16 January, 2023 05:44 PM IST | Mumbai | Rashmin Shah
અદનાન ખાન
હું જિમ-વૉર્મ છું એમ કહો તો સો ટકા ચાલે. મને જિમમાં સમય વિતાવવો બહુ જ ગમે. તમે એમ પણ કહી શકો કે જિમ મારી ફેવરિટ ટાઇમપાસ પ્લેસ છે અને એનું કારણ પણ છે. જિમમાંથી મને જબરદસ્ત પૉઝિટિવ વાઇબ્સ મળે છે જે મારામાં પૉઝિટિવ ડોપમાઇન જનરેટ કરે છે. બને કે એ મારામાં જ થતું હોય, પણ પર્સનલી મને લાગે છે કે જેઓ પોતાની ફિટનેસ માટે સજાગ છે એ બધાને એવું જ થતું હશે. એવી વ્યક્તિ માટે જિમ જેવું ફેવરિટ અને જિમ જેટલું પવિત્ર સ્થાન બીજું કોઈ નહીં હોય.
હું લગભગ છેલ્લાં દસેક વર્ષથી વર્કઆઉટ કરું છું અને દિવસમાં એકથી દોઢ કલાક વર્કઆઉટ કરું છું. હા, કામને કારણે મારા શૂટિંગની શિફ્ટ બદલાતી રહે તો એ મુજબ મારો વર્કઆઉટનો સમય બદલાતો રહે છે. શૂટિંગમાં જો સવારની શિફ્ટ હોય તો સાંજે વર્કઆઉટ કરું અને જો મોડી શિફ્ટ હોય તો હું દિવસની શરૂઆત વર્કઆઉટથી જ કરું.
મારા વર્કઆઉટમાં સ્ટ્રેન્થ અને વેઇટ એમ બન્ને વર્કઆઉટ પ્લાન હોય છે. અત્યારે હું સોની ટીવીની ‘કથા અનકહી’માં જે લીડ રોલ કરું છું એ એક મૅચ્યૉર વ્યક્તિનું કૅરૅક્ટર છે, જેમાં મારે થોડું બલ્કી રહેવાનું છે. એ કૅરૅક્ટર માટે મારે સિક્સ-પૅક ઍબ્સ દેખાડવાના નથી એટલે મારા માટે કોર સ્ટ્રેન્થ વર્કઆઉટ વધારે સારું છે એટલે અત્યારે હું એના પર વધારે ફોકસ આપું છું. આ જ રોલ માટે મારું ફૂડ-ઇન્ટેક પણ મેં થોડું વધાર્યું છે. બાકી નૉર્મલી મારું ફૂડ-ઇન્ટેક એટલું હાઈ નથી હોતું, પણ મારે થોડું વજન વધારવા માટે ઇન્ટેક વધારવું પડ્યું છે અને હું ઓવરઈટિંગ કરું છું. જોકે હું તમને લોકોને એક ઍડ્વાઇઝ આપીશ કે ક્યારેય ઓવરઈટિંગ કરવું નહીં. હેલ્થ માટે જેટલું ખરાબ ઓવરઈટિંગ છે એટલી બીજી કોઈ હૅબિટ ખરાબ નથી. તમે કદાચ દિવસમાં એકાદ વાર જન્ક ફૂડ ખાઈ લો તો હજી પણ બૉડી એને મૅનેજ કરી લેશે, પણ ઓવરઈટિંગને મૅનેજ કરવાનું કામ બૉડી માટે અત્યંત અઘરું છે.
વાત કરીએ વર્કઆઉટની
વર્કઆઉટ કરવાના, ફિઝિકલ ઍક્ટિવિટી કરવાના ઘણા ફાયદા છે. એનાથી માઇન્ડ ઍક્ટિવ બને છે તો વર્કઆઉટ બૉડીમાં નૅચરલ વે પર ડોપમાઇન રિલીઝ કરે છે, જે વ્યક્તિને હૅપીનેસ આપે છે. તમને એક ખાસ વાત કહું. મોટિવેશન માટે આ ડોપમાઇન બહુ જરૂરી છે. જો તમે ખુશ ન હો તો જગતનું બેસ્ટ મોટિવેશન પણ સ્વીકારવા રાજી ન રહો.
આ પણ વાંચો : ૧૮ ફ્રૅક્ચર ને ૮ પાંસળી તૂટ્યા બાદ અઢી વર્ષમાં રિકવરી કેવી રીતે થાય?
મારી વાત કરું તો ચારેક વર્ષ પહેલાં મેં કોઈ પણ જાતના સ્ટેરૉઇડ્સ વગર એઇટ-પૅક ઍબ્સ બનાવ્યા હતા. માત્ર ને માત્ર વ્યવસ્થિત વર્કઆઉટ અને ડાયટ-પ્લાન સાથે આ ઍબ્સ બની શકે એ મારે દુનિયાને દેખાડવું હતું અને મેં એ કર્યું. એ વખતે મને સમજાયું કે બૉડીની લિમિટ આપણે જ બહુ ઓછી આંકીએ છીએ. આપણું બૉડી એવાં-એવાં કામ કરવા બન્યું છે જેનો આપણે સપનામાં પણ વિચાર કર્યો નથી. બૉડીને મર્યાદા આપણે આપીએ છીએ અને એની લિમિટેશન આપણે નક્કી કરીએ છીએ.
વર્કઆઉટમાં જો સૌથી અગત્યનું કંઈ હોય તો એ ડિસિપ્લિન છે અને સાથોસાથ હું એ પણ કહીશ કે વર્કઆઉટ પછી આપોઆપ ડેવલપ થતી ડિસિપ્લિન તમે દરેકેદરેક બાબતમાં ફીલ કરી શકો છો. રિલેશન સુધ્ધાંમાં તમને એ ડિસિપ્લિન જોવા મળશે. મારે કહેવું જ રહ્યું કે વર્કઆઉટ રિલેશનને પણ હેલ્થી બનાવવાનું કામ કરે છે, કારણ કે આપણે મોટા ભાગે ત્યારે જ રિલેશન કે વાતચીત અને વ્યવહાર પ્રત્યે બેદરકાર થઈએ છીએ જ્યારે ઇન્ટરનલ લેવલ પર ફિટ નથી હોતા.
વાત હવે આવે છે ફૂડની
આગળ તમને કહ્યું એમ મારું ફૂડ-ઇન્ટેક અત્યારે જુદું છે, કારણ કે હું જે સિરિયલ કરું છું એ કૅરૅક્ટરની એ રિક્વાયરમેન્ટ છે. હવે વાત કરું નૉર્મલની. દિવસ દરમિયાન હું ચાર મીલ લઉં છું, જેમાં મારું પ્રોટીન ઇન્ટેક પ્રૉપર હોય. રૉ વેજિટેબલ્સ અને ઓછામાં ઓછી પ્રોસેસ થયેલું ફૂડ હું વધારે પ્રિફર કરું છું. હા, હું ક્યારેય શુગર લેતો નથી. ફ્રૂટમાંથી જે મળે છે એ ફ્રક્ટોઝ જ હું પ્રિફર કરું છું. ફ્રૂટમાંથી જે શુગર મળે એ નૅચરલ અને બેસ્ટ છે. શુગર સિવાય હું બીજું કશું અવૉઇડ નથી કરતો. મને ભાવે એ બધું ખાવાનું પણ નામ પૂરતું, કહો કે જસ્ટ ટેસ્ટ કરવા માટે લેતા હોઈએ એ રીતે. જ્યારે વેઇટ વધારવાનું હોય ત્યારે હું મને ભાવતી ચીજવસ્તુનો પૂરતો લાભ લઈ લઉં અને બાકીના સમયમાં હું પૂરતો કન્ટ્રોલ રાખું, પણ કહ્યું એમ મન નહીં મારવાનું. ચૉકલેટનું મન થાય તો એક પીસ એનો પણ ખાઉં અને આઇસક્રીમની ઇચ્છા થઈ હોય અને જો એ નૅચરલ ફ્રૂટ આઇસક્રીમ હોય તો એ પણ ટેસ્ટ કરું.
હું સૌને ઍડ્વાઇઝ આપીશ કે જેટલું બને એટલું રૉ ફૂડ ખાવાનું રાખશો તો બૉડીને એનો ફાયદો થશે. બીજું, જન્ક ફૂડ ખાવાનું બિલકુલ ટાળજો. જન્કના નામે આપણે બૉડીમાં કેમિકલ જ ઠાલવીએ છીએ, જે સૌથી વધારે નુકસાન કરે છે.
ગોલ્ડન વર્ડ્સ
નિયમ બનાવીને વર્કઆઉટ શરૂ કરશો તો એ તૂટવાના ચાન્સિસ વધે છે, પણ એને બદલે જો એને લાઇફસ્ટાઇલમાં લઈ આવશો તો એક દિવસ ચોક્કસ એની આદત પડશે.