24 November, 2024 02:30 PM IST | Mumbai | Rajani Mehta
રાજેન્દ્ર કૃષ્ણ અને મદન મોહન.
મુંબઈ સપનાંઓની નગરી છે એમ કહેવાય છે. આ વાત આજે જેટલી સાચી છે એટલી જ વર્ષો પહેલાં પણ સાચી હતી. ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી. નસીબ અજમાવવા મુંબઈ આવેલા બે યુવાનો ચર્નીરોડની એક લૉજની રૂમમાં સાથે રહેતા હતા. એક જમીન પર સૂતો હતો, બીજો પલંગ પર. જમીન પર સૂતો યુવાન એક દિવસ લાહોર ગયો. દેશના ભાગલા થયા અને તે પાછો મુંબઈ આવ્યો અને જૂના સાથીદારને મળ્યો.
‘અરે, તું ફિલ્મમાં ગીત લખે છે? મને તો ખબર જ નહોતી.’ જમીન પર સૂનારાએ પલંગવાળાને પૂછ્યું.
‘તો શું થયું?’ પલંગવાળાએ સિગારેટનો ઊંડો કશ ખેંચતાં કહ્યું, ‘મને પણ ક્યાં ખબર હતી કે તું સંગીતકાર છે?’
જમીન પરનો સંગીતકાર એટલે શ્યામસુંદર અને પલંગ પરનો ગીતકાર હતો રાજેન્દ્ર કૃષ્ણ. આ કિસ્સો અને કહેવાનો ઢંગ બન્ને રાજેન્દ્ર કૃષ્ણના. શું કહેવું એ મહત્ત્વનું છે પરંતુ કઈ રીતે કહેવું એ મહત્ત્વનું અને અતિ મહત્ત્વનું છે. રાજેન્દ્ર કૃષ્ણ પાસે કહેવા જેવું અઢળક હતું એટલું જ નહીં, એને ચોક્કસ શબ્દોમાં પ્રભાવશાળી રીતે રજૂ કરવાની દુર્લભ કળા હાથવગી હતી. એટલે જ રાજેન્દ્ર કૃષ્ણ ગીતકાર ઉપરાંત સફળ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ-રાઇટર હતા. પરંતુ આજે વિસ્તારથી વાત કરવી છે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ દુગ્ગલની.
શબ્દોનો આડંબર કર્યા વિના ઊંડાણભરી વાતને સાદી સરળ ભાષામાં કહેવા માટે કલમને દિવ્ય સ્પર્શ હોવો જોઈએ. કવિ પાસે કોઈ જુદો શબ્દકોશ નથી. આમ પણ કવિ નવું કૈં જ કહેતો નથી. તે જે કહે છે એ નવી રીતે કહેતો હોય છે. રાજેન્દ્ર કૃષ્ણ પાસે આ કસબ જwન્મજાત હતો.
તેમનો જનમ ૧૯૧૯ની ૬ જૂને પંજાબના જલાલપુર (હાલ પાકિસ્તાન)માં થયો. નાનપણથી કવિતા અને શેરોશાયરીનો શોખ. એ દિવસોમાં ગામમાં વીજળી નહોતી. ફાનસના અજવાળે બાળક રાજેન્દ્રને મોડી રાત સુધી અભ્યાસનાં પુસ્તકો વાંચતો જોઈ માબાપ ખુશ થતાં પણ તેમને ખબર નહોતી કે પુત્ર એ બહાને મૅગેઝિનમાં આવતી કવિતાઓ અને શાયરી વાંચતો હતો. આઠમા ધોરણ સુધી આવતાં તો રાજેન્દ્ર કૃષ્ણ પોતે કવિતા કરતા થઈ ગયા અને તેમની ધારદાર કલમના લોકો ચાહક બની ગયા. ૧૫ વર્ષની ઉંમરે તેમને પહેલી વાર એક મુશાયરામાં આમંત્રણ મળ્યું.
૧૯૪૨માં યુવાન રાજેન્દ્ર કૃષ્ણ સારી નોકરી મળે એ કારણે મોટાભાઈ પાસે શિમલા આવ્યા. ત્યાંની નગરપાલિકામાં તેમને ક્લર્કની નોકરી મળી પરંતુ જીવ કવિતામાં હતો. શિમલામાં એક મોટા મુશાયરાનું આયોજન થયું જેમાં રાજેન્દ્ર કૃષ્ણ સહિત દેશભરમાંથી નામાંકિત શેરોને આમંત્રણ મળ્યું. શ્રોતાઓએ રાજેન્દ્ર કૃષ્ણની બે પંક્તિઓ પર દિલથી તાળી પડી.
કુછ ઇસ તરહ વો મેરે પાસ આ કે બૈઠે થે
કે જૈસે આગ સે દામન બચાએ બૈઠે થે
આ કાર્યક્રમમાં મશહૂર શાયર જિગર મુરારાબાદી થોડા મોડા પડ્યા. તે આવ્યા ત્યારે કોઈએ કહ્યું કે આ યુવાનનો શેર સાંભળવા જેવો છે. આ ઘટનાને યાદ કરતાં રાજેન્દ્ર કૃષ્ણ કહે છે, ‘મને કહેવામાં આવ્યું કે જિગરસાબને તારો શેર સંભળાવ ત્યારે હું ખુશ થઈ ગયો. મારી શાયરી સાંભળી તેમણે જે અંદાઝથી દાદ આપી એ મારા માટે યાદગાર ઘટના હતી. મને લાગ્યું મારે શાયરીને જ જીવનનો મકસદ બનાવવો જોઈએ.’
ફિલ્મોનાં સપનાં જોતો તેમનો એક મિત્ર કમલ હંમેશાં મુંબઈ જવાની વાત કરતો. હવે રાજેન્દ્ર કૃષ્ણને પણ લાગતું કે મુંબઈ જવું જોઈએ. બન્ને મુંબઈ આવ્યા. કમલે ઉધાર લઈ એક ફિલ્મ બનાવી ‘શહેનશાહ’, જેમાં રાજેન્દ્ર કૃષ્ણે એક પંડિતનો નાનો રોલ કર્યો. ફિલ્મ એટલી બકવાસ હતી કે પહેલા જ દિવસે પિટાઈ ગઈ. રાજેન્દ્ર કૃષ્ણને એટલી સમજ આવી કે પોતાની કલમને આધારે જ ફિલ્મોમાં સ્થાન મળશે. એટલે સ્ટુડિયોનાં ચક્કર શરૂ થયાં. પ્રભાતના બાબુરાવ પૈએ મામૂલી પગારે નોકરી પર રાખ્યા. તેમની કારકિર્દીનું પ્રથમ ગીત ‘ઘુંઘટ કે પટ ખોલ ગોરી’ ૧૯૪૩માં ફિલ્મ ‘જનતા’ માટે લખાયું, જેના સંગીતકાર હતા હરિશ્ચંદ્ર બાલી.
ફિલ્મમાં બે ભજન લખવાની જવાબદારી મળી હતી. ભજન લખવામાં તેમની ફાવટ નહોતી પરંતુ સામે આવેલી તક છોડાય એમ નહોતું એટલે બજારમાં જઈ ભજનની ચોપડી ખરીદી અભ્યાસ કર્યો અને બે ભજન લખ્યાં. આ કામ માટે નિર્માતાએ ૨૦૦ રૂપિયા આપ્યા.
૧૯૪૮માં મહાત્મા ગાંધીના નિધન બાદ હુસ્નલાલ ભગતરામની જોડીએ સ્વરબદ્ધ કરેલું રાજેન્દ્ર કૃષ્ણ લિખિત ગીત ‘સુનો સુનો એ દુનિયાવાલો બાપુ કી યે અમર કહાની’ (મોહમ્મદ રફી) ઘર-ઘરમાં ગુંજવા લાગ્યું. ગીતની સફ્ળતાએ રાજેન્દ્ર કૃષ્ણ માટે ફિલ્મોના દરવાજા હંમેશ માટે ખોલી નાખ્યા. આ ગીત એટલું લોકપ્રિય થયું કે એ ગીત મૂકવા માટે એક શૉર્ટ ફિલ્મ ‘બાપુ કી અમર કહાની’નું નિર્માણ થયું. એક દિવસ એક નિર્માતા રાજેન્દ્ર કૃષ્ણ પાસે ખાસ ઑફર લઈને આવ્યા. ‘તું સરકારી ગૅઝેટમાંથી વયોવૃદ્ધ રાજકારણીઓનાં નામ શોધીને તેમના પર ગીત લખી રાખ. એમાંથી કોઈના માઠા સમાચાર આવે એટલે તરત ગીત રેકૉર્ડ કરીને સારા પૈસા મેળવી શકાય. બોલ, કેવો છે આઇડિયા?’
૧૯૪૮માં ‘તેરે નૈનો ને ચોરી કિયા, મેરા છોટા સા જિયા’ (પ્યાર કી જીત), ‘બહારેં ફિર ભી આએગી, મગર હમ તુમ જુદા હોંગે’ (લાહોર) અને ૧૯૪૯માં આવેલી ‘ચૂપ ચૂપ ખડે હો ઝરૂર કોઈ બાત હૈ’ સહિત ‘બડી બહન’નું દરેક ગીત એટલું લોકપ્રિય થયું કે ફિલ્મના નિર્માતાએ તેમને ઑસ્ટીન કાર ભેટમાં આપી અને ૩૦૦ રૂપિયાનો પગાર સીધો ૧૦૦૦ રૂપિયા કરી નાખ્યો. હવે રાજેન્દ્ર કૃષ્ણનું નામ ટોચના ગીતકારોમાં લેવાતું થયું. ત્યાર બાદ તેમની જે ફિલ્મો આવી એનાં ગીતોની લોકપ્રિયતા એ વાતની સાબિતી હતી કે રાજેન્દ્ર કૃષ્ણની કલમમાં જાદુ હતો.
‘ચલે જાના નહીં નૈન મિલા કે હાય સૈયાં બેદર્દી (બડી બહન), ‘ગોરે ગોરે, ઓ બાંકે છોરે’ (સમાધિ), ‘ભોલી સુરત દિલ કે ખોટે’ (અલબેલા), ‘યે હવા યે રાત યે ચાંદની’ (સંગદિલ), ‘સૈયાં દિલ મેં આના રે’ (બહાર), ‘મેરા કરાર લે જા, મુઝે બેકરાર કર જા, દમભર તો પ્યાર કર જા’ (આશિયાના), ‘મેરા દિલ યે પુકારે આ જા’ (નાગિન), ‘યે ઝિંદગી ઉસી કી હૈ’ (અનારકલી) જેવાં અનેક ગીતોએ રાજેન્દ્ર કૃષ્ણને નામ અને દામ કમાવી આપ્યા.
આ ફિલ્મોમાં તેમણે હુસ્નલાલ ભગતરામ, સી. રામચંદ્ર, સજ્જાદ હુસેન, એસ. ડી. બર્મન, મદન મોહન, હેમંતકુમાર જેવા સંગીતકારો સાથે કામ કર્યું. દરેક સાથે તેમને સારો ‘રૅપો’ હતો, પરંતુ સી. રામચંદ્ર, હેમંતકુમાર, મદન મોહન અને ચિત્રગુપ્ત સાથેની તેમની જોડીએ સંગીતપ્રેમીઓને અવિસ્મરણીય ગીતો આપ્યાં. મારી લાઇબ્રેરીમાં તેમનો એક ઇન્ટરવ્યુ છે જેમાં મદન મોહનને યાદ કરતાં રાજેન્દ્ર કૃષ્ણ કહે છે, ‘હું મુંબઈ આવ્યો ત્યારે મારા એક મિત્રને મળવા પુણે ગયો હતો. તેના જ મકાનમાં રહેતા મિલિટરી ડ્રેસ પહેરેલા એક યુવાનનો પરિચય કરાવતાં મિત્રે કહ્યું, ‘આના પિતા રાયબહાદુર ચુનીલાલ મોટા પ્રોડ્યુસર છે.’ હું વિચારતો કે પ્રોડ્યુસરનો છોકરો સૈન્યમાં શું કરે છે? થોડા સમય બાદ બસમાં તેની સાથે મુલાકાત થઈ અને હાઇ-હેલો થયું. ‘સમાધિ’ના ગીત માટે હું ફિલ્મીસ્તાન સ્ટુડિયો ગયો ત્યાં આ ભાઈસાહેબ હાફ પૅન્ટ અને બનિયનમાં બેઠા હતા. વાત-વાતમાં ખબર પડી કે હવે તે એસ. ડી. બર્મનના અસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. આ પહેલાં તેમણે રફીક ગઝનવી પાસે તાલીમ લીધી હતી.
એ જ્યારે સ્વતંત્ર સંગીતકાર બન્યા ત્યારે કામ કરવાની મજા આવી. તેમની ઘણી ફિલ્મોમાં મેં ગીતો લખ્યાં છે. શેરોશાયરીના ખૂબ શોખીન. સંગીતની ઊંડી જાણકારી. ગઝલના કાયલ હતા. સિટિંગ માટે જાઉં તો કહે, પહેલાં કોઈ સારો શેર સંભળાવો. સાંભળીને ‘વાહ, વાહ’ કહેતા વિચારોમાં ડૂબી જાય. હા, તેમનો ગુસ્સો થોડો તેજ હતો પરંતુ સ્વભાવે નરમદીલ હતા.’
આ જોડીના ‘હમ સે આયા ન ગયા, તુમ સે બુલાયા ન ગયા’ (દેખ કબીરા રોયા), ‘ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે’ (અદાલત), ‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ’ (સંજોગ), ‘ફિર વો હી શામ, વો હી ગમ, વો હી તન્હાઇ હૈ’ (જહાંઆરા), ‘કભી ના કભી, કહીં ના કહીં, કોઈ ના કોઈ તો આએગા’ (શરાબી) અને બીજા અનેક દિલને ઝાર-ઝાર કરતાં ગીતો સાંભળીએ ત્યારે દાદ આપવામાં જીભ ભલે નગુણી હોય પણ આંખનાં આંસુ દંભની શેહમાં આવ્યા વિના છલકાઈ જાય છે.
રાજેન્દ્ર કૃષ્ણના સ્વભાવ અને જીવનના રસપ્રદ કિસ્સાઓ આવતા રવિવારે.