જો ફોકસ સાથે કુક કરશો તો ટેસ્ટમાં ઓગણીસ-વીસનો પણ ફરક નહીં આવે

10 April, 2023 05:15 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન વર્ડ્સ - જમવાનું બનાવો એમાં ઑઇલ, મસાલા સપ્રમાણ હોય અને ફૂડ ઓવરકુક્ડ ન હોય તો એનો સ્વાદ આપોઆપ વધશે અને એ હેલ્ધી પણ બનશે.

કરણ શર્મા

‘સિર્ફ તુમ’, ‘સસુરાલ સિમર કા-2’, ‘ચંદ્રશેખર’, ‘કાલા ટીકા’, ‘પવિત્ર ભાગ્ય’ ‘બંદિની’, ‘પવિત્ર રિશ્તા’ જેવી અઢળક સિરિયલોનો લીડ સ્ટાર કરણ શર્મા બહુ સારો કુક પણ છે. હેલ્ધી અને  ટેસ્ટી ફૂડ બનાવવું એ તેની ખાસિયત છે એટલે જ તે અવારનવાર કિચનમાં જઈને એક્સપરિમેન્ટ પણ કરે છે

હું જે પ્રોફેશનમાં છું એ પ્રોફેશનમાં તમારો લુક બહુ મૅટર કરે છે અને લુકને ફૂડ સાથે સીધો સંબંધ છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં, પ્રોફેશનમાં કચરો ખાવાનું બિલકુલ અલાઉડ નથી. યસ, હું ગમે તેટલો ફૂડી હોઉં તો પણ મારે મારા લુક સાથે કૉમ્પ્રોમાઇઝ ન કરવું પડે એનું સતત ધ્યાન રાખવું પડતું હોય છે એટલે હું ટેસ્ટી ન હોય, પણ હેલ્ધી હોય એવું ફૂડ ખાવા માટે ટેવાયેલો છું એવું કહું તો જરા પણ ખોટું નહીં ગણાય. આ જ વાતને ધ્યાનમાં રાખીને જો હું કહું કે હું ફૂડી છું અને નથી પણ. 

અફકોર્સ, ટેસ્ટી ફૂડ બધાને ભાવે, પણ મારા માટે ખાવાનું સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્થ માટે પણ એટલું જ અગત્યનું હોય એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મારી આ કન્સર્ને જ મને કદાચ એક સારો કુક બનાવવાનું કામ કર્યું છે.

૧૧ વર્ષની ઉંમરે પહેલી ટ્રાય

હા, હું એ સમયે અગિયાર વર્ષનો હતો. ત્યારે હું દેહરાદૂનમાં ભણતો અને હું સિક્સ્થ સ્ટૅન્ડર્ડમાં હતો. ઘરમાં નાનાંમોટાં કામ, ખાસ તો કિચનનાં કામ હોય તો હું મારાં આન્ટીને એમાં હેલ્પ કરું. એ પણ મને સૂચવે અને હું તે જે સૂચના આપે એ મુજબ કરતો જઉં. મને યાદ છે, એ સમયે મેં લાઇફમાં પહેલી વાર રોટલી બનાવી હતી અને યુ વોન્ટ બિલીવ, એ રોટલી એટલી ખતરનાક બની હતી કે આજે પણ મને ઘરમાં બધા એ દિવસની રોટલી યાદ કરીને ચીડવે છે. 

અગિયાર વર્ષના છોકરાએ રોટલી બનાવવાની હિંમત દેખાડી એ મને અત્યારે મોટી વાત લાગે છે પણ ખબર નહીં કોણ જાણે કેમ મારા એ રોટલી બનાવવાના પ્રયોગને મારા ફૅમિલી મેમ્બર કેમ ભૂલતા નથી. ઍક્ચ્યુઅલી તો હું પણ એને ભૂલ્યો નથી. 

આપણને બધાને ખબર છે કે રોટલી ગોળ હોવી જોઈએ પણ મેં જે રોટલી બનાવી હતી એ ખબર નહીં કયા દેશના જ્યોગ્રોફિકલ નકશા જેવી બની હતી. પણ હા, એ જોઈને કોઈની પણ ભૂખ મરી જાય એ પણ એટલું જ સાચું છે. રોટલીનો લોટ તૈયાર હતો, મારે તો એ વણવાની હતી અને એ કામ પણ મારાથી બરાબર થયું નહીં અને તમે માનશો નહીં પણ મને એ સમયે એવો વિચાર પણ ન આવ્યો કે એને ગોળ કરવા માટે હું વાટકાનો ઉપયોગ કરું. આજે મને જ્યારે આ વિચાર આવે ત્યારે થાય કે ખરેખર હું એ સમયે એકદમ બુદ્ધુ જ હોઈશ.

લાઇફમાં પહેલી વાર કુક કરેલી એ રોટલી નામની વરાઇટીએ મારી અંદર શેફ તરીકે કરીઅર બનાવવાનો વિચાર જન્મે એ પહેલાં જ રિજેક્ટ કરાવી દીધો હશે એવું હું ધારી શકું પણ લાઇફમાં આવેલો મોટો ચેન્જ જુઓ. આજે હું એક અવ્વલ દરજ્જાનો કુક છું એવું મારા બધા ફ્રેન્ડ્સ કહે છે. દરેક પ્રકારનું ક્વિઝીન બનાવવાની મેં ટ્રાય કરી લીધી છે અને મારા હાથે બધું જ સરસ બને છે. મને લાગે છે કે ફોકસ સાથે તમે જે પણ કામ કરો એમાં પછી સક્સેસ મળે જ અને ફોકસ સાથે તમે જો ફૂડ બનાવો તો બનેલા એ ફૂડમાં ઓગણીસ-વીસ પણ થતું નથી. 

કુકિંગમાં કૉન્સન્ટ્રેશન મહત્ત્વનું છે. તમે ફોનમાં વાત કરતાં કે ગપ્પાં મારતાં-મારતાં, ટીવી જોતાં કે ન્યુઝ સાંભળતાં, ગીતો સાંભળતાં કુકિંગ કરો તો એનો ટેસ્ટ બદલાય જ બદલાય. તમે ગમે એવા એક્સપર્ટ હો તો પણ એ વરાઇટીમાં જોઈએ એવો ટેસ્ટ નથી જ આવતો.

આ પણ વાંચો : કેકને બદલે માઇક્રોવેવમાં જાણે જ્વાળામુખી ફાટ્યો

હેલ્ધી ફૂડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

મારાં મમ્મી પાસેથી હું શીખ્યો છું કે હેલ્ધી હોય એ ફૂડ ટેસ્ટી પણ હોઈ શકે. 

હેલ્ધી અને ટેસ્ટી ફૂડ માટે તો મેં ખૂબ રિસર્ચ કર્યું અને પછી હવે હું એ વાત પર આવ્યો છું કે આપણે એવા જ મસાલા અને એવા જ ગ્રેઇનનો ઉપયોગ કરવો જે હેલ્ધી હોય. ધારો કે સૅલડ જ ખાવું હોય તો હેલ્થની સાથે ટેસ્ટ મળે એવું એને બનાવવું. હું મારા સૅલડમાં એક પણ પ્રકાર સૉસ વાપરવાને બદલે બધા મસાલા વાપરવાનું રાખું અને એ મસાલા પણ તૈયાર નહીં ખરીદવાના, મારા હાથે જ ઘરે બનાવવાના.

તમે ધીમી આંચે કુકિંગ કરો તો સ્વાદ જળવાયેલો રહે આ વાત મેં નાનપણમાં સાંભળી હતી અને આજ સુધી હું એને ફૉલો કરતો રહ્યો છું. બૉઇલ કરીને ખાવાની ચીજમાં મૅક્સિમમ ટેસ્ટ અકબંધ રહેતો હોય છે એ વાત પણ સૌકોઈએ યાદ રાખવી. હું કહીશ કે જેટલું ઓછું કુક કરેલું ફૂડ ખાવાનું રાખશો એટલું જ એ ફૂડ હેલ્ધી રહેશે.

કોઈ પણ કામમાં જો બૅલૅન્સ ન હોય તો એ નુકસાન કરે છે. કુકિંગ અને ઈટિંગમાં પણ એ વાત લાગુ પડે છે. જન્ક ફૂડ ભાવતું હોય તો પણ ૩૬૫ દિવસ ન ખવાય. સ્વાદ શેમાં છે એની ડેફિનિશન આપણે સમજવાની જરૂર છે. સ્વાદ ભોજનની સાથે એને બનાવનારા મનમાં શું ચાલે છે એના પર પણ નિર્ભર કરે છે. અમુક લોકો પ્રેમથી સિમ્પલ દાલ-રાઇસ પણ બનાવે તો પણ બહુ ટેસ્ટી લાગે છે, કારણ કે તેના મનમાં પ્રેમભાવ હોય છે અને એ ભાવ ફૂડમાં ઉમેરાય છે.

columnists Rashmin Shah