સ્ટની નીતિમાં માનતા બિઝનેસમૅન ટ્રમ્પ હવે કેવા નિર્ણયો લે છે એના પર વૈશ્વિક બજારોની નજર રહેશે. કિરણસિંહ ચૌહાણ સ્વનિરીક્ષણ પર ભાર મૂકે છે...

જેવી તું ઝંખે છે ઝળહળ નથી
મારી પાસે પાણી છે, મૃગજળ નથી

કેટલા આગળ છીએ જોયું નહીં
એટલું જોયું કે બહુ પાછળ નથી

બધાને જિંદગીમાં આગળ આવવું હોય છે. મહત્ત્વાકાંક્ષા ધરાવતા લોકો પોતાનાં સપનાં સાર્થક કરવા રાત-દિવસ એક કરે છે. જેની પાસે દૃઢ સંકલ્પ હોય, દીર્ઘદૃષ્ટિ હોય અને જોખમ ખેડવાનું સાહસ હોય તે માણસ માટે આકાશ પણ કોઈ સીમા નથી હોતી. ચૂંટણીનાં પડઘમ મહારાષ્ટ્રમાં પણ વાગી રહ્યાં છે. મતદારોએ પસંદગી કરવાની છે કે તેમને કામ કરનારી સરકાર જોઈએ છે કે કામ રોકનારી. જોકે સત્તા મેળવવા હવે મોટા ભાગના રાજકીય પક્ષો રેવડીની ભરપૂર લહાણી કરે છે. આ તો લોન લઈને દાન કરવાની વાત થઈ. આ વૃત્તિ રાજકોષને મોંઘી પડવાની પારાવાર સંભાવના રહેવાની. રશીદ મીર આયનો દર્શાવે છે...

જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી

કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા

તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી

વફાદારી લોહીમાં વહેતી હોય છે. ભાઈબંધ કે સ્વજનને છેતરીને ટૂંકા ગાળાનો લાભ જોનાર વ્યક્તિ લાંબા ગાળાના સંબંધોને નુકસાન કરે છે. તાત્પૂરતો ફાયદો નફાનો નહીં, ખોટનો ધંધો પુરવાર થઈ શકે. સમાજમાં ભૌતિક પ્રગતિને જેટલું મહત્ત્વ અપાય છે એટલું સંવેદન-હનનને અપાતું નથી. જેની સાથે દગો થયો હોય તે પીયૂષ ચાવડાની વ્યથા સાથે સંમત થશે...

ક્યાં જિવાતું સાવ હળવા ફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે

કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. પથ્થર નથી કૈં, પંડ છે

હળવા ફૂલ થઈને જીવવું અઘરું છે. વજનકાંટો શરીરનું વજન બતાડે છે. એમાં અપેક્ષાઓનું વજન ડિસ્પ્લે થતું નથી. એક તરફ ઘણુંબધું પામવાની લાલસા હોય તો બીજી તરફ નિરાંત મેળવવાની અભીપ્સા પણ હોય. આ બે વિચારધારા વચ્ચેનું સંતુલન કસોટી કરે છે. હૃદય જે કહેતું હોય એ બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી હોતી. ઘણી વાર આપણું અક્કડ વલણ આપણા જ રસ્તામાં અવરોધો સર્જે છે. કુતુબ આઝાદ વડીલની જેમ સમજાવે છે...

નશીલી છે નજર તો પણ નજર કેટલાં વરસો
છે પોલાદી જિગર તો પણ જિગર કેટલાં વરસો

રટે છે નામ ઈશ્વરનું, કરે છે પાઠ ગીતાના
રહે છે કિંતુ જીવનમાં અસર કેટલાં વરસો

આપણી દૃઢ માન્યતા પર જ્યારે સમય મસમોટો ગોબો પાડે ત્યારે જાત સામે નીચાજોણું થઈ જાય. કારકિર્દીને કારણે એકલપેટા રહેવાનો નિર્ણય આધેડ કે પાછલી ઉંમરે ખોટો જણાય ત્યારે અફસોસ થાય. નાનીઅમથી વાતે બે હૈયાંમાં મોટી તિરાડ પડી હોય ત્યારે પારાવાર રંજ થાય. સાયુજ્ય સંજોગની વાત હોય તો સામીપ્ય સંપર્કની વાત છે. ગિરીશ મકવાણાનો રંજ અતીત રાગમાં ઝબોળાયેલો છે...

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે

સ્કૂટરની બૅકસીટથી ડોકાઈ જાય તે
ખાલીપો ફ્રન્ટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે

અફસોસનું અર્થઘટન કરવાનો વિશેષ મીનિંગ રહેતો નથી, કારણ કે સ-વિશેષ દિવસો તો પસાર થઈ ચૂક્યા હોય છે.

લાસ્ટ લાઇન

માપી-માપી માણસોને માપવાના કેટલા?

બિલ વાંચે તોય પૂછે : આપવાના કેટલા!

                દેખવાના કેટલા ને દાઝવાના કેટલા?

                ઝાંઝવાં પૂછે હરણને : હાંફવાના કેટલા?

તું બીજાના માણસોની છોડ, પહેલાં કહેઃ

તારા ખુદના માણસો તારા થવાના કેટલા?

                વિચારોમાં પહેલાં પૂલ તૂટી જાય છે,

                આપવાના કેટલા ને રાખવાના કેટલા!

જો! કવિ રણની બજારોમાં કરે છે ભાવતાલઃ

તરસના કેટલા? ઝાંઝવાંના કેટલા?

                વધતા-ઓછા ને ગુણાકારો તો સમજાયાનિનાદ’,

                જિંદગીમાં, જિંદગીને ભાગવાના કેટલા?

- નિનાદ અધ્યારુ

israel hamas russia ukraine political news america maharashtra international news world news news columnists hiten anandpara