01 May, 2023 04:12 PM IST | Mumbai | Rashmin Shah
રિભ્ભુ મેહરા
ગોલ્ડન વર્ડ્સ - તમને ફિટનેસમાં શું ગમે છે એ શોધો. જો એ તમે શોધી શક્યા તો તમને દુનિયાની કોઈ તાકાત અનહેલ્ધી નહીં બનાવી શકે. જો તમે તમારી પસંદને ઓળખી શક્યા તો તમારા માટે બધું અચીવ કરવું આસાન છે.
ડેઇલી સોપમાં કામ કરતા કોઈ પણ ઍક્ટરને તેનું રૂટીન પૂછજો. એ તમને જે કહેશે એ સાંભળીને તમને રીતસરનો પરસેવો વળી જશે. ઍવરેજ તેર કલાક કામ કરવાનું અને એ ઉપરાંત ત્રણ કલાક ટ્રાવેલ કરવાનું અને એ કલાકો દિવસમાંથી બાદ કર્યા પછી તમારે તમારી જાત માટે, ફિટનેસ માટે સમય કાઢવાનો. હા, આવા ટાઇટ શેડ્યુલ પછી પણ મોટા ભાગના ઍક્ટર પોતાના ફિટનેસ રૂટીનની બાબતમાં બહુ જ શિસ્તબદ્ધ હોય છે અને એ જરૂરી પણ છે.
જ્યારે તમારું રૂટીન તમને થકવી નાખનારું હોય ત્યારે ફિટનેસને કઈ રીતે તમારી લાઇફમાં ઉમેરશો એનું સોલ્યુશન મારી પાસે છે અને એ છે તમારી લાઇફસ્ટાઇલ.
જો તમે તમારી જીવનશૈલીને એ રીતે ઘડી જ દો કે જ્યાં તમારે ફિટ રહેવા માટે સમય કાઢવો ન પડે અને તમે નૅચરલી જ ફિટ રહો એવા સમયે તમારી લાઇફ બેસ્ટ થઈ જશે. ટ્રસ્ટ મી, ફિટનેસ તમારી જીવનશૈલીનો જ હિસ્સો હોવી જોઈએ અને એ હિસ્સો બનાવવો જ રહ્યો. હું મારી જાતને ફિટનેસના ઇન્વૉલ્વમેન્ટ વિનાનું રૂટીન જીવવાની ક્યારેય કલ્પના પણ નથી શકતો. મેં ફિટનેસને એ જ રીતે મારી દિનચર્યામાં સામેલ કરી દીધી છે. તમે જિમમાં જાઓ કે વેઇટલિફ્ટિંગ કરો એ જ ફિટનેસ નથી એ વાત આજના ફાસ્ટ ફૉર્વર્ડ વર્લ્ડમાં જેટલું જલદી સમજી લેવામાં આવે એ બધા માટે લાભદાયી છે.
મારાં બે રૂટીન ફિક્સ
મારા માટે બે પ્રકારનાં રૂટીન હોય છે.
એક, જ્યારે મારું શૂટ ચાલતું હોય ત્યારે હાર્ડ્લી ટાઇમ મળતો હોય. એવા સમયે મેં દિવસનો અડધો કલાક ડેડિકેટેડ્લી ફિટનેસ માટે રાખ્યો છે. શૂટિંગ પર નીકળતાં પહેલાં ઘરે જ હું પુશઅપ્સ, સૂર્યનમસ્કાર, બર્પીસ, જમ્પિંગ જૅક્સ જેવી પ્રૅક્ટિસ કરી લેતો હોઉં છું. હવે વાત કરું મારા બીજા રૂટીનની. એ બીજું રૂટીન એટલે શૂટિંગ ન હોય એ દિવસ.
શૂટિંગ ન હોય ત્યારે હું ઓછામાં ઓછાં અઢી કલાક જિમમાં પસાર કરું અને બધી કસર પૂરી કરી લઉં. તમને એક સરસ ટિપ આપું, તમે ફિટ હો એ સમયે પાડેલા ફોટો તમારી આંખ સામે રાખો તો બીજા એક પણ મોટિવેશનની તમને જરૂર નથી પડતી. તમે જ તમારા માટે મોટિવેશન બની જાઓ છો. હું મારા ટ્વેન્ટીઝમાં હતો ત્યારથી મારી સિક્સ-પૅક ઍબ્સ રહી છે અને એ ફોટો આજે પણ મારી એક્સરસાઇઝ કરવાની સામેની વૉલ પર હોય છે, જે મને સતત દેખાયા કરે છે.
શું ખાઓ છો તમે?
ખાવામાં જો તમે લેથાર્જિક રહ્યા તો ગૅરન્ટી કે તમારી ફિટનેસને સૌથી વધુ ખરાબ અસર થશે. ક્યારેય ભૂલવું નહીં કે ફિટનેસનો ૭૦ ટકા આધાર તમે પેટમાં શું પધરાવો છો એના પર છે. વર્કપ્રેશરને કારણે હું જ્યારે વર્કઆઉટ ન કરી શકતો હોઉં ત્યારે ઍટ લીસ્ટ મારો ડાયટમાં કન્ટ્રોલ હોય એનું ધ્યાન અચૂક રાખું છું અને એ સૌએ સમજવું જ રહ્યું.
આપણે ત્યાં એવું કહેવાયું છે કે તમે જેવું ખાઓ એવા જ તમે બનો, પણ એનો અર્થ એવો નહીં કે ટેસ્ટ ફૉલો કરો. આ વાત એવા ભાવથી કહેવાય છે કે તમે શુદ્ધ ખાશો તો શરીરમાં શુદ્ધિ રહેશે. બીજી કંઈ ખબર ન પડે તો આ વાતને યાદ રાખીને તમારો ડાયેટ પ્લાન બનાવો, તમને બહુ લાભ થશે.
હું ગળ્યું ખાવાનો શોખીન છું છતાં શુગર કન્ટ્રોલમાં ખાઉં છું. કાર્બ્સ પણ લિમિટમાં હોય. રાતે કચરપચર ખાવાની આદત ન પડે એનું ધ્યાન રાખું છું. પ્રોટીન અને ફાઇબરને ડાયટમાં વધારું છું.