કેકને બદલે માઇક્રોવેવમાં જાણે જ્વાળામુખી ફાટ્યો

04 April, 2023 05:14 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન વર્ડ‍્સ - તમારા ફૂડને ટેસ્ટી અને હેલ્ધી બનાવવા એમાં કોથમીર અને કસૂરી મેથીનો ભરપૂર પ્રયોગ કરો. હું કોઈ પણ આઇટમ બનાવું એમાં એનો ઉપયોગ બે હાથે કરું.

રિશિના કંધારી

અલબત્ત, આ એક અનુભવને બાદ કરતાં રિશિના કંધારીએ જીવનમાં કુકિંગમાં કોઈ બ્લન્ડર નથી કર્યું. ‘યે ઉન દિનોં કી બાત હૈ’, ‘ઇશારોં ઇશારોં મેં’, ‘તેનાલી રામન’, ‘અય મેરે હમસફર’ જેવી પૉપ્યુલર સિરિયલો કરી ચૂકેલી અને અત્યારે ‘ના ઉમ્ર કી સીમા હો’માં દેખાતી રિશિનાને બે જ શોખ છે; પહેલો, જાતે કુક કરી એ વરાઇટી કોઈને જમાડવાનો અને બીજો, કોઈના હાથે બનેલું ફૂડ ખાવાનો!

ડબ્બાચોર.

યસ, આવું કોઈ ઉપનામ મને મળે તો એમાં મને જરાય નવાઈ નહીં લાગે. મેં એવા કાંડ પણ પુષ્કળ કર્યા છે અને આજે પણ મારા એ કાંડ ચાલુ જ છે. સ્કૂલ-કૉલેજના મારા ફ્રેન્ડ્સ અને અત્યારે મારા કો-ઍક્ટર મને એટલું તો ઓળખી જ ગયા છે કે જો તેમના ડબ્બામાંથી કોઈ ખાવાનું મિસિંગ હોય તો એ ડબ્બો મારા હાથમાં આવી ગયો હશે એવું ધારી જ લેવું. તમને નવાઈ લાગે કે આવું હું શું કામ કરતી હોઈશ તો સમજાવું, આવું મારે એક નિયમને કારણે કરવું પડે છે. 

હું જાતે જે ફૂડ બનાવું એ હંમેશાં હેલ્ધી જ હોય અને હેલ્ધી હોવાના કારણે ઘણી વાર ટેસ્ટલેસ પણ હોય એટલે જો મારે ટેસ્ટી કે જન્ક ખાવું હોય તો ‍કોઈના ઘરે જઈને કે પછી કોઈના લંચબૉક્સમાંથી જ ખાવું પડે. હવે તો બધા જ પોતાના ટિફિનમાં મારા ભાગનું થોડુંક ટેસ્ટી ફૂડ લાવતા થઈ ગયા છે. કૉલેજના મારા ફ્રેન્ડ્સે અને અત્યારના મારા કો-ઍક્ટરોએ મારી ડબ્બાચોરીની ઘટનાઓ એટલી વાર ઘરે વર્ણવી છે કે એ બધાની મમ્મીઓ પણ મારા માટે વધુ મોકલાવે છે.  

લાઇફમાં ફર્સ્ટ ટાઇમ

એ ઘટના હું આજે પણ ભૂલી શકી નથી. તેર વર્ષની મારી ઉંમર હતી અને મમ્મીને અચાનક ઘરની બહાર જવાનું બન્યું. મને તે કહી ગયાં કે કામવાળાં બહેનને કહેજે કે પપ્પા માટે કોબી-બટેટાનું શાક બનાવી આપે. મેં મનોમન નક્કી કર્યું કે આ વખતે શાક એ બહેન નહીં બનાવે પણ હું જ મારા હાથે બનાવીશ. નક્કી કર્યા પછી મેં મમ્મીને ફોન કર્યો અને તેમની પાસેથી એ શાક બનાવવાની રેસિપી જાણી લીધી. મમ્મીએ તાકીદ કરી હતી એટલે એકલાં રસોઈ કરવાને બદલે મેં કામવાળાં બહેનને મારી સામે ઊભાં રાખ્યાં ને પછી આખું શાક બનાવ્યું અને પપ્પાને જ્યારે એ પીરસ્યું ત્યારે તેઓ રીતસર આંગળાં ચાટતા રહી ગયા. એ દિવસ પછી મેં કુકિંગમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી. 

આ પણ વાંચો: અમુક ફ્રેન્ડ્સ તો મને અન્નપૂર્ણા જ કહે છે!

મમ્મી પાસેથી તો હું કુકિંગ શીખી જ પણ સાથે સંજીવ મહેતા, રણવીર બ્રાર, નીતા મહેતા જેવા ઘણા લોકોને જોઈને પણ મેં મારી આ આર્ટને ડેવલપ કરી. આજે હું દાવા સાથે કહું છું કે તમે કહો એ ડિશ હું બનાવી આપું. જીવનમાં કુકિંગ એક્સિપરિમેન્ટમાં એક જ બહુ મોટું બ્લન્ડર મારેલું અને એ વાતને પણ વર્ષો થઈ ગયાં છે પણ હા, હું નિખાલસતા સાથે કહીશ કે મેં બ્લન્ડર તો માર્યું જ હતું.

બન્યું એમાં એવું કે હું કેક બનાવતી હતી. ત્યારે તો ખબર નહોતી કે મારી શું ભૂલ હતી પણ મેં માઇક્રોવેવમાં કેક મૂકી અને થોડા જ સમયમાં મોટો બ્લાસ્ટ થયો થયો. મેં તરત જ માઇક્રોવેવમાં જોયું તો રીતસર જાણે કે કેકનો જ્વાળામુખી ફાટ્યો હોય એવું દેખાયું. તાત્કાલિક મેઇન સ્વિચ બંધ કરી હું થોડી વાર માટે કિચનની બહાર નીકળી ગઈ. આ વાત આજે પણ યાદ કરું તો મારા ધબકારા વધી જાય. 

બહુ વખત પછી મને ખબર પડી હતી કે મારાથી કેક બનાવવાનું ખોટું વાસણ વપરાઈ ગયું, જેને કારણે એ બ્લાસ્ટ થયો હતો.

આજ કા ફેવરિટ ફૂડ

મારાં મમ્મી બહુ સારાં કુક છે અને આજે પણ તેમના હાથના દાલ-બાફલા યાદ કરું તો મારા મોઢામાં પાણી આવી જાય. રાજસ્થાની, ગુજરાતી ક્વિઝીન મારું ફેવરિટ પણ એ બધામાં પણ જો કોઈ મારી મોસ્ટ ફેવરિટ ડિશ હોય તો એ છે ખાઉસે. હા, ખાઉસે સાથે આવતી કોકોનટ કરી મારી અતિશય ફેવરિટ છે. એ પછીના ક્રમે આવે ગુજરાતીઓનું ઊંધિયું. ઇટ્સ જસ્ટ યમ્મ. યુ વૉન્ટ બિલીવ, હું ખરેખર શિયાળાની રાહ ઊંધિયા માટે જોતી હોઉં છું. 

મારા બધા ફ્રેન્ડ્સ ગુજરાતી છે અને તેમની મમ્મીઓએ મને ટેસ્ટી ફૂડ ખવડાવી-ખવડાવીને મજા કરાવી દીધી છે. શિયાળામાં ઊંધિયું ખાવાના તો રીતસર ટર્ન નક્કી થયા છે. મને લાગે છે કે તમે કોઈના માટે દિલથી ખાવાનું બનાવો ત્યારે એમાં સ્વાદ વધી જ જતો હોય છે. લગભગ તમામ લોકો આ વાત કહેશે અને એવું બનતું પણ હોય છે એ પણ એટલું જ સાચું છે. ખાવામાં ક્યારેક કંઈ બગડે તો પણ તમને સુધારતાં આવડવું જોઈએ. જેમ કે નિમક વધી જાય તો એમાં બટેટું નાખી દો તો વધારાનું નિમક તે ઍબ્સૉર્બ કરી લેશે. એવી જ રીતે છોલે બનાવતા હો તો એને થોડોક ડાર્ક કલર આપવા માટે ચા પત્તી નાખો તો કામ થઈ જાય. આ ટીપ મારાં માસીની છે, મેં હજી સુધી એની ટ્રાય નથી કરી.

columnists Rashmin Shah