24 March, 2023 09:36 PM IST | Mumbai | RJ Dhvanit Thaker
ઋત યે ટલ જાએગી, હિમ્મત રંગ લાએગી સુબહ ફિર આએગી, યે હોસલા કૈસે ઝૂકે
તકલીફ એનું કામ કરે, તમે તમારું કામ કરો. હિંમત તોડવાનું કામ તકલીફો કરશે અને તમારે એ હિંમતને એકત્રિત કરી રાખવાનું કામ કરવાનું. એ તમને પછાડશે અને તમારે પછડાટ ન મળે એને માટે સતત મહેનત કરતા રહેવાની. મહેનત કર્યા પછી પણ પછડાટ મળે તો પડ્યા નથી રહેવાનું.
૨૦૦૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડોર’નું આ ગીત આજે પણ મનમાં આશા અને સકારાત્મકતા ભરી દે છે, મનમાં નવા હકારાત્મક વિચારોને જન્મ પણ આપે છે. આ ગીતના આધારે તો જીવનની કંઈકેટલીયે નબળી ક્ષણો પસાર કરી છે. નકારાત્મકતા હાંકી કાઢવાની, મનમાં સકારાત્મકતા ભરવાની તાકાત જો સૉન્ગના આધારે શોધવામાં આવે તો આ ગીત રેડ બુલ જેવાં અનેક એનર્જી ડ્રિન્ક્સને પાછળ રાખી દે એવું અદ્ભુત છે.
નો ડાઉટ અબાઉટ ધૅટ.
તમે લાઇન જુઓ સાહેબ, દિલમાં પૉઝિટિવિટીનાં ફૂલ ખીલી જાય...
‘યે હોસલા કૈસે ઝૂકે,
યે આરઝુ કૈસે રુકે
મંઝિલ મુશ્કિલ તો ક્યા,
ધુંધલા સાહિલ તો ક્યા,
તન્હા યે દિલ તો ક્યા,
યે હોસલા કૈસે ઝૂકે, યે આરઝુ કૈસે રુકે...’
જ્યારે તમે કોઈનું શોષણ કરો, જ્યારે તમે કોઈનો ગેરલાભ લો ત્યારે એક નેગેટિવ વાઇબ્રેશન આપણા વ્યક્તિત્વમાં ઊભું થતું હોય છે. એ ખરાબ, એ નેગેટિવ ઊર્જા ક્યાંક ને ક્યાંક આપણી અંદર સંગ્રહિત થાય છે. આ જે અંદર સંગ્રહિત થાય છે એ નેગેટિવ એનર્જીનું મેનિફેસ્ટેશન આપણને બીમારી તરફ ધકેલવાનું કામ કરે છે. સાઇન્સનો સ્ટુડન્ટ છું અને એ પછી પણ હું ભારતીય છું એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સાંનિધ્યમાં પણ ભારોભાર વિશ્વાસ ધરાવું છું. નકારાત્મકતા માણસને ખાઈ જાય છે, નબળી કરી નાખે છે અને પછી એ નકારાત્મકતા માણસને ખાઈ જાય છે. પ્લેટમાં લઈને નહીં તો વિચારોથી એ આરોગી જાય છે. નકારાત્મકતા મનમાં રાખવી હાનિકારક છે એ તો સાઇકિયાટ્રિસ્ટો પણ કહેતા થઈ ગયા છે અને મોટિવેશનલ સ્પીકર્સ પણ છે. પુરવાર થઈ ચૂક્યું છે કે બીમાર એ જ હોય છે જેના મનમાં નકારાત્મકતા ભારોભાર ભરી છે.
આ વાત તમે ન માનતા હો, માનવા તૈયાર ન હો તો પ્લીઝ અહીં જ તમે અટકી જજો. તમારો સમય નહીં વેડફતા. આ એક વિનમ્ર સલાહ છે.
lll
જેઓ વાતમાં વિશ્વાસ ધરાવે છે અને જેઓ આ આર્ટિકલ આગળ વાંચવા તૈયાર છે તેમની સાથે વાત આગળ વધારીએ...
નેગેટિવ થોટ્સ, નેગેટિવ ફીલિંગ્સ, નેગેટિવ ઍક્શન.
ખરાબ, નબળા, હલકા કહેવાય એવા વિચારો; લાગણી અને કૃત્યો આપણી અંદર કામ કરતી સકારાત્મક ઊર્જાને ક્ષીણ કરે છે, તોડીફોડી નાખે છે. મારા એક ઓળખીતા મિત્રની વાત કહું તમને. તેને કોઈ વ્યસન નહીં. એક પણ પ્રકારની ખરાબ આદત નહીં. ગુજરાતીઓ તમાકુવાળા પાનમસાલા કે પેલા ગુટકા પર તો જાણે જન્મસિદ્ધ અધિકાર હોય એમ એનું સેવન કરતા હોય છે, પણ આ ભાઈને તો એ આદત પણ નહીં અને સિગારેટ કે દારૂનું વ્યસન પણ નહીં. સાદગીભર્યું જીવન અને એ પછી પણ તેમને માત્ર ૨૮ વર્ષની ઉંમરે કૅન્સર આવ્યું. કૅન્સરના નિદાન પછી તેણે જાતે જ એ વાતનો સ્વીકાર કર્યો કે તેને આવેલી આ બીમારી મનમાં રહેલા નેગેટિવ થોટ્સ, નેગેટિવ ફીલિંગ્સ અને અજાણતાં લેવાયેલી નેગેટિવ ઍક્શનને કારણે હતી.
નકારાત્મકતા શરીરમાં, મનમાં રોગ બનીને ઘૂસતી હોય છે. કોઈના પ્રત્યેની ઈર્ષ્યા, કોઈના પ્રત્યે સતત કટુતા, વેરભાવ, જરૂર કરતાં વધુ મેળવી લેવાની અમર્યાદ લાલચ, મારું શું થશે એ ભય અને સૌથી વધુ મહત્ત્વનું એવી બધી છોડીને ભાગવાની માનસિકતા. આ એવી નેગેટિવ એનર્જી છે જે મનમાં ઘર કરે છે અને પછી શરીરમાં પગપેસારો કરે છે. ડરવાની જરૂર નથી, લડવું જરૂરી છે. ભાગવું આવશ્યક નથી, પણ ભગાડવું અનિવાર્ય છે. મારા મોસ્ટ ફેવરિટ એવા ‘ડોર’ના આ ગીતમાં પણ એ જ કહ્યું છેને....
‘યે હોસલા કૈસે ઝૂકે,
મંઝિલ મુશ્કિલ તો ક્યા...’
આપણી આત્મશ્રદ્ધા કેમ ડગે, કેવી રીતે હિંમત હારી શકાય?
‘ધુંધલા સાહિલ તો ક્યા,
તન્હા યે દિલ તો ક્યા...’
એ એનું કામ કરે છે, તમે તમારું કામ કરો છો. હિંમત તોડવાનું કામ એ કરશે અને તમારે એ હિંમતને એકત્રિત કરી રાખવાની છે. એ તમને પછાડવાનું કામ કરશે અને તમારે પછડાટ ન મળે એને માટે સતત મહેનત કરતા રહેવાની છે. મહેનત કર્યા પછી પણ પછડાટ મળે તો પડ્યા નથી રહેવાનું. આ બૉક્સિંગ રિંગ છે. ઊભા નહીં થાઓ તો પૉઇન્ટ એ લઈ જશે એટલે ઊભા થવાનું છે, નવેસરથી વાર રોકવાના છે અને વાર કરતા પણ જવાના છે. જીતથી ઓછું કશું હોતું નથી અને હારથી ખોટું લાઇફમાં બીજું કશું નથી હોતું. નેગેટિવ નહીં થાઓ, નકારાત્મકતાને આસપાસ પણ નહીં આવવા દો. એકદમ સ્વસ્થતા સાથે કામ કરો અને આગળ વધો. કોરોના છે તો છે, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ઑફિસમાં પૉલિટિક્સ છે તો છે, એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. સિનિયર્સ ત્રાસ આપે છે. છો આપે, તેને એ જ કામ માટે લાવવામાં આવ્યા છે એટલે એ ત્રાસ પર ફોકસ કરવાને બદલે એકધારું આગળ વધતા જવાનું છે.
કહ્યું એમ, આ બૅટલ ફીલ્ડ છે અને બૅટલ ફીલ્ડમાં, આ બૉક્સિંગ રિંગમાં એક જ નિયમ છે,
‘રાહ પે કાંટે બિખરે અગર
ઉસપે તો ફિર ભી ચલના હી હૈ,
શામ છુપા લે સૂરજ મગર,
રાત કો એક દિન ઢલના હી હૈ.’
સુખનો સૂરજ આવશે અને આવનારા એ સુખના સૂરજની આશા આપતા વિચારો પર વિશ્વાસ રાખવો એ જ આપણું કર્મ છે. કર્મ પણ નિભાવવાનું છે અને જાતને ‘ડોર’ના આ ગીત સાથે જોડીને પૉઝિટિવ પણ રહેવાનું છે. જુઓ તમે આ શબ્દો, જુઓ એ શબ્દોની તાકાત તમે...
‘ઋત યે ટલ જાએગી,
હિમ્મત રંગ લાએગી
સુબહ ફિર આએગી,
યે હોસલા કૈસે ઝૂકે
યે આરઝુ કૈસે રૂકે...’
જો પૉઝિટિવિટી જોઈતી હોય, જો હકારાત્મકતાને સાથે રાખવી હોય તો હું કહીશ કે ફિલ્મ ‘ડોર’ના આ સૉન્ગ સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. રેડિયો સાથે જોડાયેલો હતો ત્યારે મને સતત થતું કે દરરોજ સવાર આ સૉન્ગ સાથે શરૂ કરીએ, પણ એ સમયનાં કેટલાંક પ્રોફશનલ હર્ડલ્સ હતાં, પણ તમને તો કોઈ એવી તકલીફ નથી તો પછી માનજો મારું, રોજનું એક નાનકડું ટાસ્ક. ફુલ વૉલ્યુમ સાથે આ ગીત સાંભળીને દિવસ અને બ્લડ બન્નેમાં પૉઝિટિવિટી ભેળવજો. સાચે જુદી જ તાજગીનો અનુભવ થશે.