રાત્રે જમ્યા પછી આઇસક્રીમ, સોડા કે જૂસ પીવા નીકળી પડો છો?

26 February, 2024 11:31 AM IST  |  Mumbai | Heena Patel

મારે ક્રેવિંગને સૅટિસ્ફાઇ કરવાને બદલે ડાયટમાં જે ન્યુટ્રિઅન્ટ્સની ડેફિશિયન્સી રહી જાય છે એને ફુલફિલ કરવાની જરૂર છે.’

પ્રતીકાત્મક તસવીર

તો ચેતી જવું જોઈએ. જમ્યા પછી પગ છૂટો કરવા ટહેલવા નીકળવાની આદત સારી છે, પણ એ ટહેલવાની સાથે જો આઇસક્રીમ, સોડા કે ઈવન ફ્રૂટ-જૂસ પણ પીવાની આદત હોય તો એ ઠીક નથી. એના બદલે તમારા ડિનરમાં જ પોષક તત્ત્વોની આપૂર્તિ કરી લો જેથી ક્રેવિંગ ન થાય અને જાતજાતની બીમારીઓને નોતરું ન મળી જાય

‍રાતનું ભોજન લીધા પછી તરત સૂઈ જવાનું ઠીક નથી એટલે ઘણા લોકો જમીને ઘરની બહાર ચાર રસ્તા સુધી આંટો મારવા નીકળે છે. પણ એ વખતે તેઓ પાચન સારું થાય એ બહાને સોડા પી લે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની જેઠાલાલ આણિ મંડળીને રોજ સોડા પીતા જોઈને અનેક લોકો એવું માનવા લાગ્યા છે કે જમ્યા પછી સોડા પીવાથી જમવાનું સારી રીતે હજમ થાય. તો વળી કેટલાક હેલ્થ કૉન્શિયસ લોકો શરીરને હેલ્ધી ન્યુટ્રિઅન્ટ્સ મળે એ માટે રાતે ફ્રૂટ-જૂસ પીવાના શોખીન હોય છે. તમે ભલે સારું થાય એવું સમજીને આ ગળ્યાં પીણાં પેટમાં ઠાલવો છો, પણ એ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે સારું કામ કરતાં નથી. 

વળી ઘણા લોકો શેખી હાંકતાં બોલે કે આપણે તો જમ્યા પછી મીઠું તો જોઈએ જ હોં. સ્વીટ ડિશ વગર ન ચાલે. જનરલી મીઠામાં લોકો આઇસક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. એ પછી હોમ મેડ બનાવીને રાખેલો હોય, માર્કેટમાંથી ફૅમિલી પૅક લાવીને મૂક્યું હોય અથવા તો જમ્યા પછી રાત્રે આંટો મારવા જાય ત્યારે આઇસક્રીમ ખાઈને જ ઘરે પગ મૂકવાની આદત હોય. 
હજી એક બીજી ‘હેલ્ધી’ ગણાતી આદત છે રાત્રે જમ્યા પછી ફ્રૂટ્સ ખાવાની. આપણે એમ માનીએ કે ફ્રૂટ્સ તો આપણા સ્વાસ્થ્ય માટે સારાં હોય. ​હા, પણ તમે જે સમયે એને ખાઈ રહ્યા છો એ સમય ખોટો છે. લોકોને એ ખબર છે કે રાત્રે સૂવાના બે કલાક પહેલાં જમી લેવું જોઈએ. આવા લોકો પણ જમ્યા પછી આઇસક્રીમ, સોડા કે ફ્રૂટ્સ ખાવાની ભૂલ કરી લે છે. તો ચાલો આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે શા માટે રાત્રે સૂતાં પહેલાં આ બધી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ, એના કારણે શરીરને શું નુકસાન થાય છે. એટલે હવે પછીથી જ્યારે જમ્યા બાદ કંઈક ખાવાની ઇચ્છા થાય તો તમે તમારી જાતને રોકી શકો. 

​ગળ્યું ખાવાની ઇચ્છા કેમ?
રાતના સમયે સ્વીટનું ક્રેવિંગ થાય એ બતાવે છે કે તમારા ડાયટમાં સંતુલન નથી. જો હેલ્ધી અને બૅલૅન્સ્ડ ડિનર તમે લીધું હોય સ્વીટનું ક્રેવિંગ ન થાય એ વિશે ડાયેટિશિયન બીજલ ફૂરિયા કહે છે કે ‘સૌથી પહેલાં તો તમારે એ જોવાનું છે કે ડિનર કરી લીધા પછી તમને કંઈક સ્વીટ ખાવાનું ક્રેવિંગ કેમ થાય છે. ઓકેઝનલી તમને ખાવાની ઇચ્છા થાય તો એમાં વાંધો નથી, પણ દરરોજ થતું હોય તો પછી એનું કારણ એ હોઈ શકે કે તમે તમારી ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન લીધું નથી. એટલે તમારે ક્રેવિંગને સૅટિસ્ફાઇ કરવાને બદલે ડાયટમાં જે ન્યુટ્રિઅન્ટ્સની ડેફિશિયન્સી રહી જાય છે એને ફુલફિલ કરવાની જરૂર છે.’

શું પ્રૉબ્લેમ થાય?
ડિનર કર્યા પછી અને રાત્રે સૂતાં પહેલાં આઇસક્રીમ ખાવાથી થતા હેલ્થ ઇશ્યુ વિશે બીજલ ફુરિયા કહે છે, ‘તમને વેઇટ ગેઇનનો ઇશ્યુ થઈ શકે, કારણ કે એમાં શુગર અને ફૅટ બંનેનું પ્રમાણ વધુ હોય છે. પરિણામે તમારી ડેઇલી કૅલરી લિમિટ વધી જવાથી વજન વધવાનું જોખમ રહે છે. એ સિવાય રાત્રે આઇસક્રીમ ખાવાથી તમારા બ્લડમાં શુગર લેવલ વધી શકે છે, જે ડાયાબિટીઝનું જોખમ વધારી શકે છે. ઉપરાંત વધારે પડતી શુગરને કારણે ઇન્સ્યુલિન સ્પાઇક થાય છે, જે બૉડીમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને ટ્રિગર કરે છે એટલું જ નહીં, આઇસક્રીમમાં રહેતી ફૅટને કારણે તમને કૉલેસ્ટરોલની સમસ્યા પણ થઈ શકે છે. ઈવન કૅવિટીની સમસ્યા પણ થઈ શકે છે, કારણ કે શુગર એવો ઍસિડ પ્રોડ્યુસ કરે છે જે તમારા દાંતને નુકસાન પહોંચાડી શકે. આઇસક્રીમમાં રહેલી ફૅટ તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમને પણ સ્લો કરી શકે છે. સાથે એમાં રહેલી હાઈ શુગર કન્ટેન્ટ તમારી સ્લીપ ક્વૉલિટીને પણ ખરાબ કરી શકે છે. ઈવન સોડા કે આવાં બીજાં કાર્બોનેટેડ સૉફ્ટ ડ્રિન્ક્સની વાત કરીએ તો એ પીધા બાદ ટેમ્પરરીલી તમને રિલીફ જેવું લાગી શકે, પણ એનું રેગ્યુલર સેવન હેલ્થ માટે સારું નથી જ. આમાં રહેલી શુગર કન્ટેન્ટ તમારી કૅલરીઝને એક ઝટકામાં એકદમથી વધારી દે છે. એટલે આનાથી પણ તમને વજન વધી જવું, દાંત સડવા, ડાયાબિટીઝ, હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.’

રાત્રે ફ્રૂટ્સ ખાવાનું કેમ ટાળવું જોઈએ?
રાત્રે સૂતાં પહેલાં ફ્રૂટ્સ ખાવાનું કેમ ટાળવું જોઈએ એ વિશે બીજલ ફુરિયા કહે છે, ‘ફ્રૂટ્સમાં પણ નૅચરલ શુગર તો હોય જ છે. બીજું એ કે તમે જે નૉર્મલ ડિનર લો જેમ કે રોટી, રાઇસ તો આ બધામાં કાર્બ્સ તો હોય જ છે. ઉપરથી તમે ફ્રૂટ્સ ખાઓ તો એમાં પણ કાર્બ્સ હોય છે. એટલે તમે તમારી ડાયટમાં કાર્બ્સને બૅલૅન્સ નહીં રાખો તો બ્લડ-શુગર વધી શકે છે. એટલે જનરલી ફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ ટાઇમ મિડ મૉર્નિંગ અને મિડ ઈવનિંગ છે.’

columnists