24 October, 2022 01:06 PM IST | Mumbai | Rashmin Shah
વૈભવ તત્વાદી
અનેક ફિલ્મો અને વેબ-સિરીઝ કરી ચૂકેલા અને હમણાં સોની-લિવ પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘નિર્મલ પાઠક કી ઘરવાપસી’માં લીડ કૅરૅક્ટર કરનારા વૈભવ તત્વાદી માને છે કે ફિટનેસ માટે માત્ર બૉડી પર કામ કરવાને બદલે મન પર કામ કરો. વૈભવ કહે છે, ‘આખી બૉડીનું સંચાલન મનના હાથમાં હોય ત્યારે તમે એને અવૉઇડ કેવી રીતે કરી શકો?’
ફિટનેસ વિશે વાત શરૂ કરતાં પહેલાં મારે એક વાત કહેવી છે.
ફિટનેસ વિશે આપણે ત્યાં મોટા ભાગના લોકોની જુદી-જુદી વ્યાખ્યા છે. ઘણાને એવું છે કે ફિટનેસ એટલે મસલ્સ બનાવવા, તો ઘણાને મન ફિટનેસ એટલે વેઇટ લૉસ કે વેઇટ ગેઇન કરવું. કેટલાક માને છે કે ફિટનેસ એટલે શરીરને તંદુરસ્ત રાખવું, જેને માટે ઍક્ટિવિટી કરવી અને ડાયટનું ધ્યાન રાખવું, તો અમુક લોકો એવું પણ માને છે કે ફિટનેસ એટલે માત્ર બૉડીની વાત નહીં, માનસિક રીતે પણ તમે સ્વસ્થ હોવા જોઈએ. હું આ જે લોકો છે તેમની સાથે સહમત છું. કારણ કે મનને હેલ્ધી રાખ્યા વિના ક્યારેય બૉડી હેલ્ધી રહે નહીં. મન તો તમારી આખી બૉડી પર કબજો ધરાવે છે એટલે નૅચરલી ફિટનેસ પર જો કામ ચાલુ કરવાનું આવે તો સૌથી પહેલાં તમે કામ મન પર કરજો. હા, એ વાત જુદી છે કે દરેકનું મોટિવેશન અલગ છે અને દરેકનું ફિટનેસ માટેનું કારણ પણ જુદું હોઈ શકે છે, પણ મારી વાત કરું તો ફિટનેસ એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય અને એને માટે શારીરિક અને માનસિક જે કરવું પડે એ કરવાનું.
વાત આગળ વધારતાં પહેલાં કહીશ કે હું હેલ્ધી બનવાની બાબતમાં એક પણ આઉટર-ઇન્ટેકમાં માનતો નથી. સીધા શબ્દોમાં કહું તો હું સ્ટેરૉઇડનો સખત વિરોધી છું. તમને પણ કહીશ કે ક્યારેય એ શૉર્ટકટના રસ્તે ચાલતા નહીં. નેવરએવર. એ સ્ટેરૉઇડ બહુ ખરાબ રિઝલ્ટ આપે છે. હું નામ નહીં આપું, પણ બહુ હેલ્ધી દેખાતા ઍક્ટર્સને થયેલું જે ડૅમેજ છે એ ડૅમેજનું કારણ આ જ સ્ટેરૉઇડ છે.
કુછ અપની બાત હો જાએ...
હું આપણા ટ્રેડિશનલ અખાડામાં થતી એક્સરસાઇઝ કરું છું અને જિમમાં પણ વર્કઆઉટ કરું છું. આ ડબલ ડોઝનું રિઝન એક જ કે મારા કામમાં બૉડી અને એનો શેપ બહુ મહત્ત્વનાં છે. દેશી એક્સરસાઇઝ અને વર્કઆઉટ ઉપરાંત હું ઑલમોસ્ટ દસેક વર્ષથી યોગ અને મેડિટેશન પણ કરું છું.
સવારે જાગીને હું યોગ કરું અને મને એમાં સૌથી વધારે મજા આવે છે, કારણ કે યોગ થકી મારું સ્ટ્રેસ રિલીવ થાય છે, જે હું રીતસર ફીલ કરું છું. યોગ તમને સ્પિરિચ્યુઅલ ફાયદા તો આપે જ છે, પણ એ બૉડી અને માઇન્ડને ફ્લેક્સિબિલિટી અને સ્ટેબિલિટી પણ ખૂબ સરસ આપે છે. બૉડી અને માઇન્ડને એકસાથે વર્કઆઉટ મળતું હોય તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નહીં. અખાડાની એક્સરસાઇઝ અને યોગ પર જ હું મારું કામ ચલાવી શકું, પણ મારા કામને ધ્યાનમાં રાખીને મારે ટ્રેઇનર સાથે જિમમાં વર્કઆઉટ કરવું પડે છે, પણ એનો ઉપયોગ હું સ્પેશ્યલાઇઝ્ડ ટ્રેઇનિંગ માટે વધારે રાખતો હોઉં છું, પણ આગળ કહ્યું એમ, ટ્રેઇનરને મારી બે સૂચના એકદમ સ્પષ્ટ છે; એક એ હું એક પણ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ નહીં લઉં અને પ્રોટીન પણ હું નૅચરલ જ લઈશ.
આપણા ફૂડમાં પ્રોટીન બહુ સરળતાથી મળે છે, જેને માટે નૉન-વેજ ખાવાની પણ જરૂર નથી, એવું પણ હું કહીશ અને એ પણ કહીશ કે પ્રોટીન શેકની પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. હા, તમારે તમારા ફૂડની બાબતમાં અલર્ટ રહેવાનું, બસ.
ફૂડ ઇઝ ફર્સ્ટ અને ધી મોસ્ટ
તમારું ડાયટ જેટલું સિમ્પલ હશે એટલું જ તમે તમારી હેલ્થને સાચવી શકશો. મારી વાત કરું તો મારું ડાયટ બહુ સિમ્પલ છે અને એમાં કોઈ ગેરવાજબી પરેજી નથી. બૉડીને અનુકૂળ આવે એ બધું જ ખાવાનું, પણ કન્ટ્રોલમાં અને એ કન્ટ્રોલ ક્યારેય ભુલાવો ન જોઈએ. હું એવું કરતો હોઉં છું કે મારી ફેવરિટ આઇટમ હું સૌથી છેલ્લે ખાવાનું રાખું, જેથી મૅક્સિમમ મેં રેગ્યુલર ફૂડ લઈ લીધું હોય.
હું બ્રેકફાસ્ટમાં પરોઠાં અને કર્ડ કે રાયતા લઉં તો લંચમાં રોટી, સબ્ઝી હોય. આ ઉપરાંત પ્રોટીન માટે લંચ-ટાઇમમાં હું પનીર, ટોફુ, રાજમા કે ચણા લેવાનું રાખું. આ ઉપરાંત જે પણ સીઝનલ ફ્રૂટ્સ હોય એ પણ દરરોજ લેવાનાં જ લેવાનાં. ડિનરમાં હું કાર્બ્સ અવૉઇડ કરું છું અને એ ઉપરાંત હું ધ્યાન રાખું કે મારું ડિનર રાતે સાત પહેલાં થઈ જાય. ધારો કે કામને કારણે મોડું થાય તો હું ડિનરમાં ફ્રૂટ્સ કે પછી રાઇતાથી સરસ રીતે પેટ ભરી લઉં. પનીર પણ સાથે ખાવાનું રાખું. પનીર મને એમને એમ પણ ભાવે એટલે હું ફ્રિજ પાસેથી પસાર થતી વખતે પનીરનો એકાદ નાનો પીસ લઈને ખાતો રહું છું.
આપણા વડીલો એક વાત કહેતા કે તમારો બ્રેકફાસ્ટ રાજા-મહારાજા જેવો હોવો જોઈએ, તમારું લંચ આમ આદમી જેવું અને તમારું ડિનર ગરીબ માણસના ઘરમાં હોય એવું હોવું જોઈએ. હું આ જ વાતને ફૉલો કરતો રહું છું. લિટરલી, ડિનર મોડું થાય તો હું એ સ્કિપ જ કરી દઉં. ઘણી વાર તો મને બહુ ભૂખ લાગી હોય તો માત્ર અને માત્ર પાણી પીને પેટ ભરી લઉં, પણ રાતે આઠ વાગ્યા પછી ખાવાનું તો ટાળું જ ટાળું.
ગોલ્ડન વડ્સ
અપૂરતી ઊંઘ તમારી બૉડી પર તરત જ વિપરીત અસર દેખાડે છે અને મેટાબોલિઝમ બગાડવાનું કામ કરે છે, માટે હંમેશાં પૂરતી ઊંઘ લેવાનું રાખો.