01 April, 2024 08:58 AM IST | Mumbai | Rashmin Shah
ઝાન ખાન
પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’થી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારા ઝાન ખાને ‘ક્યૂં ઉથ્થે દિલ છોડ આએ’, ‘એક થા રાજા, એક થી રાની’, ‘મેરી સાસ ભૂત હૈ’, ‘હમારી બહૂ સિલ્ક’ જેવી અનેક સિરિયલમાં લીડ કૅરૅક્ટર કર્યાં તો અત્યારે તે સોની ટીવીના શો ‘કુછ રીત જગત કી ઐસી હૈ’માં લીડ રોલ કરે છે. ઝાન દૃઢપણે માને છે કે તમે કોઈ પણ ફીલ્ડમાં હો, તમારી ફિટનેસ પર્ફેક્ટ હોવી જ જોઈએ; કારણ કે દુનિયામાં દરેકને ફિટ અને પર્ફેક્ટ લોકો ગમતા હોય છે
તમે જે ફીલ્ડમાં હો એ ફીલ્ડને અનુરૂપ તમારે વર્કઆઉટ કરવાનું હોય પણ એમ છતાં હું એક વાત ખાસ કહીશ કે તમે કોઈ પણ ફીલ્ડમાં હો; તમે ફિટ હો, સારા દેખાતા હો તો તમને એનો બેનિફિટ થાય જ થાય. સારું દેખાવું જેમ બધાને ગમે એમ સારા દેખાતા લોકો સાથે કામ કરવું પણ બધાને ગમે. જો તમારા બૉસ ફિટ હોય, તેની બૉડી પર એક્સ્ટ્રા ફૅટ ન હોય અને તેનો સ્ટૅમિના એકદમ જળવાયેલો હોય તો નૅચરલી એ જ એનર્જી તમારામાં આવે એટલે હું કહીશ કે ફીલ્ડ કોઈ પણ હોય, તમે તમારા બૉડીને મેઇન્ટેન રાખો અને એ માટે રેગ્યુલર વર્કઆઉટ કરો. સાથોસાથ જન્ક ખાવાનું છોડી દો. મારી જ વાત કરું તો મને જન્ક બહુ ભાવે અને ચીટ ડેના દિવસે મેં એ ખાઈ પણ લીધું હોય, પણ બીજા જ દિવસે હું એ જન્કને મારા બૉડીમાંથી દૂર કરવા માટે હાર્ડકોર વર્કઆઉટ કરું. સન્ડે મારો ચીટ ડે છે અને મન્ડે મારો વર્કઆઉટમાં હાર્ડ ડે.
મૈં ઔર મેરા વર્કઆઉટ| હું જિમમાં વર્કઆઉટ કરું છું. એ જે એન્વાયર્નમેન્ટ હોય છે એ મારામાં એનર્જી ભરે છે. અત્યારે હું વર્કઆઉટમાં વેઇટ ટ્રેઇનિંગ કરું છું, પણ એ શરૂ કરતાં પહેલાં બૉડી વૉર્મઅપ કરવા માટે બધી રેગ્યુલર એક્સરસાઇઝ પણ કરું. મારું વર્કઆઉટ સવારે છ વાગ્યે શરૂ થાય છે. મારી બૉડી-ક્લૉક જ એવી થઈ ગઈ છે કે હું વહેલી સવારે ચાર વાગ્યે સૂવા જાઉં તો પણ મારી આંખો પોણાછ વાગ્યે ખૂલી જ જાય અને વર્કઆઉટ માટે મારામાં એનર્જી પણ આવી જાય. સવારના સમયે કરેલું વર્કઆઉટ બૉડીને વધારે બેનિફિટ આપે છે.
સેલ્ફ-ગ્રૂમિંગ પણ એક પ્રકારની થેરપી છે, જ્યારથી મને એ ખબર પડી છે ત્યારથી મેં વર્કઆઉટ ઉપરાંત સૅલોંમાં પણ વધારે જવાનું શરૂ કર્યું છે. વીકમાં મિનિમમ બે વખત હું સ્ટીમ લઉં, જરૂરી મસાજ પણ કરાવું.
ઘણા મને પૂછે કે વર્કઆઉટ માટે મને મોટિવેશન ક્યાંથી મળે તો હું કહેતો હોઉં છું કે મારા પોતાના લુકમાંથી. હા, તમે તમારી જાતને મિરરમાં જુઓ અને મિરરમાં તમને જે દેખાય એના તમે પ્રેમમાં પડો એનાથી મોટું મોટિવેશન બીજું કંઈ ન હોય. હું મિનિમમ સાત કલાકની ઊંઘ લેવાનું પણ રાખું, પણ ઘણી વાર એવું બને કે ઓછી ઊંઘ હોય તો પણ એ એટલી સરસ અને સાઉન્ડ આવી હોય કે એ સાત કલાકની ઊંઘ પછી જે ફ્રેશનેસ હોવી જોઈએ એવી જ ફ્રેશનેસ આપી જાય.
બૉડી ફિટ રાખવાનું હું મારી ફૅમિલીમાંથી શીખ્યો છું એવું કહું તો ચાલે. મારા પપ્પા અત્યારે પપ વર્ષના છે, પણ તે ચાલીસ વર્ષના હોય એવું જ લાગે. હું નાનો હતો ત્યારથી મેં તેમને સવારે જૉગિંગ માટે જતા જોયા છે એટલે નૅચરલી વર્કઆઉટને હું રૂટીન લાઇફસ્ટાઇલ તરીકે જોતો જ મોટો થયો છું, જેને કારણે મને વર્કઆઉટમાં ક્યાંય આળસ નથી આવતી.ફૂડની બાબતમાં નો ચીટિંગ| હું રોજ આમન્ડ મિલ્ક લઉં છું, જે યાદશક્તિ માટે પણ બહુ સારું છે તો સાથોસાથ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. આ ઉપરાંત હું એ પણ કહીશ કે બધાએ મલ્ટિવિટામિન્સ માટે પણ યોગ્ય લાગે એ સોર્સ લેતા રહેવો જોઈએ. હું ટૅબ્લેટ ફૉર્મમાં પણ મલ્ટિવિટામિન્સ લઉં છું તો શેકના ફૉર્મમાં પણ લઉં છું. આજના સમયમાં આપણામાં અમુક વિટામિન્સની કમી હોવાની જ હોવાની, જેની આપણને રિપોર્ટ વિના ખબર પડશે નહીં એટલે બહેતર છે કે મલ્ટિવિટામિન્સ લેવાનું આપણે પહેલેથી જ ચાલુ કરી દઈએ. વિટામિન્સની કમી પણ વ્યક્તિને ડલ અને લેઝી બનાવી દે છે, જેની બહુ બધા લોકોને ખબર નથી હોતી.
આગળ કહ્યું એમ હું ફૂડી છું, પણ એનો અર્થ એવો નથી કે હું કંઈ પણ ખાવા માંડું છું. ના, હું જન્ક બિલકુલ ખાતો નથી. જન્ક માત્ર ચીટ ડેના દિવસે જ લેવાનું અને બાકીના દિવસોમાં પ્રોટીન અને ફાઇબર લેવાનું રાખું તો સાથોસાથ જૂસ, બૉઇલ્ડ વેજિટેબલ્સ પર વધારે ફોકસ રાખું. વેજિટેબલ્સમાં એક પણ વેજિટેબલ એવું નથી જે હું બૉઇલ કર્યા પછી ખાઈ ન શકું. બધેબધું ખાઉં અને કોઈ રીતે મોઢું બગાડ્યા વિના ખાઉં. હા, મને એમાં ટેસ્ટ ડેવલપ કરવા માટે બ્લૅક પેપર અને રૉક સૉલ્ટ એ બે તમારે આપવાનાં.
ચીટ ડે હોય ત્યારે હું જન્ક ખાઉં તો મેં એક નિયમ એ પણ રાખ્યો છે કે ચીટ ડેના દિવસે ગ્રાઉન્ડ ઍક્ટિવિટી કરવાની અને ફુટબૉલ કે ક્રિકેટ રમવાનું. જો ફુટબૉલ રમવા મળે તો મારો પહેલો પ્રયત્ન ફુટબૉલ રમવા પર જ હોય.