રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૫)

06 October, 2024 10:15 AM IST  |  Mumbai | Kajal Oza Vaidya

‘આઇ લવ યુ...’ ફોન ડિસકનેક્ટ થઈ ગયા પછી અનંતે કહ્યું, તેનાથી કહેવાઈ ગયું. એ રાતે શામ્ભવી અને અનંત બંને ઊંઘી શક્યાં નહીં. શિવ હવે મદદ નહીં કરે એવું શામ્ભવીને લાગવા માંડ્યું. અનંતમાં એ હિંમત નહોતી... આખા પરિવારમાં તે બીજા કોઈનો ભરોસો કરી શકે એમ નહોતી.

ઇલસ્ટ્રેશન

‘મારી ફૅમિલીનું સીક્રેટ છે.’ શામ્ભવીની વાત સાંભળીને અનંત બેહોશ થવાની તૈયારીમાં હતો, ‘ડાર્ક સીક્રેટ.’ શામ્ભવીએ કહી નાખ્યું.

‘દરેક અમીર ઘરોનું ડાર્ક સીક્રેટ હોય જ.’ અનંતે પોતાની પ્રિયતમાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘થોડું ઘણું લોહી ને થોડો ઘણો પરસેવો મળીને જ એમ્પાયર ઊભાં થાય.’ તેણે વહાલથી કહ્યું, ‘બહુ સિરિયસલી નહીં લેવાનું. સિદ્ધાંતવાદી લોકો ભૂખે મરે છે આ દેશમાં...’ અનંત હવે ઑફિસ જવા માંડ્યો હતો. પિતાના બિઝનેસમાં દાખલ થયા પછી તેને આ સત્ય સમજાયું હતું. શરૂઆતમાં તેણે પણ શામ્ભવીની જેમ પ્રામાણિકતા, સત્ય, સિદ્ધાંતના પૂંછડા પકડવાનો પ્રયત્ન કર્યો હતો. લાંચ નહીં આપવાની, ખોટું કામ નહીં કરવાનું... જેવી બાબતમાં તેને પણ તેના પિતા સાથે ઘર્ષણ થયું હતું, પરંતુ બે વર્ષ ‘સોમચંદ સામ્રાજ્ય’માં વિતાવ્યા પછી તેને સમજાઈ ગયું હતું કે જરૂરિયાત જેટલા પૈસા કમાવા હોય તો આવા સિદ્ધાંત પોષાય, પણ શોખના-અઢળક રૂપિયા કમાવા હોય તો પ્રામાણિકતા, સત્ય, સિદ્ધાંત જેવા શબ્દોને કચરાના ડબ્બામાં ફેંકીને પછી જ વિચારવું પડે. હવે એ ‘પ્રૅક્ટિકલ’ બની ગયો હતો એટલે તેને લાગ્યું કે શામ્ભવી પણ પોતાની જેમ જ કદાચ, પિતાની કોઈ નાની-મોટી બેઈમાની જાણીને વિચલિત થઈ ગઈ છે, ‘શું થયું? તારા પપ્પાએ કોઈને લાંચ આપી છે? ટૅક્સમાં ગરબડ કરી છે? તેં ઘરમાં બહુ બધી કૅશ જોઈ લીધી?’ તેણે હસીને ઉમેર્યું, ‘ઇટ્સ ઓકે!’

‘કમલનાથ ચૌધરીની દીકરી છું હું.’ શામ્ભવીના ઈગો પર ઉઝરડો પડ્યો, ‘મોટી કૅશ કે નાની બેઈમાનીથી મને બહુ ફરક ન પડે.’ તેણે ક્ષણભર માટે વિચાર્યું કે અનંત પર પૂરેપૂરો ભરોસો કરવો કે નહીં... ને પછી પૂરી સ્વસ્થતાથી કહ્યું, ‘તારા કોઈ ફૅમિલી મેમ્બરનું મર્ડર થયું હોય ને તને એની ખબર ૧૦-૧૨ વર્ષે પડે તો તું શું કરે?’

‘મર્ડર?’ અનંત ચોંક્યો, ‘કોનું મર્ડર થયું છે?’ તેણે પૂછ્યું તો ખરું, પણ તેણે સાથે-સાથે વિચારવા માંડ્યું કે આવી ગૂંચવણમાં તેણે સપડાવું જોઈએ કે નહીં!

‘કહીશ તને.’ શામ્ભવીએ વાત ટૂંકાવી, ‘પહેલાં તું મારી વાતનો જવાબ આપ. તું કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવને ઓળખે છે? પૈસા તે માગે એટલા, કામ હું કહું એ.’ તેણે અવાજ સહેજ ધીમો કરીને કહ્યું, ‘જીવનું જોખમ છે એટલું કહી દેજે તેને. આ કોઈ એક્સ્ટ્રામૅરિટલ અફેર કે ફાઇનૅન્શિયલ ફ્રૉડની તપાસ નથી. હિંમત હોય તો જ તેનો ને મારો ટાઇમ બગાડે. બાકી...’

‘જો શામ્ભવી!’ અનંત ખરેખર ડરી ગયો હતો, ‘આ બધું કામ તારું નથી. તારે તારા ડૅડીને કહેવું જોઈએ. તે તને ગાઇડ કરશે. કમલનાથ અંકલની બહુ ઓળખાણ છે, તે હેલ્પ કરશે તારી.’ અનંતને સમજાઈ ગયું હતું કે કાં તો આ વાત બહુ ભયાનક છે અને કાં તો શામ્ભવી બેવકૂફ, અક્કલ વગરની છે.

‘બાપુને ખબર ન પડે એ રીતે મારે આ કેસની તપાસ કરવી છે.’ શામ્ભવીએ કહ્યું, ‘તું મારી સાથે છે કે નથી?’ આટલું કહીને તેણે તરત જ ઉમેર્યું, ‘તારે આમાંથી બહાર રહેવું હોય તો છૂટ છે તને, આપણી વચ્ચે કંઈ નહીં બદલાય.’

‘અંઅંઅં... મને કાંઈ સમજાતું નથી.’ અનંતે પ્રામાણિકતાથી સ્વીકારી લીધું, ‘કમલનાથ અંકલની જાણ બહાર હું તારી ફૅમિલી-મૅટરમાં પડું એ કદાચ ડૅડને નહીં ગમે.’ તેણે કહ્યું, ‘ઑફિશ્યલી

આપણે હજી...’

‘રાઇટ.’ શામ્ભવીએ એકદમ ખેલદિલીથી વાત સ્વીકારતી હોય એમ કહ્યું, ‘ઍબ્સ્યુલ્યુટલી રાઇટ.’ પછી ઉમેર્યું, ‘હમણાં થોડા દિવસ હું બિઝી છું, કદાચ તારો ફોન ન ઉપાડું કે જવાબ ન આપું તો ખરાબ ન લગાડતો, ઓકે?’ તેણે ફોન ડિસકનેક્ટ કરતાં પહેલાં કહ્યું, ‘કોઈ સાથે હોય કે નહીં, કોઈ મદદ કરે કે નહીં... હું સત્ય શોધીને રહીશ.’ સહેજ અટકીને તેણે વિનંતીના સૂરમાં કહ્યું, ‘મેં તારામાં ભરોસો કરીને તને આ વાત કહી છે. પ્લીઝ, કોઈની સાથે... આઇ મીન...’

‘ના શામ્ભવી, હું કોઈને કાંઈ નહીં કહું.’ અનંતે કહ્યું. પોતે જે છોકરીને દિલ ફાડીને ચાહતો હતો એ છોકરીએ પોતાનામાં ભરોસો કર્યો હતો. તેના પરિવારની કોઈ ગુપ્ત વાત તેના પોતાની સાથે વહેંચવા જેટલો મહત્ત્વનો માન્યો હતો પોતાને એ વાતે અનંત પીગળી ગયો હતો. તેનાથી કહેવાઈ ગયું, ‘હું ના નથી પાડતો તને... મને વિચારવાનો સમય આપ.’ તેણે ઉમેર્યું, ‘તું મને બધું કહીશ, આઇ મીન... પૂરી વિગતો આપીશ તો કદાચ, હું તારી વાત અને પરિસ્થિતિ બન્ને સમજી શકીશ. તારી મદદ કરતાં પહેલાં મારે...’ તે ટુકડે-ટુકડે અધૂરાં વાક્યોમાં પોતાની વાત કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘બધું નહીં કહી શકું, કદાચ.’ શામ્ભવીએ પણ સાચું કહી દીધું, ‘બસ, કોઈને ખબર ન પડવી જોઈએ કે...’

‘નહીં પડે.’ શામ્ભવીનું વાક્ય પૂરું થાય એ પહેલાં અનંતે કહી નાખ્યું, ‘તેં મારામાં ભરોસો રાખ્યો છે, હું તારો ભરોસો નહીં તોડું.’

‘થૅન્ક્સ...’ કહીને શામ્ભવીએ ફોન કાપી નાખ્યો.

‘આઇ લવ યુ...’ ફોન ડિસકનેક્ટ થઈ ગયા પછી અનંતે કહ્યું, તેનાથી કહેવાઈ ગયું. એ રાતે શામ્ભવી અને અનંત બંને ઊંઘી શક્યાં નહીં. શિવ હવે મદદ નહીં કરે એવું શામ્ભવીને લાગવા માંડ્યું. અનંતમાં એ હિંમત નહોતી... આખા પરિવારમાં તે બીજા કોઈનો ભરોસો કરી શકે એમ નહોતી. હવે કોની મદદ માગી શકાય એમ વિચારતી, મનની ગૂંચવણના તાણાવાણા ઉકેલતી શામ્ભવી આખી રાત ઉઘાડી આંખે પલંગમાં પડી રહી.

શામ્ભવીના પરિવારનું એવું કયું રહસ્ય છે, કોનું ખૂન થયું હશે, કોણે કર્યું હશે, શામ્ભવી શું જાણતી હશે ને શું જાણવા માગતી હશે આવા અનેક સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરતો અનંત પણ આખી રાત ઊંઘ્યો નહીં. તેને રહી-રહીને શામ્ભવીનું એક જ વાક્ય યાદ આવતું રહ્યું, ‘જીવનું જોખમ છે એટલું કહી દેજે તેને. આ કોઈ એક્સ્ટ્રામૅરિટલ અફેર કે ફાઇનૅન્શિયલ ફ્રૉડની તપાસ નથી. હિંમત હોય તો જ તેનો ને મારો ટાઇમ બગાડે.’ અનંત એટલું તો સમજી જ ગયો હતો કે શામ્ભવી કોઈ ભયાનક સાહસ કરવા જઈ રહી છે. તે સાચે જ શામ્ભવીને પ્રેમ કરતો હતો અને એટલે શામ્ભવીને આ સાહસમાં કૂદવા દેવી કે નહીં એ જ્યારે તેના હાથમાં નહોતું રહ્યું ત્યારે પોતાના પ્રેમ માટે, પ્રેમિકાની સુરક્ષા માટે, પોતે તેની સાથે હોવો જોઈએ એવું રહી રહીને તેનું મન કહી રહ્યું હતું.

એક તરફ પિતાનો ડર અને મીડિયા સામે કંઈ ખૂલી જાય તો પરિવારની પ્રતિષ્ઠા, સાથે-સાથે સોમચંદ સામ્રાજ્યના શૅર અને બજારનો પણ પોતે જ ખ્યાલ રાખવાનો હતો એ વાત અનંતને સમજાતી હતી. તેની ભીતર રહેલો ‘પ્રૅક્ટિકલ’ અનંત સોમચંદ તેને કહી રહ્યો હતો કે આમાંથી બહાર રહે. તે ફોડી લેશે-તારે આમાં કોઈ લેવાદેવા નથી. હોળીનું નારિયેળ બનતો નહીં. કારણ વગરનો ફસાઈ જઈશ વગેરે... અને બીજી તરફ પ્રેમમાં લથબથ થઈ ગયેલો મુગ્ધપ્રેમી તેને કહી રહ્યો હતો કે આ જ તક છે! શામ્ભવીનો હાથ પકડીને કૂદી પડ. તું તેની સાથે હોઈશ તો તે સુરક્ષિત રહેશે. તું કોઈ પણ પરિસ્થિતિને સંભાળવામાં તેની મદદ કરી શકીશ અને તે આ સંઘર્ષમાં સાથ આપવા માટે તારા પ્રેમમાં પડ્યા વગર નહીં રહે. તું તેને જીતી શકીશ. તે લગ્નની હા પાડે અને તારા પ્રેમમાં પડીને તારી સાથે લગ્ન કરે એ બે પરિસ્થિતિમાં બહુ મોટો ફેર છે અનંત!’

પોતાની જ ભીતર ચાલી રહેલા આ સંઘર્ષને સાથે લઈને તે જિમમાં ગયો, પોતાનું રૂટીન પતાવીને બ્રેકફાસ્ટ ટેબલ પર પહોંચ્યો ત્યારે સોમચંદ પરિવારની પ્રણાલિકા મુજબ બધા જ ટેબલ પર હાજર હતા, ‘શું થયું? તારી ક્લિયોપેટ્રાનો ફોન આવ્યો કે નહીં?’ માધવી અનંતને ટોણો મારવાની એક પણ તક છોડતી નહીં. સોમચંદ પરિવારની સૌથી મોટી દીકરી હતી તે. ખૂબ હોશિયાર હતી. એમબીએ કર્યું હતું, લંડનથી. ફાઇનૅન્સની ડિગ્રી હોવા છતાં તેને પરિવારના આટલા મોટા વ્યાવસાયિક સામ્રાજ્યમાં પગ મૂકવાની છૂટ નહોતી, કારણ એક જ... તે દીકરી હતી! માધવીને હંમેશાં લાગતું કે તે અનંતથી વધુ લાયક-ડિઝર્વિંગ હતી, પરંતુ તેની સાથે અન્યાય થયો હતો, કારણ કે અનંત દીકરો હતો! મનોમન તે અનંતની સાથે સતત પોતાની સરખામણી કરતી, અનંતની ઈર્ષા કરતી... ને કદાચ એટલે જ, શામ્ભવી જ્યારે અનંતની અવગણના કરતી ત્યારે તે મનોમન રાજી થતી.

‘આવી ગયો.’ અનંતે સ્મિત કરીને કહ્યું, ‘સૉરી! તને કદાચ નહીં ગમે, પણ તેણે કહ્યું કે તેને મારામાં ભરોસો છે. તેની ફૅમિલી-સીક્રેટ પણ શૅર કરી તેણે મારી સાથે.’

‘વાઉ!’ માયા ખુશ થઈ ગઈ, ‘આઇ ઍમ સો હૅપી ફૉર યુ, ભૈયુ...’ કહીને તે પોતાના ઓટ્સ ખાવા માંડી.

‘ગુડ બેટા!’ પલ્લવીએ પણ દીકરાનો આત્મવિશ્વાસ વધાર્યો, ‘આમ જ... વાતો કરતાં-કરતાં તમે દોસ્ત બનશો. તેને સમજાશે કે તું કેટલો સરસ છોકરો છે. આઇડિયલ લાઇફ પાર્ટનર છે એ વાત સમજતાં તેને વાર નહીં લાગે, હોશિયાર છોકરી છે...’ કહીને તે પણ પોતાના બ્રેકફાસ્ટમાં પરોવાઈ ગઈ.

‘સીક્રેટ શું શૅર કરી?’ અખિલેશનું ધ્યાન કોઈ બીજી જ વાત પર હતું.

‘મેં તેને પ્રૉમિસ કર્યું છે, હું કોઈને નહીં કહું...’ અનંતે કહ્યું.

‘ટીનેજના છોકરા જેવું બિહેવ નહીં કર.’ અખિલેશે પોતાનો પાવર અને પિતાની પોઝિશનનો ઉપયોગ કર્યો, ‘આપણે એ ફૅમિલી સાથે સંબંધ બાંધવાનો છે. કંઈ ગરબડ હોય તો હમણાંથી ખબર પડવી જોઈએ. કમલનાથ દેવામાં છે કે શું? બહાર બધો તામઝામ દેખાડતો હોય ને અંદર બધું પોલું-સડેલું હોય એવું નથીને?’ અખિલેશે પૂછ્યું.

‘ના ના... ડૅડ!’ અનંત સહેજ ઝંખવાઈ ગયો. તે જાણતો હતો કે તેના પિતા માટે પૈસા, પાવર અને પોઝિશન એ ત્રણ બાબતો પ્રેમથી વધુ મહત્ત્વની હતી. કમલનાથની પ્રતિષ્ઠામાં કે તેના પૈસામાં ક્યાંય ખોટ દેખાય તો અખિલેશ દીકરાના પ્રેમ વિશે હાથ ધોઈ નાખે એ વાત અનંત બરાબર સમજતો હતો, ‘તેમની કોઈ ફૅમિલી-મૅટર છે. કોઈ ગુજરી ગયું એના વિશે...’ તેનાથી બોલાઈ ગયું. એ શામ્ભવીનો બચાવ કરવા ગયો, પણ તેનાથી અજાણતાં જ રહસ્યની પોલી જમીન પર પગ મુકાઈ ગયો. તેને તરત જ સમજાયું કે હવે તેનો પગ ફસાઈ ગયો, અખિલેશ સોમચંદ હવે પૂરી વાત જાણ્યા વગર મુદ્દો મૂકશે નહીં. તેણે જરા અચકાઈને કહ્યું, ‘મને પણ બહુ ખબર નથી... તેણે બધું નથી કહ્યું મને.’ તે ઊભો થવા ગયો, જેથી વાત અહીં જ અટકી જાય.

‘બેસ!’ અખિલેશે સત્તાવાહી અવાજે કહ્યું, ‘કોણ ગુજરી ગયું છે, ક્યારે? કમલનાથનું કોઈ લફરું નથીને?’

‘ના ના... એવું બધું કંઈ નથી, ડૅડ!’ અનંતને સમજાતું હતું કે તે જેમ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એમ તેના પિતાની શંકાની જાળમાં તે વધુ ને વધુ સપડાતો જતો હતો, ‘આ તો જૂની વાત છે. ૧૦-૧૨ વર્ષ જૂની...’

‘એટલે તેની માની વાત છે...’ પલ્લવીએ ફટાક દઈને મુદ્દો પકડ્યો, ‘એ સિવાય તેમના પરિવારમાં કોઈનું ડેથ થયું જ નથી.’

‘હંઅઅ.’ અખિલેશે ડોકું ધુણાવ્યું. પતિ-પત્નીની નજર ટકરાઈ અને વણબોલ્યે બન્ને વચ્ચે જાણે કોઈ વાતની આપ-લે થઈ ગઈ, ‘તેની મા...’ અખિલેશે સ્વગત જ કહ્યું, ‘સળગીને મરી ગઈ હતી. ઍક્સિડન્ટ હતો...’

‘એની જ કોઈ વાત હોવી જોઈએ.’ પલ્લવીએ તરત જ ઉમેર્યું. તેણે દીકરા તરફ જોઈને કહ્યું, ‘તું જરા વાત જાણવાનો પ્રયત્ન કર. કોઈ ગોટાળો હોય તો આપણે અત્યારથી જ ચેતી જઈએ.’ પતિ સામે જોઈને તેણે ગૌરવથી કહ્યું, ‘સોમચંદ પરિવારની સાત પેઢીમાં ક્યાંય કોઈની તરફ આંગળી ચીંધાઈ નથી. આપણે કોઈ એવા ઘરમાંથી છોકરી નથી લાવવી જ્યાં કબાટમાં હાડપિંજર સંતાયેલાં હોય.’ તેણે દીકરા સામે જોઈને ફરી કહ્યું, ‘સમજ્યો? તારામાં ભરોસો કરે છે. પૂછ તેને બરાબર...’

વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ એનો અફસોસ કરતો અનંત માતા-પિતા સામે જવાબ આપવાની હિંમત ન કરી શક્યો એ બદલ પણ પોતાની જાતને કોસતો, ડોકું ધૂણાવીને ‘જી’ કહીને ઘરની બહાર નીકળી ગયો. તેના ગયા પછી ફરી એક વાર પતિ-પત્નીએ એકબીજા સામે જોયું. તેમની વચ્ચે ફરી એક વાર શબ્દ વગરની વાત થઈ હોય એમ અખિલેશે ડોકું ધુણાવીને પત્નીની વાતને સમર્થન આપ્યું. માધવીએ આ નોંધ્યું. માયા અડધું સમજી, અડધું ન સમજી, તે પોતાનામાં મસ્ત હતી, પણ માધવીને આ એક એવી સોનેરી તક દેખાઈ જ્યાં તે અનંતને હરાવી શકે, તેની પસંદગી નકામી હતી એવું સાબિત કરી શકે અને સાથે જ તેનામાં અક્કલ નથી એવું પણ પુરવાર કરી શકે! તેણે આ તક ઝડપી લેવાનું નક્કી કરી લીધું.

lll

છેક વહેલી સવારે શામ્ભવીની આંખ મીંચાઈ હતી. તે હજી ઊંઘતી હતી, પણ કમલનાથ તૈયાર થઈને નીચે ઊતરી ગયા. ડાઇનિંગ ટેબલ પર મોહિનીનો ઊતરેલો ચહેરો જોઈને તેમને થોડી નવાઈ લાગી, પણ તેમણે તેની સાથે કોઈ વાત કરી નહીં. રોજની જેમ લલિતભાઈ આવી પહોંચ્યા. કમલનાથ તેમની સાથે ઑફિસ જવા નીકળી ગયા.

પદ્‍મનાભ નાહીને શાવરમાંથી બહાર નીકળ્યો. તેની કમર પર ટૉવેલ લપેટેલો હતો. ડીઓ લગાડીને તેણે શર્ટ પહેર્યું ત્યાં મોહિની દાખલ થઈ. તેણે નાઇટસૂટ ઉતારી નાખ્યો હતો. તે ફક્ત અંતઃ વસ્ત્રોમાં હતી. સામાન્ય રીતે તે પદ્‍મનાભની સામે વસ્ત્રો બદલતી નહીં, તેને અડવા દેતી નહીં, પણ આજે આવી રીતે તેને બાથરૂમમાં પ્રવેશતી જોઈને પદ્‍મનાભને નવાઈ લાગી.

એથી વધુ નવાઈ લાગી જ્યારે તેણે નજીક આવીને પદ્‍મનાભની પીઠ પર પોતાનો હાથ મૂક્યો, ‘વાઇટ શર્ટ તમને બહુ શોભે છે.’ મોહિનીએ ધીમેથી પદ્‍મનાભને કહ્યું, પછી જાણે કરંડિયામાંથી સાપ કાઢતી હોય એમ તેણે ઉમેર્યું, ‘શામ્ભવીએ જેલમાં તેની માને જોઈ છે.’ પદ્‍મનાભની આંખો પહોળી થઈ ગઈ, ‘તેણે પોતે કહ્યું છે, મને.’ પદ્‍‍મનાભ આઘાત પચાવે એ પહેલાં મોહિનીએ બીજો ચાબખો વીંઝ્‍યો, ‘તેણે ભાઈસા’બને પણ કહ્યું છે. ગઈ કાલે સવારે બાપ-દીકરી જેલમાં રાધાને શોધવા ગયાં હતાં.’ મોહિની સહેજ હસી, ‘ઑબ્વિયસલી, કોઈ મળ્યું નહીં, પણ આ છોકરી એમ સહેલાઈથી હાર નહીં માને.’

‘તો?’ પદ્‍મનાભના પગ પાણી-પાણી થવા માંડ્યા.

‘તો શું? હવે ભાઈસા’બને સમજાવો કે આ બલાને અમેરિકા પાછી મોકલે અથવા વહેલાં લગન ઉકેલે...’ કહીને મોહિની પદ્‍મનાભની નજીક આવી. તેણે પોતાના બન્ને હાથે પદ્‍મનાભને પાછળથી એવી રીતે પકડ્યો જેથી તેનાં સ્તન પદ્‍મનાભની પીઠ પર દબાય. તેણે પતિના શર્ટનું પહેલું બટન ખોલીને હાથ તેની છાતી પર ફેરવવા માંડ્યો, ‘તમારે આપણું કંઈ વિચારવું છે કે નહીં?’

પદ્‍‍મનાભ તો મોહિનીના આ સ્પર્શમાં ઓગળીને વહેવા માંડ્યો હતો. તેણે આંખો મીંચી દીધી હતી. તેના હોઠ ખૂલી ગયા હતા, ‘શું... શું વિચારવાનું?’ તેની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. શબ્દો સૂઝતા નહોતા.

મોહિનીએ પોતાની આંગળીઓ તેના ગળા પર, દાઢી અને હોઠ પર સરકાવી, ‘એ છોકરી જો કંઈ પણ શોધી કાઢશે તો સૌથી પહેલાં તમે...’ મોહિની બોલી.

‘બસ!’ પદ્‍મનાભને જાણે વીજળીનો લાઇવ વાયર અડી ગયો હોય એમ ક્ષણભર પહેલાંનો રોમાંચ અને રોમૅન્સ બન્ને અદૃશ્ય થઈ ગયાં. તેણે મોહિનીનો હાથ ઝટકાથી હટાવ્યો, તે મોહિની તરફ ફર્યો, ‘ભાઈસા’બ મને કંઈ નહીં થવા દે.’ તેણે કહ્યું.

‘એમ?!’ મોહિનીએ ફરી એક વાર તેના રંગીન લાંબા નખવાળી આંગળી પદ્‍મનાભના હોઠ પર મૂકી, ‘તમને ભરોસો છે?’ તેણે પૂછ્યું, પછી ફરી એક વાર પોતાના બન્ને હાથ તેની કમરમાં લપેટ્યા અને પદ્‍મનાભને તેની નજીક ખેંચ્યો. તે ખેંચાયો, પણ હોશ-હવાસ ખોયા નહીં. તે મોહિનીની આંખમાં જોતો રહ્યો. એ આંખો કોઈ શિકારી પ્રાણીની આંખો જેવી તગતગતી હતી, ‘ત્યારે પત્ની અને ભાઈની વચ્ચે પસંદગી કરવાની હતી. હવે કંઈ થશે તો દીકરી અને ભાઈ વચ્ચે પસંદગી કરવાની આવશે, એટલું સમજાય છે તમને?’ આટલું બોલીને મોહિનીએ પદ્‍મનાભને હડસેલો મારી દીધો. તે પોતે રૅકમાં પડેલો ટૉવાલ ઉપાડીને, કાચનો દરવાજો ઉઘાડીને શાવરમાં જતી રહી.

સામે અર્ધનગ્ન મોહિનીને ભીંજાતી જોઈ રહેલો પદ્‍મનાભ પરસેવે રેબઝેબ થઈ ગયો. તેના કાનમાં રહી રહીને મોહિનીનું વાક્ય ગુંજતું રહ્યું, ‘ત્યારે પત્ની અને ભાઈની વચ્ચે પસંદગી કરવાની હતી. હવે કંઈ થશે તો દીકરી અને ભાઈ વચ્ચે પસંદગી કરવાની આવશે, એટલું સમજાય છે તમને?’

(ક્રમશઃ)

columnists kajal oza vaidya