આ એક નૉવેલમાં અનેક ફિલ્મો છુપાયેલી છે

03 April, 2024 08:24 AM IST  |  Mumbai | Rashmin Shah

સાહિત્યકાર અને સ્ક્રિપ્ટ-રાઇટર કમલેશ્વરની ‘કિતને પાકિસ્તાન’ માટે આ શબ્દો કહ્યા છે જાણીતા ગીતકાર-ફિલ્મમેકર ગુલઝારે. ગુલઝારની ઇચ્છા પણ છે કે તે આ નવલકથા પરથી ફિલ્મ બનાવે

`કિતને પાકિસ્તાન` પુસ્તક

અઢળક એવી ફિલ્મો, જે આજે કલ્ટ ગણાય છે. અનેક એવી નવલકથાઓ, જે આજે પણ બેસ્ટ સેલરમાં સામેલ થાય છે, પણ એ બધામાં સાહિત્યકાર અને ફિલ્મ-રાઇટર કમલેશ્વર સકસેનાની ‘કિતને પાકિસ્તાન’ સૌથી આગળ અને ઉપર આવે છે. બહુ જૂજ રાઇટર એવા છે જેને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ સન્માન મળ્યું હોય, કમલેશ્વર એ જૂજ રાઇટરમાં છે. તેમણે લખેલી ‘કિતને પાકિસ્તાન’ નવલકથાના મૂળમાં ભારતના ભાગલાની સમયની વાત છે. નવલકથાની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ કે તેમણે એમાં પાર્ટિશન સમયે હયાત હતા એ સૌ જાણીતા લોકોને નવલકથામાં કાલ્પનિક રીતે જોડ્યા છે અને તેમની પાસે એ સંદર્ભની વાતો કરાવી છે જે પાર્ટિશન સમયે હિન્દુસ્તાનના સામાન્ય નાગરકોની પીડા હતી. કમલેશ્વરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જો મારું ચાલે તો ‘કિતને પાકિસ્તાન’ નવલકથાનું રીડિંગ હું દરેક કૉલેજમાં ફરજિયાત કરાવું, જેથી એ સમય દરમ્યાન લોકોએ ભોગવેલી હાલાકી પરથી આજની નવી જનરેશન સમજે અને શીખે. જાતિવાદને રાજકારણથી દૂર રાખે અને જાતિવાદના આધારે ઊભા થતા રાજકારણને તિલાંજલિ આપે.’

ગુલઝાર અને કમલેશ્વરના સંબંધો બહુ ઘનિષ્ઠ હતા તો કમલેશ્વર અને ફિલ્મ-ડિરેક્ટર બાસુ ચૅટરજી વચ્ચે પણ બહુ સારી દોસ્તી હતી. આ જ બે વ્યક્તિ એવા હતા જેમણે કમલેશ્વરને ફિલ્મ-રાઇટિંગ તરફ વાળવાનું કામ કર્યું. એ અગાઉ તો કમલેશ્વર પોતે જર્નલિસ્ટ અને સાહિત્યકાર હતા. ‘દૈનિક જાગરણ’ જૂથમાં લાંબો સમય સંપાદક પદે રહેનારા કમલેશ્વરે લખેલી નવલકથા ‘કાલી આંધી’ વાંચીને જ ગુલઝારને ‘આંધી’ ફિલ્મનો વિચાર આવ્યો હતો તો તમારી જાણ ખાતર, આ જ નવલકથા ‘કાલી આંધી’ પર ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી દરમ્યાન પ્રતિબંધ પણ મૂક્યો હતો.

બાસુ ચૅટરજી માટે કમલેશ્વરે ‘મૌસમ’, ‘છોટી સી બાત’ લખી તો હૃષીકેશ મુખરજીની સદાબહાર કૉમેડી ફિલ્મ ‘રંગ બિરંગી’ પણ કમલેશ્વરે લખી અને એંસીના દશકની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ પણ કમલેશ્વરે જ લખી હતી. કમલેશ્વર કહેતા, ‘ફિલ્મો મારું ઘર ચલાવે છે ને સાહિત્યકારો મારું દિલ...’

સજ્જડ ભવિષ્યકથન | ‘કાલી આંધી’ લખવાનું શરૂ કર્યું ત્યારે દૂર-દૂર સુધી ક્યાંય ઇમર્જન્સીની વાતો નહોતી અને એ પછી પણ કમલેશ્વરે ઇમર્જન્સીમાં ઘટી હોય એવી તમામ ઘટનાઓ વિશે તેમની નવલકથા ‘કાલી આંધી’માં લખી હતી. જબરદસ્તીથી કરવામાં આવેલી નસબંધીની વાતો પણ આ નવલકથામાં હતી તો સાથોસાથ મહત્ત્વાકાંક્ષા માટે કોઈ પણ હદ સુધી પહોંચી જતી વાઇફથી ત્રસ્ત ગયેલા પતિની વાત પણ એમાં હતી. 

ઇમર્જન્સી પછી જ્યારે નવલકથા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો ત્યારે પબ્લિશરે એવી ડિમાન્ડ મૂકી હતી કે આ નવલકથા એક વખત ત્રાહિત વ્યક્તિ પાસે એડિટ કરાવવી જોઈએ પણ કમલેશ્વર એની માટે તૈયાર થયા નહીં એટલે ત્રણ વર્ષ સુધી ‘કાલી આંધી’ રી-પ્રિન્ટ કરવામાં નહોતી આવી.

રાઇટ્સ અને ગુલઝાર | કમલેશ્વરના દોસ્ત હોવાની બાબતમાં ગુલઝારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું તેમનો ફૅન છું એટલે અમારી દોસ્તીને અકબંધ રાખવા માટે હું કંઈ પણ કરવા તૈયાર રહ્યો છું. તમને જાણીને નવાઈ લાગશે પણ આજે પણ ગુલઝાર પાસે કમલેશ્વરની છ નવલકથાના રાઇટ્સ છે જે તેણે કમલેશ્વરની હયાતીમાં જ તેમની પાસેથી લઈ લીધા હતા. આ છ નવલકથામાંથી એક નવલકથા ‘કિતને પાકિસ્તાન’ પણ છે.થોડા સમય પહેલાં ‘કિતને પાકિસ્તાન’ પર ગુલઝારે કામ પણ શરૂ કર્યું હતું પણ કોઈ કારણસર વાત આગળ વધી નહીં અને પ્રોજેક્ટ અટકી ગયો.

સ્ટોરી શૉર્ટકટ
‘કિતને પાકિસ્તાન’માં વાત હિન્દુસ્તાનના પાર્ટિશન સમયની છે. કાલ્પનિક નવલકથામાં જે પાત્રો છે એ પાત્રો રિયલ છે. નવલકથાનો જે બેઝ છે એ પણ નાટ્યાત્મક છે. એક કાલ્પનિક કોર્ટથી નવલકથા શરૂ થાય છે, જે કોર્ટમાં ઇતિહાસનાં એ તમામ પાત્રોને બોલાવવામાં આવે છે જેણે ક્યાંક ને ક્યાંક ભાગલા પાડવાનું, સરહદો આંકવાનું કામ કર્યું હતું. જે પાત્રો કોર્ટમાં આવે છે એમાં મુગલ સામ્રાજ્યના બાબર અને ઔરંગઝેબ પણ છે તો લૉર્ડ માઉન્ટબેટન, હિટલરથી લઈને સદ્દામ હુસેન સુધીના સરમુખત્યારો પણ આવે છે. આવનારાં આ તમામ પાત્રોને તેમની નજરનો ઇતિહાસ પૂછવામાં આવે છે અને એ ઇતિહાસના આધારે એક વાસ્તવિકતા પર પહોંચવાનું છે, જે જવાબદારી એક સાહિત્યકારને સોંપવામાં આવી છે. મહત્ત્વાકાંક્ષા કઈ હદે દેશ, દુનિયા અને માનવીય લાગણીઓના હિસ્સાઓ કરી નાખે છે એ ‘કિતને પાકિસ્તાન’નું હાર્દ છે.

life and style Rashmin Shah gulzar