સવારે જૉગિંગ અને સાંજે હાર્ડ વર્કઆઉટ

12 December, 2022 05:04 PM IST  |  Mumbai | Rashmin Shah

મોહિત કહે છે, ‘જો તમે આઉટડોર સ્પોર્ટ્સ રમ્યા હો તો એનાથી થનારા દરેક ફાયદા તમારી લાઇફ બહેતર બનાવવાનું કામ કરે જ કરે’

મોહિત ડાગા

‘ભાસ્કર ભારતી’, ‘ઐસે કરો ના વિદાય’, ‘બૈરી પિયા’, ‘એક મુઠ્ઠી આસમાન’, ‘તેરા યાર હૂં મૈં’ અને અત્યારે એન્ડ ટીવીના શો ‘દૂસરી માં’ના લીડ સ્ટાર મોહિત ડાગાની લાઇફનો આ સિદ્ધાંત છે. મોહિત કહે છે, ‘જો તમે આઉટડોર સ્પોર્ટ્સ રમ્યા હો તો એનાથી થનારા દરેક ફાયદા તમારી લાઇફ બહેતર બનાવવાનું કામ કરે જ કરે’

નાનપણથી ફિટનેસની બાબતમાં હું ઍક્ટિવ રહ્યો છું. એનું કારણ એ કે નાનો હતો ત્યારથી મને સ્પોર્ટ્સ ઍક્ટિવિટી બહુ ગમતી અને જો તમે આઉટડોર સ્પોર્ટ્સમાં ઍક્ટિવ હો તો તમને ખબર જ હોય કે તમારી ફિટનેસ કેવી હોવી જોઈએ.

એવું માનો કે દસ-બાર વર્ષની એજથી મેં બૅડ્‍મિન્ટન રમવાની શરૂઆત કરી, જે ઘણાં વર્ષો સુધી ચાલી અને માત્ર ચાલી જ નહીં, મેં પ્રો-ઍક્ટિવલી ગેમને સમય આપ્યો અને એમાંથી હું ઘણું શીખ્યો પણ. મારી કૉલેજમાં તો એવું જ કહેવાતું કે બૅડ્‍મિન્ટનમાં મને હરાવવો એટલે જાણે કે સચિન તેન્ડુલકરને બન્ને ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ કરવો. આજે આ વાત હું હસતાં-હસતાં કહું છું પણ હકીકત એ જ છે કે એ વાત સાવ સાચી હતી.

હવે વાત કરું બૅડ્‍મિન્ટનની. મેં તમને કહ્યું એમ, હું એ ગેમમાંથી પુષ્કળ શીખ્યો છું. ડિસિપ્લિન મને આ ગેમમાંથી શીખવા મળી છે તો ડબલ્સ ગેમ હોય એવા સમયે સમજાયું છે કે ટીમમાં રહીને કામ કેવી રીતે કરવું. હારને કેમ પચાવવી એ પણ તમને ગેમમાંથી જ શીખવા મળે અને જીતને કેમ માથા પર હાવી ન થવા દેવી એ વાત પણ તમને ગેમ જ શીખવે અને આ બધું હું મારી ગેમમાંથી શીખ્યો છું.

રમતથી ફિઝિકલ ઍક્ટિવિટી થાય એ તો સાચું છે જ પણ ફિઝિકલી ઍક્ટિવ રાખે એવી ગેમથી વળતા પરસેવાને કારણે બૉડીના બૅડ ટૉક્સિન્સ પણ બહાર નીકળી જાય છે, મેટાબોલિઝ્મ પણ આઉટડોર ગેમને લીધે સુધરે છે તો બૉડી ફ્લેક્સિબિલિટી પણ તમને ગેમના કારણે મળે છે. આવા તો અનેક ફાયદાઓ છે. પહેલાં આપણે ત્યાં માત્ર ક્રિકેટની વાતો થતી પણ હવે લોકો બૉક્સિંગ, સ્વિમિંગ, ટેનિસ, જુડો એમ બીજી રમતને પણ આદર આપે છે; જે સારી વાત છે પણ વાત ફિટનેસની છે ત્યારે હું કહીશ કે ફિટનેસ માટે કોઈ પણ રીતે ફિઝિકલ ઍક્ટિવિટી થતી રહે એ બહુ જરૂરી છે.

વાત મારી અને ઇન્સ્પિરેશનની...

અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન. માત્ર મારા જ નહીં, ઇન્ડસ્ટ્રીના સૌકોઈ માટે આ બન્ને ઍક્ટર ઇન્સ્પિરેશન સમાન છે. આ બન્ને ઍક્ટરને આજે પણ તમે કામ કરતા જુઓ, મહેનત કરતા જુઓ તો તમારી બોલતી બંધ થઈ જાય. આજે પણ એટલા જ ઍક્ટિવ અને ફિટ જેટલા એ બન્ને પોતાની યંગ એજમાં હતા. તેમને જોઈને જ તમને થાય કે આપણે તેમના જેવા બનવું જોઈએ અને એ ખોટું પણ નથી. પણ તેમના જેટલી ડિસિપ્લિન અને પરેજીની તૈયારી પણ આપણે રાખવી પડે.

મારી વાત કરું તો હું રોજ સવારે જૉગિંગ અને રનિંગથી થાય. એકાંતરા હું સ્કિપિંગ પણ કરું. સવારના સમયે હું કોઈ હેવી ઍક્ટિવિટી નથી કરતો. કહ્યું એમ જૉગિંગ અને રનિંગ રૂટીનમાં હોય જ હોય. અમારી જે સોસાયટી છે એનું એક સર્કલ ઑલમોસ્ટ પોણા કિલોમીટરનું હશે, હું એને વીસેક જેટલાં રનિંગ અને જૉગિંગ સાથે ચક્કર મારું.

હેવી વર્કઆઉટ હું સવારમાં કરવાને બદલે સાંજના સમયે જિમમાં જઈને વર્કઆઉટ કરી હું કાર્ડિયો અને મસલ ટ્રેઇનિંગની સાથે સ્ટ્રેચિંગ પણ કરું અને પછી યોગ પણ કરું. સ્ટ્રેચિંગ અને યોગથી ફ્લેક્સિબિલિટી મળે છે તો ખાસ પ્રકારના મેન્ટલ વર્કઆઉટ તરીકે પણ એ બેસ્ટ છે. સવારે જૉગિંગ કરવાનું કારણ એ જ કે મૉર્નિંગ ટાઇમમાં બૉડી ઍક્ટિવ થઈ જાય, બ્લડ સર્ક્યુલેશન પ્રૉપર થઈ જાય તો દિવસ એટલો જ ફ્રેશ અને એનર્જી સાથે રહે. 

હંમેશાં એક વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય એટલું વર્કઆઉટ નહીં કરવાનું કે બૉડી કારણ વિના પણ સ્ટ્રેસ ફીલ કરે. ઘણી વાર હાર્ડકોર વર્કઆઉટ કરવા જતાં એનો માર બૉડી પર આવે છે, જેને લીધે ઇન્ટરનલ વે પર ક્યાંક ને ક્યાંક નુકસાન આવી શકે છે. મારી બે પર્સનલ ઍડ્વાઇસ છે. એક, તમે સ્ટાર નથી અને તમારે તમારી બૉડીને માત્ર ફિટ જ રાખવું છે તો ક્યારેય એના પર જુલમ ન કરો. બીજી વાત, રાતોરાત કોઈ રિઝલ્ટની અપેક્ષા રાખો નહીં. બૉડીને બગાડવામાં જેટલો સમય ફાળવ્યો છે ઍટ લીસ્ટ એટલા મહિના તો એને સુધરવા માટે આપો જ આપો. એટલો સમય લાગવાનો નથી પણ એમ છતાં એવું ધારીને તમે ચાલશો તો એક પણ પ્રકારનું સ્ટ્રેસ નહીં આવે.

કરેં બાત બેહતર ફૂડ કી

મારું ફૂડ ઇન્ટેક બહુ સિમ્પલ છે, ઘરે બનેલું બધું ખાવાનું અને મૅક્સિમમ રૉ ફૂડ લેવાનું. હું રોજ સવારે ભૂખ્યા પેટે ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ લઉં જેમાં મોસંબી કે પછી ગ્રીન અંજીર અને બદામ જેવી આઇટમ હોય. નાનો હતો ત્યારે મમ્મી રોજ પલાળેલી બદામ આપતી એ આદત પણ આજ સુધી કન્ટિન્યુ રાખી છે. 

એ પછી મૉર્નિંગ બ્રેકફાસ્ટ અને પછી દરેક બે કલાકે કશુંક ખાતા રહેવાનું. દર બે કલાકે ફૂડ લેવાનું કારણ એ કે એનાથી ઓવરઈટિંગ થતું નથી. બીજું મહત્ત્વનું કારણ, તમારું મેટાબોલિઝ્મ ઍક્ટિવ રહે છે. જેમ રાતે મેટાબોલિઝ્મને શાંત પાડવાનું હોય એમ દિવસ દરમ્યાન એને ઍક્ટિવ રાખવાનું હોય. જો મેટાબોલિઝમ ઍક્ટિવ હશે તો એ ફૅટને ઓગાળવાનું કામ કરશે. 

પાણી પીવાની આદત મારી બહુ સારી છે. દિવસ દરમ્યાન હું પાંચેક લિટર પાણી પીતો હોઈશ. મેં એક આદત રાખી છે કે હું જ્યાં પણ જાઉં ત્યારે ઘરનું ખાવાનું સાથે રાખું. મીટિંગ માટે પણ જાઉં અને એવું લાગે કે હું સમયસર પાછો નહીં આવી શકું તો હું ઘરનું ખાવાનું સાથે લઈ લઉં જેથી મારે બહારનું ખાવું ન પડે.

ગોલ્ડન વર્ડ્‍સ
આપણે કહીએ છીએ કે શરીરમાં ભગવાનનો વાસ છે તો પણ આપણે એ શરીરમાં કચરો નાખવાનું ચૂકતા નથી. ધારો કે બહારના ફૂડ વિના તમને ચાલતું ન હોય તો પણ એક ધ્યાન રાખો, ઓવરઈટિંગ ટાળો. તમે પ્રૉપર વર્કઆઉટ કરશો તો પણ ઓવરઈટિંગ તમને એનો બેનિફિટ નહીં લેવા દે.

columnists Rashmin Shah