રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ 2)

30 June, 2024 07:01 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

આખી વાર્તા વાંચો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ન્યુ યૉર્કથી દુબઈ થઈને અમદાવાદ પહોંચેલી ફ્લાઇટમાંથી ઊતરીને બહાર આવી રહેલા મુસાફરો તરફ કમલનાથ મટકુંય માર્યા વગર જોઈ રહ્યા હતા. તેમની સાથે ઊભેલું બૉડીગાર્ડ્‍સનું ટોળું પણ હાથમાં શામ્ભવીનાં ફેવરિટ ઑર્કિડનાં ફૂલોનો ગુલદસ્તો અને ચૉકલેટનું પૅકેટ લઈને ‘બેબી’ની પ્રતીક્ષા કરી રહ્યું હતું. થોડે દૂર ઊભેલો શિવ હજી કમલનાથની નજરે નહોતો ચડ્યો. તેની નજર પણ ઍરપોર્ટના એક્ઝિટ ગેટમાંથી બહાર આવતા લોકો તરફ જ હતી. તેમની સાથે ઊભેલા પદ્મનાભ અને મોહિની પણ ઉત્સુકતાથી શામ્ભવીની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. 
અચાનક કમલનાથના ચહેરા પર એકદમ ઝળાંહળાં સ્મિત રેલાયું. ટ્રૉલીને ધક્કો મારતી એક છોકરી ફાટેલા જીન્સ, એકદમ લૂઝ ટૉપ અને તેના વિખરાયેલા વાળ સાથે બહાર આવી રહી હતી. તેણે કમલનાથજીને જોયા. સ્મિત કરીને પોતાનો હાથ ઊંચો કરીને પિતા તરફ વેવ કર્યું, પરંતુ તેની દૃષ્ટિ સામે ઊભેલા ટોળામાં કોઈકને શોધી રહી હતી. તેણે શિવને જોયો... તે લગભગ દોડી. ટ્રૉલીને ધક્કો મારતી તેણે રેલિંગ વટાવી, બહાર નીકળવાના વળાંક પાસે ઊભેલા શિવને જોઈને તેણે ટ્રૉલી છોડી દીધી. બન્ને હાથ પહોળા કરીને તેણે શિવના ગળામાં લપેટી દીધા. પોતાના શરીરનું વજન શિવ પર એવી રાતે નાખ્યું કે શિવે તેને ઊંચકી જ લેવી પડે. શામ્ભવી બે​ફિકર હતી, પણ શિવને ખબર હતી કે કમલનાથ તેમને જોઈ રહ્યા છે. શિવ સહેજ સંકોચાયો. 
‘સીધી ત્યાં કેમ ગઈ?’ મોહિનીએ કુતૂહલના બહાના સાથે પણ તીખા અવાજે પૂછ્યું. કમલનાથના ભાઈ પદ્મનાભની પત્ની ઈર્ષા અને અહંકારનું જીવતું-જાગતું પૂતળું હતી. આટઆટલા વૈભવ પછી પણ કમલનાથે બધો વહીવટ પોતાના હાથમાં રાખ્યો હતો એ વાતનો મોહિનીને બહુ અફસોસ હતો. તે સમય-સમયાંતરે પદ્મનાભ ચૌધરીને આ મુદ્દા પર ઉશ્કેરવાનો પ્રયાસ કરતી, પણ પદ્મનાભ તો નખશિખ ‘લક્ષ્મણ’ હતો. ભાઈની કોઈ પણ સાચી-ખોટી, ભલી-બૂરી વાત પદ્મનાભ માટે અંતિમ સત્ય હતી. મોહિનીનાં મહેણાં-ટોણાં કે ચડવણી પદ્મનાભ માટે પથ્થર પર પાણી પુરવાર થતાં.

મોહિનીનો સવાલ સાંભળીને પદ્મનાભે જરા સ્મિત સાથે કહ્યું, ‘અરે! બાળપણનો દોસ્તાર છે તેનો! આ ઉંમરના ને પેઢીના છોકરાઓ માટે તેમના દોસ્તો જ સર્વસ્વ હોય.’ કહીને તેણે કમલનાથનું મન બીજે વળે એ માટે દલીલ કરી, ‘આપણા હેમલ-શ્યામલ પણ ઍરપોર્ટથી સીધા દોસ્તારોને ત્યાં નથી જતા રહેતા?’ 
‘પણ, તેઓ તો દર વર્ષે આવે છે.’ મોહિનીએ કહ્યું. હેમલ અને શ્યામલ પદ્મનાભના ટ્‍વિન્સ દીકરાઓ હતા. એ બન્ને શામ્ભવીથી ત્રણ વર્ષ નાના હતા. અત્યારે તેઓ પણ અમેરિકા ભણતા હતા. મોહિનીએ વળી પાછી એ જ વાત કાઢી, ‘આ તો ચાર વર્ષે...’ તેણે ત્રાંસી નજરે કમલનાથ સામે જોયું, ‘સમર અને વિન્ટર બ્રેકમાં તો દુનિયા ફરવા ગઈ! ચાર વર્ષમાં ઘરે આવી જ નહીં! ને હવે, આવી ત્યારે...’ તે સતત કમલનાથના પ્રતિભાવ જોઈ રહી હતી, ‘એક વાર અહીં આવીને મોટાજીને મળીને ગઈ હોત તો...’ મોહિનીએ થોડું વધુ મીઠું ભભરાવ્યું, ‘મોટાજી કેટલી રાહ જોતા હતા તેની!’

મોહિનીના શબ્દોથી કમલનાથને જરા લાગી તો આવ્યું. ચાર વર્ષે પાછી ફરેલી દીકરી પોતાને મળવાને બદલે પહેલાં શિવને મળી એ વાત તેમને બહુ પચી નહીં. આજુબાજુ ઊભેલું બૉડીગાર્ડ્‍સનું ટોળું, લલિતભાઈ બધાની સામે આ તેમને જરા ખૂંચ્યું. તેમણે તરત જ મન મનાવીને શામ્ભવી તરફ ચાલવા માંડ્યું. બૉડીગાર્ડ્‍સ અને લલિતભાઈ પણ તેમની સાથે જોડાયા. 
શામ્ભવીને ઊંચક્યા પછી પોતાનું બૅલૅન્સ જાળવવા માટે શિવ સહેજ ઝૂક્યો. શામ્ભવીએ તેના ગાલ પર એક પપ્પી કરી દીધી, ‘આવવું પડ્યુંને લબાડ! તારા પ્રાઇમ ટાઇમ શોનું શું થયું?’  
હસતાં-હસતાં શિવે પ્રયત્નપૂર્વક શામ્ભવીને નીચે ઉતારી. શિવના ગાલમાં સુંદર ખંજન પડતા હતા. તેની મોટી, કાળી ભાવવાહી આંખોમાં સહેજ ભીનાશ હતી, ‘તને ના પાડવાની હિંમત છે મારી?’ તેણે કહ્યું. પછી સહેજ ધીમા અવાજે ઉમેર્યું, ‘તારા બાપુ રાહ જુએ છે.’ 

‘હં...’ શામ્ભવીએ ડોકું ધુણાવ્યું, ‘તેમની સાથે ઘરે જ જવાની છું. બે મિનિટ તને સરખી રીતે મળી તો લઉં...’ કહીને તેણે શિવનું ચાઇનીઝ કૉલરનું ​લિનનનું શર્ટ બેય બાજુથી પકડીને તેને હચમચાવ્યો, ‘હજી એટલો જ હૅન્ડસમ અને એટલો જ લઘરો છે તું.’ કહીને તેને હળવો ધક્કો માર્યો, ‘ને એટલો જ જુઠ્ઠો પણ!’ 
‘થૅન્ક યુ.’ શિવે ફરી સ્મિત કર્યું, ‘બદલાઈ જાય એને મોસમ કહેવાય, માણસ નહીં.’ 
શામ્ભવી તેના ગાલના ખંજન સામે જોઈ રહી.  
‘ઘરે પહોંચું એટલે બે કલાકમાં મને પિક કર...’ શામ્ભવીએ હુકમ કર્યો. શિવે કશું બોલ્યા વિના ડોકું ધુણાવ્યું. 
ત્યાં સુધીમાં કમલનાથ નજીક આવી પહોંચ્યા હતા એટલે શામ્ભવી દોડીને પિતા તરફ ગઈ. તેણે બન્ને હાથ એવી જ રીતે પિતાના ગળામાં પરોવ્યા. કમલનાથના ખરબચડા, કરડા ચહેરા પર શામ્ભવીએ બે-ચાર પપ્પીઓ કરી દીધી. તેમની છાતી પર માથું ઘસ્યું અને વહાલથી કહ્યું, ‘આઇ મિસ્ડ યુ.’ 
બાપ-દીકરી બન્નેની આંખોમાં આંસુ આવી ગયાં. કમલનાથે શિવ સામે જોઈને સહેજ માથું નમાવ્યું, શિવે નમસ્તે કર્યું. શામ્ભવી પહેલાં પદ્મનાભ અને પછી મોહિનીને પણ ભેટી. પદ્મનાભને આપેલા આલિંગન અને મોહિનીને ભેટવામાં શામ્ભવીની તેમના તરફની જુદી-જુદી ઉષ્મા સ્પષ્ટ દેખાઈ આવી. 
‘આવતાંની સાથે સીધો શિવ દેખાયો તને?’ મોહિનીએ તક છોડી નહીં, ‘મોટાજી ક્યારના...’ 
‘કાકી! શિવ મને અહીં બે જ મિનિટ મળવાનો છે. બાપુ સાથે ઘરે જ આવવાની છું હું!’ શામ્ભવીએ કહ્યું, ‘બાપુને તો એવું કંઈ નથી. નથીને બાપુ?’ કહીને તેણે પિતાના હાથમાં હાથ પરોવી દીધો. ઘડીભર પહેલાં જે ઓછું આવ્યું હતું એ વાત કમલનાથના મનમાંથી નીકળી ગઈ.

બાપ-દીકરી ચાલવા લાગ્યાં. પિતાને વળગીને ગાડી તરફ જઈ રહેલી શામ્ભવીએ પાછળ ફરીને શિવને મુક્કો બતાવ્યો. શામ્ભવીના બાલિશ અને બેફિકર વર્તનથી શિવને ફરી હસવું આવી ગયું. 
ટાઇપિસ્ટની મોટરસાઇકલ પાસે પહોંચીને એમાં ચાવી નાખતાં પહેલાં શિવની નજર સામે જ કેટલાંય વર્ષોનો ભૂતકાળ સડસડાટ પસાર થઈ ગયો. આ દોસ્તી, યારી, બ્રોકોડ તેમની વચ્ચે છેક બાળપણથી હતાં. શિવ માટે શામ્ભવીની ઇચ્છા એ જ આદેશ બની જતી. તે શામ્ભવીને ક્યારેય નારાજ કરી શકતો નહીં ને બીજી તરફ શિવની સાથે દોસ્તી થયા પછી શામ્ભવીએ બીજા કોઈ મિત્રો જ બનાવ્યા નહોતા એમ કહીએ તો ચાલે. તેની બર્થ-ડે પાર્ટીમાં કમલનાથના સેંકડો મહેમાન હોય, પણ શામ્ભવીના ગેસ્ટ-લિસ્ટમાં માત્ર શિવ દેસાઈ સિવાય કોઈ ન હોય! તેણે મોટરસાઇકલ સ્ટાર્ટ કરી અને ઑફિસ તરફ નીકળી ગયો. બે કલાકમાં શામ્ભવીને તેના ઘરેથી પિક કરવાની હતી... 

કમલનાથ ઘરે પહોંચ્યા ત્યારે સાડાનવ થયા હતા. નારિયેળી અને ખજૂરીનાં વૃક્ષો પર નાનકડી ફેરી લાઇટ્સ લગાવીને શામ્ભવીના સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. આખો સ્ટાફ શામ્ભવીને આવકારવા મુખ્ય દરવાજે ઊભો હતો. તે ગાડીમાંથી ઊતરીને સૌથી પહેલાં જડીબહેન પાસે ગઈ. જડીબહેન કમલનાથના ઘરમાં શામ્ભવીના જન્મ પહેલાંથી હતાં. ખરેખર તો રાધાબહેનના ગયા પછી શામ્ભવીને ઉછેરવામાં જડીબહેનનો સાથ ન હોત તો કદાચ કમલનાથ આ અઘરું કામ ન કરી શક્યા હોત! શામ્ભવી માટે જડીબહેન તેનાં વડીલ, ક્યારેક મા તો ક્યારેક સહેલી બન્યાં હતાં... તે જડીબહેનને ભેટી પડી. તેની પીઠ પર હાથ ફેરવતાં જડીબહેન રડતાં રહ્યાં. 
ઘરમાં પ્રવેશતાંની સાથે શામ્ભવી રાધાબહેનના ફોટો પાસે ગઈ. ત્યાં જ ઊભા રહીને થોડીક ક્ષણ માના ફોટોને નિહાળતી રહી તે. તેની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. કમલનાથે વહાલથી તેના ખભે હાથ મૂક્યો. શામ્ભવીએ આંખો લૂછી પિતા તરફ જોઈને સ્મિત કર્યું. ‘હવે હું અહીં જ રહેવાની છું, તમારી સાથે.’ તેણે કહ્યું.
‘ક્યાંય જવા પણ નહીં દઉં તને.’ કહેતાં-કહેતાં કમલનાથ રડી પડ્યા, ‘તારા વગર આ ઘર ખાવા ધાય છે.’ 
કમલનાથ, પદ્મનાભ, મોહિની, લલિતભાઈ અને શામ્ભવી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં. બધું જ તેનું 
ગમતું-ભાવતું ભોજન તૈયાર હતું. જમતાં-જમતાં કમલનાથે પૂછ્યું, ‘હવે શું કરવાનો 
વિચાર છે?’ 
‘હવે શું કરવાનું હોય?’ મોહિનીએ ટાપસી પુરાવી, ‘ધામધૂમથી લગ્ન 
કરીશું તારાં.’ 
કમલનાથના ચહેરા પર સ્મિત આવી ગયું. પદ્મનાભે પણ વહાલથી શામ્ભવી તરફ જોયું. 
શામ્ભવીએ તેના પ્રિય સમોસાનો ડૂચો મારતાં કહ્યું, ‘થોડા દિવસ તો આરામ કરીશ, રખડીશ, મજા કરીશ...’ 
‘પછી કરીશું લગ્ન...’ કમલનાથે કહ્યું.  
‘ના હોં!’ સૌએ શામ્ભવી તરફ જરા આશ્ચર્યથી જોયું, ‘પછી PhD કરવું છે, ક્રિમિનલ સાઇકોલૉજીમાં.’ બેફિકર શામ્ભવી જમવામાં વ્યસ્ત હતી. કમલનાથ કશું બોલ્યા નહીં, પણ તેમની અને લલિતભાઈની નજર એકમેક સામે પ્રશ્નાર્થચિહ‍્નની જેમ ટકરાઈ. લલિતભાઈએ આંખોથી જ કમલનાથને શાંતિ રાખવાની વિનંતી કરી. તેમણે તો અનંત સોમચંદ સાથે શામ્ભવીનાં લગ્નની તારીખ પણ કઢાવી રાખી હતી. આ છોકરી તો આવનારાં પાંચ વર્ષનો પ્લાન બનાવીને આવી હતી! 
‘એટલું બધું ભણીને શું કરવું છે તારે?’ મોહિનીથી પૂછ્યા વગર ન રહેવાયું. 
‘મારે આ દેશ માટે કામ કરવું છે. PhD પછી કદાચ UPSCની પરીક્ષા પણ આપવી છે...’ શામ્ભવી હજી જમવામાં જ વ્યસ્ત હતી. તે કમલનાથ સામે જોયા વગર બોલી રહી હતી, પણ આટલું સાંભળ્યા પછી કમલનાથની નજર શામ્ભવી પરથી હટી શકી નહીં, ‘મારે આ દેશની જેલ માટે કામ કરવું છે. કેદીઓની હાલત સુધારવા, તેમના માનસિક આરોગ્ય માટે કામ કરવું છે મારે.’ શામ્ભવી બોલી રહી હતી. 
કમલનાથને અંતરસ જતી રહી. ભયાનક ઉધરસ ચડી ગઈ અને તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. પદ્મનાભે ઊભા થઈને તેમને પાણી આપ્યું, પણ ખાસ્સી વાર સુધી કમલનાથની ઉધરસ અટકી નહીં. તેમણે એક ઘૂંટડો પાણી પીધું. તેમની આંખોમાં પાણી ધસી આવ્યાં હતાં. શ્યામવર્ણ ચહેરો તાંબા જેવો લાલ થઈ ગયો હતો. તેમણે શામ્ભવી તરફ જોયું, ‘આ બધાં ફિતૂર ક્યાંથી ઘૂસ્યાં છે તારા મગજમાં?’ તેમણે લગભગ રૂંધાયેલા ગળે પૂછ્યું.

શામ્ભવીનું ધ્યાન પડ્યું કે પદ્મનાભ અને મોહિની એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં, પણ તેમની એકમેક સાથે ટકરાતી નજરોમાં ભય હતો કે ચિંતા... શામ્ભવીને સમજાયું નહીં. તેને એ બે જણની દૃષ્ટિમાં કોઈ વણઊકલ્યા રહસ્યની ગંધ આવી, પણ તેણે એ વાત ખંખેરીને નવાઈથી આંખો નચાવી, ‘ફિતૂર?’ તેણે વહાલથી દલીલ કરવાનો પ્રયાસ કર્યો, ‘તમે તો હોમ મિનિસ્ટર રહી ચૂક્યા છો બાપુ! તમને નથી ખબર આ દેશની જેલની હાલત? કોઈએ તો કામ કરવું જોઈએ...’ શામ્ભવીએ પિતાની આંખોમાં આંખો પરોવી, ‘મને યાદ છે, હું સાવ નાની હતી ત્યારે એક વાર જેલના એક કાર્યક્રમમાં તમારી સાથે આવેલી.’ તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો, ‘૧૫ ઑગસ્ટ કે ૨૬ જાન્યુઆરી... કંઈ તો હતું!’ 
‘જો બેટા!’ સામાન્ય રીતે ચૂપ રહેતા પદ્મનાભને મોટા ભાઈનો ચહેરો જોઈને આમાં વચ્ચે બોલવું અનિવાર્ય લાગ્યું, ‘એવું છે કે તારે PhD કરવું હોય તો ચોક્કસ કર, પણ આ જેલની અને ક્રિમિનલ સાઇકોલૉજીની દુનિયા આપણાથી બહુ જુદી છે. ફિલ્મોમાં જે દેખાય છે એવું નથી હોતું. ગુનેગારો સાથે...’ 
‘કોઈ જન્મથી ગુનેગાર નથી હોતું.’ શામ્ભવીએ પૂરા આત્મવિશ્વાસ સાથે દલીલ કરી, ‘સમય અને સંજોગો તેમને ગુનેગાર બનાવે છે. એમાંના કેટલા બધા હોય છે જે પછીથી પસ્તાય છે, ડિપ્રેશનમાં જાય છે, આપઘાત કરે છે...’ કમલનાથ વચ્ચે કંઈ બોલવા ગયા, પણ શામ્ભવીએ તેમને અટકાવ્યા, ‘બાપુ, તમને તો ખબર જ છેને? જેલમાં ગયેલા બધા સાચ્ચેસાચ ગુનેગાર નથી હોતા. એમાંના કેટલાકને તો બિચારાને ફસાવીને...’ 
‘આપણે એમાં શું?’ મોહિનીએ વળી બિનજરૂરી મમરો મૂક્યો, ‘આપણે કંઈ લોકોની જિંદગી સુધારવાનો ઠેકો લીધો છે? સારા ઘરની છોકરીઓ જેલમાં કામ ન કરે.’ 
‘કેમ?’ અવાજમાં તીખાશ સાથે શામ્ભવી સીધી કાકી સાથે ટકરાઈ, ‘સારા ઘરના લોકોએ માત્ર ACમાં રહેવાનું, મૉલમાં શૉપિંગ કરવાનું, વિદેશમાં વેકેશન કરવાનું... બસ? આ દેશ પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી?’ 
‘મેં તો પહેલાં જ કહ્યું હતું... ચાર વર્ષ છોકરી એકલી રહે એટલે...’ મોહિનીએ સીધું કમલનાથ તરફ જોઈને કહ્યું. તેની બાજુમાં બેઠેલા પદ્મનાભે તેનો હાથ પકડીને દબાવ્યો, પણ ત્યાં સુધીમાં તીર છૂટી ચૂક્યું હતું. મોહિનીના શબ્દો કમલનાથની છાતીમાં સોંસરવા ઊતરી ગયા.

‘જેલ-બેલની વાત પડતી મૂક.’ દીકરી સાથે ભાગ્યે જ આ સૂરમાં વાત કરતા કમલનાથની આંખોના ખૂણા લાલ થઈ ગયા હતા, ‘આમ તો PhD કરવામાં જ મારી મંજૂરી નથી, પણ છતાંય તારી જીદ હોય તો ક્રિમિનલ સાઇકોલૉજી સિવાયનો વિષય પસંદ કરજે.’ તેમનું ભોજન પૂરું નહોતું થયું છતાં તે ઊભા થઈ ગયા. હાથ ધોવડાવવા માટે ​પિત્તળનો બાઉલ અને જગ લઈને આવેલો માણસ અસમંજસમાં ઊભો રહ્યો, ‘તારી બધી ઇચ્છાઓ અને જીદ પૂરી કરી છે. કદી તને ઓછું ન આવે એવો પૂરો પ્રયાસ કર્યો છે મેં...’ કમલનાથજી હવે તેમની વહાલસોયી દીકરી સાથે વાત નહોતા કરી રહ્યા, એક અજાણી છોકરીને ચેતવણી અથવા આદેશ આપી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા. તેમનો અવાજ ઊંચો નહોતો, પણ શબ્દોની ધાર આરપાર નીકળી જાય એટલી તેજ હતી, ‘ક્રિમિનલ સાઇકોલૉજી, જેલ, ગુનેગારો...’ તેમણે ઊંડો શ્વાસ લીધો, ‘આ બધાથી દસ ગાઉ દૂર રહેજે. એ દિશામાં જવાનું તો ઠીક, જોવાનું પણ નહીં.’ કહીને તેમણે ઉમેર્યું, ‘આ મારી આજ્ઞા છે.’ કમલનાથે જે રીતે શામ્ભવી સામે જોયું એનાથી તે છેક ભીતર સુધી ધ્રૂજી ગઈ.
‘પણ કેમ?’ શામ્ભવીએ પૂછ્યું, ‘આમાં પ્રૉબ્લેમ શું છે?’

‘હું જવાબ આપવો જરૂરી નથી સમજતો.’ કમલનાથે કહ્યું, ‘મેં ના કહી એટલે ના...’ 
શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ. તે જવાબ આપવા જતી હતી, પણ તેનાથી લલિતભાઈ સામે જોવાઈ ગયું. લલિતભાઈએ ફરી એક વાર આંખો નમાવીને તેને શાંત રહેવાનો ઇશારો કર્યો. 
કમલનાથે વાત પૂરી કરતાં અંતિમ ચેતવણી ઉચ્ચારી, ‘તેં ઘણી વાર મારી આજ્ઞાને ઉવેખીને ધાર્યું કર્યું છે. મેં તને માફ પણ કરી છે, એમ વિચારીને કે બાળક છે... એકની એક દીકરી છે... વહાલી છે... પણ આ વાતમાં હું તને માફ નહીં કરું. જે દિવસે તેં મારી આ ચેતવણી કે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કર્યું એ દિવસે હું તારી સાથે વાત કરવાનું બંધ કરી દઈશ.’ આટલું કહીને કમલનાથજી એંઠા હાથ સાથે ડાઇનિંગ રૂમમાંથી બહાર નીકળી ગયા. ભોજન અડધું છોડીને પદ્મનાભ તેમની પાછળ ગયો. મોહિનીના ચહેરા પર એક હળવું સ્મિત આવીને પસાર થઈ ગયું. શામ્ભવીની આંખો છલછલાઈ આવી. એક-બે ટીપાં તેના ગાલ પર સરીને નીચે થાળીમાં પડ્યાં. તેની સામે બેઠેલા લલિતભાઈ પણ સહેજ મૂંઝવણમાં મુકાઈ ગયા. 
થોડીક ક્ષણ ડાઇનિંગ રૂમમાં એવો જ સન્નાટો છવાયેલો રહ્યો. પછી શામ્ભવી પણ બે હાથે ટેબલને ધક્કો મારીને ઊભી થઈ, ‘કેમ?’ તેણે લલિતભાઈ સામે જોઈને કહ્યું, ‘બાપુને શું પ્રૉબ્લેમ છે?’ 
‘બેટા!’ લલિતભાઈએ સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘ચિંતા કરે છે તારી.’ 
‘ચિંતા નથી કરતા... તેમણે તો રીતસર ધમકી આપી મને.’ શામ્ભવીએ કહ્યું, ‘હું તેમની જ દીકરી છું. મને 
કારણ નહીં જણાવે તો હું તેમની વાત નહીં માનું.’ 
એક વાર ‘ના’ પાડ્યા પછી કમલનાથ કોઈ પણ વાતની મંજૂરી આપે એ અશક્ય હતું. બીજી તરફ જિદ્દી અને ધાર્યું કરતી આવેલી શામ્ભવી પિતાનો પૂરો જવાબ સાંભળ્યા વગર તેમની વાત માની લે એવું તો નહીં જ બને! સામે ઊભેલી શામ્ભવી અને હાથ ધોયા વગર પોતાની રૂમમાં ચાલી ગયેલા કમલનાથની વચ્ચે હવે ગજગ્રાહ થવાનો હતો એ વાત લલિતભાઈને સમજાઈ ગઈ. આ બે જણની વચ્ચે પોતે શું કરવું પડશે અને શું કરી શકશે એની ગણતરી લલિતભાઈના મગજમાં શરૂ થઈ. તે પણ ઊભા થઈને બહાર નીકળી ગયા. માત્ર મોહિની આરામથી ડાઇનિંગ ટેબલ પર જમતી બેસી રહી.
(ક્રમશઃ)

columnists gujarati mid-day kajal oza vaidya