07 November, 2024 01:23 PM IST | Mumbai | Ruchita Shah
રજની આચાર્ય
કરાચીમાં જન્મેલા ૮૦ વર્ષના રજની આચાર્યએ અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ શૉર્ટ ફિલ્મ્સ અને ડૉક્યુમેન્ટરી બનાવી છે. પબ્લિસિસ્ટ તરીકે કરીઅરની શરૂઆત કરનારા આ ઓલ્ડ યંગ મૅને બનાવેલી મોહમ્મદ રફીની લાઇફોગ્રાફીને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. ઉંમરના આ તબક્કે પણ ફિલ્મમેકિંગનું પૅશન જીવી રહેલા રજની આચાર્યની જીવનસફર પર નજર કરીએ
‘લગભગ ૬૫ વર્ષ પહેલાંની વાત છે. હું માસી સાથે લીમડીમાં રહેતો ત્યારની વાત છે. લીમડીમાં તો ત્યારે એકેય થિયેટર નહીં, પણ મને ફિલ્મોનો ખૂબ શોખ. સ્કૂલમાં મારા મિત્રો સાથે મળીને ફિલ્મોની અને કલાકારોની ચર્ચા કરતા. એ દરમ્યાન ખબર પડી કે સુરેન્દ્રનગરમાં એક નવું થિયેટર શરૂ થયું છે અને ત્યાં ‘નવરંગ’ નામની ફિલ્મ લાગી છે. એ સમયે ફિલ્મની રિલીઝ પછી નાનાં-નાનાં સેન્ટરોમાં ફિલ્મ લાગતાં મહિનાઓ નીકળી જતા. લીમડીથી સુરેન્દ્રનગર ફિલ્મ જોવા જવું હતું, પણ ઘરેથી પરમિશન નહીં મળે એની ખાતરી એટલે માસીને કહ્યા વિના સ્કૂલના બહાને સાઇકલ લઈને થોડાક મિત્રો સાથે અમે લીમડીથી સુરેન્દ્રનગર ગયા. ત્યાં ફિલ્મ જોઈ અને સાઇકલ પર પાછા આવ્યા. બહુ કલાકો સુધી અમારો અતોપતો નહોતો એટલે ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા. તેમને જ્યારે ખબર પડી કે અમે સાઇકલ પર ગયા હતા ત્યારે અમારો દાવ લઈ લીધેલો.’
મૂળ કરાચીમાં જન્મેલા અને ભાગલા વખતે લગભગ અઢી વર્ષની ઉંમરે ગુજરાતના હળવદમાં શિફ્ટ થઈ ગયેલા ૮૦ વર્ષના રજની આચાર્ય પાસે આવી અનેક રોચક યાદોનો ખજાનો છે. કલાકારોનું અને સ્કૉલરોનું ગામ હળવદ રજની આચાર્યનું વતન છે. ફિલ્મોની લગની લાગી એની પાછળનું કારણ પણ તેમનું આ ગામ જ છે. અત્યાર સુધીમાં લગભગ ૪૦૦ જેટલી શૉર્ટ ફિલ્મ, ડૉક્યુમેન્ટરી અને લાઇફોગ્રાફી બનાવનારા લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર રજની આચાર્યએ પોતાની કારકિર્દીની શરૂઆત બહુ જ સુપરહિટ રહેલી ગુજરાતી ફિલ્મ ‘કાદુ મકરાણી’માં પ્રોડક્શન હેડ તરીકે કરી હતી. એ પછી તો ‘જાને ભી દો યારોં’ સહિતની ઘણી ફિલ્મો અને ‘નુક્કડ’ તેમ જ રામાનંદ સાગરની ‘રામાયણ’ના પબ્લિસિસ્ટ તરીકે કામ કર્યું, ઝી ટીવી આવ્યું એ પહેલાં એક સૅટેલાઇટ ચૅનલના હેડ બન્યા અને ત્યારથી જ મીનિંગફુલ ફિલ્મો બનાવવાની દિશામાં તેમનું કામ આગળ વધ્યું જે આજ સુધી અવિરત ચાલે છે.
આશા ભોસલે સાથે રજનીભાઈ.
લાઇફ-લર્નિંગ
રજની આચાર્ય દ્વારા નિર્મિત પદ્મશ્રી અવિનાશ વ્યાસના જીવનની અજાણી વાતો સાથેની પહેલી મ્યુઝિકલ લાઇફોગ્રાફી ‘સૂર શબ્દનું સરનામું’ આવતી કાલે (શુક્રવારે) OTT પ્લૅટફૉર્મ શેમારૂ પર રિલીઝ થવા જઈ રહી છે ત્યારે લાઇફોગ્રાફીના કન્સેપ્ટ અને એની જરૂરિયાત વિશે વાત કરતાં રજનીભાઈ કહે છે, ‘બાળપણમાં મેં સંઘર્ષ જોયો છે. આઠ વર્ષનો હતો ત્યારે પપ્પા ગુજરી ગયા. પારિવારિક સ્થિતિને કારણે માતા અને બે ભાઈઓથી અલગ માસી પાસે થોડોક સમય મોટો થયો. આઠમા ધોરણમાં હતો ત્યારે મુંબઈ આવ્યો. અહીં પગ મૂકો અને બે ડગલાં ચાલો એટલે ઘર પૂરું. આટલું નાનું ઘર, કૉમન ટૉઇલેટ. જોકે એ બધું અવગણીને પણ હું મુંબઈ આવવા માટે ઉત્સુક હતો, કારણ કે અહીં મારાં સપનાંઓને પૂરાં કરવાની દિશા હતી. પરિવારમાં દૂર-દૂર સુધી કોઈ ફિલ્મ સાથે નહોતું જોડાયેલું, પણ હળવદમાં ચાર-પાંચ વર્ષની ઉંમરે જેમને જોતો આવ્યો હતો એવા દલસુખ આચાર્ય અને રમણીક આચાર્યને મેં રોલમૉડલ તરીકે જોયા હતા. બન્ને દિગ્ગજો હતા. પ્રયોગાત્મક કામ કરવામાં તેમની માસ્ટરી હતી. મને યાદ છે કે થોડોક સમજણો થયો ત્યારે મારા પૅશનને જોઈને રમણીક આચાર્યએ મને કહેલું કે મુંબઈ આવે તો મને મળજે, હું તને ગમતું કામ આપીશ અને ‘કાદુ મકરાણી’માં પ્રોડક્શનને લગતું કામ સોંપીને તેમણે પોતાનો બોલ પાળ્યો. એ દરમ્યાન ‘જાને ભી દો યારો’ ફિલ્મને પ્રમોટ કરે એવી વ્યક્તિની જરૂર હતી અને મારે તો આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા જે કરવું પડે એ કરવું જ હતું. એમાં જ હું જોડાઈ ગયો. પર્સનલ કૉન્ટૅક્ટ ડેવલપ કરીને લોકો પાસે જઈ-જઈને ફિલ્મનું પ્રમોશન કરતો. રિસ્પૉન્સ એવો મળ્યો કે પછી પાછળ જોવાનું થયું જ નથી. એ જમાનામાં ફિલ્મોને જ અખબારોમાં ન્યુઝ તરીકે સ્થાન મળતું, પણ ટીવી-સિરિયલોને નહીં. ‘નુક્કડ’ પછી એ ટ્રેન્ડ પણ અમે બદલ્યો અને ‘રામાયણ’ દ્વારા તો ઇતિહાસ રચાયો એ આપણા સૌની સામે છે. પબ્લિસિસ્ટ તરીકેની મારી એ ભૂમિકામાં મારા કૉન્ટૅક્ટ ખૂબ બન્યા અને અનેક જીવનને નજીકથી જોવા, જાણવા અને સમજવાનો અવસર મળ્યો. બાળપણમાં પણ ખૂબ પુસ્તકો વાંચ્યાં હતાં એટલે મને હંમેશાં લોકોના જીવનને અભિવ્યક્ત કરવાનું મન થતું. લાઇફોગ્રાફીનો કન્સેપ્ટ પણ એ જ દૃષ્ટિકોણને કારણે ડેવલપ થયો.’
આણંદજીભાઈ સાથે રજનીભાઈ.
આસાન નથી
કોઈ વ્યક્તિની કરીઅરની ઉપલબ્ધિને ડૉક્યુમેન્ટ ફૉર્મેટમાં મૂકવી એક વાત અને તેના વ્યક્તિત્વને રસાળ શૈલીમાં મૂકવું એ બીજી વાત. અત્યાર સુધીમાં લગભગ અડધો ડઝન લાઇફોગ્રાફી બનાવી ચૂકેલા રજનીભાઈ કહે છે, ‘ડૉક્યુમેન્ટરી બોરિંગ હોય છે. તમને એમાં માત્ર ઇન્ફર્મેશન અને ચાર લોકોની બકબક સંભળાય. લોકો એને જોતા નથી. બીજું, આજની ફાસ્ટ પેસ લાઇફમાં લોકો વાંચતા પણ નથી. લોકો જો બાયોગ્રાફી વાંચે નહીં અને ડૉક્યુમેન્ટરી ફૉર્મમાં મૂકો તો રસહીન હોવાને કારણે જુએ પણ નહીં, જેથી બહુ જ મૂલ્યવાન કન્ટેન્ટથી વંચિત રહી જાય. એ જ વિચારીને લાઇફોગ્રાફીનો કન્સેપ્ટ સૂઝ્યો, જેમાં વાસ્તવિકતામાં બાંધછોડ કર્યા વિના વીસથી પચીસ ટકા મ્યુઝિક અને વિઝ્યુઅલ્સ દ્વારા એને જોવાલાયક બનાવવી. જેમ કે લગભગ બારેક વર્ષ પહેલાં મોહમ્મદ રફીના વ્યક્તિત્વ પર અમે દાસ્તાં-એ-રફી બનાવી તો એમાં પાકિસ્તાન ગયા. તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા એનાં વિઝ્યુઅલ્સ તથા ૮૦ વર્ષની ઉંમરના તેમના મિત્રોના ઇન્ટરવ્યુ લીધા. તેમના બાળપણના સમયની વાતોને પ્રત્યક્ષ રજૂ કરી. લગભગ ૬૦ જેટલા ઇન્ટરવ્યુ સાથે જ્યારે રફીસાહેબની અજાણી વાતો ઑડિયો-વિઝ્યુઅલ ફૉર્મેટમાં મળે તો ગમે. અફકોર્સ, એ સમયે ટેક્નૉલૉજીની મર્યાદાઓ હતી અને લોકોમાં એની અવેરનેસ નહોતી એટલે ફિલ્મના સાઉન્ડમાં અને ક્યાંક વિઝ્યુઅલ્સમાં તમને અડચણ લાગશે, પણ એ પછીયે એ એવો માસ્ટરપીસ બની કે બધાં પ્લૅટફૉર્મ મળીને લગભગ બે કરોડ લોકોએ એને જોઈ લીધી છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસના જીવનને પણ આ જ રીતે તેમની લાઇફોગ્રાફીમાં અમે આવરી લીધી છે. ૪ વર્ષના અથાગ પ્રયત્નો, ત્રીસથી વધુ આર્ટિસ્ટના ઇન્ટરવ્યુ, અવિનાશભાઈનાં ૩૦ જેટલાં પૉપ્યુલર ગીતોને આવરીને એવી રોચક વાતો અમે સમાવી છે જે આજ સુધી અનકહી હતી. જેમ કે અવિનાશભાઈએ લખેલું ‘છેલાજી રે...’, ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...’ કે પછી પૂજ્ય મોરારીબાપુ જેને વેદની ઋચાઓ સાથે સાંકળી ચૂક્યા છે એવું ગીત ‘માડી તારું કંકુ ખર્યું રે’ જેવા ગીતની રચના કેવા સંજોગોમાં થઈ. મ્યુઝિક-કમ્પોઝર, સિંગર અને રાઇટર ઉપરાંતનું તેમનું વ્યક્તિત્વ જેવાં ઘણાં પાસાં અમે આવરી લીધાં છે; પણ એમાં ખૂબ મહેનત અને આર્થિક રીતે પણ ખૂબ ધોવાઈ જવાતું હોય છે. તમે માનશો નહીં, પણ મોહમ્મદ રફીની લાઇફોગ્રાફી માટે મારે મારી વાઇફના દાગીના વેચીને પૈસા ઊભા કરવા પડ્યા હતા અને એ પછીયે પૂરું ન પડતાં પેન ઇન્ડિયા અને શેમારૂ જેવા ઇન્ડસ્ટ્રીના મિત્રોએ સપોર્ટ કર્યો હતો.’
રજનીભાઈએ પોતાના પ્રોડક્શન હાઉસ તક્ષશિલા ફિલ્મ્સ અંતર્ગત બનાવેલી લાઇફોગ્રાફીમાં રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ખેડૂતના દીકરાની લાઇફની ઇન્સ્પાયરિંગ સ્ટોરી ‘ઝમીં સે જુડી ઊંચી ઉડાન’, એક જમાનામાં બૉલીવુડના ફેમસ વિગમેકર બની ગયેલા અને પછી અન્ડરવર્લ્ડના ત્રાસને કારણે ઇન્ડસ્ટ્રી છોડી દેનારા વિક્ટર પરેરાની લાઇફ-સ્ટોરી, ૨૮ વર્ષે આવેલા કૅન્સર પછી પણ લંડન જઈને ભણેલા અને ખૂબ ઝઝૂમેલા જાણીતા ડૉ. હરિકેશ બુચની લાઇફ-સ્ટોરી, મહેન્દ્ર કપૂરની લાઇફ-સ્ટોરી વગેરેનો સમાવેશ થાય છે.
ચલાવી લો અને નમ્ર રહો
અત્યારે રજની આચાર્યને ગોવામાં યોજાનારા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના જ્યુરી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. બાર વર્ષ પહેલાં પત્ની ગુજરી ગયા પછી જુહુમાં પોતાના ઘરને મૅનેજ કરવાની સાથે સતત સક્રિય રહેતા અને ફિલ્મોના કામ સાથે વાંચનમાં ડૂબેલા રજનીભાઈ પોતાના સપનાની વાત કરતાં કહે છે, ‘જીવનમાં ખૂબ અખતરાઓ કર્યા છે એટલે ક્યારેક નુકસાન વેઠ્યું છે. તકલીફો વચ્ચે ડગ્યો નથી, કારણ કે આ લાઇફોગ્રાફીના રિયલ લાઇફ હીરો જ મારી પ્રેરણા હતા. હવે એટલું જ ઇચ્છુ છું કે કામ કરતાં-કરતાં છેલ્લા શ્વાસ લેવાય. હજી ઘણી લાઇફોગ્રાફી પર કામ કરવાનું બાકી છે અને એટલે ૧૦૦ વર્ષ પણ મને ઓછાં પડવાનાં છે, પણ જ્યારે જાઉં ત્યારે કામ કરતો-કરતો દુનિયાને અલવિદા કહું. મારે રિટાયર નથી થવું. મને કોઈ પૂછે કે કેટલા કલાક કામ કરો છો તો જવાબ આપવાનું મારા માટે અઘરું થઈ જાય છે, કારણ કે કામના કલાકો એ ગણે જેને કામનો થાક લાગતો હોય. હું તો મારું ગમતું કામ કરું છું એટલે મને થાક નથી લાગતો. આજેય વાંચન કરું છું. સંગીતનો શોખ જીવું છું અને ફિલ્મો તો મારી દુનિયા છે. જીવનમાંથી એક જ વાત શીખ્યો છું કે જે મળે એ બધું ચલાવી લો અને ગમે એ સંજોગોમાં તમારામાં રહેલી નમ્રતાને છોડો નહીં. આટલાં જીવન સ્ટડી કર્યા પછીનો સાર આ જ છે : ચલાવી લો અને નમ્ર રહો.’
અફસોસ છે કે...
‘કસ્તુરબા’ નામની કસ્તુરબા ગાંધીની લાઇફોગ્રાફી પર પણ રજની આચાર્યએ પુષ્કળ કામ કર્યું હતું. એમાં તેમણે તેમના પરિવાર અને તેમની સાથે સંકળાયેલા ઘણા લોકોના ઇન્ટરવ્યુ કર્યા હતા. જોકે હાર્ડ ડિસ્ક કરપ્ટ થવાથી એ બધો જ ડેટા કરપ્ટ થઈ ગયો અને એ ફિલ્મ ક્યારેય બની જ નહીં જેનો આજે પણ તેમને ભરપૂર અફસોસ છે.