27 December, 2022 05:45 PM IST | Mumbai | Rashmin Shah
ઍક્ટ્રેસ ચારુ અસોપા
ચાટ.
મારા માટે દુનિયાનો સૌથી વધુ કીમતી શબ્દ જો કોઈ હોય તો એ છે ‘ચાટ’. ચાટ સાંભળીને જ મારા મોઢામાં પાણી આવી જાય. ચાટ મારા માટે સ્ટ્રેસબસ્ટર છે. મારી એક ફ્રેન્ડને સૅન્ડવિચ માટે એવું જ વળગણ છે. તે મૂડલેસ થાય કે સૅન્ડવિચ મંગાવે અને ખાય. સૅન્ડવિચ ખાધા પછી તેનો મૂડ ફરી પાછો એકદમ સરસ થઈ જાય. મારા માટે આ વાત ચાટ સાથે જોડાયેલી છે. દરેક પ્રકારની ચાટ મારી ફેવરિટ છે ચાહે એ પાણીપૂરી હોય, દહીંપૂરી હોય કે બીજી કોઈ પણ વરાઇટી હોય.
આપણે ત્યાં ક્યાંય પણ તમે ચાટ મળી જશે અને મોટા ભાગે નામ પ્રમાણે ચાટનો ચટપટો સ્વાદ તમને ઓછાવત્તા પ્રમાણમાં સરખો જ મળશે. ચાટની ખૂબી એ છે કે ચાટને તમે હેલ્ધી પણ બનાવી શકો. સ્પ્રાઉટ્સ, મખાના, શિંગ, ચણા, વેજિટેબલ્સ જેવું ઘણું ઉમેરીને તમે એને હેલ્ધી બનાવી શકો અને ચાટનો ટેસ્ટ પણ માણી શકો પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આપણે ત્યાં એવું ભાગ્યે જ બને છે.
વાત મારી પોતાની | નાનપણમાં મેં ભાગ્યે જ કુક કર્યું છે. તમને નવાઈ લાગશે કે મારાં મમ્મી એવાં હતાં કે તેમણે મને ચા બનાવવા પણ રસોડામાં નહોતી આવવા દીધી. મારું ભણવાનું તેમને માટે એટલું મહત્ત્વપૂર્ણ હતું કે તે મને ઘરનું કોઈ કામ કરવા દેતાં નહીં. હા, એક કિસ્સો મને યાદ આવે છે.
ઘરે કોઈ નહોતું એટલે મને થયું કે ચાલો આજે હું બધા માટે કંઈક ખાવાનું બનાવું. નક્કી કરીને મેં ફાઇનલ કર્યું કે હું આજે ભીંડાનું શાક બનાવીશ. ભીંડાને મસ્ત રીતે ફ્રાય કર્યા અને એની સોડમ આખા ઘરમાં પથરાઈ અને એ પછી મેં મારી લાઇફનું સૌથી મોટું બ્લન્ડર માર્યું. ફ્રાય થયેલા એ ભીંડામાં મેં એક ગ્લાસ પાણી નાખી દીધું. મને એમ કે હું મારા ફૅમિલીને સરપ્રાઇઝ આપું અને રસાવાળું ભીંડાનું શાક બનાવું, કારણ કે મેં રસાવાળા ભીંડાનું શાક ક્યારેય જોયું નહોતું.
આ પણ વાંચો : કેટલીયે વાર ખાવાનું બનાવતી વખતે મારાથી કડાઈમાં ભડકો થતો
ભીંડામાં પાણી નાખ્યા પછી જે કંઈ કડાઈમાં થતું હતું એ જોઈને હું તો સાવ મૂંઝાઈ જ ગઈ અને એ પછી પણ મેં તો એમાં મસાલા અને એવું બધું નાખીને કડાઈ ઢાંકી દીધી. મમ્મી ઘરે આવી ત્યારે તેના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. બધું શાક બગડી ગયું.
એ દિવસ પછી મને રસોઈ બનાવવામાં બહુ ડર લાગવા માંડ્યો. જોકે મેં નાટકો તો બહુ કર્યાં છે. મારા ફ્રેન્ડ્સ ઘરે આવવાના હોય તો હું બહારથી ફૂડ મગાવી એ ફૂડ ઘરના વાસણમાં કાઢી લેતી અને પછી એ ફૂડ મેં જ બનાવ્યું છે એવું મજાકમાં કહી દેતી.
આવો પણ લાંબો સમય પસાર કર્યો અને એ પછી પહેલી વાર ખાવાનું મેં મારા હસબન્ડ માટે બનાવ્યું અને એ પણ શીરો. શીરો બનાવવો જરા પણ સહેલો નથી, પણ તમે માનશો નહીં, ખરેખર એ અતિશય ટેસ્ટી બન્યો હતો અને બધાએ હોંશે-હોંશે ખાઈ લીધો. બસ, પત્યું. પહેલા કડવા અનુભવથી મારી હિંમત તૂટી અને આ સુખદ અનુભવથી મારી હિંમત ખૂલી ગઈ અને એ પછી તો હું ફૂડ વ્લૉગર બની ગઈ. આજે તમે મારી યુટ્યુબ ચૅનલ પર અઢળક વરાઇટી જોઈ શકશો. હવે હું બહુ જ ગર્વથી કહીશ કે યસ, આઇ ઍમ અ ગુડ ઍન્ડ ઇન્સ્પાયર્ડ કુક.
મારા માટે બહુ ખાસ છે | ઓવરઑલ, હું નૉર્થ ઇન્ડિયન ફૂડ ખાવાની શોખીન છું. દિલ્હીની ચાટ હોય કે રાજસ્થાની દાલબાટી, બન્ને મને ખૂબ ભાવે. રાજસ્થાનમાં ખાસ્સો સમય રહી છું એટલે નૅચરલી જ મારા માટે એનો સ્વાદ ખાસ છે અને એ આઇટમો બનાવવાનું પણ મારા માટે ઈઝી છે. જોકે જો મને એવું પૂછવામાં આવે કે વર્લ્ડનું બેસ્ટ ફૂડ કયું છે તો મારો જવાબ હોય, મારી મમ્મીના હાથની ફરાળી બટેટાની સબ્ઝી. એ સૂકી સબ્ઝી ન બનાવે.
આ પણ વાંચો : ગરમાગરમ રોટલી આપો એટલે જાણે સ્વર્ગ મળી ગયું
બટેટામાં ટમેટાની ગ્રેવી બનાવે અને સાથે એમાં શિંગદાણાનો ભૂકો નાખે. તમે કલ્પના પણ ન કરી હોય એવો ટેસ્ટ આવે. ખરેખર, હું એ સ્વાદનું તમારી સમક્ષ વર્ણન પણ ન કરી શકું. વ્રતમાં ખવાતી આ સબ્ઝી હું તો બારેય માસ ખાઈ શકું અને મમ્મી પાસે બનાવડાવું પણ ખરી કે મારે એ સબ્ઝી ખાવી છે. એમાં કાંદા અને લસણ ન હોય પણ ટમેટાની ગ્રેવીના કારણે એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે ન પૂછો વાત.
હા, અમુક આઇટમોને બાદ કરતાં મને ગુજરાતી ફૂડ પણ ખૂબ ભાવે. ખાસ તો ગુજરાતીઓ જે નાસ્તા બનાવે છે એ બધા મને ભાવે છે. ફાફડા, ઢોકળાં, પાતરાં, મૂઠિયાં ખાવાનો મને ચાન્સ જ્યારે-જ્યારે મળે ત્યારે વિના સંકોચે હું લઈ લેતી હોઉં છું. મને જે ગુજરાતી આઇટમ ભાવતી નથી એની વાત કરું તો જેમાં શુગરની જરૂર ન હોય એમ છતાં પણ શુગર નાખવામાં આવે છે એ કોઈ આઇટમ ભાવતી નથી. ગુજરાતીઓના ઘરની ચા પણ પીવાનું હું અવૉઇડ કરું છું. એ ચા બહુ ઘટ્ટ હોય છે.