છેક સુધી કામ કરવું એ વિચાર જ મને હેલ્થ ઍક્ટિવિટી માટે મોટિવેટેડ રાખે છે

12 February, 2024 11:29 AM IST  |  Mumbai | Rashmin Shah

જીવન બૅલૅન્સ છે અને બૅલૅન્સ ન ચુકાય એની સાવચેતી રાખો. પ્રકૃતિને સંતુલન પસંદ છે અને કુદરત પણ સંતુલનથી જ ચાલે છે.

અંશ બગરી

અગાઉ અઢળક વેબ સિરીઝ અને ‘ડેઝ ઑફ ટફરી’, ‘વેલપાન્તી’, ‘લવ કા પંગા’ જેવી  અનેક ફિલ્મો કરી ચૂકેલો અને અત્યારે અતરંગી ચૅનલ પર ‘બાઘિન’ નામની સિરિયલ કરતા અંશ બગરીની બે ફિલ્મો બહુ ઝડપથી રિલીઝ થવામાં છે. અંશ માને છે કે શરીરને જો મંદિર માનતા હો તો ક્યારેય અનહેલ્ધી લાઇફ તમે જીવી ન શકો. આ જ વાતને તે પોતે પાળે પણ છે

હું ફિટનેસ ફ્રીક નથી. ના, જરાય નહીં. મને બૉડી બનાવવાનું ગાંડપણ નથી અને મારી દૃષ્ટિએ એ હોવું પણ ન જોઈએ. પણ હા, હું હેલ્થ કૉન્શિયસ છું. ફિટનેસ ફ્રીક વ્યક્તિ હંમેશાં પોતે સારો દેખાય એના પર જ ફોકસ કરશે અને પછી એમાં વિવેકભાન છૂટશે તો પણ એ ચલાવી લેશે. હું એવું ક્યારેય નહીં કરું. કરીઅરની જેમ મને ફિટનેસમાં પણ કોઈ શૉર્ટકટ નથી જોઈતા. મને કોઈ કહે કે ફલાણું પ્રોટીન ખાવાથી અઠવાડિયામાં તારી ઍબ્સ બનશે તો હું એ નહીં ખાઉં. હું માનું છું કે જીવન એક પ્રોસેસ પ્રમાણે ચાલે અને એ પ્રોસેસમાં તમારે જાતને ઘસવી પડે. એ જ રીતે જો ટેવ પાડીને આગળ વધો તો મહેનતનો કંટાળો નહીં આવે અને ધીરજ ગુમાવવાનો વારો નહીં આવે. હું હેલ્થ કૉન્શિયસ છું. મારે બૉડી અને માઇન્ડ બન્નેને ફિટ તથા હેલ્ધી રાખવાં છે. એમાં મારે કોઈ કૉમ્પ્રોમાઇઝ નથી કરવું. બન્ને જો બરાબર હશે તો જ જીવન સ્મૂધ ચાલશે. મારે મારા જીવનમાં ખૂબ કામ કરવું છે અને એ કરવા માટે મારું બૉડી હેલ્ધી હોય એ મહત્ત્વનું છે. મેં એવા લોકો જોયા છે કે જે સક્સેસ અને શૉર્ટ ટર્મ ગોલ પાછળ ભાગ્યા હોય અને હેલ્થે તેમનો સાથ છોડી દીધો હોય. આવું ન કરો. 

જીવન બૅલૅન્સ છે અને બૅલૅન્સ ન ચુકાય એની સાવચેતી રાખો. પ્રકૃતિને સંતુલન પસંદ છે અને કુદરત પણ સંતુલનથી જ ચાલે છે. આપણે કુદરતનો હિસ્સો છીએ. આપણે જો સંતુલન ચૂકીશું તો એની અસર આપણા આખા જીવન પર પડશે.

હું અને મારું વર્કઆઉટ | સવારે જાગ્યા પછી હું પહેલો સવાલ મારી જાતને પૂછું કે હું ફૂડ માટે લાયક છું કે નહીં. આ સવાલ પૂછવામાં હું સતત જાગૃત રહું છું. તમને પ્રશ્ન થાય કે આવો સવાલ શું કામ પૂછવાનો તો હું તમને એ પણ સમજાવું. શરીરને ખાવાનું તો અપાય જો તેણે એ ખાવાનું કમાણી તરીકે મેળવ્યું હોય. શરીર ફૂડ કેવી રીતે અર્ન કરે એ સમજી લો. ફિઝિકલ ઍક્ટિવિટી, વર્કઆઉટ, એક્સરસાઇઝથી લઈને વૉકિંગ કે જૉગિંગ કર્યું હોય તો શરીરે કામ કર્યું હોય અને જેમ આપણે કામ કરીએ તો પૈસા કમાવવા મળે એવી જ રીતે શરીર મહેનત કરે તો જ એને ખાવાનું મળવું જોઈએ. મારી વાત માનજો અને એક વખત અનુભવ કરીને જોજો કે શરીર થાકવાની મહેનત કરે પછી એને ફૂડ આપવાનું. તમને પોતાને ખબર પડશે કે એ ફૂડ બહુ ટેસ્ટી લાગશે.
મારી લાઇફનો સીધો નિયમ છે. હું પહેલાં ફૂડ અર્ન કરું પછી જ મોઢામાં પહેલો કોળિયો નાખું. 

હંમેશાં સિલેક્ટિવ ફૂડી | મને મીઠાઈ ભાવે પણ હું એના પર તૂટી નથી પડતો. એમાં મારો જે પ્રકારે ઉછેર થયો છે એ મને ખૂબ કામ લાગ્યો છે. લોઅર મિડલ ક્લાસ ફૅમિલીમાં ઊછર્યો એટલે દિવાળી સિવાય મીઠાઈ ન મળે અને ચૉકલેટ પણ વર્ષમાં એક વાર માંડ ખાવા મળે. સ્વીટ ખાવાની રાહ જોઈ છે અને એટલે આજે પણ એ આદત અકબંધ રહી છે અને મેં પણ એને જાળવી રાખી છે. અઠવાડિયે કે બે અઠવાડિયે એક વાર સ્વીટ્સ, પનીર જેવી ભાવતી વસ્તુ ખાઉં અને ઇન્તેજારની મજા માણું. દાલ-ચૂરમા મારા ફેવરિટ છે અને એમ તો હેલ્ધી ડિશ પણ છે છતાં એના માટે પણ હું શેડ્યુલ બનાવીને એ દિવસ આવે એ સુધી એ ખાવાની રાહ જોઉં. તમારું શરીર એક મંદિર છે અને મંદિરમાં તમે કચરો ન નાખો એ સ્વાભાવિક છે. મને તો નાનપણથી જ જન્ક ફૂડની આદત નથી પડી પણ આજે જેમને એ આદત છે તેમણે જાતને સતત એ યાદ અપાવવું જોઈએ કે મારું શરીર પણ એક મંદિર છે એટલે એની સાથે શું થાય અને શું નહીં એની સભાનતા આપોઆપ આવી જશે. 

ગોલ્ડન વર્ડ્સ | મારાં મમ્મીની ઉંમર ૬૫ વર્ષ છે અને છતાં તે રોજ બે-ત્રણ કિલોમીટર ચાલે છે. તમે જિમમાં જાઓ છો કે દરરોજ સવારે રનિંગ કરો છો એ જ જરૂરી નથી. તમે તમારા રૂટીન કામમાં શરીરની કાર્યક્ષમતા જાળવો એ પણ ફિટનેસની જ તૈયારી છે.

columnists Rashmin Shah health tips