ટાઇપ-૧ ડાયાબિટીઝમાં શુગર એકદમ ઘટે તો?

27 February, 2024 08:42 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

હાલમાં તમારે ૨૪ કલાકનું શુગર મૉનિટરિંગ જરૂરી છે. એ માટેનું સેટ-અપ ઘરે પણ શક્ય છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૨ વર્ષ છે. હું ટાઇપ-૧ ડાયાબિટીઝની દરદી છું. મને કોઈ ખાસ તકલીફ નથી પરંતુ છેલ્લા અઠવાડિયાથી મારી શુગર એકદમ જ નીચે જવા લાગી છે. બે દિવસ પહેલાં એ ૩૫ થઈ ગયેલી. હું એકદમ બેભાન જેવી જ થઈ ગઈ હતી અને એટલે તાત્કાલિક હૉસ્પિટલ પણ અમારે જવું પડેલું. હમણાં પૂરતા ડૉક્ટરે ઇન્સ્યુલિનના ડોઝ ઘટાડ્યા છે પણ હજી શુગર સ્ટેબલ થતી નથી. ઉપર-નીચે થયા કરે છે. હું ૧૦ વર્ષની ઉંમરની હતી ત્યારથી આ રોગ સાથે જીવું છું. ફરીથી સ્ટેબિલિટી આવશે કે નહીં?
   
ટાઇપ-૧ ડાયાબિટીઝ એ પ્રકારનો ડાયાબિટીઝ છે જે નાનપણથી વ્યક્તિમાં જોવા મળે છે. આ દરદીઓએ સતત ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લઈને પોતાના શરીરની શુગરને જાળવી રાખવી પડતી હોય છે. એ વાત સાચી છે કે એમના રોગનું મૅનેજમેન્ટ એક ટાસ્ક છે પરંતુ એ તમે આટલાં વર્ષોથી સારી રીતે કરી જ રહ્યાં છો. ધીરજ ન ગુમાવો. શુગર ઉપર-નીચે થાય ત્યારે વધુ સજાગતા સાથે મૉનિટરિંગ જરૂરી બને છે. હાલમાં તમારે ૨૪ કલાકનું શુગર મૉનિટરિંગ જરૂરી છે. એ માટેનું સેટ-અપ ઘરે પણ શક્ય છે. તમારા ડૉક્ટરને પૂછીને તમે એ ઘરે પણ કરવી શકો છી. એ માટે હૉસ્પિટલમાં રહેવાની જરૂર નથી. ડિવાઇસ દ્વારા એનું મૉનિટરિંગ સરળ બનશે. એક વખત શુગરના આંકડાઓ હાથમાં આવે અને એ સમજાય એટલે એનું મૅનેજમેન્ટ પણ સમજવું સરળ બનશે. 
ટાઇપ-૧ ડાયાબિટીઝ છે એટલે રેગ્યુલર ચેકઅપ ટાળતાં નહીં. બીજાં અંગોની શું પરિસ્થિતિ છે એ જોવી પણ જરૂરી છે. ખાસ કરીને આ પરિસ્થિતિમાં તમને સલાહ છે કે અમુક બાબતોને લઈને તમારે ધ્યાન રાખવું જ પડશે. ટાઇપ-૧ ડાયાબિટીઝના દરદીઓમાં બે કન્ડિશન ઘણી જ ગંભીર માનવામાં આવે છે, એક તો હાયપોગ્લાયસેમિયા જેમાં દરદીની શુગર ખૂબ જ ઓછી થઈ જવાને કારણે દરદી કોમામાં જઈ શકે છે અને એનું મૃત્યુ થઈ શકે છે અને બીજી કન્ડિશન છે ડાયાબેટિક કીટોએસીડોસિસ. આ પણ એવી જ કન્ડિશન છે જેમાં ડાયાબિટીઝનો દરદી કોમામાં જઈ શકે છે કે એનું મૃત્યુ થઈ શકે છે. આ બંને પરિસ્થિતિમાં પહેલું એ કે ૨૪ કલાકનું શુગર મૉનિટરિંગ અત્યંત જરૂરી છે. એ માટે એક ડિવાઇસ આવે છે જે સ્કિનની નીચે ફિટ કરવામાં આવે છે, જે એક સેન્સરનું કામ કરે છે અને ૨૪ કલાકમાં શુગર ક્યારે એકદમ નીચે કે ઉપર જાય છે એ તરત જાણી શકાય છે. એના માટેે રેગ્યુલર યુરિન ટેસ્ટ પણ અનિવાર્ય છે.

columnists health tips diabetes