ડાન્સ તમને ખુશ અને હેલ્ધી રાખશે

02 April, 2024 07:55 AM IST  |  Mumbai | Rashmin Shah

ઍક્ટ્રેસ અદા શર્મા માને છે કે મનથી ફિટ હોવું સૌથી વધારે જરૂરી છે. અદા કહે છે, ‘જો તમે મનથી ફિટ હો તો તમારી પ્રેઝન્સમાં પણ પૉઝિટિવિટીની અસર દેખાવા લાગે

અદા શર્મ

હૉરર ફિલ્મ ‘૧૯૨૦’થી કરીઅરની શરૂઆત કરીને ‘હંસી તો ફંસી’, ‘કમાન્ડો-2’, ‘કમાન્ડો-3’ જેવી ઍક્શન ફિલ્મો કર્યા પછી છેલ્લાં બે વર્ષમાં ‘ધ કેરલા સ્ટોરી’ અને ‘બસ્તર’ જેવી સિરિયસ ફિલ્મમાં લીડ રોલ કરનારી ફિલ્મ ઍક્ટ્રેસ અદા શર્મા માને છે કે મનથી ફિટ હોવું સૌથી વધારે જરૂરી છે. અદા કહે છે, ‘જો તમે મનથી ફિટ હો તો તમારી પ્રેઝન્સમાં પણ પૉઝિટિવિટીની અસર દેખાવા લાગે અને સામેની વ્યક્તિને એ પ્રભાવિત કરે’

ફિટ રહેવું અને ફિટનેસ જાળવવી એનો અર્થ મોટા ભાગના લોકો એવો કરતા હોય છે કે તમે લુકવાઇઝ સારા દેખાતા હો, પણ એ ખોટું છે. ફિટનેસની સીધી વ્યાખ્યા એવી છે કે તમે જેટલા ફિઝિકલી ફિટ હો એટલા જ તમે મેન્ટલી ફિટ પણ હો. મેન્ટલી તમે અપસેટ હો, ડિસ્ટર્બ્ડ હો, તમારા મનમાં બહુ બધા બાયસ હોય અને એ પછી તમે સિક્સ-પૅક ઍબ્સ ધરાવતા હો તો હું નથી માનતી કે તમે ફિટ છો. અરે, હું તો એવું પણ કહીશ કે ફિઝિકલી સહેજ ઓવરવેઇટ હો એ ચાલશે, પણ તમે મેન્ટલી એકદમ પીસફુલ હોવા જોઈએ. મેન્ટલી ફિટ ન હો કે પછી તમે સતત સ્ટ્રેસ કે ટેન્શનમાં જ રહો તો તમે ક્યારેય ફિઝિકલી ફિટ ન થઈ શકો. મારી વાત કરું તો હું નાની હતી ત્યારથી જ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા માટે જે કરવું પડે એ બધું જ કરતી આવી છું અને આજે પણ મેં એ જ નિયમ રાખ્યો છે. હું મારા બૉડીને પિસ્તાલીસ મિનિટ આપું છું તો એટલો જ સમય હું મારી મેન્ટલ હેલ્થ માટે પણ ફાળવું છું. મેન્ટલી હેલ્ધી હોય છે તેની ઑરા સાવ જ જુદી હોય છે. તેના ચહેરાનો ગ્લો એવો હોય કે બીમાર માણસ પણ તેને જોઈને ખુશ થઈ જાય, તેના બૉડીમાં પણ એનર્જી આવી જાય.

વર્કઆઉટ રાખો સિમ્પલ...
મારું વર્કઆઉટ બહુ સિમ્પલ હોય છે, એનું કારણ જુદું છે. હું વર્ષોથી વર્કઆઉટ કરું છું એટલે હું એને સિમ્પલ રાખું છું. બિગિનર્સને પણ હું એ જ કહીશ કે શરૂઆતમાં વર્કઆઉટ સિમ્પલ જ રાખો અને ધીમે-ધીમે એની ઇન્ટેન્સિટી વધારો. તો જ તમે એને સસ્ટેન કરી શકશો. મેં કથકમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. ડાન્સ મને બહુ ગમે છે એટલે મેં મારું એજ્યુકેશન એ ફીલ્ડનું રાખ્યું, પણ હું તમને કહીશ કે ડાન્સ માત્ર એન્ટરટેઇનમેન્ટ નથી પણ એ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ છે તો સાથોસાથ ડાન્સ તમને મેન્ટલી પણ રિલીવ કરે છે. આ ઉપરાંત હું અત્યારે સિલમ્બમ પણ કરું છું, જે લાઠીથી થતું વર્કઆઉટ છે તો હું મલખમથી થતી બૉડી વેઇટ એક્સરસાઇઝ પણ કરું છું. જૉગિંગ અને રનિંગ પણ મારા ફેવરિટ છે, આ બન્ને પણ હું વીકમાં એક વાર અચૂક કરું.

મને જિમ કરતાં આઉટડોર ઍક્ટિવિટી વધારે ગમે છે એટલે મારું ફોકસ આઉટડોર પર વધારે હોય છે, જેમાં સાઇક્લિંગ અને સ્વિમિંગ પણ આવી જાય. હું મારી સાથે હંમેશાં વર્કઆઉટ મેટ રાખું છું. જ્યારે પણ મને ટાઇમ મળે ત્યારે હું યોગ અને સ્ટ્રેચિંગ કરી લઉં તો થોડું કોર સ્ટ્રેંગ્થ વર્કઆઉટ પણ કરી લઉં. આ ઉપરાંત હું મેડિટેશન પણ કરું. અર્લી મૉર્નિંગ અને દિવસનાં બધાં કામ પૂરાં કર્યા પછી એમ બે ટાઇમ મેડિટેશન કરવાને કારણે હું મારો આખો દિવસ બરાબર ચેક કરી શકું છું, જેના આધારે હું મારી ભૂલો પણ સુધારી શકું છું.

છું હું પ્યૉર વેજિટેરિયન
હા, હું એગ્સ પણ નથી ખાતી અને મારા ફૂડમાં કાંદા-લસણ પણ નથી હોતાં. મને લાગે છે કે ફૂડને માત્ર તમારી ફિઝિકલ હેલ્થ સાથે નહીં, પણ મેન્ટલ હેલ્થ સાથે પણ નિસબત છે. એટલે જ જ્યારે આપણે હેવી ફૂડ ખાઈએ છીએ ત્યારે લેઝી ફીલ કરીએ છીએ. સાઉથ ઇન્ડિયન ફૂડ મારું સૌથી ફેવરિટ અને એમાં પણ ઇડલી-ઢોસા તો મને અનહદ પ્રિય. આપણે ત્યાં પ્રોટીનને મહત્ત્વનું ઇન્ટેક માનવામાં આવે છે, જેની માટે હું અલગ-અલગ બીન્સ ખાવાનું પસંદ કરું. દાળ અને પનીરમાં પણ પ્રોટીનની માત્રા બહુ સારી હોય છે, જે તમારા બૉડીને ટોન-અપ કરવાનું કામ કરે છે. મને નૉર્મલી પણ પરસેવો ખૂબ વળે એટલે ડીહાઇડ્રેશન વધે નહીં એ માટે હું દિવસમાં પાંચેક લીટર જેટલું પાણી પીઉં, જે મારી સ્કિનને નર્ચર કરે છે.

હું જન્ક ફૂડ ખાતી નથી. એટલે નહીં કે મારું વેઇટ વધશે, પણ હું એટલે જન્ક નથી ખાતી કે મારે હેલ્થને બગાડવી નથી. હેલ્થ અને ફિટનેસ બગાડવાનું કામ બહુ આસાન છે, પણ એને સુધારવામાં તમારાં વર્ષો નીકળી જાય છે. હું ટ્રાય કરું કે મને જે કંઈ ખાવાનું મન થાય એ બધેબધું ઘરે જ બનાવડાવું, જેમ કે પાણીપૂરી. મને પાણીપૂરી બહુ ભાવે એટલે એ પણ મારા ઘરે જ બને.પાણીપૂરીની પૂરી સુધ્ધાં મારા ઘરે જ બને તો પીત્ઝામાં હું મેંદાના પીત્ઝા ખાવાને બદલે ઘરે મિલેટ્સ પર પીત્ઝા જેવાં ટૉપિંગ્સ મૂકીને પીત્ઝા બનાવડાવું.

હું વારંવાર કહીશ કે મેન્ટલ હેલ્થ પર આપણે પહેલાં ધ્યાન રાખવું જોઈએ, જેના માટે ગમતી ઍક્ટિવિટી કરવાથી માંડીને જે શોખ હોય એને ડેવલપ કરવાની કોશિશ કરવી જોઈએ. ગમતી ઍક્ટિવિટી ડોપમાઇન જન્માવે છે અને શોખ પૂરા કરવાથી હૅપી હૉર્મોન્સ જન્મે છે, જે તેમને ન ગમતું કામ પણ કરવાની પૉઝિટિવ એનર્જી આપે છે.

ગોલ્ડન વર્ડ્સ
જ્યારે પણ મેન્ટલ હેલ્થને ઇગ્નૉર કરવામાં આવી છે ત્યારે ફિટનેસનું જોઈએ એવું રિઝલ્ટ નથી મળ્યું એટલે દરેકેદરેક વ્યક્તિએ મેન્ટલ હેલ્થ પર ફોકસ કરવું જોઈએ. ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થનું બેસ્ટ કૉમ્બિનેશન જો કોઈ એક ઍક્ટિવિટીમાં હોય તો એ યોગ છે.

columnists Rashmin Shah adah sharma