19 January, 2025 07:34 AM IST | Mumbai | Kajal Oza Vaidya
ઇલસ્ટ્રેશન
દત્તુના ખભે હાથ ફેરવી રહેલો રઝાક એક રીતે નિશ્ચિંત હતો. દત્તાત્રેયની સામે તેના લાડકા ભાઈ ચિત્તુના મૃત્યુના સમાચાર કન્ફર્મ કરવાની અઘરી જવાબદારીમાંથી રઝાક છૂટી ગયો એ વાતે તેણે અલ્લાહનો આભાર માન્યો. ચિત્તુ હવે ખરેખર આ દુનિયામાં નથી એ વાત જાણ્યા પછી દત્તાત્રેય નાના બાળકની જેમ રડ્યો. સારુંએવું રડી લીધા પછી તેણે બે હાથ જોડીને રાધાને પૂછ્યું, ‘મને આખી વાત કહે, શું થયું હતું એ રાત્રે? કોણે માર્યો મારા ભાઈને?’
‘માર્યો તેના નસીબે...’ રાધાએ કહ્યું, ‘ભયાનક રાત હતી એ!’
રાધા પોતાની વાત કહેવાનું શરૂ કરે એ પહેલાં રઝાક પૂરી નમ્રતા અને આદર સાથે કરગર્યો, ‘મેં મારું કામ કરી દીધું સરકાર. મારા ભાઈને, બનેવીને...’ તે મૂળ જે કારણે અમદાવાદ ગયો એ વાત રઝાકે યાદ કરાવી.
દત્તાત્રેય ક્ષણભર માટે રઝાક સામે જોઈ રહ્યો. પોતાના પ્રિયજન પર કોઈ અત્યાચાર થાય તો કેવું લાગે એ વાત દત્તુને આ ક્ષણે સમજાઈ હતી. તેણે રઝાકના ખભે હાથ મૂકીને ડોકું ધુણાવ્યું, ‘છોડી દેશે!’ તેણે સધિયારો આપ્યો. ફોન ઉઠાવીને દત્તુએ સાતારાના પોલીસ-અધિકારી સાથે વાત કરી, ‘છોડી દો બધાને...’
‘પણ સાહેબ! બૅન્ક-રૉબરી? એનો તો જવાબ આપવો પડશેને?’ અધિકારીએ પોતાની નોકરી બચાવી.
‘પકડી લો કોઈકને.’ દત્તાત્રેયે કહ્યું, ‘બે દંડા મારીને કબૂલાત કરાવો.’ દત્તુ પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયો, ‘આપણે તેના પરિવારની કાળજી લઈશું એવું વચન આપો.’ તેણે અકળાઈને કહ્યું, ‘કેસ નિપટાવો.’
‘જી સાહેબ.’ પોલીસ-અધિકારીએ કહ્યું. તે જાણતા હતા કે બૅન્ક-રૉબરીનું માસ્ટર માઇન્ડ દત્તાત્રેય છે. આટલી મોટી રકમ દત્તાત્રેય અને તેના માણસોમાં વહેંચાશે અને સાથે પોતાને પણ પોતાનો ભાગ મળી જશે એની તેમને ખાતરી હતી. તેમણે દત્તાત્રેય સાંભળી શકે એટલા જોરથી બૂમ પાડી, ‘સોડો રે... સઘળ્યાંન લા.’ આટલું સાંભળીને રઝાકને નિરાંત થઈ. તેણે દત્તાત્રેયને પગે હાથ લગાવ્યો. દત્તુ ઇમોશનલ થઈ ગયો હતો. તેણે રઝાકના માથે હાથ મૂક્યો, ‘હવે ચિત્તુ તો રહ્યો નથી. ભાઈ ગણો કે સાથીદાર તું જ તો છે!’
‘છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવીશ ભાઈ!’ રઝાકથી કહેવાઈ ગયું.
દત્તાત્રેય ફરી પાછો રાધા તરફ ફર્યો, ‘શું થયું હતું એ રાત્રે?’ તેની આંખો ફરી ભરાઈ આવી, ‘મા-બાપ તો હતાં નહીં... તેના ઉછેરમાં ક્યાંક મેં જ ગરબડ કરી નાખી. બગડી ગયો હતો એની ખબર હતી મને...’ આંખો લૂછતા દત્તાત્રેયે કહ્યું, ‘સમયસર સંભાળી લીધો હોત તો આજે જીવતો હોત.’
‘સૌ સૌનાં કર્મો ભોગવે છે.’ રાધાને સાચા અર્થમાં દત્તાત્રેયની દયા આવી ગઈ, ‘હું ૧૩ વર્ષ જેલમાં રહી... એ મારું કર્મ.’
‘તે... કોને મળવા આવ્યો હતો?’ દત્તાત્રેય જાણવા માગતો હતો કે ચિત્તુને કોણે ફસાવ્યો.
‘મારી દેરાણી મોહિનીને.’ રાધાએ અચકાયા વિના સત્ય કહી નાખ્યું, ‘સાચું કહું તો તમારા ભાઈનો વાંક નથી. મોહિની જ...’ સહેજ થૂંક ગળે ઉતારીને રાધાએ ધીમેથી કહ્યું, ‘તેના જીવનમાં પુરુષોની આવન-જાવન થતી રહી. મારા દિયર પદ્મનાભભાઈ સહેજ...’ શું કહેવું એ ન સૂઝતાં રાધા થોડીક ક્ષણ ચૂપ રહી. પછી તેણે કહ્યું, ‘સહેજ ઢીલા છે અને મોહિની બેફામ...’ રાધા કહેતી રહી, ‘અમારા ગાર્ડની નજર ચુકાવીને એ રાત્રે તમારો ભાઈ અમારા ઘરમાં દાખલ થયો હતો. ગાર્ડને કેવી રીતે ચકમો આપવો એ પણ તેને મોહિનીએ જ સમજાવ્યું હતું. એ રાત્રે પદ્મનાભભાઈ અને શામ્ભવીના બાપુ...’ રાધાએ સહેજ અચકાઈને કહ્યું, ‘મારા પતિ, એક કાર્યક્રમમાં બહાર ગયા હતા. રાત્રે મોડા આવવાના હતા. હું મારી દીકરીને તેની રૂમમાં ઉંઘાડવાનો પ્રયત્ન કરી રહી હતી.’
‘...ને ચિત્તુ પેલીની રૂમમાં ઘૂસ્યો.’ દત્તાત્રેય સમજી ગયો, ‘પછી? તે પકડાયો કેવી રીતે?’
lll
શામ્ભવીના ગયા પછી મોહિની પરસેવે રેબઝેબ થઈને પોતાની રૂમમાં આંટા મારવા લાગી. મોહિની જાણતી હતી કે શામ્ભવી ખૂબ બુદ્ધિશાળી છોકરી હતી. પોતે એક ખોટી સ્ટોરી બનાવીને તેના ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો એમ છતાં શામ્ભવીએ એમાંથી નાનકડો તંતુ પકડીને એ સ્ટોરીને ખોટી સાબિત કરી દીધી એ વાતથી મોહિની છંછેડાઈ ગઈ હતી. ઋતુરાજે તેને ફોન કરવાની ના પાડી દીધી એટલે હવે ચિંતા, સ્ટ્રેસ, ઉશ્કેરાટ કોની સાથે શૅર કરવાં એ મોહિનીને સમજાતું નહોતું. મોહિની આમ પણ નબળા મન અને મગજની વ્યક્તિ હતી. લફરાબાજી તેનો સ્વભાવ હતો, પણ સ્ટ્રેસ કે સમસ્યા ઊભી થાય ત્યારે એ હૅન્ડલ કરી શકવાની મોહિનીની તાકાત નહોતી... તેને પણ હવે એ રાતનાં દૃશ્યો નજર સામે દેખાવા માંડ્યાં! શામ્ભવી તેના સ્વભાવ મુજબ ખણખોદ કરીને જો સત્ય શોધી કાઢશે તો શું થઈ શકે એ વિચારોએ મોહિનીને એટલી બેચેન કરી નાખી કે તે ફરી એક વાર ઋતુરાજને ફોન કર્યા વગર રહી શકી નહીં.
‘સાંભળ...’ મોહિનીનું ગળું સુકાતું હતું. તેણે રડું-રડું થતા અવાજે ઋતુરાજને કહ્યું, ‘શામ્ભવી... ચોક્કસ આપણને પકડી પાડશે.’
‘આપણને નહીં સ્ટુપિડ! તને... તું પકડાઈશ.’ ઋતુરાજનો અવાજ એકદમ તોછડો હતો, ‘મેં તને પહેલાં પણ કહ્યું છે, તારાં બધાં પાપોનો બોજ હું નહીં ઉઠાવું.’ ઋતુરાજ ગાળ બોલ્યો, ‘સાલી રાં...’
‘ઋતુરાજ! જીભ સંભાળ!’ મોહિની ગાળ સાંભળીને ઉશ્કેરાઈ ગઈ, ‘દરેક પાપમાં આપણે ભાગીદાર છીએ જ... યાદ રાખજે, હું તો મરીશ પણ તને લઈને ડૂબીશ.’ તેણે હિંમત કરીને કહી નાખ્યું.
‘મૂર્ખ સ્ત્રી!’ ઋતુરાજ હસી પડ્યો, ‘જા... મર! તું મારું કંઈ નહીં બગાડી શકે.’
‘હું... હું... લલિતભાઈને, મોટાજીને કહી દઈશ કે તું...’
મોહિની આગળ બોલે એ પહેલાં ઋતુરાજે તેની વાત કાપી નાખી, ‘જા, કહી દે, તારે જે કહેવું એ કહી દે. એ ઘરમાં તારી અને મારી ઇમ્પ્રેશન સાવ જુદી છે. હું લલિતભાઈનો દીકરો છું. એ ઘરમાં અને અહીં ઑફિસમાં મારા પર સૌને આંધળો વિશ્વાસ છે. તારાં લફરાં જગજાહેર છે... તારે કારણે એક માણસ મર્યો છે, કમલનાથની પત્નીએ જેલમાં વર્ષો કાઢ્યાં છે, તેમણે સત્તા છોડવી પડી છે... બેમાંથી કોનું માનશે બધા?’
‘મારી પાસે... તારી યું હતું.
-તિ કોચવી રાે્યારેવિરુદ્ધ...’ મોહિની કહેવા માગતી હતી કે તેની પાસે પુરાવા છે, પરંતુ તેને તરત જ સમજાયું કે તેની પાસે એવું કશું જ નથી જેનાથી ઋતુરાજની બેઈમાની કે કમલનાથના પરિવાર સાથે તેણે કરેલી કોઈ પણ ગદ્દારી સાબિત કરી શકે! તે ચૂપ થઈ ગઈ... ઋતુરાજે બિઝનેસમાં ઉચાપત કરીને ખૂબ પૈસા બનાવ્યા હતા, મોહિની સાથેના સંબંધો અને કમલનાથની પહોંચ-વગનો ઉપયોગ કરીને તેણે એવું ઘણું કર્યું હતું જે સાબિત થાય તો ઋતુરાજ કદાચ જીવતો ન રહી શકે; પરંતુ તે ખૂબ સફાઈબંધ રીતે પોતાનું કામ કરતો. પાછળ કોઈ સગડ ન છોડવાની તેની ચીવટને કારણે તે અત્યાર સુધી સલામત રહ્યો હતો! ઋતુરાજ ઉંમરમાં નાનો હતો; પણ એક શેતાની દિમાગ ધરાવતો, ભયાનક બુદ્ધિશાળી છોકરો હતો. તેણે એક તરફ મોહિનીને તો બીજી તરફ પદ્મનાભને પોતાનાં મહોરાં બનાવી દીધાં હતાં. તે પદ્મનાભને તેના જ મોટા ભાઈ વિરુદ્ધ ઉશ્કેરતો, કંપનીમાંથી ઉચાપત કરવા, નાનાં-મોટાં આર્થિક ફ્રૉડ કરવા માટે ચડાવતો, એમાંથી તે પોતાનો કટ કાઢી લેતો. ઋતુરાજને ખાતરી હતી કે જે દિવસે આ ફ્રૉડ કે આર્થિક ગોટાળા પકડાયા એ દિવસે પદ્મનાભ ચૌધરી હોળીનું નારિયેળ બનવાનો છે. તે કૉન્ફિડન્ટ હતો! ઋતુરાજને એ પણ ખાતરી હતી કે કદાચ રેલો તેના સુધી આવશે તો પણ તેના પિતાની વર્ષોની વફાદારી અને ચૌધરી કુટુંબ માટે તેમણે જે કંઈ કર્યું છે એ જોતાં કમલનાથ નાછૂટકે પણ ઋતુરાજને માફ કરી દેશે! ઋતુરાજના પિતા લલિતભાઈ ચૌધરી પરિવારના પુરાણા વફાદાર હતા. કમલનાથ ચૌધરીને જો કોઈ એક જ માણસ પર ભરોસો કરવાનો આવે તો નિશ્ચિતપણે તે લલિતભાઈ પર જ ભરોસો કરે એવું સૌ જાણતા હતા. મોહિનીનાં નાનાં-મોટાં લફરાં, પદ્મનાભે કંપનીમાંથી કરેલી ઉચાપતો અને કમલનાથના જીવનનાં નાનાંમાં નાનાં રહસ્યો લલિતભાઈ પાસે સલામત હતાં. તેમણે પોતાની વફાદારી એ હદે નિભાવી હતી કે કમલનાથ ચૌધરી પોતે લલિતભાઈના ઉપકાર નીચે દબાઈ ગયા હતા.
ઋતુરાજ પચીસેક વર્ષનો હતો ત્યારથી મોહિની વિશે થતી ચર્ચાઓ તેના કાને અથડાતી રહી હતી... ૩૫ વર્ષની મોહિની જે રીતે એક પછી એક પુરુષોના સંબંધમાં સંડોવાતી એની ગૉસિપ સાંભળીને ઋતુરાજને ખૂબ કુતૂહલ થતું. એ પછી ચૌધરી પરિવારમાં જે પ્રૉબ્લેમ્સ થતા એ સૉલ્વ કરવા લલિતભાઈને જ આગળ આવવું પડતું. કમલનાથ રાજકારણી હતા, પ્રધાન હતા. મીડિયામાં કંઈ ઊછળે નહીં, ઘરની ઇજ્જત સચવાઈ જાય એ માટે લલિતભાઈ જે કંઈ કરતા રહ્યા એ જોઈને ઋતુરાજ મોટો થયો. તેને સમજાઈ ગયું હતું કે કમલનાથ માટે તેનો પરિવાર, ખાસ કરીને તેનો ભાઈ સર્વસ્વ હતો. કમલનાથના ભાઈ પદ્મનાભ માટે તેની સૌથી મોટી નબળાઈ હતી તેની પત્ની મોહિની, જેને તે છોડી શકતો નહોતો. એની કિંમત આખો પરિવાર ચૂકવતો રહ્યો છે અને ચૂકવતો રહેશે એ ઋતુરાજ જાણી ગયો હતો.
લલિતભાઈને કારણે ઋતુરાજ માટે ચૌધરી પરિવારનું ઘર હંમેશાં ખુલ્લું હતું. તેણે ભણી લીધું એ પછી કમલનાથે તરત જ ઋતુરાજને કંપનીમાં સારી નોકરી આપી દીધી... ધીરે-ધીરે ઋતુરાજ પોતાની મહેનત, આવડત, કાબેલિયત અને ચાલાકીથી કમલનાથના અંગત વર્તુળમાં ગોઠવાઈ ગયો. શરૂઆતનાં વર્ષોમાં તેને મોહિની પરત્વે કુતૂહલથી વધારે કોઈ રસ નહોતો, પરંતુ ૨૦૧૦ના સપ્ટેમ્બરની એ રાત્રે ઋતુરાજ અચાનક જ ચૌધરી પરિવારના એક એવા રહસ્યનો હિસ્સો બની ગયો કે કમલનાથને હવે ઋતુરાજ ઉપર પણ લલિતભાઈ જેટલો જ ભરોસો પડતો, ને એ પછી ઋતુરાજે મોહિનીને પણ પોતાની આવડત અને દેખાવથી આંજીને માયાજાળમાં લપેટી લીધી. હવે તે ઋતુરાજના મોહમાં એવી તો અટવાઈ હતી કે તેના વગર જીવી શકવાનો વિચાર પણ મોહિનીને હરાવી મૂકતો.
ચિત્તુ એ રાત્રે જ્યારે ચૌધરી રેસિડન્સની ઊંચી દીવાલો અને મર્યાદા ઓળંગીને મોહિનીના રૂમમાં પહોંચ્યો એ પછી જે કંઈ બન્યું એનો સાક્ષી બની ગયેલો ઋતુરાજ. એ રાત્રે ચિત્તુને ‘ચૌધરી રેસિડન્સ’ની બહાર લઈ ગયો, એ રાત્રે કમલનાથ ચૌધરીની જે કંઈ મદદ કરી એ પછી કમલનાથ માટે ઋતુરાજ દીકરા જેવો જ વહાલો અને નિકટની વ્યક્તિ બની ગયો.
જોકે એ રાતનું સૌથી મોટું રહસ્ય જે કોઈ નહોતું જાણતું એ, ઋતુરાજની મુઠ્ઠીમાં બંધ હતું. એ રહસ્ય ઉપર ઋતુરાજ મુસ્તાક હતો. તેની પાસે હુકમનો એક્કો હતો... જે વાત આખા પરિવારમાં કોઈ નહોતું જાણતું એવું એક ભયાનક સત્ય ઋતુરાજે આવનારા કોઈ ખરાબ સમયમાં પોતાના બચાવ માટે વાપરવા માટે સાચવી રાખ્યું હતું.
બીજી તરફ મોહિની સાથેના સંબંધોમાં ઋતુરાજ ફૂંકી-ફૂંકીને પગ મૂકતો. તેને મોહિનીમાં બીજો કોઈ રસ નહોતો. મોહિની તેને માટે ચૌધરી પરિવારની ‘ખબરી’ હતી. તેને બરાબર ખબર હતી કે સેક્સ મોહિનીની નબળાઈ હતું. પોતાનાથી ૧૦-૧૨ વર્ષ નાનો, યુવાન હૅન્ડસમ પુરુષ પથારીમાં મળી રહે એના બદલામાં મોહિની પરિવારની કેટલીક એવી વિગતો ઋતુરાજ સામે ખોલી નાખતી જેનાથી ઋતુરાજનો બહુ મોટો ફાયદો થયા કરતો. તેને માટે મોહિની કોઈ બહુ મહત્ત્વની વ્યક્તિ કે તેની પ્રેમિકા નહોતી, મોહિનીના શારીરિક સંતોષ માટે પોતે પણ એક ‘ટૉય બૉય’ હતો એની ઋતુરાજને બરાબર ખબર હતી. તેમનો સંબંધ લેવડદેવડનો સંબંધ હતો એટલે હમણાં છેલ્લા થોડા વખતથી મોહિની જે રીતે ઋતુરાજ પાસે મદદની અપેક્ષા રાખવા લાગી હતી, તેને જે રીતે બાંધવા-ગૂંગળાવવા લાગી હતી એ વાતે ઋતુરાજ અકળાયો હતો. મોહિનીની બેવકૂફી અને ભય કોઈક દિવસ પોતાને પણ ફસાવી શકે એ સમજણ સાથે ઋતુરાજે ધીરે-ધીરે મોહિનીથી એક અંતર રાખવાનું શરૂ કર્યું હતું. એનાથી મોહિની વધુ ભુરાયી થઈ હતી.
‘શું છે તારી પાસે?’ ઋતુરાજે મજાક ઉડાવી, ‘મારી વિરુદ્ધ પુરાવા છે?’
‘તું મારી સાથે આવું ન કરી શકે...’ મોહિની એકથી વધારે વખત આ કહી ચૂકી હતી, પરંતુ તેને પોતાને એવી ખબર હતી કે ઋતુરાજ શિયાળ જેવો લુચ્ચો અને ચિત્તા જેવો ખુંખાર માણસ હતો. તે પોતાની જાતને બચાવવા અને સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે એમ હતો. તેણે તરત જ મિજાજ બદલીને સહેજ વિનંતીના સૂરમાં કહ્યું, ‘પ્લીઝ! તું તો બધું જાણે છે...’
‘જાણું છું, એટલે જ કહું છું.’ ઋતુરાજે કહ્યું, ‘ચૂપ રહે.’ મોહિની કંઈ કહેવા જતી હતી પરંતુ ઋતુરાજે અંતિમ વાક્ય કહી નાખ્યું, ‘મૂંગી મરીશ તો કોઈ તારું કંઈ નહીં બગાડી શકે, પણ જો જીભડી ચલાવી તો તને ખબર જ છે કે તારું શું થશે!’
સામેના છેડે ફરી એક વાર ફોન કપાઈ ગયો હતો. મોહિની ફરી એક વાર હાથમાં ફોન પકડીને બેવકૂફની જેમ પોતાના રૂમની વચ્ચોવચ ઊભી હતી.
lll
‘દત્તુભાઈ!’ આ સંબોધનથી દત્તાત્રેય અને રઝાક બન્ને ચોંક્યા. રાધાએ સાવ સહજતાથી આ સંબોધન કરી નાખ્યું હતું, પરંતુ એ બન્નેને ખરેખર નવાઈ લાગી, કારણ કે જે સ્ત્રીને કિડનૅપ કરીને અહીં લાવવામાં આવી હતી તેણે કોઈ પણ પ્રકારની કડવાશ વગર દત્તાત્રેયને ‘ભાઈ’ કહીને પોતાની સરળતા બતાવી હતી, ‘ચિત્તુ નાનો હતો, અણસમજુ હતો... કદાચ તમારા પાવરને કારણે તેનામાં એક વિચિત્ર બેફિકરાઈ હતી. તે ન પકડાયો હોત જો તેણે કારણ વગરની હિંમત દેખાડવાનો પ્રયત્ન ન કર્યો હોત તો...’ રાધા કહી રહી હતી, ‘કદાચ તેનું નસીબ ખરાબ હતું. કાર્યક્રમમાંથી બાર વાગ્યે આવવાના હતા એ બન્ને જણ, કમલનાથ અને પદ્મનાભ. પણ દસ વાગ્યે પાછા આવી ગયા... ગાડી જ્યારે કમ્પાઉન્ડમાં પ્રવેશી ત્યારે ચિત્તુ બિચારો... મોહિની સાથે તેના રૂમમાં...’ રાધાએ સહેજ અચકાઈને કહ્યું, ‘તેની પથારીમાં હતો.’
‘મોહિનીનો વર તેના રૂમમાં પહોંચી ગયો, તેણે બન્ને જણને...’ દત્તાત્રેય ઉતાવળો થઈ ગયો.
‘હા! એવું તો થયું જ...’ રાધાના ચહેરા પર એ રાતની ભયાનક સ્મૃતિના ઓળા ઊતરી આવ્યા. તેણે સહેજ દુખી અવાજે કહ્યું, ‘પદ્મનાભે દરવાજા પર ટકોરા માર્યા. મોહિનીના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ચિત્તુ જો એ વખતે ભાગી ગયો હોત ને...’ રાધા ચૂપ થઈ ગઈ.
શું બન્યું હશે એની કલ્પનામાં દત્તાત્રેય પણ થોડીક ક્ષણ ચૂપ રહ્યો. રઝાક સમજી શકતો હતો, કારણ કે તે ચિત્તુને ખૂબ નજીકથી ઓળખતો હતો. ભાઈના પીઠબળનો નશો અને જુવાનીના જોરમાં ચિત્તુ શું કરી શકે એનો રઝાકને અનુભવ હતો. દત્તાત્રેય પ્રતીક્ષા કરતો રહ્યો કે રાધા પોતાની વાત આગળ ચલાવે, પણ તે ચૂપ રહી. દત્તાત્રેયની ધીરજ ખૂટી એટલે તેણે રાધાને પૂછ્યું, ‘એ ભાગ્યો નહીં?’
‘ના!’ રાધાએ કહ્યું, ‘ભાગવાને બદલે ચિત્તુએ પોતે દરવાજો ખોલ્યો.’ આ સાંભળતાં જ દત્તાત્રેયની આંખો પહોળી થઈ ગઈ, ‘ચિત્તુએ મૂર્ખની જેમ પદ્મનાભની સામે મોહિનીનો હાથ પકડીને પોતાના પ્રેમની જાહેરાત કરી...’ રાધાની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. દત્તાત્રેય એ નોંધ્યા વગર ન રહી શક્યો, ‘એ છોકરો તો સાચો હતો. કદાચ સાચે જ મોહિનીના પ્રેમમાં પડી ગયો હતો; પણ મોહિની માટે ચૌધરી પરિવારનું નામ, પૈસા, સગવડ અને પદ્મનાભ જેવો ઢીલો પતિ... તેને આ બધું છોડવું નહોતું.’
‘તો?’ દત્તાત્રેયે પૂછ્યું, ‘તેણે ચિત્તુને ફસાવી દીધો? કહી દીધું કે મારે કોઈ લેવાદેવા નથી એમ જને?’
‘હંમમ્...’ રાધાએ ડોકું ધુણાવ્યું, ‘એટલું જ કર્યું હોત તો પણ કદાચ...’ રાધા ફરી ચૂપ થઈ ગઈ. હવે દત્તાત્રેયની ધીરજ ખૂટી ગઈ. મોહિનીએ એવું શું કર્યું જેનાથી ચિત્તુએ જીવ ખોયો એ વાત જાણી લેવા માટે દત્તાત્રેય બેબાકળો થઈ ગયો હતો.
(ક્રમશઃ)