26 December, 2022 06:34 PM IST | Mumbai | Rashmin Shah
નિખિલ નંદા
આ જ રીતે કુકિંગમાં એક્સપર્ટ બનેલા અવૉર્ડ-વિનિંગ ઑન્ટ્રપ્રનર, પ્રોડ્યુસર, ફિટનેસ ઍન્થુઝિએસ્ટ અને હવે ‘ક્રિમિનલ માઇન્ડ્સ’ વેબ-સિરીઝથી ઍક્ટિંગના ફીલ્ડમાં એન્ટ્રી કરનારા નિખિલ નંદાને ખાવાની બાબતમાં કોઈ ન પહોંચે એમ તે પોતે પણ કહે છે અને એ જ સનાતન સત્ય પણ છે
હા, હું ખાવા માટે જીવું છું એવું કહેવામાં જરાય સંકોચ નહીં થાય મને.
જીવવા માટે ખાઓ છો કે ખાવા માટે જીવો છો આવો પ્રશ્ન મને કોઈ પૂછે તો મને ખરેખર એ બેબુનિયાદ અને સાવ વાહિયાત સવાલ જ લાગે. ઈશ્વરે આટલું બધું સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું છે ત્યારે આવી વાત કરવાની જ શું હોય? પ્રકૃતિ પોતે જ્યારે ઇચ્છે છે કે તમે બધા પ્રકારના સ્વાદની મજા માણો તો આપણે શું કામ જીવવા માટે ખાવાની ઠાવકાઈ દેખાડવાની જરૂર પડે?
હા, અનહેલ્ધી ખોરાક પર કન્ટ્રોલ રાખો તો એ સ્વાસ્થ્ય માટે જ સારી વાત છે, પણ એની સાથોસાથ હું કહીશ કે સ્વાદિષ્ટ ખાવા માટે જીવવું એ જરા પણ ખોટું નથી. હું દરેક પ્રકારના ફૂડને એન્જૉય કરતો રહું છું. મને સમયે ખાવાનું મળી જાય એ મારા માટે બહુ મહત્ત્વનું છે. કૉલેજ-ટાઇમથી કોઈ પણ આઉટિંગના પ્લાનમાં જો ક્યારેક ફૂડ કૉમ્પ્રોમાઇઝ્ડ થતું હોય તો હું ફ્રેન્ડ્સ સાથે રીતસરનો ઝઘડી પડતો. મારી એ વાતો યાદ કરીને આજે પણ અમે બધા મિત્રો ખડખડાટ હસી પડીએ છીએ. એ નિયમ તો જોકે આજે પણ છે જ. હું મારા ફૂડ માટે બધાં કામ પડતાં મૂકી શકું, ખાવાની બાબતમાં જરાય સમય ન લગાડું અને કોઈ બાંધછોડ સુધ્ધાં ન કરું.
આ પણ વાંચો : ગરમાગરમ રોટલી આપો એટલે જાણે સ્વર્ગ મળી ગયું
આ રહ્યા અખતરા અનલિમિટેડ
મારો સીધો અને સરળ નિયમ છે, ખાવાનું સ્વાદિષ્ટ જોઈએ અને એ સમયસર જોઈએ. આ બે નિયમ કદાચ મેં ટીનેજમાં જ બનાવી લીધા હતા અને એટલે જ થોડુંઘણું બનાવતાં હું એ સમયથી જ શીખી ગયો હતો, પણ જાતે ખાવાનું બનાવવાનું નિયમિત ધોરણે મારા ભાગે ત્યારે આવ્યું જ્યારે હું દોઢ વર્ષ માટે એકલો દુબઈમાં રહ્યો.
શાક, રોટલી, દાળ, ભાત અને એ સિવાયનું પણ અઢળક ફૂડ બનાવતો થયો હું એ પિરિયડમાં. આ વાત છે ૧૯૯૨ના અરસાની. એ સમયમાં આજની જેમ યુટ્યુબ કોઈની પાસે નહોતું, કારણ કે સ્માર્ટફોન જ નહોતા આવ્યા. એને લીધે અઢળક વાર વાસણો બાળવાથી લઈને ખાવાનું બગડ્યું હોય એવું બન્યું તો સાથોસાથ એવું પણ બન્યું કે ક્યારેક વધારે પડતા ઘીને કારણે કડાઈમાં આગ લાગી હોય અને ગભરાઈને, ડરના માર્યા મેં પાણી રેડી એ આગ ઓલવી હોય. પણ હા, એ બધા અનુભવના કારણે હું ઘણું શીખ્યો એ મારે કબૂલ કરવું જ રહ્યું. બીજી વાત, જો તમે ભૂલ નહીં કરો તો તમે શીખશો નહીં એ પણ એટલું જ સાચું છે. શીખવા માટે ભૂલ કરવી એ અનિવાર્ય જૉબ છે અને ભૂલ કરવા માટે કામ કરવાની તમારી તૈયારી હોવી જ જોઈએ.
માય વર્લ્ડ ઍન્ડ માય ફેવરિટ
જૅપનીઝ ફૂડ મારું સૌથી ફેવરિટ છે અને એમાં પણ જો કંઈ ખાસ હોય તો એ છે સુશી અને ટેપન્યાકી.
જૅપનીઝ ફૂડની સૌથી મોટામાં મોટી જો કોઈ ખાસિયત હોય તો તે કે એ ટેસ્ટી પણ છે અને એનું મેકિંગ પણ ખાસ્સું હેલ્ધી છે, જે નૉર્મલી બીજાં ક્વિઝીનમાં નથી હોતું. અલબત્ત, જો મને ભૂખ લાગી હોય તો પછી એ સમયે મને કોઈ પણ ફૂડ ચાલે. પણ હા, એક શરતલ, એ ટેસ્ટી હોવું જોઈએ.
ટેસ્ટની વાત નીકળી છે એટલે કહીશ કે આજ સુધી મારી મમ્મીના હાથે બનેલાં પરાઠાં જેવાં પરાઠાં મેં ક્યારેય ક્યાંય નથી ખાધાં. આખી દુનિયાની શ્રેષ્ઠ કૅટેગરીની રેસ્ટોરાંથી લઈને રોડ સાઇડ ઢાબા, એમ દરેક જગ્યાએ પરાંઠાં ટ્રાય કર્યા પછી પણ હું કહીશ અને પૂરા વિશ્વાસ સાથે કહીશ કે પરાંઠાંની બાબતમાં મારી મૉમને કોઈ બીટ નથી કરી શક્યું અને કદાચ ક્યારેય કોઈ કરી નહીં શકે. શાક-દાળમાં વઘારનું કેવું મહત્ત્વ છે અને એનો વઘાર કેમ કરવાનો હોય એની સાચી રીત હું મારી મમ્મી પાસેથી શીખ્યો છું. હું ચૅલેન્જ લગાવીને કહીશ કે મારા ઘરે મારી મૉમના હાથનું જમવા બેસે એ બીજી-ત્રીજી વાર ખાવાનું લેવાથી પોતાની જાતને રેઝિસ્ટ નહીં કરી શકે. આ મારી ગૅરન્ટી છે.
જૅપનીઝ ફૂડ ઉપરાંત જો મારું કોઈ ફેવરિટ ફૂડ હોય તો એ ગુજરાતી ફૂડ છે. હું જ્યારે પણ ફ્રી થાઉં કે મને ઇચ્છા થાય ત્યારે ‘સમ્રાટ’ની ગુજરાતી થાળી ખાવા અચૂક એટલે અચૂક જાઉં. એ લોકો ગુજરાતી થાળીમાં અઢળક વરાઇટી સર્વ કરે છે અને એ બધી વરાઇટી સાથે ખીચડી પણ હોય. મજા પડી જાય અને સાચું કહું તો ગુજરાતી જેટલી ખાવાની શોખીન પ્રજા મેં બીજે ક્યાંય નથી જોઈ.
આ પણ વાંચો : કુકિંગ એક્સપર્ટ નથી છતાં બધું ટેસ્ટી બને એનું સીક્રેટ ખબર છે?
નેવર ફર્ગેટ
દાળ-શાકમાં તડકા એટલે કે વઘારનું ખૂબ મહત્ત્વ છે, જેની બધાની સ્ટાઇલ જુદી હોય છે. તમારી રસોઈનો સ્વાદ આ વઘાર પર નિર્ભર છે એટલે એમાં જરૂરી ચીવટ રાખો અને તમારી સિગ્નેચર સ્ટાઇલ એમાં ઉમેરતા રહો.