અમેરિકાની હૉસ્પિટલમાં નર્સનું કામ મેળવવું હોય તો કયા પ્રકારના વીઝા મેળવવા?

29 March, 2024 08:34 AM IST  |  Mumbai | Sudhir Shah

એક નર્સ તરીકે જો તમારે અમેરિકાની કોઈ હૉસ્પિટલમાં કામ કરવા જવું હોય તો એ માટે ખાસ ઘડવામાં આવેલા નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘H-1A’ સંજ્ઞા ધરાવતા વીઝા મેળવવા પડશે.

પ્રતીકાત્મક તસવીર

હું એક નર્સ છું અને હાલમાં એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં કામ કરી રહી છું. અહીં મને આગળ વધવાની, વધુ કમાવાની તકો પ્રાપ્ત નહીં થાય. મારી ઘણી બહેનપણીઓ નર્સ છે અને તેઓ અમેરિકાની હૉસ્પિટલોમાં કામ કરવા ગઈ છે. તેઓ કહે છે કે ત્યાં કામ કરવાની તેમને પુષ્કળ મજા પડે છે તેમ જ પગાર પણ ખૂબ સારો મળે છે. મારે જો અમેરિકાની કોઈ હૉસ્પિટલમાં કામ કરવા જવું હોય તો કયા પ્રકારના વીઝા મેળવવા જોઈએ?
 
એક નર્સ તરીકે જો તમારે અમેરિકાની કોઈ હૉસ્પિટલમાં કામ કરવા જવું હોય તો એ માટે ખાસ ઘડવામાં આવેલા નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘H-1A’ સંજ્ઞા ધરાવતા વીઝા મેળવવા પડશે. આ વીઝા મેળવવા માટે અમુક પરીક્ષાઓ આપવાની રહેશે, અમુક લાયકાતોની પણ જરૂરિયાત રહેશે.

ન્યુ યૉર્કમાં જોવાલાયક શું-શું છે?
હું આજ સુધી ભારતની બહાર ક્યાંય ફરવા ગયો નથી. હવે મને એક અઠવાડિયું ન્યુ યૉર્કમાં ફરવા જવાનો અવસર સાંપડ્યો છે. એકલી વ્યક્તિએ ન્યુ યૉર્કમાં ક્યાં-ક્યાં જવું જોઈએ? કેવી રીતે જવું જોઈએ? શું-શું જોવું જોઈએ? એ વિશે થોડી જાણકારી આપશો?
 
ન્યુ યૉર્કમાં હૉપ-ઑન-હૉપ-ઑફ બસો દોડે છે. ટાઇમ્સ સ્ક્વેર પાસેથી શરૂ થતી આ બસ બે પ્રકારની છે. એક તમને નીચે વૉલ સ્ટ્રીટ સુધી લઈ જશે અને બીજી તમને ઉપર કોલંબિયા યુનિવર્સિટી અને એથી પણ આગળ લઈ જશે. તમે તમારા ન્યુ યૉર્કના પહેલા દિવસે ટાઇમ્સ સ્ક્વેર પર જાઓ. ન્યુ યૉર્ક જતી દરેકેદરેક વ્યક્તિ ટાઇમ્સ સ્ક્વેર જોવા તો અચૂક જાય જ છે. પછી વૉલ સ્ટ્રીટ જતી હૉપ-ઑન-હૉપ-ઑફ બસમાં બેસો અને ક્યાંય પણ ઊતર્યા સિવાય એ બસ આખો ચકરાવો લઈને પાછી ટાઇમ્સ સ્ક્વેર આવે ત્યાં સુધી બેઠા રહો અને જ્યાં-જ્યાંથી પસાર થાઓ ત્યાં-ત્યાં શું જોવાલાયક સ્થળો છે જાણો અને જે જગ્યાઓ જોવામાં રસ હોય એ નક્કી કરી રાખો. પછી ઉપર કોલંબિયા યુનિવર્સિટીમાં જતી હૉપ-ઑન-હૉપ-ઑફમાં બેસો. એમાં પણ ક્યાંય ન ઊતરતાં જે-જે સ્થળો આવે એમાંથી તમને કયું સ્થળ ગમશે એ નક્કી કરો અને ફરી પાછા ટાઇમ્સ સ્ક્વેર આવો. આમાં તમારા ખાસ્સા પાંચ-છ કલાક વીતી જશે. પછી જો ઇચ્છા હોય તો ટાઇમ્સ સ્ક્વેરમાં આવેલાં બ્રૉડવેનાં થિયેટરોમાંના એકાદ થિયેટરમાં બ્રૉડવેનો શો જુઓ અથવા ત્યાં આવેલી કોઈ રેસ્ટોરાંમાં સપર યા ડિનર લો. પછી જો થાક્યા ન હો તો ટાઇમ્સ સ્ક્વેર પર આંટાફેરા મારો, ખૂબ મજા આવશે. ન્યુ યૉર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, ગ્રીનવિચ વિલેજ, વૉલ સ્ટ્રીટ, એની આગળ એલિસ આઇલૅન્ડ પર આવેલું સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી, પછી સર્કલ લાઇન ટૂર, જેમાં તમે શિપમાં બેસીને ન્યુ યૉર્કના મૅનહટન વિસ્તારનું ચક્કર મારશો અને એનાં સ્કાયસ્ક્રૅપરો જોશો. પછી સેન્ટ્રલ લાઇબ્રેરી જોવી જોઈએ. ન્યુ યૉર્કનું ગ્રૅન્ડ સેન્ટ્રલ સ્ટેશન જોવું જોઈએ. યુનાઇટેડ નેશન્સનાં બિલ્ડિંગો જોવાં જોઈએ. સેન્ટ્રલ પાર્કમાં ફરવું જોઈએ. એ પાર્ક જબરદસ્ત મોટો છે. એની અંદર અનેક જોવાલાયક સ્થળો છે. અંદર જ રેસ્ટોરાં પણ છે. મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ જોવા જેવું છે. કોલંબિયા યુનિવર્સિટી પણ અત્યંત આકર્ષક અને સુંદર છે. જો પ્રાણીઓ જોવાનો શોખ હોય તો ન્યુ યૉર્કનું ઝૂ જોવા જવું જોઈએ. આ બધાં સ્થળોએ તમે ફરી પાછા હૉપ-ઑન-હૉપ-ઑફ બસમાં બેસીને બધાં જોવાલાયક સ્થળોએ ઊતરીને જોઈ શકશો. ન્યુ યૉર્કની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલવેમાં પણ પ્રવાસ કરવો જોઈએ. મૅનહટનમાં આવેલો મેસી સ્ટોર એક જબરદસ્ત ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. એમાં પણ તમારે કંઈ પણ ખરીદી કરવી ન હોય તોય ફરવું જોઈએ. વૉલ સ્ટ્રીટનો આખલો જોવો જોઈએ. ત્યાં આવેલા ટ્રિ​નિટી ચર્ચની મુલાકાત લેવી જોઈએ. એક સમયે જ્યાં ન્યુ યૉર્કના નાક સમા વિશ્વનાં ઊંચાં બે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટાવર હતાં એ ચુસ્ત ઇસ્લામિક ધર્મી ઓસામા બિન લાદેન દ્વારા ધ્વસ્ત થયાં છે એની જગ્યાએ હવે ફ્રીડમ ટાવર બાંધવામાં આવ્યું છે એ જોવું જોઈએ. એની નજીકનું કૉમ્પ્લેક્સ પણ ખૂબ આકર્ષક છે. ન્યુ યૉર્ક શહેર પાંચ વિભાગમાં વહેંચાયેલું છે : મૅનહટન, ક્વીન્સ, બ્રુકલિન, બ્રોન્ક્સ અને સ્ટેટન આઇલૅન્ડ. એક અઠવાડિયાની અંદર તો તમે આ પાંચેય જગ્યાએ જઈ નહીં શકો. મૅનહટનમાં જ તમારે ચારેક દિવસ તો જોઈશે જ. જો સમય હોય તો બ્રોન્ક્સમાં આવેલું ઝૂ, ક્વીન્સમાં આવેલો ઇન્ડિયન સ્ટોર્સ અને બ્રુકલિન અને સ્ટેટન આઇલેન્ડમાં પણ ઘણું જોવાનું છે. એક અઠવાડિયું તમને ઓછું પડશે, પણ ટૂર-ઑપરેટરો તો તમને બે દિવસમાં જ આ શહેરમાં ફેરવી લાવે છે. એટલે સાત દિવસ આ શહેરને જોવા માટે પૂરતા થઈ રહેશે.

 

columnists life and style united states of america