03 April, 2023 05:14 PM IST | Mumbai | Rashmin Shah
રાહુલ ભાટિયા
મારી બહુ સિમ્પલ વાત છે, ફીલ-ગુડ કરાવે એ ફિટનેસ. હા, જપાનના સૌથી વધુ ખુશ વિલેજ વિશે સાંભળ્યું છેને તમે? ઓકિનાવા નામના આ ગામમાં ખુશ રહેવાનો મંત્ર ઘરઘરમાં પ્રસરી ગયો છે અને એટલે જ ત્યાંના લોકો સૌથી હેલ્ધી હોવાનું માનવામાં છે. હું પંદરેક વર્ષનો હતો ત્યારથી એટલી સમજણ મને આવી ગઈ હતી કે ફિટનેસનો અર્થ એટલે માત્ર સારું બૉડી-સ્ટ્રક્ચર નથી. બૉડી, માઇન્ડ અને સોલ એમ ત્રણેત્રણ ફિટ રહે તો જ તમે સાચી રીતે ફિટ કહેવાઓ. કારણ કે શરીર, મન અને આત્માથી સ્વસ્થ હો ત્યારે જ તમે ફીલ ગુડ કરી શકો.
વાત મારા રૂટીનની | હું નાનપણથી જ ડાન્સ કરતો રહ્યો છું અને સ્વિમિંગ એક્સપર્ટ પણ હતો. સ્વિમિંગ અને ડાન્સિંગને કારણે હું પહેલેથી હેલ્ધી રહ્યો છું. હા, એ વાત અલગ છે કે મારા પપ્પાને દિલ્હીના ચાંદની ચોકમાં દુકાન અને એ એરિયા એટલે ખાણીપીણીનું સ્વર્ગ. પપ્પા ખાઈ-પીને એકદમ અલમસ્ત રહેનારા લાલા જેવા એટલે નાનપણમાં ડાયટને લઈને ખાસ ઇન્સપાયરિંગ આદતો મારામાં, પણ મુંબઈ આવ્યા પછી એ બધામાં બહુ સુધારો આવી ગયો.
ફૉલો કરું, થ્રી ગોલ્સ... | બૉડી એટલે કે ફિઝિકલ હેલ્થ, જેને માટે એક્સરસાઇઝ અને ડાયટ જરૂરી છે. જે બન્નેનું હું બરાબર ધ્યાન રાખું છું. જિમમાં વેઇટ ટ્રેઇનિંગ અને કાર્ડિયો કરું. સાંજે ૭ વાગ્યા પછી કોઈ પણ પ્રકારનું ફૂડ નથી લેતો અને જ્યારે પણ ફૂડ લેવાનું આવે ત્યારે દરેક ફૂડ એમાં રહેલી ન્યુટ્રિશનલ વૅલ્યુ મુજબ જ લેવાનું રાખું છું. બીજા નંબરે આવે છે માઇન્ડ.
બૉડીને જિમમાં એક્સરસાઇઝ મળે એમ માઇન્ડને મેડિટેશનથી ટ્રેઇન કરો. ૧૫ વર્ષે પહેલી વાર મેડિટેશન શીખ્યો. વિપશ્યનામાં અત્યાર સુધી દસ-દસ દિવસની ચાર શિબિર અટેન્ડ કરી આવ્યો છું. દુનિયાથી ડિસકનેક્ટ થઈને જાત સાથે કનેક્ટ થવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ જો કોઈ હોય તો એ આ શિબિર છે. હું તમને સૌને કહીશ કે ખરેખર એક વાર જાઓ અને જાત સાથે રહેવાનો અનુભવ કરો. જો તમે જાતને સમજો જ નહીં તો પછી એમાં સુધારો લાવો કઈ રીતે? હું પોતે જ મારી જાતને બિફોર અને આફ્ટર એમ બે સ્ટેજમાં જોઉં તો મને એમાં જમીન-આસમાનનો ફરક દેખાય છે. વિપશ્યનામાં ગયા પછી તમે સાધુ-સંન્યાસી કે યોગી બની જાઓ એવું નથી, પણ તમે, તમે પોતે તો જરૂર બની જાઓ. હા, દુનિયાના ભારણ વચ્ચે આપણે જે ઓરિજિનલી છીએ એ રીતે જીવવાનું પણ છોડી દીધું છે, જે તમને ધ્યાન-અભ્યાસમાં શીખવા મળે છે. ત્રીજું મહત્ત્વનું ફૅક્ટર છે આપણો આત્મા.
સોલ-ફીડિંગ શબ્દ તમે સાંભળ્યો હશે. આત્મા પુષ્ટ થતો રહે એ મહત્ત્વનું છે, પણ કેવી રીતે? જવાબ છે, કોઈના ચહેરા પર રાહત લાવીને. કોઈને ગીત ગાવાથી સુકૂન મળે તો કોઈને સાંભળવાથી, કોઈને ખાવાથી શાંતિ મળે તો કોઈકને ખવડાવીને. શાંતિની બધાની વ્યાખ્યા અલગ છે, પણ જ્યારે તમે કોઈને ખુશી આપો, કોઈની તકલીફ દૂર કરવા માટે સહાય કરો ત્યારે જે સુખ-શાંતિ મહેસૂસ થાય એ આત્માનું સુખ, આત્માની શાંતિ. જેને માટે નિયમિત પ્રયાસ કરો. તમારી ફિટનેસ માટે એનું પણ મહત્ત્વ છે. એ તમને સાચી ખુશી આપશે અને ફિટનેસ એ હૅપીનેસની બાયપ્રોડક્ટ જ છે.