01 December, 2024 05:25 PM IST | Mumbai | Rashmin Shah
રાજેન્દ્ર કૃષ્ણ અને ચિત્રગુપ્ત.
ખાણીપીણીના શોખીન ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ પાસે સરળ શબ્દોમાં દિલની ગહેરાઈને સ્પર્શ કરે એવાં ગીતો લખવાની ફાવટ તો હતી જ પરંતુ એ કામ એટલું ઝડપથી કરતા કે માની ન શકાય. તેમની પાસેથી ગીત મેળવતાં સંગીતકારને નાકે દમ આવી જાય પણ એક વાર મૂડમાં આવે એટલે ફટાફટ, ખટાખટ ગીતો લખવા લાગે.
૧૯૫૪માં મદ્રાસના વિખ્યાત પ્રોડ્યુસર એસ. એમ. રામાનાયડુની તામિલ ફિલ્મ ‘મલાઈ કલ્લન’ અત્યંત લોકપ્રિય થઈ એટલે તેમણે પાંચ ભાષામાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. હિન્દી સંસ્કરણ ‘આઝાદ’ માટે તેમણે સંગીતકાર નૌશાદનો સંપર્ક કર્યો. ૧૫-૨૦ દિવસમાં કામ પૂરું કરવાનું હતું. નૌશાદ ‘ચટ મંગની પટ બ્યાહ’ જેવું કામ ન કરી શકે. તેમને એક ગીત માટે ૧૫ દિવસનો સમય લાગે. તેમણે સી. રામચંદ્રનું નામ સૂચવ્યું. સી. રામચંદ્રે હા પાડી એટલે તેમના માનીતા રાજેન્દ્ર કૃષ્ણને ગીતકાર તરીકે લેવામાં આવ્યા.
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સમયપાલન અને શિસ્ત માટે જાણીતી છે. નિર્માતાએ કહ્યું કે તમે મદ્રાસ આવો એટલે એક જ ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત થાય અને સમયસર કામ પૂરું થાય. સી. રામચંદ્ર અને રાજેન્દ્ર કૃષ્ણ મદ્રાસ આવ્યા. મોજીલા રાજેન્દ્ર કૃષ્ણનો મોટા ભાગનો સમય હરવાફરવામાં અને ખાણીપીણીમાં જાય. આજે લખું છું, કાલે લખું છું એમ કરતાં-કરતાં અઠવાડિયું નીકળી ગયું. અંતે એક દિવસ નિર્માતાએ હોટેલના રૂમને બહારથી બંધ કરી અલ્ટિમેટમ આપ્યું કે ગીતો તૈયાર નહીં થાય ત્યાં સુધી તાળું ખૂલશે નહીં. એ રાતે રાજેન્દ્ર કૃષ્ણની કલમ એવી ચાલી કે નવ ગીતો લખાયાં એટલું જ નહીં, સી. રામચંદ્રે એનું સ્વરાંકન પણ પૂરું કર્યું.
સંગીતકાર હેમંતકુમાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘રાજેન્દ્ર કૃષ્ણે મને ખૂબ હેરાન કર્યા છે. તેમની પાસેથી ગીત મેળવવું મુશ્કેલ કામ હતું. રેકૉર્ડિંગના ૧૫-૨૦ દિવસ પહેલાં હું તેમની પાછળ પડી જાઉં કે ગીત આપો. જે સમય નક્કી કર્યો હોય એ દિવસ આવે અને વાતોએ ચડી જાય. હું ગીત લખવાનું કહું એટલે કાગળ લે, પહેલાં ૐ લખે, સિગારેટનો ઊંડો કશ મારે અને વિચારમાં પડી જાય. અચાનક કહે, ‘હેમંતદા, અત્યારે મચ્છી ખાવાનો મૂડ છે. જુહુની હોટેલમાં ફર્સ્ટ ક્લાસ મચ્છી મળે છે. ચલો ત્યાં જઈએ. આવીને કામ કરીશું.’ એટલે અમે ગોરેગામથી જુહુ જઈએ. ત્યાં ખાઈપીને પાછા જવાની વાત કરું તો કહે, ‘Enough for the day.’ બેત્રણ દિવસ પછી પાછા મળીએ તો આદત પ્રમાણે કામ શરૂ થાય એ પહેલાં કહે, ‘આજે કોલાબાની ફેમસ મલાઈ રબડી ખાવાનો મૂડ છે. ચાલો ત્યાં જઈએ.’ રેસના દિવસોમાં તેમને પકડવા મુશ્કેલ. એમ કરતાં રેકૉર્ડિંગનો દિવસ આવે એટલે મને ટેન્શન થાય. હું કહું, ‘કાલે રેકૉર્ડિંગ છે.’ તો કહે, ‘ચિંતા ન કરો.’ એટલું કહેતાં ૧૫-૨૦ મિનિટમાં ગીત લખીને આપી દે.’
સંગીતકાર ચિત્રગુપ્ત અને રાજેન્દ્ર કૃષ્ણની જોડીએ અનેક લોકપ્રિય ગીતો આપ્યાં. ચિત્રગુપ્તના પુત્રો સંગીતકાર આનંદ–મિલિન્દની જોડીના મિલિન્દ સાથેની મારી મુલાકાતો દરમ્યાન તેમણે રાજેન્દ્ર કૃષ્ણના મનમોજી સ્વભાવનો એક મજેદાર કિસ્સો શૅર કર્યો હતો. ‘એક ફિલ્મના પ્રોડ્યુસર પિતાજી પાસે આવીને રાજેન્દ્ર કૃષ્ણની ફરિયાદ કરતાં કહે, ‘જો મને બે દિવસમાં ગીત નહીં મળે તો હું બરબાદ થઈ જઈશ. જે સ્ટુડિયોમાં શૂટ કરવાનું છે તેમણે કહ્યું કે બીજી ફિલ્મનું શૂટિંગ છે એટલે બે દિવસ પછી તમારો સેટ તોડવો પડશે. પ્લીઝ, તમે રાજેન્દ્ર કૃષ્ણને કહો કે તરત ગીત લખે અને આપણે રેકૉર્ડ કરીએ.’
‘પિતાજીએ તેમની સામે જ રાજેન્દ્ર કૃષ્ણને ફોન કર્યો. તેમણે બીજે દિવસે સવારે ઘરે આવવાનો વાયદો કર્યો. પ્રોડ્યુસરને તેમની આદત ખબર હતી એટલે બીજા દિવસે તે પણ સવારે ઘરે આવી ગયા. સૌ રાજેન્દ્ર કૃષ્ણની રાહ જોતા હતા. લગભગ ૧૨ વાગ્યે તે આવ્યા. થોડી ગપશપ મારી અને મમ્મીને કહે, ‘આજે મસાલા ભિંડી ખાવાનું મન થયું છે. સાથે જ લઈને આવ્યો છું.’ આમ કહેતાં કિચનમાં ઘૂસી ગયા. તેમને રસોઈ બનાવવાનો શોખ. પ્રોડ્યુસર ઊંચોનીચો થાય, પણ કરે શું? કલાક પછી અમે જમવા બેઠા. જમીને પાનપટ્ટી ખાતાં, સિગારેટ પીતાં, ગપ્પાં મારતાં રાજેન્દ્ર કૃષ્ણ કહે, ‘ભૈયા, ઇતના બઢિયા ખાના ખાને કે બાદ અગર ઝપકી નહીં લી તો પાપ લગેગા.’ આટલું કહેતાં તેમણે પગ લાંબા કરી સૂવાની તૈયારી કરી. હવે પ્રોડ્યુસરની ધીરજ ખૂટી. તે કહે, ‘પર આપ ગાના કબ લિખેંગે?’
તેમણે પોતાની આગવી સ્ટાઇલમાં જવાબ આપ્યો, ‘અબ મૈં સોને જા રહા હૂં. હો સકતા હૈ મુઝે કોઈ સપના આએ. સપને મેં ખૂબસૂરત નઝારા દિખે. પહાડ હો, વાદિયાં હો. ખૂબસૂરત ઝીલ (સરોવર) હો. ફિર તો મૈં નાવ લેકર ઘૂમને જાઉંગા. ઝીલ મેં જલપરી હોગી. હમ બાતેં કરેંગે. અગર વો મુઝે કહે, ‘બસ બહોત હુઆ. અબ આપ એક ગાના લિખો.’ તબ મૈં ગાના લિખૂંગા.’ પ્રોડ્યુસર તો ડઘાઈ ગયો. આરામથી વામકુક્ષી કરી કલાક પછી તાજામાજા થઈને રાજેન્દ્ર કૃષ્ણ ઊઠ્યાયા અને ૧૫ મિનિટમાં ગીત લખી આપ્યું.’
રાજેન્દ્ર કૃષ્ણની સહજ સેન્સ ઑફ હ્યુમરને કારણે જ તેમની ફિલ્મોમાં ચબરાકિયા સંવાદો ભરપૂર માત્રામાં આવતા. ખાસ કરીને ઓમ પ્રકાશ અને મહમૂદ પોતાના અલગ અંદાઝમાં આ સંવાદોની રજૂઆત કરતા ત્યારે હાસ્યની રેલમછેલ થતી. ‘પ્યાર કિએ જા’માં આ જોડીનાં યાદગાર દૃશ્યો છે. ‘ખાનદાન’, ‘બૉમ્બે ટુ ગોવા’, ‘ગોપી’ અને બીજી અનેક ફિલ્મોના ધારદાર સંવાદો રાજેનન્દ્ર કૃષ્ણની કલમની નીપજ છે. તેમનો એક નિયમ હતો, કેવળ સંવાદો માટે જો કોઈ ફિલ્મ ઑફર થાય તો તે ના પાડતા. જો એ ફિલ્મનાં ગીત લખવાની કામગીરી મળે તો જ તે એના સંવાદ લખવાની જવાબદારી સ્વીકારતા.
રાજેન્દ્ર કૃષ્ણની કલમમાંથી અનેક પ્રકારનાં ગીતો મળ્યાં. ‘અપલમ ચપલમ’ (આઝાદ) અને ‘ઇના મીના ડિકા’ (આશા)માં ચબરાકિયાપણું હતું તો ‘દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ’ (બારીશ) અને ‘દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ’ (જ્વારભાટા)માં સનાતન સત્ય હતું. ‘રામચંદ્ર કહ ગએ સિયા સે ઐસા કલયુગ આએગા’ અને ‘સુખ કે સબ સાથી દુખ મેં ન કોઈ’ (ગોપી)માં જીવનની કડવી સચ્ચાઈ હતી. ‘હમ સે આયા ન ગયા, તુમ સે બુલાયા ન ગયા’ (દેખ કબીરા રોયા) અને ‘આંસુ સમઝ કે ક્યૂં મુઝે આંખ સે તુમને ગિરા દિયા’ (છાયા)માં વિરહની વેદના હતી. ‘યૂં હસરતોં કે દાગ મોહબ્બત મેં ધો દિએ’ (અદાલત) અને ‘કિસી કી યાદ મેં દુનિયા કો હૈ ભુલાએ હુએ’ (જહાંઆરા) જેવી ઉત્કૃષ્ટ ગઝલો સાહિત્યની ચરમસીમા હતી. ‘ધીરે સે આજા રે અંખિયન મેં નિંદિયા આ જા રે આ જા’ (અલબેલા) જેવું અદ્ભુત હાલરડું આજ સુધી લખાયું નથી. ‘ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બેગાના’ (ભાભી) નશ્વર જીવનની નિરર્થકતા સહજતાથી ઉજાગર કરે છે. રાજેન્દ્ર કૃષ્ણની કવિતાનો ગુલદસ્તો આવાં ૧૩૯૮ ગીતોથી સમૃદ્ધ હતો.
રેસના શોખીન રાજેન્દ્ર કૃષ્ણને ૧૯૭૧માં ૪૮ લાખનો જૅકપૉટ લાગ્યો. એ સમયે અધધધ કહી શકાય એવી આ રકમ હતી. ચારે તરફ એની ચર્ચા હતી. તેમણે એક લાખ રૂપિયા પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં આપ્યા. ઇન્દિરા ગાંધીને ખબર પડી કે રાજેન્દ્ર કૃષ્ણને મોટો જૅકપૉટ લાગ્યો છે. એ દિવસોમાં જૅકપૉટ પર લાગેલી રકમ પર ટૅક્સ નહોતો લાગતો. એ દિવસ બાદ ૩૦ ટકા લેખે શરૂ થયો. ઘોડદોડના રસિયાઓ આ માટે હંમેશાં રાજેન્દ્ર કૃષ્ણને કોસતા રહ્યા.
જેમ ઉંમર વધે એક કાર્યશીલતા ઘટતી જાય. એમાં પણ આટલી મોટી રકમ ઢળતી ઉંમરે હાથમાં આવે એટલે આ પ્રક્રિયા ઝડપી બને. આમ પણ પેટ અને હૃદય વચ્ચે એકાદ વેંત જેટલું જ અંતર છે. સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં એટલું ધન મળે એટલે પેટની ચિંતા ટળે અને હૃદયનો તરફડાટ આપોઆપ ઓછો થઈ જાય. કદાચ રાજેન્દ્ર કૃષ્ણ સાથે એવું જ થયું. પોતાની કમજોરીનો એકરાર કરતાં તેમણે કહ્યું હતું, ‘ફિલ્મી ગીતો લખતાં-લખતાં શાયરી ભુલાઈ ગઈ.’ ધીમે-ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમનાથી દૂર થઈ ગઈ. જેમની સાથે ઘરોબો હતો તેમણે પણ વિસારી દીધા એનું દુખ લઈને રાજેન્દ્ર કૃષ્ણે ૧૯૮૭ની ૨૩ સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કરી.
‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ’ (સંજોગ)ની જેમ વીતેલા યુગના લોકપ્રિય પરંતુ પ્રમાણમાં ઓછી શોહરત પામેલા ગીતકારને યાદ કરતાં અંતમાં એટલું કહેવાનું કે ‘જાના થા હમ સે દૂર બહાને બના લિએ, અબ તુમને કિતની દૂર ઠિકાને બના લિએ’ (અદાલત).