રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૧૪)

29 September, 2024 03:14 PM IST  |  Mumbai | Kajal Oza Vaidya

‘મારે પણ તને કંઈ કહેવું છે...’ શિવ ડરી ગયો હતો. રવીન્દ્રને મળીને ફાર્મહાઉસથી પાછો આવ્યા પછી તેની ભીતર ખળભળાટ મચી ગયો હતો.

ઇલસ્ટ્રેશન

એક શર્ત છે...’ શામ્ભવીએ કહ્યું.

મોહિનીએ નીચું જોઈને કહ્યું, ‘બોલ!’

‘હું જાણું છું કે મારી મા જીવે છે...’ મોહિનીએ વિસ્ફારિત આંખે તેની સામે જોયું, તેના કપાળ પર પરસેવો હતો, તે લગભગ ધ્રૂજવા લાગી. શામ્ભવીએ આગળ કહ્યું, ‘તું પણ આ વાત જાણે છે.’ તેણે મોહિનીની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, ‘હા કે ના?’

‘હું નથી જાણતી.’ મોહિની પવનમાં પાંદડું ધ્રૂજે એમ ધ્રૂજતી હતી. તેના હોઠ સુકાઈ ગયા, પરસેવો કપાળ પરથી રેલા બનીને કાન પાસે, ગળા નીચે ઊતરવા લાગ્યો હતો, ‘હું... મને... સિરિયસલી કંઈ...’ શામ્ભવીની આંખો જોઈને તે ચૂપ થઈ ગઈ.

‘તારા મોઢા પર સાફ લખ્યું છે.’ શામ્ભવીએ તેનો હાથ પકડી લીધો, ‘તું જાણે છે...’ 

‘જો શામ્ભવી’ મોહિનીએ ઊંડો શ્વાસ લીધો. શામ્ભવીના હાથમાં પકડેલો પોતાનો હાથ છોડાવીને નાના બાળકની જેમ તેના નાઇટસૂટની બાંયથી તેનો પરસેવો લૂછ્યો, ‘તું જે શોધી રહી છે એ કોઈ અંધારા પ્રદેશમાં ખોવાયેલું કાળું સત્ય છે. હું જાણું છું કે નથી જાણતી એનાથી બહુ ફરક નથી પડતો.’ તેણે શામ્ભવીના બન્ને ખભે હાથ મૂક્યા, પછી હિંમત કરીને કહી નાખ્યું, ‘ચૌધરી પરિવારનાં ઘણાં સત્યો એ અંધારા પ્રદેશમાં દફન થઈ ગયાં છે. એ સત્યોની આસપાસની દીવાલો એટલી ઊંચી છે કે ત્યાં ધરબાઈ ગયેલા કોઈનો અવાજ બહાર નહીં પહોંચે.’

શામ્ભવી કંઈ બોલવા જતી હતી, પણ તેને અટકાવીને મોહિનીએ કહ્યું, ‘તને લાગે છે કે તું એ અંધારા પ્રદેશમાં ઘૂસી ગઈ છે, તેં સત્યો શોધી કાઢ્યાં છે... મૂરખ છે તું. તારા હાથમાં કશું નહીં આવે. આ ચૌધરીઓને ઓળખતી નથી તું.’ મોહિનીનો ચહેરો બદલાઈ ગયો. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. પહેલાં કોઈ દિવસ નહોતું જોયું એવું ડરેલું, ધ્રૂજતું તેનું આખું અસ્તિત્વ જોઈને શામ્ભવી સહેજ ઝંખવાઈ ગઈ, ‘તેમના સાચા ચહેરા જોઈશને તો છળી મરીશ...’ કહીને મોહિની ત્યાંથી સડસડાટ જતી રહી.

એ અંધારા જંગલ જેવા બગીચામાં ઊભેલી શામ્ભવી લૅમ્પપોસ્ટની આછી લાઇટમાં ઓઝલ થતા મોહિનીના આકારને જોતી રહી. થોડી ક્ષણો તે ત્યાં જ ઊભી રહી. મોહિની જેકાંઈ બોલી ગઈ એ સાંભળીને શામ્ભવી ભીતરથી હચમચી ગઈ હતી. ધીરે-ધીરે તે ફરી પાછી બંગલા તરફ ચાલવા લાગી, એક તરફથી તેને તેની માનો પ્રેમ અને પોતાની માને ન્યાય અપાવવાની પોતાની જવાબદારી ખેંચી રહ્યાં હતાં તો બીજી તરફ જડીબહેન અને મોહિનીના બે પ્રસંગો પછી શામ્ભવી ડરી ગઈ હતી.

તે પોતાની રૂમમાં પાછી આવી ત્યારે મધરાત થઈ ગઈ હતી. તેણે કલ્પ્યું પણ નહોતું એવી રીતે અચાનક કમલનાથના બેડરૂમનો દરવાજો ખૂલ્યો, ‘ક્યાં ગઈ હતી? અત્યારે?’

‘હેં!?’ શામ્ભવી ચોરી કરતાં પકડાઈ ગઈ હતી. તેણે ધાર્યું નહોતું કે કમલનાથ અત્યાર સુધી જાગતા હશે. તેણે ધીમેથી કહ્યું, ‘અમસ્તી, ચક્કર મારવા... મને સફોકેશન થતું હતું.’ તે પિતાની નજીક ગઈ. પોતાના બન્ને હાથ દરવાજાની બારસાખમાં ઊભેલા કમલનાથની કમર પર લપેટીને તેણે પોતાનું માથું પિતાની છાતી પર મૂકી દીધું, ‘આઇ હેડ અ બૅડ ડે!’ તેણે લાડભર્યા અવાજે કહ્યું. શામ્ભવી જાણતી હતી કે આખી દુનિયામાં કમલનાથની જો એકમાત્ર કમજોરી હોય તો એ પોતે, તેમની દીકરી!

કમલનાથે તેના માથા પર હાથ ફેરવ્યો, ‘હું જાણું છું બેટા, તું સવારથી ડિસ્ટર્બ્ડ છે.’ તેમના અવાજમાં થોડી વાર પહેલાં જે રૂક્ષતા હતી એની જગ્યાએ હવે ઋજુતા ઊતરી આવી, ‘તેં જેકંઈ જોયું...’ તેમણે ભાર દઈને કહ્યું, ‘તને એવું લાગે છે કે તેં જેકંઈ જોયું એ તારો વહેમ છે, બેટા!’ તેમણે તેના ઘાટા અને સુંવાળા વાળમાં આંગળીઓ ફેરવતાં ઉમેર્યું, ‘એવું થાય! હું સમજી શકું છું, પણ હવે જીદ મૂકી દે બેટા. બધા હેરાન થાય છે. હું નથી ઇચ્છતો કે ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય.’

‘જી!’ શામ્ભવીએ માથું પિતાની છાતી પરથી ઉઠાવ્યા વગર જ કહ્યું, ‘આઇ ઍમ સૉરી, બાપુ.’ તે પણ ઇચ્છતી હતી કે પોતે આ રહસ્યની ખોજમાં નીકળી ચૂકી છે એ વાત પિતાના મનમાંથી ધીમે-ધીમે ભૂંસાવા માંડે. અંતે તો તે પણ કમલનાથ ચૌધરીની દીકરી હતી. તેને પણ ડીએનએમાં પિતાની જીદ અને ખોફનાક ચતુરાઈ વારસામાં મળી હતી. તેને છેલ્લા દોઢ-બે કલાકમાં બનેલા પ્રસંગો પરથી સમજાઈ ગયું હતું કે જો સાચે જ તેણે સત્ય સુધી પહોંચવું હોય તો તેની આસપાસના સૌને તેણે એવી ગફલતમાં નાખી દેવા પડશે કે પોતે આ વાતને ભૂલી ગઈ છે. ટૂંકમાં, શોધ અટકાવવાનું નાટક કર્યા પછી જ આ શોધ શરૂ થઈ શકશે એવું શામ્ભવી સમજી ગઈ હતી, ‘આઇ લવ યુ.’ તેણે અવાજમાં જેટલું ઉમેરાઈ શકે એટલું વહાલ ઉમેરીને કહ્યું, ‘હું હવે તમને હેરાન નહીં કરું.’

તેના વાળમાં આંગળીઓ ફેરવતા કમલનાથ થોડી વાર ઊભા રહ્યા, પછી તેમણે સ્નેહથી કહ્યું, ‘ગુડનાઇટ, બેટા... તને ગુડનાઇટ કહ્યા વગર મને ઊંઘ જ ન આવે, જાણે છેને તું?’ શામ્ભવીએ પિતાની છાતી ઉપર જ માથું હલાવ્યું.

તે કમલનાથથી સહેજ છૂટી પડી અને તેણે પણ વહાલથી કહ્યું, ‘ગુડનાઇટ, બાપુ.’ તે પોતાની રૂમમાં ગઈ. બન્ને દરવાજા બંધ થયા, પરંતુ બેઉ દરવાજાની પાછળ ઊભેલા બન્ને જણ બરાબર જાણતા હતા કે બન્ને એકબીજાને છેતરી રહ્યાં છે. કમલનાથ દરવાજો બંધ કરીને થોડી વાર સોફામાં બેસી રહ્યા. અત્યારે તો તેમને પરિસ્થિતિનો ઉકેલ સૂઝતો નહોતો. અંતે તેમણે ઊંઘની ગોળી લીધી અને પોતાના પલંગ પર જઈને ઊંઘવાનો પ્રયાસ કરવા લાગ્યા.

પોતાની રૂમમાં જઈને શામ્ભવીએ શિવને ફોન કર્યો, ‘મારે તને કંઈ કહેવું છે... ભયાનક! સમથિંગ સ્ટ્રેઇન્જ.’

‘મારે પણ તને કંઈ કહેવું છે...’ શિવ ડરી ગયો હતો. રવીન્દ્રને મળીને ફાર્મહાઉસથી પાછો આવ્યા પછી તેની ભીતર ખળભળાટ મચી ગયો હતો. ભલભલા ગુનેગારો સાથે કામ પાડનાર, જેનાં બે-ચાર એન્કાઉન્ટર આજે પણ પોલીસ-ડિપાર્ટમેન્ટમાં ચર્ચાતાં હતાં, જેની સામે સીલ થયેલાં બંધ મોઢાં ખૂલી જતાં એવા રવીન્દ્ર તોમરના કપાળ પર પરસેવો જોઈને શિવને પરિસ્થિતિની ગંભીરતા અને ખતરો સમજાઈ ગયાં હતાં.

છૂટા પડતી વખતે રવીન્દ્રએ તેને એક જ સલાહ આપી હતી, ‘ને તું પણ, શામ્ભવીની કે બીજા કોઈની મદદ કરવા માગતો હોય તો નહીં કરતો. બહુ ઊંડાં પાણી છે દોસ્ત. એક વાર પગ લપસી જશે તો લાશ પણ હાથમાં નહીં આવે.’ આ વાત ફરી-ફરીને શિવના મનમાં પડઘાયા કરતી હતી. તેણે શામ્ભવીને કહ્યું, ‘જો શેમ! હું નથી ઇચ્છતો કે તું કોઈ પણ પ્રકારનું રિસ્ક લે. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. તું અત્યાર સુધી જેમ જીવતી હતી એમ...’ શિવ સહેજ અચકાયો. તે સમજી શકતો હતો કે તે પોતે શામ્ભવીને જે સલાહ આપી રહ્યો છે એ બુઝદિલ અને ડરપોક વાત હતી, પરંતુ તેણે કહી જ નાખ્યું, ‘અત્યાર સુધી તું માનતી હતીને કે તારી મા આ દુનિયામાં નથી. ભૂલી જા કે તું તેને મળી છે. પ્લીઝ ભૂલી જા કે તે જીવે છે. તું કદી તેના સુધી નહીં પહોંચી શકે, ને કદાચ પહોંચી ગઈ તો પણ તું તારી માને એ કળણમાંથી બહાર નહીં કાઢી શકે.’ શિવ એકદમ ઇમોશનલ થઈ ગયો. તેનું ગળું ભરાઈ આવ્યું, ‘શેમ! મને ખબર છે કે હું તને જે કહું છું એ સાંભળીને તું ગુસ્સે થઈશ, કદાચ નફરત કરીશ મને...’ શિવે થૂંક ગળે ઉતાર્યું, ઊંડો શ્વાસ લીધો. કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વગર શામ્ભવી તેને સાંભળતી રહી, ‘પ્લીઝ, આ એક એવી દુનિયા છે જેમાં ગયેલા લોકો પાછા નથી આવતા. હું તને ખોવા નથી માગતો. તને કોઈ પણ નુકસાન થાય એ મારાથી સહન નહીં થાય, શેમ!’

મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ જે માણસ ચપટી વગાડતાંમાં શોધી આપતો હતો એવા તેના આ દોસ્તને નિરાશ થઈ ગયેલો જોઈને શામ્ભવીની રહીસહી હિંમત પણ તૂટી ગઈ. તે કશું બોલી નહીં. તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

* * *

જેલની ઊંચી દીવાલોની પાછળ બધું સૂમસામ હતું. પોતપોતાની બૅરેકમાં ઘૂસી ગયેલા કેદીઓમાંથી થોડા ઊંઘતા, તો થોડા જાગતા હતા. જેલરની રૂમમાં ત્રણ જણ બેસીને શરાબ પી રહ્યા હતા. એક હતો જેલર સોલંકી પોતે, બીજો માણસ ખૂબ સૉફિસ્ટિકેટેડ અને હૅન્ડસમ હતો. કાળી ફ્રેમનાં ચશ્માં તેના તીણા આર્યન નાક પર ગોઠવાયેલાં હતાં, તેની પાછળ ચાલાક ભૂખરી આંખો હતી. ઉંમર ૪૦-૪૨ની આજુબાજુ, વેલબિલ્ટ શરીર અને ૬ ફુટ બે ઇંચની ઊંચાઈ ધરાવતો એ પુરુષ ઋતુરાજ હતો. લલિતભાઈ દેસાઈનો દીકરો. ત્રીજો માણસ રવીન્દ્ર હતો, શિવ જેને મળવા ગયો હતો તે.

‘ઉપરવાસમાં પાણી વધી રહ્યું છે, ડૅમના દરવાજા ખોલવા પડશે.’ જેલર સોલંકીએ ગ્લાસમાં વધેલો શરાબ એક ઘૂંટડામાં પૂરો કરી નાખ્યો.

‘સાહેબ!’ રવીન્દ્રએ ધીમેકથી કહ્યું, ‘ડૅમના દરવાજા ખોલીશું તો પાણી ઘર સુધી ઘૂસી જશે... બધું ડૂબશે.’ તેણે બૉટલમાં રહેલો શરાબ પોતાના ગ્લાસમાં રેડ્યો. બે-ચાર બરફના ટુકડા નાખ્યા. જે ગ્લાસના કાચ સાથે ટકરાયા, નીરવ શાંતિમાં ધીમો ટંકાર થયો, ‘આપણે પણ ડૂબશું.’ રવીન્દ્રના અવાજમાં ભય હતો.

‘જો!’ ઋતુરાજે હોઠ પર જીભ ફેરવી. તેના હાથમાં શરાબનો ગ્લાસ હતો. તેણે મોટો ઘૂંટડો ભરીને કહ્યું, ‘આપણે ડૂબીએ એ પહેલાં તો પાણી ચૌધરી ખાનદાન પર ફરી વળશે અને કમલનાથ એ થવા નહીં દે.’ તેણે ફરી ઘૂંટડો ભર્યો, ‘મારો બાપ જીવ આપી દેશે, પણ તેના સાહેબનું નુકસાન નહીં થવા દે...’

સોલંકીથી ગાળ બોલાઈ ગઈ, પછી તેને ખ્યાલ આવ્યો કે તેણે ઋતુરાજના પિતાને ગાળ દીધી, એટલે તેણે તરત જ વાત વાળવાની કોશિશ કરી, ‘લલિતભાઈ... હજી સુધી કંઈ જાણતા નથી. તેમને માટે કમલનાથ ભગવાન છે, પણ જેવી સચ્ચાઈ ખબર પડશે એવી તેમની મૂર્તિ તૂટશે અને એ, તારો બાપ... આ મૂરખ છોકરીને મદદ કરવા આખું લશ્કર લઈને નીકળી પડશે, ત્યારે શું કરશો?’    

‘એ છોકરીને હું ઓળખું છું! હરામખોર સાલી!’ ઋતુરાજ અકળાયો, ‘તમને પણ શોખ હતોને... તેને અહીં ઘૂસવા જ કેમ દીધી?’

‘અરે! સાહેબનો ફોન હતો... હું કેવી રીતે...’ સોલંકી થોથવાયો, ‘પેલો છોકરો... જે તેની સાથે આવ્યો હતોને તે...’

‘હું ઓળખું છું એ છોકરાને. લીધો તંત એમ સહેલાઈથી મૂકશે નહીં.’ રવીન્દ્રએ કહ્યું, ‘મેં ડરાવ્યો છે તેને, પણ...’ રવીન્દ્રએ ગ્લાસમાં ભરેલો શરાબનો ઘૂંટડો પાણી વગર જ ગળે ઉતારી દીધો, ‘બધું ગૂંચવાઈ ગયું સાલું!’

‘કશું નથી ગૂંચવાયું.’ ઋતુરાજે બન્ને જણને સધિયારો આપ્યો, ‘તમે પોલીસ-ડિપાર્ટમેન્ટ સંભાળો અને તમે જેલ.’ તેણે પૂરી સત્તા સાથે સૂચના આપી, ‘પોસ્ટમૉર્ટમનાં પેપર્સ, કેસ ફાઇલની વિગતો કે એવિડન્સિસની ડિટેઇલ્સ આ છોકરીના હાથમાં ન આવવાં જોઈએ.’ તેણે રવીન્દ્ર તરફ જોઈને કહ્યું, ‘એ તમારી જવાબદારી.’ રવીન્દ્રએ આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ ડોકું ધુણાવ્યું. ઋતુરાજે જરા કડક નજરે સોલંકી તરફ જોયું, ‘એ ત્રણ બાઈઓ હવે આ ગાંડીની નજરે ન ચડવી જોઈએ. જરૂર પડે તો રાધાને ડરાવજો, ચૂં કે ચાં કરી તો છોકરીને ખતમ કરી નાખીશું.’

‘એ તો બધું કહી જ દીધું હોયને ભાઈ.’ સોલંકીએ કહ્યું, ‘પણ અત્યાર સુધી મૂંગી ગાયની જેમ પડી રહેલી રાધા પણ આ છોકરીને જોઈને ભુરાઈ થઈ છે.’

‘તેને તો સંભાળી લઈશું. પેલી સોમી માથાભારે છે.’ ઋતુરાજે કહ્યું, ‘જરૂર પડે તો તેની ટ્રાન્સફર કરાવો. વડોદરા, લાજપોર કે રાજકોટ ક્યાંય પણ ધકેલી દો તેને...’

‘એની જરૂર નથી.’ સોલંકીના કદરૂપા, કરડા ચહેરા પર વાસનાથી ભરેલું સ્મિત ભયંકર લાગતું હતું, ‘એનો ઇલાજ કાલે જ થઈ ગયો. પાંચ જણે ઠમઠોરી છે. ઊભી થઈ શકે એમ નથી...’ કહીને તેણે ઉમેર્યું, ‘છે કડક માલ હોં! તમારેય કો’ક દી...’

‘તેમને ક્યાં જરૂર છે?’ રવીન્દ્રના ચહેરા પર પણ એ જ ગંદું, ગલીચ સ્મિત પ્રતિબિંબિત થયું, ‘તેમની પાસે તો છેને? મોહિની...’ રવીન્દ્રનું વાક્ય પૂરું થાય એ પહેલાં તેના ગાલ પર લાફો પડ્યો. ગાલ પંપાળતો રવીન્દ્ર નીચું જોઈને બેસી રહ્યો.

‘નામ નહીં લેવાનું, કીધું છેને?’ કહીને ઋતુરાજ ઊભો થઈ ગયો, ‘આ જેલ છે... ઠેર-ઠેર CCTV અને માણસો છે.’ તેણે સોલંકીની રૂમની બહાર નીકળતાં ઉમેર્યું, ‘બધા પોતપોતાનું કામ બરાબર કરશે તો બધા બચી જશે. બાકી એકાદની ગફલતમાં બધાનાં માથાં કપાશે, એટલું યાદ રાખજો...’ કહીને તે બહાર નીકળી ગયો. દરવાજે ઊભા રહીને, ઊંધા ફરીને તેણે ઉમેર્યું, ‘મારા ભાગનું હું સંભાળી લઈશ.’ તે નીકળી ગયો. રવીન્દ્ર અને સોલંકી તે ગયા પછી તેને ગાળો દેતા, જેલમાં રહેલી સ્ત્રીઓ વિશે ગંદી-ગલીચ વાતો કરતા બેસી રહ્યા.

બહાર નીકળીને ઋતુરાજ ગાડીમાં ગોઠવાયો. તેણે પોતાની ઘડિયાળમાં સમય જોયો. રાતે સવાબે થવા આવ્યા હતા. તેણે ગાડીને સેલ માર્યો, ગાડી ફરફરાટ કરતી સાબરમતી જેલની ગલીમાંથી બહાર નીકળી સુભાષ બ્રિજ પર ચડી ગઈ.

* * *

આખો દિવસ શામ્ભવીના ફોનની રાહ જોયા પછી અનંત કંટાળ્યો હતો. સવારે માધવીએ જે રીતે મહેણાં માર્યાં એ પછી અનંતને પણ મનોમન પ્રશ્ન થવા લાગ્યા હતા. અંતે તો તે અબજોપતિ બાપનો એકનો એક દીકરો હતો. તેના ઈગો અને પ્રેમની વચ્ચે અંતે તેનો ઈગો જીત્યો... તેણે નક્કી કરી લીધું કે એક વાર શામ્ભવી સાથે આ વિશે સ્પષ્ટ ચર્ચા કરી લેવી જોઈએ. તેને ખરેખર ઇન્ટરેસ્ટ ન હોય તો પોતે ધીમે-ધીમે તેના મોહમાંથી, આકર્ષણમાંથી નીકળી જશે એવું મન મનાવીને અનંતે મોડી રાતે ફરી એક વાર શામ્ભવી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.

શામ્ભવી હજી હમણાં જ પોતાની રૂમમાં દાખલ થઈ હતી. પિતાની સામે પકડાઈ ગયા પછી જડીબહેન અને મોહિની સાથેના પ્રસંગો પછી શામ્ભવી ગૂંચવાયેલી અને ગભરાયેલી હતી છતાં અનંતનું નામ સ્ક્રીન પર વાંચીને તેણે ફોન ઉપાડી લીધો, ‘હાય! હજી જાગે છે?’ તેણે નૉર્મલ હોવાનો પૂરેપૂરો અભિનય કર્યો.

રાહ જોઈને કંટાળેલા અનંતે કહ્યું, ‘કેટલા મેસેજ કર્યા, તું જવાબ નથી આપતી...’ તેણે જરા ગુસ્સાથી ઉમેર્યું, ‘ડોન્ટ ટેક મી ફૉર ગ્રાન્ટેડ. તું ગમે છે મને, પણ એનો અર્થ એ નથી કે હું...’ સવારે બહેને ભરેલો પાવર અંતે ફુત્કારી ઊઠ્યો.

શામ્ભવી પર અનંતના ગુસ્સાની કે તેણે જે કહ્યું એની કોઈ અસર જ ન થઈ, ‘હું થોડી ડિસ્ટર્બ્ડ છું. પછી વાત કરીશ.’ શામ્ભવી ફોન ડિસકનેક્ટ કરવા જતી હતી, પછી તેને એક વિચાર આવ્યો. સહેજ અટકીને તેણે પૂછ્યું, ‘કૅન આઇ ટ્રસ્ટ યુ?’

અનંતે કહ્યું, ‘૧૦૦ ટકા.’ તેને લાગ્યું કે શામ્ભવીએ તેની અંગત દુનિયાનો દરવાજો પોતાને માટે ખોલી નાખ્યો હતો. તેનો ગુસ્સો સાવ ઓગળી ગયો, ‘હું તારા માટે કંઈ પણ કરી શકું.’ શામ્ભવીની કોઈ અજાણી, અંધારી દુનિયામાં પ્રવેશવાની પરવાનગી મળતાં જ અનંતની ભીતર રોમાંચ થયો, ‘આપણે જીવનસાથી બનવાનાં છીએ. તું મને કંઈ પણ કહી શકે છે. તારે મદદની જરૂર હોય તો પણ...’ અનંતે થૂંક ગળે ઉતારીને ઉમેર્યું, ‘હું ઑલ્વેઝ તારી સાથે રહીશ, સુખમાં અને દુઃખમાં.’

‘થૅન્ક યુ...’ કહીને શામ્ભવીએ ધીમા અવાજે ઉમેર્યું, ‘તું કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવને ઓળખે છે?’ સવાલ સાંભળતાં જ અનંત ચોંકી ગયો. તેણે કોઈ પ્રતિભાવ ન આપ્યો, શામ્ભવીને બોલવા દીધી, ‘મારે...’ એ સહેજ અચકાઈ, ‘એક તપાસ કરાવવી છે. કોઈને ખબર ન પડવી જોઈએ. એકદમ કૉન્ફિડેન્શિયલ.’

‘કોણ?’ અનંત ડઘાઈ ગયો હતો, ‘કોની...’ અનંતે અચકાઈને પૂછ્યું, ‘કોની તપાસ કરવી છે?’ 

‘મારી ફૅમિલીની...’ હવે અનંત બેહોશ થવાની તૈયારીમાં હતો, ‘મારી ફૅમિલીનું કોઈ સીક્રેટ છે.’

(ક્રમશઃ)

columnists gujarati mid-day kajal oza vaidya