સાઇક્લિંગ સબ કુછ હૈ મેરે લિએ

02 January, 2023 04:27 PM IST  |  Mumbai | Rashmin Shah

પચાસ કલાકમાં શૉર્ટ ફિલ્મ બનાવીને ઇન્ડિયન ફિલ્મ પ્રોજેક્ટ અંતર્ગત પ્લૅટિનમ અવૉર્ડ જીતનારા રેડિયો જૉકી મોહિત શર્માએ પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તન સાઇક્લિંગને કારણે જોયું છે.

રેડિયો જૉકી મોહિત શર્મા

પચાસ કલાકમાં શૉર્ટ ફિલ્મ બનાવીને ઇન્ડિયન ફિલ્મ પ્રોજેક્ટ અંતર્ગત પ્લૅટિનમ અવૉર્ડ જીતનારા રેડિયો જૉકી મોહિત શર્માએ પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તન સાઇક્લિંગને કારણે જોયું છે. એન્ડ ટીવી પર આવતી સિરિયલ ‘દૂસરી માં’માં સેકન્ડ લીડ કૅરૅક્ટર ભજવી રહેલા આ ઍક્ટરે અનેક લોકોને સાઇક્લિંગ કરતા કર્યા છે

ગોલ્ડન વર્ડ્‍સ
લાઇફમાં સ્ટ્રેસ-ફ્રી રહેવું સૌથી જરૂરી છે અને એ માટે બીજી કોઈ વ્યક્તિ તમને હેલ્પ કરી ન શકે, એ તમારા જ હાથમાં હોય અને તમારે જ તમારા સ્ટ્રેસને દૂર કરવાનું હોય

યુઝ્અલી એક જ પ્રકારની ઍક્ટિવિટી કરતાં હું બહુ જલદી બોર થઈ જતો હોઉં છું. જિમમાં થોડાક દિવસ જાઉં, પછી યોગ કરું. એમાં થાકું એટલે રનિંગ પર ફોકસ કરું. સતત હું મારા ફિટનેસ રેજીમમાં ચેન્જ લાવતો રહેતો હતો. ત્યાં સુધી જ્યાં સુધી સાઇક્લિંગ મારા જીવનમાં નહોતું આવ્યું. 
 
સ્કૂલમાં સાઇક્લિંગ છૂટ્યું એ પછી લૉકડાઉનના એકાદ વર્ષ પહેલાં સાઇકલ લીધી. આમ જ એક્સપરિમેન્ટ માટે પણ પછી ફરી બધાં કામોને લીધે સાઇક્લિંગ છૂટી ગયું હતું. એ પછી લૉકડાઉન આવ્યું અને આઇ કૅન સે, મારી લાઇફ બદલાઈ ગઈ. લૉકડાઉનમાં ધૂળ ખાતી મારી સાઇકલ પરથી ધૂળ હટાવી એક દિવસ વહેલી સવારે મેં એ બહાર કાઢી અને નીકળી પડ્યો સાઇકલની સફરે. બહુ જ પ્રામાણિકતા સાથે કહીશ કે એ પહેલી વાર સૂર્યોદય જોવા માટે સાઇકલ પર શરૂ થયેલી મારી યાત્રા આજ સુધી ચાલે છે. હું અને સાઇકલ જાણે એક જ હોઈએ એ રીતે મારો એની સાથેનો નાતો જોડાઈ ગયો છે. હવે તો હું સાઇકલ સાથે એક્સપલોરર બની ગયો છું. એવી કેટલીયે વસ્તુઓ છે મારા પોતાના જ એરિયામાં જે સાઇકલને કારણે મેં જોઈ છે. જેમ કે મારા જ ઘરની નજીક પહાડ છે, તળાવ છે, પર્વતો છે જેના પર મેં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. મારી આસપાસની એક-એક ગલી સાઇકલ પર મેં જોઈ લીધી છે. 
 
આ પણ વાંચો : હેલ્થ માટે સિરિયસ હોય એવા લોકો સાથે રહેવાથી બહુ ફાયદો થાય છે
 
છે મારો આ જીવન સંદેશ
 
સાઇકલ મને એટલે પણ ગમે છે કે એ તમને તમારી લાઇફ સાથે પરિચિત રાખે છે. સાઇકલમાં જેમ બે પૈડાં પર બૅલૅન્સ રાખીને તમારે મહેનત સાથે એટલે કે પેડલિંગ સાથે આગળ વધવાનું છે. કોઈ એને ચલાવવામાં તમારી મદદ ન કરી શકે. એ જ રીતે જીવન પણ મહેનતથી જ આગળ વધે છે. એ જ રીતે જીવનને ચલાવવા માટે પણ તમારે સંતુલન રાખતાં શીખવું પડે છે. હું જ્યારે સાઇક્લિંગ પર નીકળું ત્યારે એમ લાગતું હોય છે કે હું દુનિયાને એક્સપ્લોર કરવા નીકળ્યો છું અને દુનિયા પણ મને મળવા આતુરતા સાથે ઊભી છે.
 
હું મારી ગલીના નાકે ઊગેલા પેલા ઝાડને પણ મળી શકું છું અને તો સાથે એના પર રહેલાં પક્ષીઓ અને ખિસકોલીમાંથી પણ મને આઇડિયાઝ મળતા હોય છે. 

આ પણ વાંચો : પ્રૉબ્લેમ વિના પરેજી પાળતા થયા તો સમજી લો તમને હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજાયુ
 
ડાયટ પણ એટલી જ જરૂરી
 
હું સાઇક્લિંગ કરતો થયો એનાથી મને ઘણા હેલ્થ બેનિફિટ્સ થયા છે. જેમ કે પેટ અંદર ગયું, મારી એજિલિટી વધી. હું વધારે ક્રીએટિવલી વિચારતો થયો, પણ એની સાથે ઑટોમૅટિકલી ડાયટની બાબતમાં હું સભાન પણ થતો ગયો. જેમ કે હવે હું સાઇક્લિંગ માટે જાઉં ત્યારે સવારે મોટા ભાગે ફ્રૂટ્સ અને રૉ ફૂડ જ ખાઉં છું. પાણી ખૂબ પીવા માંડ્યો. સવારે જ મોટા ભાગે સાઇક્લિંગ પર નીકળતો હોવાથી ફ્રેશ ઍર પણ લઉં છું જેણે મારા લંગ્સની કૅપેસિટી વધારી દીધી છે. મેડિટેશન પણ સાઇક્લિંગમાં મારાથી સહજ થઈ જાય છે. હું દરેકને કહીશ કે સાઇક્લિંગને તમારા જીવનનો હિસ્સો બનાવો. ઇન ફૅક્ટ મેં જયપુરના માય એફએમ નામના રેડિયો સ્ટેશન પરથી જયપુરમાં ડેડિકેટેડ સાઇક્લિંગ પાથ માટે એક અલગ લેન પણ બનાવી હતી. 

સાઇક્લિંગને કારણે હું હેલ્થ અને એન્વાયર્નમેન્ટ એમ બન્નેને લઈને વધુ એટેન્ટિવ થઈ ગયો છું. એક જ ફિટનેસ ઍક્ટિવિટી જુઓ તમારામાં કેવું જોરદાર ટ્રાન્સફૉર્મેશન લાવી શકે છે. જોકે એ પછી પણ જે દિવસે હું સાઇક્લિંગ નથી કરતો એ દિવસે હું અડધો કલાક માટે સૂર્યની સામે બેસી જાઉં છું. ઓમકારનું ચૅન્ટિંગ કરું છું. માત્ર આંખો બંધ કરીને સૂર્યના પ્રકાશમાં જાતને શુદ્ધ કરું.

ઊંઘનો પણ છે નિયમ

હું સવારે વહેલો ઊઠું છું. ઊંઘનો એક ફન્ડા જે હું સમજ્યો છું એ તમને કહીશ. લોકો બહુ જ આઠ કલાકની ઊંઘનું રટણ લગાવતા હોય છે, પણ એવું નથી. જો તમે સાઉન્ડ સ્લીપ લેતા હો તો સાડાપાંચ કલાકની ઊંઘ પણ તમને ઊઠતાંવેંત એવી જ ફ્રેશનેસ આપશે. દિવસમાં શરીરને પૂરતો થાક આપ્યો હશે અને રાતે સૂતા પહેલાં ફોનથી આંખોને થકવી નહીં હોય તો તમને મસ્ત ઊંઘ આવી જશે અને પછી સાડાપાંચ કલાકમાં પણ તમે તમારી ઊંઘ પૂરી કરી શકશો. ઊંઘ કેટલા કલાકની છે એના કરતાં પણ વિક્ષેપરહિત નિદ્રા તમે કેટલી કરી એ વધુ મહત્ત્વનું છે.

columnists Rashmin Shah health tips