અભિનયશૂન્ય રાજકુમાર પોતાની આગવી ડાયલૉગ ડિલિવરીને કારણે લોકપ્રિય થયા

06 October, 2024 10:10 AM IST  |  Mumbai | Rajani Mehta

તેમના નસીબમાં જે  સંવાદો આવ્યા એની તેમણે અનોખી રીતે અદાયગી કરી. એ કારણે તેમની લોકપ્રિયતા વધી ગઈ

રાજકુમાર

‘ચિનૉય શેઠ, જિનકે અપને ઘર શીશોં કે હોં, વો દૂસરોં પે પથ્થર નહીં ફેંકતે’ (વક્ત). આ સંવાદનો ઉલ્લેખ થાય એટલે રાજકુમારનો ચહેરો નજર સમક્ષ આવી જાય અને બીજા અનેક યાદગાર સંવાદોનું સ્મરણ થાય. તેમની અભિનયશૂન્યતાને બાજુ પર મૂકીએ તો કેવળ ડાયલૉગ ડિલિવરીના જોર પર તેમણે ફિલ્મોમાં આગવું સ્થાન બનાવ્યું એનો સ્વીકાર કરવો પડે. હિન્દી ફિલ્મોના ધારદાર સંવાદોનું લિસ્ટ બનાવીએ તો એમાં રાજકુમારના ઘણા સંવાદોનો સમાવેશ જરૂર કરવો પડે.

આ પહેલાં અભિનયશૂન્ય અભિનેતાઓની શ્રેણીમાં ભારત ભૂષણની વાત કરી ત્યારે કવિમિત્ર સંદીપ ભાટિયાએ યાદ દેવડાવ્યું કે આ યાદીમાં રાજકુમારનો સમાવેશ કરી શકાય કે નહીં? જવાબ છે હા. જોકે રાજકુમાર એ દરેક કરતાં થોડા જુદા પડે છે. બીજા કલાકારોની જેમ તેમને થોડાઘણા અંશે મોહમ્મદ રફીના કંઠનો સથવારો ભલે મળ્યો, પરંતુ તેમના નસીબમાં જે  સંવાદો આવ્યા એની તેમણે અનોખી રીતે અદાયગી કરી. એ કારણે તેમની લોકપ્રિયતા વધી ગઈ. અધૂરામાં પૂરું હોય એમ જે પ્રેક્ષકો રાજકુમારને મહાન અભિનેતા ગણતા એમાં સૌથી આગળ ખુદ રાજકુમાર હતા. કદાચ આ કારણે જ તેમનાં વાણી અને વર્તનમાં એક પ્રકારની ઋક્ષતા આવી ગઈ હતી. 

કુલભૂષણનાથ પંડિતનો જન્મ લોરાલોઈમાં (બલૂચિસ્તાન) ૧૯૨૭ની ૮ ઑક્ટોબરે થયો. સાહિત્યના ઊંડા અભ્યાસી કુલભૂષણે BAની ડિગ્રી મેળવી અને કામકાજની શોધમાં મુંબઈ આવ્યા. અહીં પોલીસમાં નોકરી શરૂ કરી. જન્મજાત કાશ્મીરી પંડિત હતા એટલે ચહેરેમોહરે રૂપાળા કુલભૂષણ ફિલ્મોના શોખીન હતા. એક દિવસ મેટ્રોમાં ફિલ્મ જોવા ગયા ત્યાં વિખ્યાત અભિનેતા, પ્રોડ્યુસર-ડિરેક્ટર સોહરાબ મોદી સાથે આકસ્મિક મુલાકાત થઈ. તેમણે કહ્યું, ‘તારી પર્સનાલિટી આકર્ષક છે. ફિલ્મોમાં કામ કરવું છે?’ કુલભૂષણને એમાં રુચિ નહોતી એટલે ના પાડી.

મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતાં કુલભૂષણ ‘બૅચલર્સ લાઇફ’ માણી રહ્યા હતા. એક દિવસ કોઈ કામ માટે નિર્માતા બલદેવ દુબે પોલીસ-સ્ટેશનમાં આવ્યા. સબ-ઇન્સ્પેક્ટરના વ્યક્તિત્વ અને વાતચીતના અંદાઝથી આકર્ષાઈ તેમણે ફિલ્મમાં રોલ ઑફર કર્યો. કુલભૂષણે વિચાર કર્યો કે ફરી વાર એક જ પ્રકારની તક આવી છે એમાં વિધિનો કોઈ સંકેત હશે. તેમણે હા પાડી. નોકરીમાંથી રાજીનામું આપ્યું અને કુલભૂષણનાથ પંડિતની પરદા પરની કારકિર્દી  રાજકુમારના નામથી શરૂ થઈ. ફિલ્મ હતી ‘શાહી બાઝાર’ (૧૯૫૨).

આ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ. બીજી ફિલ્મ ‘રંગીલી’માં તે હીરો બન્યા જેમાં રેહાના હિરોઇન હતી. એ પણ નિષ્ફળ ગઈ એટલું જ નહીં, ૧૯૫૨થી ૧૯૫૭ સુધીમાં ‘અણમોલ’, ‘સહારા’, ‘ઘમંડ’, ‘નીલમણિ’, ‘આબશાર’, ‘લાખોં મેં એક’ જેવી ફિલ્મોમાં શ્યામા, નલિની જયવંત, નિમ્મી જેવી હિરોઈનો સાથે કામ કર્યું. આ દરેક ફિલ્મ નિષ્ફળ હતી. રાજકુમાર પર ‘અનલકી’ હીરોનું લેબલ લાગી ગયું. પરંતુ એ સમયે મેહબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’એ ડૂબતાને સાથ આપ્યો. ભૂમિકા નાની હતી, પરંતુ નરગીસના ઠૂંઠા, સ્વાભિમાની પતિ તરીકે રાજકુમારના કામની નોંધ લેવાઈ.

આ સમય હતો જ્યારે રાજકુમારમાં હજી તેમનું  ‘ટ્રેડમાર્ક’ તુમાખીપણું આવ્યું નહોતું નહીંતર મારા દીકરા તરીકે રાજેન્દ્રકુમાર અને સુનીલ દત્ત સાવ કર્તવ્યશૂન્ય બાઘા જેવા લાગે છે એમ કહીને બન્નેને બદલવાની જીદ કરી હોત. ‘મધર ઇન્ડિયા’માં રાજકુમારની અભિનયક્ષમતા જોઈને સોહરાબ મોદીએ ‘નૌશેરવાન–એ–આદિલ’માં હીરો તરીકે કામ આપ્યું, પરંતુ ગીત-સંગીત લોકપ્રિય હોવા છતાં ફિલ્મ ચાલી નહીં. પોતે હીરો તરીકે ચાલશે નહીં એ રાજકુમારે સમજી લીધું હતું એટલે ‘ઉજાલા’માં શમ્મી કપૂર સામે ખલનાયક અને ‘પૈગામ’માં દિલીપકુમાર સામે મોટા ભાઈની  ભૂમિકા સ્વીકાર કરી. બન્ને ફિલ્મોમાં તેમની ભૂમિકાની સરાહના થઈ.

આ અરસામાં રાજકુમારનો પરિચય જેનિફર સાથે થયો. તે ઍર-હૉસ્ટેસ હતી. બન્ને એકમેકના પ્રેમમાં પડ્યાં અને ૧૯૬૦માં લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન બાદ જેનિફર ગાયત્રી પંડિત બની. રાજકુમારની કુંડળીમાં ગ્રહો સારા હશે એટલે તેમને સારા ડિરેક્ટર મળતા ગયા. કમાલ અમરોહીની ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ અને શ્રીધરની ‘દિલ એક મંદિર’માં રાજકુમારની  ધીરગંભીર ભૂમિકા લોકોને પસંદ આવી.  

આ બે ફિલ્મોમાં રાજકુમારનો અભિનય જોઈ એમ લાગતું હતું કે એક કલાકાર તરીકે હવે તેઓ  નવી ઊંચાઈ પર પહોંચશે. પરંતુ એ આશા ઠગારી નીવડી. એનું કારણ હતું બી. આર. ચોપડાની ‘વક્ત’ની સફળતા. આજે આપણે જે રાજકુમારને ઓળખીએ છીએ (અથવા ઓળખવા ઇચ્છતા નથી) તેને તાર્યો (કે ડુબાડ્યો) ‘વક્ત’ ફિલ્મે. રાજકુમારની રુઆબદાર હરવાફરવાની સ્ટાઇલ અને તાળીઓ વસૂલ કરતી ડાયલૉગબાજીની પ્રથમ શરૂઆત આ ફિલ્મથી શરૂ થઈ. પછી તો આ રોગ પ્રબળ થયો અને અસાધ્ય વ્યાધિ બની ગયો. ‘ચિનૉય શેઠ, છુરી બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં, હાથ કટ જાએ તો ખૂન નિકલતા હૈ’ અને આવા બીજા સામાન્ય ડાયલૉગ પોતાના અનોખા અંદાઝમાં રજૂ કરતા રાજકુમારને જોઈ લોકો સીટી મારતા અને તાળીઓ પાડતા. ત્યાર બાદની ફિલ્મોમાં આવા સંવાદોએ રાજકુમારને ‘ડાયલૉગ કિંગ’ બનાવ્યા. આ વહેમ જનતાએ છેક સુધી રાજકુમારના મનમાં જીવિત રાખ્યો.

સફળતા વ્યક્તિમાં આત્મવિશ્વાસની સાથે અહંકારને પણ જન્મ આપે છે. લોકો કહેતા કે સફળતાને કારણે રાજકુમારના સ્વભાવમાં ઘમંડ આવી ગયો છે. Below the belt મારતી તેમની ‘સેન્સ ઑફ હ્યુમર’ લોકોને ઠેસ પહોંચાડતી. પરંતુ રાજકુમાર તેને પોતાની અલગ ઓળખ સમજતા. સ્વમાની હોવા ઉપરાંત તેઓ ગરમ સ્વભાવના હતા. વર્ષો પહેલાંની વાત છે. ફિલ્મોમાં આવ્યા બાદ એક દિવસ મિત્ર સાથે તે પાન ખાવા ગયા હતા. ગલ્લા પર કોઈ સાથે બોલાચાલી થઈ અને વાત વધી ગઈ. આવેશમાં આવી તેમણે પેલી વ્યક્તિને એટલા જોરથી ધક્કો માર્યો કે તે પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. હૉસ્પિટલમાં તેનું અવસાન થયું અને રાજકુમાર પર એક વર્ષ કેસ ચાલ્યો. જોકે બાદમાં તેમનો છુટકારો થયો.

એક કિસ્સો યાદ આવે છે.  પ્રેમ ચોપડાની પાર્ટીમાં રાજ કપૂર સાથે તૂતૂ-મૈંમૈં થઈ ગઈ. રાજ કપૂર નશામાં ખરીખોટી સંભળાવી દેવા માટે જાણીતા હતા. ‘મેરા નામ જોકર’માં તેમણે રાજકુમારને એક રૉલ ઑફર કર્યો હતો જેની રાજકુમારે ના પાડી. એ ભડાસ કાઢતાં રાજ કપૂરે ગુસ્સામાં કહ્યું, You are murderer. રાજકુમારે ચોખ્ખું કહી દીધું, ‘હમ કિસીસે રોલ માંગને નહીં જાતે. આપ મેરે પાસ આએ થે. હમ ફાલતુ રોલ નહીં કરતે.’

કેવળ ફિલ્મોમાં જ નહીં, અંગત જીવનમાં પોતાના સંવાદોમાં ‘મૈં’ ની જગ્યાએ ‘હમ’ બોલવાની તેમની આદત હતી. તેમનો પ્રિય શબ્દ હતો ‘જાની’. સંવાદલેખકોએ લખેલા ડાયલૉગ્સ તે પોતાની સ્ટાઇલને અનુરૂપ બદલાવતા. તેમની ડ્રેસ-સેન્સ અતરંગી હતી. સોફા અને પડદા માટેના કાપડ લાવીને એનાં શર્ટ બનાવીને પહેરવાનો તેમને શોખ હતો. તેમનાં ઝબલા જેવાં ટૂંકાં સી-થ્રૂ રંગીન પ્રિન્ટવાળાં બુશશર્ટ જોઈને લોકોની આંખ ચાર થઈ જતી પરંતુ રાજકુમારને પોતે કૈંક અલગ છે એનો મિથ્યાસંતોષ રહેતો. સિગારેટને બદલે પાઇપ ફૂંકતા. વિદેશી ગાડીઓનો કાફલો હતો પરંતુ જીપમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા. આસપાસના લોકોની દુખતી નસ દબાવતી ટિપ્પણીઓ કરવી એ તેમનો શોખ બની ગયો. એવા કિસ્સાઓની વાત આવતા રવિવારે.

columnists rajani mehta entertainment news bollywood bollywood news