રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૬)

29 December, 2024 08:10 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

રઝાકે બધા અંકોડા મનોમન ગોઠવ્યા. એ પછી તેણે દત્તુભાઉને ફોન કર્યો. બન્ને વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી વાતચીત થઈ. દત્તુભાઉએ આખી વાત સમજવાનો પ્રયત્ન કર્યો.

ઇલસ્ટ્રેશન

રઝાકે બધા અંકોડા મનોમન ગોઠવ્યા. એ પછી તેણે દત્તુભાઉને ફોન કર્યો. બન્ને વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી વાતચીત થઈ. દત્તુભાઉએ આખી વાત સમજવાનો પ્રયત્ન કર્યો. પછી તેમણે રઝાકને પૂછ્યું, ‘જીવંત આહે કિ યા લોકાંદ્વારે મારલે ગેલે માઝા ભાઉ?’

‘ખોટો દિલાસો નહીં આપું સાહેબ.’ રઝાકે હિંમત ભેગી કરીને કહી દીધું, ‘હું માનું છું ત્યાં સુધી એ રાત્રે જ...’ તેણે ઊંડો શ્વાસ લીધો, ‘કે પછી હૉસ્પિટલ સુધી પહોંચાડ્યા પછી ત્યાં...’

‘ના!’ દત્તાત્રેયના અવાજમાં હવે તલવારની ધાર નીકળી આવી, ‘આ લોકોએ ચિત્તુને હૉસ્પિટલ પહોંચવા જ નહીં દીધો હોય. ઘરમાં જ કાસળ કાઢી નાખ્યું મારા ભાઈનું.’ દત્તાત્રેયનો અવાજ હવે ઠંડો અને નિષ્ઠુર થઈ ગયો, ‘ખતમ કરો આખા પરિવારને.’

‘વાત સાંભળો સાહેબ.’ રઝાક પ્રમાણમાં સંતુલિત હતો. તેને દત્તાત્રેયનો સ્વભાવ અને પ્રકૃતિ બન્ને બરોબર સમજાતાં. ઉશ્કેરાટમાં આખા પરિવારને મારી નાખવાનો હુકમ આપે તો એક્સ હોમ મિનિસ્ટર અને આવડા મોટા માણસના ખૂનનું પગેરું દત્તાત્રેય સુધી પહોંચ્યા વગર રહે નહીં એટલું રઝાકને અત્યારે સમજાતું હતું. તેણે એ જ વાત દત્તાત્રેયને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘એમ મારી ન નખાય. આપણે પહેલાં જાણવું પડે... શું થયું, કેમ થયું...’ દત્તાત્રેય નહીં સમજે એવું જાણવા છતાં તેણે જરાક કુનેહથી કહ્યું, ‘એક ટકો પણ કદાચ ચિત્તુ જીવતો હોય તો એની માહિતી આ લોકો પાસે જ હશેને?’

‘તો ઉઠાવી લો...’ દત્તાત્રેય છેલ્લી પાટલીએ બેસનારો માણસ હતો. એમ ઉશ્કેરાટમાં કોઈ પણ પગલું ન ભરાય એ વાત દત્તાત્રેયને સમજાવવાનું કામ આટલાં વર્ષોથી રઝાક જ કરતો.

‘સાહેબ! આપણે ઉઠાવી તો લઈએ...’ રઝાકના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, ‘પણ કોને?’ તેણે પૂછ્યું, ‘એક એવી બાઈને જે મરી જ ગઈ છે?’

‘એટલે?’ દત્તાત્રેય જરા જાડી બુદ્ધિનો હતો. તેને સમજાયું નહીં.

‘એટલે એમ કે કમલનાથ ચૌધરીની બૈરી છેલ્લાં કેટલાંય વર્ષોથી જેલમાં લપાઈને બેઠી છે. કોઈ જાણતું નહોતું. વિચારવાની વાત એ છે કે તે જેલમાં છુપાઈને કેમ બેઠી હતી? જોકે તેની છોકરીને ખબર પડી ગઈ છે. તે માને છોડાવવા મથે છે એટલે હવે તેને જેલમાંથી ટ્રાન્સફર કરવાના છે...’ રઝાકે કહ્યું. આ માહિતી તેને મહિલા જેલ-સુપરિન્ટેન્ડેન્ટ સંગીતા ચૌધરીએ આપી હતી. જયરાજે જે ક્ષણે રઝાકને જડીબહેન પાસેથી લાવેલી માહિતી આપી એ ક્ષણે રઝાક સમજી ગયો કે કમલનાથ ચૌધરીની પત્ની મરી નથી, તેને ક્યાંક છુપાવવામાં આવી છે. ધીરે-ધીરે પગેરું કાઢતાં થોડા જ કલાકની અંદર રઝાકને માહિતી મળી ગઈ કે રાધા ચૌધરી જેલમાં છે.

તેણે જૂની ઓળખાણે સંગીતા ચૌધરીનો સંપર્ક સાધ્યો. ૫૦,૦૦૦ રૂપિયાની લાંચના બદલામાં સંગીતા ચૌધરીએ બધી માહિતી આપી દીધી. રઝાક ગેલમાં આવી ગયો. હવે શું કરવું એની તેને બરાબર ખબર હતી. પૂરેપૂરો પ્લાન બનાવીને પછી જ તેણે દત્તાત્રેયને ફોન કર્યો હતો.

‘પકડી લાવો તેને.’ દત્તાત્રેય આખી વાત સાંભળ્યા પછી એટલું જ કહી શક્યો. તેનું મન પણ ખૂબ જ વ્યથિત હતું. અત્યાર સુધી તે એક જ આશા પર જીવતો હતો કે અમદાવાદ ગયેલો ચિત્તુ અંતે મલેશિયા, દુબઈ કે અમેરિકામાંથી જડી આવશે. જોકે આટલાં વર્ષ સુધી તે છુપાયેલો રહે, રહી શકે એ વાત માનવા તેનું મગજ કે લૉજિક તૈયાર નહોતાં; પણ એક ભાઈનું મન અને પિતાનું હૃદય હજી ચિત્તુની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.

રઝાકે આપેલી માહિતી પછી આ પ્રતીક્ષા પર રાખ ફરી વળી હતી. ચિત્તુ આ દુનિયામાં નથી એ જાણ્યા પછી દત્તાત્રેયનું દિલ તો તૂટ્યું જ, પણ જે લોકોએ તેને મારી નાખ્યો તેમને જડમૂળથી ખતમ કરવા પણ તેનું લોહી ઊકળી રહ્યું હતું. તેનું ચાલ્યું હોત તો બે-ચાર માણસ લઈને AK-47 સાથે તે ફાર્મહાઉસમાં ઘૂસી ગયો હોત અને જે દેખાય તેમને ઠાર કર્યા હોત... પરંતુ દત્તાત્રેય શંકરરાવ મોહિતે એક MLA હતો, હવે તેને આ પોસાય એમ નહોતું!

રઝાકની વાત માન્યા વગર તેની પાસે છૂટકો નહોતો. એ રાત્રે જે કંઈ બન્યું હશે એની રજેરજ વિગત આ બાઈ પાસે હશે, હોવી જોઈએ એ વાતે દત્તાત્રેય માની ગયો એટલે તેણે અમદાવાદથી રાધા ચૌધરીને પકડી લાવવાના રઝાકના સૂચન પર મહોર મારી દીધી.

lll

‘એમ કેવી રીતે કોઈ લઈ જાય?’ હોઠ પર આવેલી ગાળ કમલનાથે શાલીનતાથી પાછી ધકેલી દીધી, ‘મેં તને ગાડીનો નંબર અને બધી ડીટેલ ફૉર્વર્ડ કરી હતી એ પછી પણ તેં...’ કમલનાથ ખૂબ ગુસ્સે થયા હતા. સાથે જ તેમને રાધાની ચિંતા થઈ રહી હતી, ‘સોલંકી! તમે જાણો છો! ચારે બાજુ દુશ્મનો છે, પરંતુ રાધા અહીં છે એવું જાણનારા માણસો તો બહુ જ ઓછા છે...’ કમલનાથ ઊભા થઈને સોલંકીની કૅબિનમાં આંટા મારવા માંડ્યા, ‘રાધાને કોઈ પણ રીતે શોધવી પડે.’ તેમણે લગભગ સ્વગત કહ્યું, ‘તેણે ૧૩ વર્ષનો વનવાસ ભોગવ્યો છે. મારા સુખ માટે, મારી પ્રતિષ્ઠા માટે ચૂપચાપ અહીં રહીને તેણે પોતાની જિંદગીનું, સુખનું બલિદાન આપ્યું છે.’ કમલનાથ ગળગળા થઈ ગયા, ‘સોલંકી આ વાત બહાર ન જવી જોઈએ... કોઈ પણ રીતે રાધાને શોધીને આપણી પલાળા જેલમાં પહોંચાડવી પડે.’ સોલંકી વિચારોમાં ખોવાયેલો હતો. તેના નાક નીચે બનેલી ઘટના વિશે કદાચ સરકારમાં કોઈને ખબર નહીં પડે, પરંતુ આ તેની કારકિર્દીનો સૌથી મોટો ધબ્બો હતો. સોલંકી કોઈ પણ રીતે પોતાની ઊજળી કારકિર્દી પરનો આ ધબ્બો મિટાવવા કટિબદ્ધ હતો.

‘સાહેબ, CCTV કૅમેરાનાં ફુટેજમાં નંબર તો મળી જશે.’ તેણે કહ્યું.

તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જેલનો એક સંત્રી ઊતરેલા મોઢે દાખલ થયો, ‘સાહેબ...’ સંત્રી સંકોચાતો હતો. કમલનાથની સામે જોઈને તેણે નજર ઝુકાવી દીધી.

‘શું થયું?’ સોલંકીએ પૂછ્યું, ‘નંબર મળ્યો કે નહીં?’

‘સાહેબ, નંબરપ્લેટ તો છે, પણ એવો કોઈ નંબર કોઈ પણ RTOમાં રજિસ્ટર્ડ જ નથી.’

‘હેં?’ કમલનાથ સંત્રીની નજીક દોડી ગયા, ‘એટલે?’ તેમણે પૂછ્યું.

‘એટલે...’ સંત્રી સંકોચાયો, ‘આખી નંબરપ્લેટ જ કૉમ્બિનેશનમાં બનાવેલી હતી. ખોટી સિરીઝ સાથે ખોટો નંબર... એવો કોઈ નંબર આખા દેશમાં ઇશ્યુ નથી થયો સર...’ સંત્રીએ સલામ કરી.

‘હવે?’ કમલનાથે પૂછ્યું, ‘આપણો એકમાત્ર સુરાગ, તપાસની શરૂઆત કરવાનો દરવાજો બંધ થઈ ગયો.’ કમલનાથ નિરાશ થઈ ગયા.

‘તમે ચિંતા ન કરો, સર.’ સોલંકી જાણે પોતાની જાતને જ આશ્વાસન આપતો હોય એમ કહ્યું, ‘આપણે મૅડમને શોધી કાઢીશું.’ કમલનાથ તેની સામે જોઈ રહ્યા. ગાડીના નંબર વગર, ફક્ત સ્વિફ્ટના મૉડલ પરથી જેલની બહાર નીકળી ગયેલી રાધાનું પગેરું કેમ કાઢવું એ વિશે કમલનાથનું મન જાતજાતની ગણતરીઓ કરી રહ્યું હતું.

lll

બીજી તરફ ગાડીમાં બેસીને નિરાંત જીવે જઈ રહેલી રાધાને કલ્પના પણ નહોતી કે તેને લેવા આવનારી ગાડી તો તેના નીકળી ગયા પછી પહોંચી હતી! લગભગ વીસેક મિનિટ પછી રાધાએ પૂછ્યું, ‘પલાળા કેટલે દૂર છે?’

‘આપણે પલાળા નથી જઈ રહ્યા.’ ગાડી ચલાવનારા માણસે રિઅરવ્યુ મિરર ઍડ્જસ્ટ કરીને પાછળ બેઠેલી રાધા તરફ જોયું, ‘આપણે સાતારા જઈ રહ્યા છીએ.’ ૨૫-૨૬ વર્ષના તે છોકરાના ચહેરા પર ઘાટી દાઢી હતી. તેના વાળ કાનથી નીચે સુધી લાંબા હતા. તેની ગરદનને ઢાંકીને એ વાળ લગભગ પીઠને સ્પર્શે એવી રીતે સીધા ઓળેલા હતા. તેણે એક કાનમાં નાનકડી એક નંગની બુટ્ટી પહેરી હતી. કપાળ પર લાલ રંગનું તિલક હતું. તેના જમણા હાથના કાંડે તેણે રૂમાલ બાંધ્યો હતો. ડાબા હાથમાં લેધરના પટ્ટા સાથે ઘડિયાળ પહેરી હતી. ઑફ-વાઇટ જેવો ઝભ્ભો અને જીન્સ પહેરેલા તે માણસે સ્મિત કર્યું. તેના ચોખ્ખા દાંત અરીસામાં રાધાને દેખાયા, ‘પ્લાન ચેન્જ.’ તેણે સ્મિત સમેટી લીધું.

‘વૉટ?’ અત્યાર સુધી આરામથી બેઠેલી રાધા સાવધ થઈ ગઈ, ‘સાતારાની કોઈ વાત જ નથી થઈ. સાહેબે કહ્યું હતું કે...’

‘સાહેબ!’ ગાડી ચલાવી રહેલો માણસ હસ્યો, ‘તમારા સાહેબ અને અમારા સાહેબ જુદા છે. તમારા સાહેબે મોકલેલી ગાડીની પહેલાં જ અમારા સાહેબે મોકલેલી ગાડી લઈને હું પહોંચી ગયો... હવે તમે અમારા સાહેબ પાસે પહોંચશો.’ 

‘તમારા સાહેબ? કોણ?’ રાધાએ પૂછ્યું, ‘તમને ખબર છે તમે કોની સાથે...’

‘ખબર પડી પછી તો આ બધી રમત રમવી પડી.’ ગાડી ચલાવી રહેલા માણસનો અવાજ બદલાઈ ગયો, ‘૧૩ વર્ષ સુધી અમને ખબર જ ન પડી.’ તેના અવાજમાં સહેજ ભીનાશ ઊતરી આવી, ‘અમે શોધતા રહ્યા કે અમારો ચિત્તુ ગયો ક્યાં? પણ...’

‘કક... કોણ ચિત્તુ?’ રાધાની આંખો બદલાઈ ગઈ. તેણે તેના પટારામાં રહેલી રિવૉલ્વર કાઢવા માટે ચાલાકીથી પટારો ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો. રિઅરવ્યુમાં જોઈ રહેલા માણસનું પૂરેપૂરું ધ્યાન રાધા પર હતું. તેણે રાધાની હિલચાલ જોઈ. ગાડીના સ્ટીઅરિંગને ઝટકા સાથે રાઇટ-લેફ્ટ કરીને તેણે ગાડીને હીંચકાની જેમ ઝુલાવી. ગાડીની સાથે રાધા પણ એકથી બીજી તરફ ફંગોળાઈ. તેનો પટારો પણ તેની સાથે જ આગળ-પાછળ થયો. ગાડી ચલાવનારા માણસે જોરથી બ્રેક મારી. રાધાનું માથું આગળની સીટમાં અથડાયું.

‘આન્ટી... ગાડીમાં આરામથી ચૂપચાપ બેસો. ચાલાકી કરવાની ટ્રાય કરશોને તો મારે પણ કડક થવું પડશે.’ 

‘તમે છો કોણ અને મને સાતારા કેમ લઈ જાઓ છો?’ રાધાએ પૂછ્યું.

‘હું?!’ તે હસ્યો. તેના ચોખ્ખા દાંત રાધાને રિઅરવ્યુમાં દેખાયા, ‘હું સાહેબનો હનુમાન છું. તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું એ જ મારા જીવનનું ધ્યેય છે.’ તે છોકરાના ગુજરાતીમાં મરાઠીની છાંટ હતી, પણ તે વાત ગુજરાતીમાં જ કરી રહ્યો હતો.

‘સાહેબ કોણ છે?’ રાધાએ ઉશ્કેરાઈને પૂછ્યું.

‘સાહેબ...’ તે છોકરો ફરી હસ્યો, ‘સાહેબ સૌના ભગવાન છે. મારા જેવા કેટલાય છોકરાઓની જિંદગી સુધારી છે તેમણે. તમે મળશો એટલે સમજાશે...’

‘પણ, મારે શું કામ મળવું પડે?’

‘કારણ કે સાહેબને ૧૩ વર્ષથી જે સવાલ પજવે છે એનો જવાબ ફક્ત તમારી પાસે છે.’ કહેતાં-કહેતાં તે છોકરાના અવાજમાં સહેજ દુઃખ અને પીડા ભળી ગયાં, ‘એક રીતે જોવા જાઓ તો સાહેબનો જીવ તમારી મુઠ્ઠીમાં છે.’ તેણે કહ્યું, ‘સાહેબને મળો, મુઠ્ઠી ખોલો... સાહેબને જવાબ આપો અને તમે છુટ્ટા.’

‘શેનો જવાબ?’ રાધા કશું સમજી શકતી નહોતી. તે વધુ ને વધુ ગૂંચવાતી, અકળાતી જતી હતી.

‘સાહેબની જાન, તેનો નાનો ભાઈ... ચિત્તુ!’ પેલા છોકરાએ કહ્યું.

‘અરે કોણ ચિત્તુ? હું કોઈ ચિત્તુને નથી ઓળખતી...’ રાધાએ કહ્યું.

‘તે તમારા ઘરમાં આવ્યો હતો. આજથી ૧૩ વર્ષ પહેલાં રાત્રે. પછી કોઈએ તેને બહાર નીકળતો નથી જોયો...’ આટલું સાંભળતાં જ રાધાના હાથ-પગ ઠંડા થઈ ગયા. અત્યાર સુધીનો બધો જ ઉશ્કેરાટ કોઈ ઊભરાની જેમ શમી ગયો, ‘ચિત્તુ ક્યાં છે એની તમને જ ખબર છે.’ તે છોકરાએ કહ્યું.

‘મને... મને નથી ખબર.’ રાધાએ કહ્યું, પણ તેના અવાજમાં હવે ભય હતો. છોકરાને એ ભય સંભળાયો.

‘તમને નથી ખબર... તો પછી તમે જીવતાં છો એમ છતાં તમારા ઘરમાં તમારો ફોટો કેમ લટકે છે?’ આ છોકરા પાસે પૂરેપૂરું હોમવર્ક હતું, ‘તમે જીવતાં છો એમ છતાં તમે તમારા ઘરમાં નથી રહેતાં અને કોઈ ગુના વગર જેલમાં રહો છો...’ તેણે સહેજ ડોકું પાછળ ફેરવ્યું, ‘કેમ આન્ટી? આવડું મોટું ઘર, આવો પતિ અને આટલો સુખી પરિવાર હોવા છતાં કોઈને જેલમાં રહેવાનો શોખ તો ન જ હોયને?’

‘હું... હું...’  રાધાને જવાબ સૂઝ્યો નહીં.

‘મને ખબર છે. તમને ક્યાંય પણ રાખે તો શોધી કાઢવા સહેલાં છે. જેમ મેં આજે તમને પકડી લીધાં એમ... પણ જેલ એક એવી જગ્યા છે જ્યાં તમે સૌથી સેફ હતાં.’ ગાડી ચલાવી રહેલા તે છોકરાના ચહેરા પર વારંવાર સ્મિત આવી જતું, ‘તમારા વરની બુદ્ધિને સલામ કરવી પડે. તમને મરેલાં જાહેર કરીને તમારો જીવ બચાવી લીધો.’

‘જુઓ...’ રાધાએ બન્ને હાથે આગળની સીટ પકડી લીધી. તે પાછળની સીટ પર, એકદમ ધાર પર આવી ગઈ. તેણે તે છોકરાની નજીક પોતાનો ચહેરો લઈ જઈને કહ્યું, ‘તમને કોઈ ગેરસમજ થઈ છે.’

‘ગેરસમજ?’ તે છોકરો ફરી હસ્યો, ‘હજી હમણાં તો સમજ પડી છે. રઝાકભાઈ ન હોત તો આ આખું કોકડું ઉકેલવું શક્ય જ નહોતું...’ તેણે કહ્યું, ‘એ રાત્રે ચિત્તુને તમારા ઘરમાં દાખલ થતાં રઝાકભાઈએ જોયો હતો. મને રઝાકભાઈએ આખી વાત કરી છે. છેક સાતારાથી તમને લેવા માટે આવ્યો છું હું. ગઈ કાલનો નીકળ્યો છું. આપણે છેક અડધી રાત્રે પહોંચીશું... સળંગ ગાડી ચલાવી છે મેં.’ તેણે સહેજ અટકીને કહ્યું, ‘તમારા માટે.’

‘મારા માટે?’ રાધાના મનમાં હવે ધીમે-ધીમે પરિસ્થિતિ ગોઠવાવા લાગી. આ છોકરાને કોઈ પણ રીતે ગાડી રોકવા સમજાવવો પડે. ગાડી અટકે તો વૉશરૂમમાં જઈને એક ફોન કરી શકાય. એ ફોન જ હવે રાધાને બચાવી શકે એમ હતો. ફોન પટારામાં હતો. પટારો ખોલવા જતાં પકડાઈ જવાની પૂરી સંભાવના હતી. રાધા બહુ ચાલાક નહોતી. તેના માટે આ માણસને છેતરવો સરળ નહોતો. તે પેંતરા વિચારતી રહી, પણ તેને કંઈ સૂઝ્યું નહીં. અંતે તેણે ધીમેથી કહ્યું, ‘મારે વૉશરૂમ જવું છે.’

‘દુનિયાનું સૌથી જૂનું બહાનું છે આ.’ તે છોકરો ધાર્યા કરતાં ચાલાક હતો. તે હસ્યો, ‘જાણો છો કે હું ના નહીં પાડી શકું.’ તે પાંચ-સાત મિનિટ ગાડી ચલાવતો રહ્યો. દરમ્યાનમાં તેનો ચહેરો ગંભીર થઈ ગયો. રાધા પણ વિચારતી રહી કે પટારો ખોલ્યા વગર ફોન નહીં નીકળે ને ફોન હાથમાં નહીં આવે તો... અચાનક ગાડી એકઝટકા સાથે ઊભી રહી. રાધાના વિચારોની શૃંખલા તૂટી ગઈ, ‘આન્ટી, બાથરૂમ.’ પેલા છોકરાએ કહ્યું. હાઇવે રેસ્ટોરાંના એક ફૂડ-મૉલની બહાર તેણે ગાડી ઊભી રાખી હતી.

‘થૅન્ક યુ.’ કહીને રાધા ઊતરી. પટારો લેવાનો અર્થ નથી એ તેને સમજાઈ ગયું હતું. તે ધીમા પગલે વૉશરૂમ તરફ જવા લાગી. તેણે પાછળ ફરીને જોયું. છોકરાએ સ્મિત કર્યું. સામે સ્મિત કરીને રાધા વૉશરૂમમાં દાખલ થઈ ગઈ. તેનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. કપાળે પરસેવો વળી ગયો. પોતે કિડનૅપ થઈ ગઈ છે એ સમાચાર કોઈ પણ રીતે કમલનાથ સુધી પહોંચાડવા જોઈએ, પરંતુ કેવી રીતે એ તેને સમજાતું નહોતું. ત્યાં જ તેની નજર વૉશરૂમમાં બેઠેલી સફાઈ-કામદાર તરફ પડી. રાધાએ તેની નજીક જઈને કહ્યું, ‘બે મિનિટ માટે તમારો ફોન આપશો?’ તે બાઈ રાધા સામે જોઈ રહી. ‘પાંચસો રૂપિયા આપીશ.’ રાધાએ પોતાની મુઠ્ઠીમાં પકડેલા પાંચસો રૂપિયા બતાવ્યા. તેણે ઊતરતી વખતે પોતાની નાનકડી પર્સમાંથી એક નોટ જોયા વગર સરકાવી હતી. એ સદ્નસીબે પાંચસોની નોટ નીકળી!

‘કંઈ ગરબડ તો નથીને?’ સફાઈ-કામદાર બાઈ જમાનાની ખાધેલ હતી. ૫૦-૫૨ની ઉંમરે પહોંચેલી તે બાઈને સ્વાભાવિક રીતે જ નવાઈ લાગી, ‘એક ફોન કરવા માટે કોઈ પાંચસો રૂપિયા ન આપે.’

‘મજબૂરી છે.’ રાધાએ કહ્યું, ‘તમને કોઈ તકલીફ નહીં પડે. વચન આપું છું.’ કહીને તેણે ઉમેર્યું, ‘બીજા પૈસા પણ મળશે.’

‘કોને ફોન કરવો છે?’ બાઈએ પોતાનો નાનકડો નોકિયા ફોન રાધા તરફ લંબાવ્યો.

‘મારા હસબન્ડને.’ રાધાએ કહ્યું, ‘એક પ્રૉબ્લેમ થઈ ગયો છે...’

તે બાઈએ હજી ફોન પોતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યો હતો, ‘તમારી પાસે ફોન નથી?’

‘છે... પણ ગાડીમાં છે.’ અંતે રાધાએ ઘટસ્ફોટ કરી નાખ્યો, ‘મને કિડનૅપ કરી છે. મારે મારા વરને સમાચાર આપવા છે. પ્લીઝ, મારી મદદ કરો. તમને હાથ જોડું છું.’ રાધાએ કહ્યું. બરાબર એ જ વખતે બે સ્ત્રીઓ વૉશરૂમમાં દાખલ થઈ. બાઈએ ઝાઝું વિચાર્યા વગર રાધાના હાથમાંથી પાંચસો લઈને તેને ફોન આપી દીધો. પછી આંખથી ઇશારો કરીને બાથરૂમની અંદર જઈને વાત કરવાનું સૂચન કર્યું. રાધા સૂચન સમજી અને બાથરૂમમાં દાખલ થઈ ગઈ.

(ક્રમશ:)

columnists kajal oza vaidya mumbai gujarati mid-day exclusive