17 December, 2022 03:05 PM IST | Mumbai | Rajani Mehta
રાજ કપૂર સ્પેશ્યલ
‘પ્રેમ રોગ’ બૉક્સ-ઑફિસ પર સફળ રહી એનાં અનેક કારણો હતાં. ‘સત્યમ શિવમ સુંદરમ’ વધુપડતી પબ્લિસિટીને કારણે પ્રેક્ષકોની અપેક્ષા સંતોષવામાં નિષ્ફળ ગઈ હતી. ઝીનત અમાનનાં અર્ધનગ્ન દૃશ્યોને કારણે ફિલ્મને ‘નેગેટિવ પબ્લિસિટી’ મળી અને ચોખલિયા વિવેચકોએ નીતિમત્તાના નામે રાજ કપૂર પર સલાહ અને ઉપદેશોનો મારો ચલાવ્યો. એની સરખામણીમાં ‘પ્રેમ રોગ’ વિશે લોકોમાં બહુ ઓછી જાણકારી હતી. આરકેની જૂની ફિલ્મોમાં એક સામાજિક સંદેશ આસપાસ વાર્તાની ગૂંથણી કરવામાં આવતી. ‘પ્રેમ રોગ’ એ જ પરંપરામાં એક સાફસુથરી ફિલ્મ હતી, જે પરિવાર સાથે બેસીને માણી શકાય. એ ઉપરાંત યાદગાર અભિનય, લોકપ્રિય સંગીત અને ડિરેક્શનમાં રાજ કપૂરનો આગવો ‘ટચ’; આ દરેક કારણસર ‘પ્રેમ રોગ’ લોકપ્રિય થઈ.
‘પ્રેમ રોગ’ને વિવેચકોના સારા અને ખરાબ, બન્ને રિવ્યુઝ મળ્યા. એક વિવેચકે લખ્યું, ‘કથાવસ્તુની મર્યાદાને ધ્યાનમાં રાખી રાજ કપૂરે ફિલ્મની સારી રીતે માવજત કરી છે. વિધવા વિવાહ જેવા સદીઓ પુરાણા રિવાજની વાત કરતી ફિલ્મમાં નારીના શોષણની વ્યથાને અસરકારક રીતે રજૂ કરવામાં રાજ કપૂર સફળ રહ્યા છે. પદ્મિની કોલ્હાપુરેએ પોતાની અભિનયક્ષમતાને ચરમસીમા પર પહોંચાડીને પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. એનું પૂરું શ્રેય રાજ કપૂરને આપવું જ રહ્યું.’
બીજા વિવેચકે લખ્યું, ‘રાજ કપૂર એ વાત સાથે સહમત નથી થતા કે ફિલ્મમાં જે સમસ્યા છે એ સદીઓ પુરાણી છે. તેમનું માનવું છે કે આજે પણ નારીનું શોષણ થાય છે. પોતાની આ માન્યતાને સાબિત કરતાં તેઓ બે વર્ષ પહેલાં દિલ્હીમાં થયેલી એક ઘટનાનો હવાલો આપીને કહે છે, શહેરોના લોકો પ્રગતિશીલ થયા છે એમાં શક નથી, પરંતુ દેશભરમાં આ સ્થિતિ નથી. આજે પણ અનેક જગ્યાએ સ્ત્રીઓ સાથે બેરહમી થાય છે. તેમના અવાજને દબાવીને તેમની સાથે ક્રૂરતાભર્યું આચરણ થાય છે. તેમના હકની અવગણના કરીને ગુલામો જેવો વ્યવહાર થાય છે. તેમની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપવાનો મેં આ ફિલ્મમાં પ્રયત્ન કર્યો છે.’
‘બૉમ્બે મૅગેઝિન’ ૨૨ જુલાઈ, ૧૯૮૨ના અંકમાં ફિલ્મનું અવલોકન કરતાં લખે છે, ‘નારી વેદનાની સંવેદનશીલ રજૂઆત કરવામાં ડિરેક્ટર રાજ કપૂર મેદાન મારી જાય છે. આ ફિલ્મમાં તેમનો ‘ડિરેક્ટોરિયલ ટચ’ આજે પણ જીવંત છે એ વાતની સાબિતી આપવા બે દૃશ્યો પૂરતાં છે.
પહેલું દૃશ્ય છે વિધવા મનોરમાની મુંડનવિધિનું. હાજર રહેલી ગામની અનેક વિધવાઓ આ રસમ પૂરી થાય એનો આગ્રહ કરતી હોય છે. આ દૃશ્યમાં ડિરેક્ટર રાજ કપૂર ભય, ઘૃણા અને લાચારીનું તનાવભર્યું વાતાવરણ એવી રીતે ઉત્પન્ન કરે છે કે એની અસરને કારણે પ્રેક્ષકો પણ એ જ મનોદશામાં ડૂબી જાય છે. બીજું દૃશ્ય છે બળાત્કારનું, જે મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં હિંસાનાં દૃશ્યોની જેમ જરૂરી ગણાય છે. ફરક એટલો છે કે આ દૃશ્યનું ખૂબ જ નાજુકાઈ અને જવાબદારીથી ફિલ્માંકન કરવામાં આવ્યું છે. રાજ કપૂરે ધાર્યું હોત તો વાસ્તવિકતાની આડ લઈને હિરોઇનનું અંગપ્રદર્શન કરાવીને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કર્યો હોત. તેમની આગળની ફિલ્મોમાં તેમણે આવું કર્યું છે પરંતુ અહીં એ લાલચને વશ થયા વિના આ દૃશ્યને અત્યંત પરિપક્વતાથી હૅન્ડલ કરવામાં આવ્યું છે.
એવું નહોતું કે દરેક પત્રકારે ફિલ્મનાં વખાણ કર્યાં. કોઈએ લખ્યું, ‘ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે, વિષય સમકાલીન નથી. ફિલ્મનું ડિરેક્શન રાજ કપૂરે નહીં પણ સાઉથની સામાજિક ફિલ્મોના કોઈ ડિરેક્ટરે કર્યું હોય એમ લાગે છે.’ બીજાએ લખ્યું, ‘લાગે છે રાજ કપૂર દિશાવિહીન થઈ ગયા છે. એક શોમૅન તરીકે તેમની ફિલ્મો ‘લાર્જર ધૅન લાઇફ’ હોય છે. અહીં એવું કશું નથી. તેમની મોટા ભાગની ફિલ્મો આત્મકથનાત્મક હોય છે, જ્યારે અહીં એવું કશું નથી. આ કારણે ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગે છે.’
રાજ કપૂરની એક ખાસિયત હતી. ટીકાઓનો સામનો કરવામાં તે પ્રમાણભાન ગુમાવી બેસતા. પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં ૨૬ જૂન, ૧૯૮૨ના ‘ફિલ્મ ઇન્ફર્મેશન’માં હરમીત કથુરિયા સાથેના ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘મને એ વાતનો જવાબ આપો કે ફિલ્મ પત્રકારોને ભાવનાપ્રધાન વિષયો કે પછી સામાજિક દૂષણો વિશે કેટલી જાણકારી છે? પત્રકારો મારા કામ અને ફિલ્મો માટે ઇન્ટરવ્યુ લેવા આવે છે અને પછી પોતાના લેખને હેડિંગ આપે છે, ‘Raj Kapoor Is Not An Athlete In Bed Anymore’ (રાજ કપૂર પથારીમાં પોતાની કામશક્તિ ખોઈ બેઠા છે). એ છોકરી મારા કામ માટે ઇન્ટરવ્યુ લેવા આવી હતી કે મારી સેક્સ-લાઇફ પર થીસિસ લખવા? શું પત્રકારો એમ માને છે કે ચિપ, વલ્ગર અને હિંસક થયા વિના ફિલ્મ બનાવી જ ન શકાય? એ લોકો ફિલ્મોની બિનજરૂરી ટીકા કરે છે પરંતુ ફિલ્મ પત્રકારિતાનું ધોરણ કેટલું કથળી ગયું છે એ તેમને ખબર છે? અમુક નિર્માતાઓની જેમ તેઓ પણ સફળતા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે.
‘પ્રેમ રોગ’ બનાવતાં મને ખૂબ મજા આવી, સંતોષ થયો. હું માનું છું કે આ ફિલ્મ દ્વારા સામાજિક સંદેશ આપવાની આર. કે. ફિલ્મ્સની પરંપરા ફરી એક વાર શરૂ થઈ છે. આવી મીનિંગફુલ ફિલ્મ દ્વારા મારે જે કંઈ કહેવું છે એમાં હું સફળ થયો એનો મને ગર્વ છે.
‘આપણે સૌ દંભી છીએ. એક તરફ નારીશક્તિની પૂજા કરીએ છીએ. માતૃત્વને દૈવી ગણી સ્ત્રીઓને ઊંચો દરજ્જો આપીએ છીએ. આપણા દેશનું સંબોધન ‘ભારતમાતા’ કરીને એનું ગૌરવ કરીએ છીએ. તો બીજી તરફ સ્ત્રીઓ પ્રત્યે અકલ્પનીય દુર્વ્યવહાર કરીએ છીએ. તેમની પર બેસુમાર જુલમ કરી, ગુલામ બનાવીને, જીવતી બાળી નાખતાં કોઈના પેટનું પાણી પણ હલતું નથી.
‘એવાં અનેક ઘર છે જ્યાં એક પ્રાણી સાથે આના કરતાં અનેકગણો સારો વ્યવહાર કરવામાં આવે છે. બીજા કોઈ દેશમાં બળાત્કાર અને પત્નીઓને બાળી નાખવાના આટલા બનાવો બનતા નથી. પુત્રી જન્મે તો તેને ઈશ્વરનો શ્રાપ કહેવાય એવું શા માટે? આ સઘળું મારી સમજની બહાર છે. સ્ત્રી એટલે પ્રેમ, કરુણા અને શક્તિ. તે નફરત નહીં, આદરને પાત્ર છે. તેને પુરુષ જેટલી જ સ્વતંત્રતા અને સુખ મેળવવાનો હક છે. મારી ફિલ્મ તેમના હક માટેના સંઘર્ષની ગાથા છે. એમાં ભાષણબાજી નથી. સૌપ્રથમ હું એક કલાકાર છું. મારું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. ફિલ્મો દ્વારા જીવનભર હું એ કરતો રહીશ.’
આ હતા રાજ કપૂરની ‘પ્રેમ રોગ’નાં લેખાંજોખાં. કભી નરમ તો કભી ગરમ, રાજ કપૂરનો આક્રોશ દૂધના ઊભરા જેવો હતો. તેમની કામ પ્રત્યેની લગન અને અભિવ્યક્તિની ઉત્કટતા સામે તમે કોઈ સવાલ ન કરી શકો. ફિલ્મ-મેકિંગ તેમના માટે કેવળ કર્મ નહોતું, જીવન પ્રત્યે એક કમિટમેન્ટ હતું. પરંતુ બદલાયેલા સંજોગોમાં રાજ કપૂરે પ્રૅક્ટિકલ બનવાનું નક્કી કર્યું. ઓવરબજેટ ‘પ્રેમ રોગ’ની ધીમી પણ મક્કમ સફળતા જોઈ રાહ જોતા બીજા ડિસ્ટ્રિબ્યુટર્સ રાજ કપૂર પાસે આવ્યા. હવે તેઓ મેજર ટેરિટરી દીઠ ૬૫ લાખ રૂપિયા આપવા તૈયાર હતા, પણ રાજ કપૂરે વધારે કિંમત માગી અને એ મળી પણ. ‘પ્રેમ રોગ’ રાજ કપૂર માટે નામ અને દામ લઈને આવી, પરંતુ આર. કે.ની શાન ન બની.
રાબેતા મુજબ સાંજ પડે ચેમ્બુર સ્ટુડિયોમાં રાજ કપૂરનો દરબાર ભરાય છે. સિંહ ભલે ઘરડો થયો હોય, પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો મિથ્યા પ્રયત્ન કરતી એની ડણકમાં હજી દમ છે. મિત્રો સાથે ડ્રિન્ક્સ લેતા રાજ કપૂર ભવિષ્યવાણી કરે છે. ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ફિલ્મો બનાવે છે એ જોઈને એનું ભાવિ અંધકારમય છે. પુરાણી પરંપરાના છેલ્લા અવશેષ જેવી આર. કે. ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રીની અંતિમ આશા છે. જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી હું સમાધાન કર્યા વિના સામાજિક સંદેશ આપતી ફિલ્મો બનાવતો રહીશ, ભલે એ માટે મારે મોટી કિંમત ચૂકવવી પડે.’