24 November, 2024 02:31 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
રજાઓ દિવાળીની હોય કે ઉનાળાના વેકેશનની, એવુંય બને કે બે કે ત્રણ સરકારી છુટ્ટીઓની વચ્ચે એકાદ દિવસ ઑફિસમાં કે કામકાજમાં ગાપચી મારી લઈએ અને ચાર-પાંચ દિવસ સાથે થઈ જાય તો આસપાસના હિલ-સ્ટેશન કે મંદિર-મસ્જિદે જઈ આવવું એ આપણો એક શિરસ્તો બની ગયો છે. રજાઓમાં ક્યાંક બહાર ફરવા જવું જ જોઈએ અને એ માટે અગાઉથી આયોજનો પણ થતાં હોય છે. રજાઓ એટલે કોઈ હિલ-સ્ટેશનો કે પછી ઇતિહાસ હોય એવાં કોઈક પ્રાચીન સ્થળોએ કે કોઈ અર્વાચીન મથકોએ જવું એ હવે સ્વાભાવિક થઈ ગયું છે.
તમને યાદ આવે છે કે જ્યારે તમે છઠ્ઠા, સાતમા કે આઠમા ધોરણમાં હાથમાં થેલી લઈને નિશાળે જતાં ત્યારે રજાઓ ગાળવા માટે કોઈ લાંબું લિસ્ટ તૈયાર કરવાની જરૂર નહોતી પડતી. રજાઓ ત્યારેય પડતી અને ત્યારેય તમે બા-બાપુજી સાથે (ત્યારે મમ્મી-પપ્પા નહોતું કહેવાતું) મામાના ઘરે, કાકાના ઘરે કે માસીના ઘરે કે ફઈના ઘરે રજાઓ ગાળવા પહોંચી જતા. આ બધાના ઘરે પણ તમારા જેવાં અને તમારા જેવડાં ચારપાંચ બાળકો તો હોય જ. એનું કારણ એ છે કે ત્યારે કોઈ કુટુંબ ‘બે બસ’ના સિદ્ધાંતને અનુસરતા નહોતા. તમે પણ બાલ્યાવસ્થામાં ચાર ભાઈ અને ત્રણ બહેન કે પછી ત્રણ ભાઈ અને ચાર બહેન વચ્ચે જ ઊછર્યા હશો. એમાં કશું નવું નહોતું એટલું જ નહીં, જે મામાના ઘરે તમે રજાઓ ગાળવા જતા એ મામાના ઘરે નાના- નાનીનું સંયુક્ત કુટુંબ હતું. પરિણામે લાકડી હાથમાં લઈને ઘરમાં અને શેરીમાં ફરતા નાનાનો અવાજ સૌથી ઊંચો રહે. નાનાના અવાજને કોઈ ઉવેખી શકે નહીં. ઘરમાં કંઈ બોલચાલ થાય અને મોટેરાઓ વચ્ચે પણ કાંઈ મતભેદ થાય ત્યારે નાના જે ચુકાદો આપે એ આખરી ગણાતો. નાનાની વાતને કોઈ ઉવેખી શકે નહીં. નાના એટલે નામ ભલે નાના હોય પણ ઘરમાં અને શેરીમાં સૌથી મોટા ગણાય.
આજે આ બધું ક્યાં છે?
મોસાળ ત્યારે સૌથી અધિક પ્રિય ફરવાનું સ્થળ હતું. મામાના ઘરે જવું એવું સપનું રજાઓની શરૂઆત થાય એની પહેલાં જ સેવાતું રહેતું. આજે યાદ કરો, તમારાં બાળકો સાથે તમે મોસાળ કેટલા દિવસ રોકાવા ગયા છો? (બાળકોનું મોસાળ એટલે તમારું સાસરું) હવે આ સાસરે જવાનો રિવાજ લગભગ બંધ થઈ ગયો. હવે આ મોસાળ પણ બદલાઈ ગયાં. પહેલાં જે મોસાળ આપણી પાસે હતાં એ મોસાળ આપણે આપણાં સંતાનોને આપી શક્યા નથી. આપણાં સંતાનો મોસાળ વિહોણાં છે. ‘મામાનું ઘર કેટલે દીવો બળે એટલે’ આ વાત ભુલાઈ ગઈ છે. ‘દીપુ, તારા મામા આવ્યા, ગાડું ભરીને લાડવા લાવ્યા, તું કેટલા ખાઈશ?’ આવાં જોડકણાં ચાલે અને સાથે જ ‘મામા લાવે ટોપરાં, ટોપરાં તો ભાવે નહીં અને મામા ખારેક લાવે નહીં’ આવાં જોડકણાં
મોટે-મોટેથી બોલીને મોસાળને વધાવવાનું. એ મોસાળ હવે નથી, એ મામા હવે નથી. મોસાળમાં નાનીની સાથે સૂવા જવા માટે બાળકો ધમાચકડી કરતાં, હવે ધમાચકડી ક્યાંથી લાવવી? હવે નાની જ નથી અને નાની હોય તો તેના ખોળે રમવુંય આપણને ગમતું નથી.
મોસાળની વાત છોડો, હવે તમારાં સંતાનો માસી કે ફઈના ઘરે રજાઓ ગાળવા ગયાં છે? તમારા ઘરે પણ આ માસી કે ફઈનાં સંતાનો રજાઓ ગાળવા આવ્યાં છે ખરાં? હવે રજાઓ હિલ-સ્ટેશન ઉપર હોટેલોમાં ગળાય છે. હોટેલોના સ્ટાર કેટલા છે એ ગણવામાં ગૌરવ અનુભવાય છે. અમે 3 સ્ટાર, 4 સ્ટાર હોટેલમાં રહીએ છીએ એમ કહેવું ભારે માનવાચક બની ગયું છે. મોટા ભાગે બનશે એવું કે તમારાં બાળકોને કાકા તો કદાચ હશે પણ માસી કે ફઈ નહીં હોય. માસી કે ફઈને શોધવાં પડશે. ‘બે બાળકો બસ થયાં’ એવા પરિવારોમાં હવે માસી કે ફઈ લાવવાં ક્યાંથી? મામા, માસી કે પછી કાકા કે ફઈના ઘરે જે બાળકો એકઠાં થઈ જતાં એ કંઈ એક-બે નહોતાં. કદાચ એની સંખ્યા સાત-આઠ-દસ થઈ જતી. આ બધાં વચ્ચે રમતાં-રમતાં ક્યાંક વાંધો પડી જતો ત્યારે ફરિયાદનું સ્થાનક નાના-નાની, દાદા કે દાદી રહેતાં. આ ફરિયાદ ચપટી વગાડતાં જ ઉકેલાઈ જતી અને પછી કોઈ વચ્ચે ક્યાંય વાંધોવચકો રહેતો નહીં. બધાં બધું જ ભૂલી જતાં અને રમત આગળ ચાલતી. અહીં કોઈનાં ખાસ નામ નહોતાં. બાબુ, બચુ, ટીકુ, પિંકુ, કાળુ આ બધા ખાસ શબ્દો નહોતા; વહાલસોયાં નામ હતાં. એવું ભાગ્યે જ બનતું કે કોઈક બાબુ કે બચુ ‘મારું નામ કેમ લીધું?’ એમ કહીને પોતાના નામને આગળ ધરે. નામ આગળ ધરાતાં નહોતાં. કોઈને પોતાનાં નામ નહોતાં. બધા જ બાબુ, બચુ કે ટીકુ હતા. આજે આ સહુ બાબુ, બચુને તમે ચોક્કસ નામધારી કરી દીધા છે. આ બાબુ, બચુ હવે પોતાને ‘હું’ માનતા થયા છે. આ હું એટલે હું ચોથા કે છઠ્ઠા ધોરણમાં ભણતો બાબુ કે પછી ટિંકુ વાત-વાતમાં વાંધા પાડે છે, દલીલો કરે છે અને પછી રિસાય છે અને કહે છે કે ‘હું એટલે માત્ર હું જ છું. બાબુ છું, બચુ છું.’
જમાનો બદલાયો છે?
હવે બધું સાવ બદલાઈ ગયું છે. ‘જમાનો બદલાઈ ગયો છે’ એવું આપણે વાત-વાતમાં બોલીએ છીએ. આપણે તો ઠીક પણ આપણાં સંતાનો સુધ્ધાં કહે છે કે ‘જમાનો બદલાઈ ગયો છે.’ આ જમાનો એટલે શું? તમારી બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં આ જમાનો એટલે એક ઇતિહાસ હતો. દાદા-દાદી કે બા-બાપુજી જે વાત કહે એ વાત એક જમાનો હતો. આજે તમારાં સંતાનો સવારની વાતને સાંજે જમાનો કહે છે. જમાનો જાણે એક યુગ હોય એ રીતે આંખ ઝીણી કરીને જોવામાં આવે છે. જમાનો એનો એ જ છે જે ગઈ કાલે હતો. હવે તમને ગઈ કાલ ગમતી નથી, કારણ કે ગઈ કાલને તમારે યાદ રાખવી પડે છે. તમારે હવે ગઈ કાલ વિના જ આવતી કાલમાં પહોંચી જવું છે. ગઈ કાલ વિના કોઈ આવતી કાલ હોતી નથી. ચાલો, આપણે આપણાં સંતાનોને એક એવી આવતી કાલ આપીએ જેમાં ભરપૂર ગઈ કાલ હોય. મામા પણ હોય, માસી પણ હોય, કાકા પણ હોય અને ફઈ પણ હોય. આવતી કાલ માટેની તમારી તૈયારી છે?