10 November, 2024 12:48 PM IST | Rajasthan | Aashutosh Desai
મેવાડના કુંભ અને રાજસ્થાનના સૌથી રંગીન મેળામાં ઊંટોનો શણગાર
શુક્લ એકાદશીથી પૂર્ણિમા દરમ્યાન બ્રહ્માજીના સ્થાનક ગણાતા રાજસ્થાનના પુષ્કરમાં બે લાખ કરતાં વધુ માણસો અને ૫૦,૦૦૦થી વધુ ઊંટોનો મેળો ભરાય છે. મેવાડના કુંભ અને રાજસ્થાનના સૌથી રંગીન મેળામાં ઊંટોનો શણગાર, એની લે-વેચ થાય છે. ભારતીયોમાં કદાચ આ મેળો ખાસ ફેમસ નથી, પરંતુ વિદેશી સહેલાણીઓનો આ પ્રિય ફેર છે. આ મેળા અને પુષ્કર શહેર વિશે જાણવા જેવું બધું જ જાણી લો
રાજસ્થાન ભારતનું એક એવું રાજ્ય છે જેનું દરેક શહેર પોતાની કોઈ ને કોઈ યુનિક લાક્ષણિકતાને કારણે પ્રખ્યાત છે. દા.ત. જયપુરને પિન્ક સિટી કહેવાય છે તો કોટાને એજ્યુકેશન હબ, ઉદયપુર તેના મહેલો-કિલ્લાઓ માટે પ્રખ્યાત છે તો પુષ્કર જાણીતું છે મંદિરો અને ત્યાંના યુનિક મેળા માટે. આપણને બધાને ખબર છે કે પુષ્કરને મંદિરોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે કાશી (વારાણસી)ને સ્વયં મહાદેવનું શહેર કહેવાય છે એ જ રીતે પુષ્કરને સ્વયં બ્રહ્માજીના શહેર તરીકે ગણાવવામાં આવે છે. અને હવે હમણાં થોડા દિવસ પુષ્કર વધુ ચર્ચામાં રહેશે એના અનોખા મેળા માટે. આખાય ભારતમાં સૌથી મોટો, સૌથી જૂનો અને સૌથી પ્રખ્યાત મેળો કોઈ હોય તો એ પુષ્કરનો મેળો છે. આ મુખ્યત્વે એક પશુમેળો છે જ્યાં ઊંટથી લઈને ગાય-ભેંસ, ઘોડા, હાથી જેવાં અનેક પ્રાણીઓનાં પ્રદર્શન થાય છે. ખરીદ-વેચાણના સોદા થાય છે. કેટલાંય પ્રાણીઓના બ્રીડિંગ અને ક્રૉસિંગ માટેનાં વચનો અપાય છે, લેવાય છે એટલું જ નહીં; એ વિશે બાકાયદા ઍગ્રીમેન્ટ સુધ્ધાં કરવામાં આવે છે! ગઈ કાલથી એટલે કે ૯ નવેમ્બરથી આ પુષ્કર મેળો શરૂ થયો છે અને હજી ૫ દિવસ એટલે કે ૧૫ નવેમ્બર સુધી ચાલશે. પુષ્કર મેળા વિશે જાણવા પહેલાં જરૂરી છે આપણે પુષ્કર વિશે જાણવાની કારણ કે પુષ્કર વિશે જાણીશું-સમજીશું તો જ ત્યાં યોજાતા મેળા વિશે જાણવાની મજા પડશે.
બ્રહ્માજીનું શહેર પુષ્કર
અજમેર જિલ્લામાં આવેલું પુષ્કર અજમેર શહેરથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. ૩૨થી ૪૨ હજારની વસ્તી ધરાવતું આ નાનકડું શહેર ભૌગોલિક દૃષ્ટિએ પણ એટલું નાનું છે કે ત્યાંનાં મોટા ભાગનાં ટૂરિસ્ટ ઍટ્રૅક્શન્સ પણ વૉકિંગ ડિસ્ટન્સ પર છે. એટલે સમજોને ચાલતાં-ચાલતાં તો તમે આખુંય શહેર ફેંદી વળો.
તો સૌથી પહેલાં નામ - પુષ્કર. સનાતન ધર્મના આ મહાન શહેરની પુરાણ વર્ણિત કથા આપણાથી અજાણી રહી જાય એ તો કેમ ચાલે? તો સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે આ પવિત્ર સ્થળની કથા આપણને જાણવા ક્યાંથી મળે છે? તો એનો ઉત્તર છે, ‘પદ્મ પુરાણ’ આ પુરાણમાં વર્ણન છે કે એક સમયે પરમપિતા બ્રહ્માજીના હાથથી છટકીને એક કમલ પુષ્પ પૃથ્વી પર પડે છે જેને કારણે પૃથ્વી પર એક સરોવરનું નિર્માણ થયું. હવે સરોવરની રચના જ પુષ્પને કારણે થઈ હોવાથી એનું નામ પડ્યું પુષ્કર.
સનાતન હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મનાતાં એવાં સરોવરોમાંનું એક એટલે આ શહેરની બરાબર મધ્યમાં આવેલું પુષ્કર સરોવર, જેના પરથી આ શહેરને એનું નામ મળ્યું. આપણાં પુરાણોમાં વર્ણિત કથાઓમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ‘પંચ સરોવર’ તરીકે પાંચ સૌથી મહત્ત્વના અને પવિત્ર એવાં સરોવર ગણાવવામાં આવ્યાં છે. એમાં પહેલા સ્થાને છે તિબેટમાં કૈલાસની તળેટીમાં સ્થિત માનસરોવર, ત્યાર બાદ બિંદુ સરોવર, ત્રીજું છે નારાયણ સરોવર, ચોથું પંપા અને પાંચમું આ શહેરની ઓળખ સમાન સ્વયં બ્રહ્મદેવનું સરોવર એવું પુષ્કર સરોવર.
હવે આ સરોવર અને શહેર જ્યારે સનાતન ધર્મની દૃષ્ટિએ આટલાં મહત્ત્વનાં હોય તો સ્વાભાવિક છે કે એની સાથે પુરાણકથાઓ અને ઘટનાઓ પણ સંકળાયેલી જ હોય. અજમેરથી પશ્ચિમ તરફ અરાવલીના પર્વતોની તળેટીમાં વસેલા આ શહેરને એની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને કારણે જ તીર્થગુરુ પુષ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પુષ્કર જે આજે એના પશુમેળા માટે પ્રખ્યાત છે એ શહેર એ જ પુષ્કર છે જ્યાં સ્થિત સરોવરનું સર્જન સ્વયં બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું હતું અને બ્રહ્માજીએ શ્રીહરિ વિષ્ણુ એટલે કે નારાયણને આ સરોવરમાં જળ સ્વરૂપે વિદ્યમાન થવા માટે કહ્યું હતું. આથી જ પુષ્કરના જળને સ્વયં નારાયણ સ્વરૂપ કહેવામાં આવે છે એટલું જ નહીં, પુરાણોમાં વર્ણિત કથાઓ અને મળતા પુરાવાઓ અનુસાર પુષ્કર શહેર અને પુષ્કર લેક એ જ જગ્યા છે જ્યાં મહર્ષિ વેદવ્યાસજી દ્વારા ભારતનાં બે મહાન મહાકાવ્યોમાંના એક એવા મહાભારતની રચના કરવામાં આવી હતી. વળી પુષ્કર એ સરોવર પણ ખરું જ જ્યાં રાજવીમાંથી મહર્ષિ અને મહર્ષિમાંથી રાજઋષિ બનેલા અને રાજઋષિમાંથી બ્રહ્મઋષિ બન્યા એવા વિશ્વામિત્રજીએ તપસ્યા કરી હતી એટલું જ નહીં, પુષ્કર એ જ શહેર અને પુષ્કર એ જ સરોવર છે જ્યાં આપણા ચારેય વેદોને અંતિમ સંકલન અને લિપિબદ્ધ સ્વરૂપ મળ્યાના પણ સાક્ષી છે. ગુરુગોવિંદજીએ સ્વયં જ્યાં ગુરુ ગ્રંથ સાહિબનું પઠન કર્યું હતું એવા આ મહાન પુષ્કર શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર ખૂબ વિશાળ છે. આ શહેરમાં સ્થિત પુષ્કર સરોવર સનાતન ધર્મનું એટલું પવિત્ર સરોવર છે કે સ્વયં પ્રભુ શ્રી રામે તેમના પિતા મહારાજા દશરથનું પિંડદાન અહીં આ સરોવર તટે કર્યું હતું.
આ એક લેક પર કુલ બાવન અલગ-અલગ ઘાટો છે જેમાં જયપુર ઘાટ, ગોવિંદ ઘાટ, ગૌઘાટ, બ્રહ્મઘાટ, વારાહ ઘાટ જેવા અનેક છે. કહેવાય છે કે આ સરોવરની સાંજની મહાઆરતી, ગંગા આરતી કે નર્મદા આરતી જેટલી જ પ્રસિદ્ધ અને જોવાલાયક હોય છે. ભારતનું જ નહીં, પુષ્કર શહેર આખાય વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં બ્રહ્માજીનું મંદિર છે એટલું જ નહીં, આખાય વિશ્વમાં આ એકમાત્ર મંદિરમાં બ્રહ્માજીની ચારમુખી પ્રતિમા છે જેનું પૂજન માત્ર સાધુ-સંત કે બ્રહ્મચારી પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. સાંસ્કૃતિક અને ધાર્મિક માહાત્મ્ય ધરાવતા આ પુષ્કર શહેર વિશે આટલી માહિતી જાણ્યા બાદ હવે વાત કરીએ આ શહેરની બીજી એક મહાન ઓળખ વિશે. પુષ્કર મેળા વિશે જે ગઈ કાલથી અહીં શરૂ થયો છે અને ૧૫ નવેમ્બર સુધી ચાલશે.
શા માટે પાંચ દિવસનો?
હાજી, ભારતની મહાનતમ સાંસ્કૃતિ અને ધાર્મિક ધરોહરને સંગોપી જીવી રહેલા આ શહેરમાં દર વર્ષે કાર્તિક શુક્લ પક્ષની એકાદશીથી કાર્તિક શુક્લ પૂર્ણિમા સુધી પોતાનામાં એક યુનિક ગણાવી શકાય એવો મેળો ભરાય છે જે આખાય ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પુષ્કર મેળા તરીકે પ્રસિદ્ધ છે.
તો સૌથી પહેલાં જાણવું ગમે કે શા માટે શુક્લ પક્ષની એકાદશીથી જ આ મેળાની ઉજવણીનો પ્રારંભ થયો? વાત કંઈક એવી છે કે સનાતન હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું મહત્ત્વ અને માહાત્મ્ય અદકેરું છે. આ મહિનાને કોઈ પણ શુભ શરૂઆત કરવા માટેના શ્રેષ્ઠ મહિનાથી લઈને તહેવારોની દૃષ્ટિએ પણ શુભ મનાય છે. તો હવે જ્યારે શુભ શરૂઆત કરવા માટેનું માહાત્મ્ય વધુ હોય એનો સીધો સંદર્ભ અને અર્થ છે આ સૃષ્ટિના સર્જન એટલે કે શુભ શરૂઆત સાથે. અર્થાત આ મહિનો અને એમાંય શુક્લ પક્ષની એકાદશીથી પૂર્ણિમાના પાંચ દિવસ પરમપિતા, સૃષ્ટિના સર્જનકર્તા એવા બ્રહ્માજીને સમર્પિત છે. આથી જ આ દિવસોની ઉજવણી તરીકે અહીં મેળાના આયોજનની શરૂઆત થઈ. આ મેળામાં ચોથા દિવસની ઉજવણી એની ચરમસીમાએ હોય છે. એનું કારણ પણ એ જ છે કે એ દિવસ બ્રહ્મ ચતુર્દશીનો દિવસ હોય છે જે દિવસે મેળામાં અને બ્રહ્માજીના મંદિરમાં પણ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અચ્છા વળી કારતક મહિનાની શુક્લ એકાદશીથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસોની જ ઉજવણી શા માટે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરોવરની રચના થઈ અને એમાં શ્રીહરિ નારાયણ જળ સ્વરૂપે સ્થાપિત થયા ત્યાર બાદ આ પાંચ દિવસો (કાર્તિક શુક્લ એકાદશીથી પૂર્ણિમા) દરમિયાન જ સ્વયં બ્રહ્મદેવે અહીં મહાયજ્ઞ કર્યો હતો. આથી જ આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં પુષ્કર સરોવરમાં સ્નાન કરી બ્રહ્મદેવનાં દર્શન કરે છે અને મેળામાં ઉજવણી કરે છે.
વિદેશી સહેલાણીઓ
સામાન્ય રીતે પુષ્કરનો મેળો ત્રણ બાબતો માટે જગમશહૂર છે. અહીં યોજાતા પશુઓનાં પ્રદર્શન અને ખરીદ-વેચાણ માટે. એ વિશે આપણે આગળ વિગતે વાતો કરીશું જ. બીજું, મેળાની અનોખી ઉજવણી પ્રથા માટે અને ત્રીજું, બ્રહ્મદેવના યજ્ઞ માટે.
આ મેળો જોવા કે માણવા માત્ર ભારતભરના લોકો જ આવે છે એવું નથી વિશ્વના અનેક દેશોના અનેક લોકો પણ ખાસ આ મેળા માટે ભારત આવતા હોય છે. કોઈને કહીએ તો માને નહીં પરંતુ પુષ્કર અને એના મેળા માટે હવે એ હકીકત બની ચૂક્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એટલા બધા ફૉરેનર્સ આ મેળાની રંગત માણવા આવવા માંડ્યા છે કે ત્યાંની અભણ સ્ત્રીઓ અને બાળકો પણ હવે અંગ્રેજી અને બીજી વિદેશી ભાષામાં તૂટી-ફૂટી વાતો કરતાં થઈ ગયાં છે!
રાજસ્થાન ટૂરિઝમ દ્વારા આ ભવ્ય મેળાનું આયોજન થાય છે. આ મેળો કેમ ખાસ છે, કોઈ એક કારણ ગણાવી શકો? ચાલો આપણે ગણાવી દઈએ. ભારત સિવાય એશિયામાં અનેક એવા દેશો છે જે રણપ્રદેશ છે ખરુંને? એ અનેક રણપ્રદેશમાં હજારો અને લાખોની સંખ્યામાં ઊંટ છે, એનો વપરાશ છે. એટલું જ નહીં, આ દરેક દેશમાં ઊંટોની લે-વેચ પણ થતી જ હશે, બરાબર? હવે બધા જ પ્રશ્નોનો ઉત્તર ‘હા’માં મળી રહ્યો હોવા છતાં એક પ્રશ્નનો ઉત્તર ‘ના’માં મળશે. અને એ પ્રશ્ન એટલે તો પછી ઊંટોનો સૌથી મોટો મેળો પણ આવા જ કોઈ રણપ્રદેશવાળા દેશમાં યોજાતો હશે? જી ના!
આખાય એશિયામાં ઊંટોનો સૌથી મોટો મેળો યોજાય છે ભારતના રાજસ્થાનમાં. શુક્લ એકાદશીથી પૂર્ણિમા દરમિયાન એટલે કે પુષ્કરના મેળામાં. બે લાખ કરતાં વધુ માણસો અને ૫૦ હજાર કરતાંય વધુ ઊંટો જે મેળામાં આવે છે એવા પુષ્કરના મેળાને મેવાડનો કુંભ અને રાજસ્થાનનો સૌથી રંગીન મેળો કહેવામાં આવે છે.
પાંચ દિવસના મેળામાં શું ખાસ?
કોઈ પણ મેળા વિશે આપણી સામાન્ય સમજ કે આપણા દિમાગમાં શું છબી છે? આપણે મન જ્યાં ખાવાના, કપડાનાં કે વસ્તુઓના અનેક નાના સ્ટૉલ્સ હોય અને ચકડોળ, મોતનો કૂવો, જાદુના શોઝ વગેરે જેવાં ગેમ્સ કે કરતબો હોય એ મેળો, બરાબરને? પણ પુષ્કરનો મેળો માત્ર આ બધાં આકર્ષણોનું જ કેન્દ્ર માત્ર નથી. ઇન ફૅક્ટ, આ મેળામાં તો જે છે એ મુખ્યત્વે આ બધા કરતાં જ કંઈક વિશેષ છે. પાંચ દિવસનો આ મેળો વિવિધતાઓથી ભરપૂર છે અને અનેક આકર્ષણોનું કેન્દ્ર છે. તમે આ મેળાને કંઈક ‘વન્સ ઇન અ લાઇફટાઇમ એક્સ્પીરિયન્સ’ જેવી કૅટેગરીમાં પણ મૂકી શકો.
આ મેળામાં આ દિવસો દરમિયાન રાજસ્થાનના લોકસંગીતથી લઈને લોકનૃત્યના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જ્યાં રાજ્યના અનેક જાણીતા કલાકારોથી લઈને કલાકાર વૃંદ તેમનું સંગીત, વાજિંત્ર કુશળતા અને કળાની પ્રસ્તુતિ કરે છે. ત્યાર બાદ આ પાંચ દિવસો દરમિયાન સરોવર ઘાટો પર દીપદાન, પૂજા અને મહાઆરતી થાય છે. આ સિવાય મેળાના પાંચ દિવસો દરમિયાન અનેક કલ્ચરલ ઍક્ટિવિટીઝ થાય છે. જેમ કે આ મેળામાં શક્ય છે તમને કોઈ બે હાથ લાંબી મૂછોનું પ્રદર્શન કરતો મારવાડી પુરુષ જોવા મળી જાય તો ક્યાંક શક્ય છે નાભિ જેટલી કે એથી પણ વધુ લાંબી દાઢીવાળા પુરુષની આસપાસ દર્શકો ઊભા હોય. ક્યાંક વળી અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બાંધવાની અને પહેરવાની સ્પર્ધા કે પ્રદર્શનનું આયોજન થયું હશે તો ક્યાંક રાજસ્થાનની વૈવિધ્યસભર વાનગીઓ મુકાઈ હશે.
આ સિવાય વિદેશી પ્રવાસીઓ હવે આ મેળામાં એટલી મોટી સંખ્યામાં આવવા માંડ્યા છે કે પુષ્કરના આ મેળામાં અલગ-અલગ રમતમાં દેશી ટીમ અને વિદેશી ટીમ વચ્ચે સ્પર્ધા કે મૅચિસ પણ યોજાય છે જેમાં ક્રિકેટ હોઈ શકે, ટગ ઑફ વૉર પણ હોઈ શકે અથવા પંજાની લડાઈ રમાતી હોઈ શકે. સાંજ પડે અને મેળાનો માહોલ ત્યારે વધુ જામે જ્યારે અનેક દેશી અને વિદેશી કલાકારો દ્વારા કરતબો દેખાડવામાં આવે છે. ફાયર ડાન્સથી લઈને હૂલાહૂપ, ફોક ડાન્સથી લઈને રોપ વૉકિંગ જેવાં અનેક કરતબો આ મેળામાં દેશી અને વિદેશી કલાકારો અને સાહસવીરો દ્વારા દેખાડવામાં આવે છે.
તો વળી આ મેળાની ખાસિયત તરીકે બે પ્રવૃત્તિ ખૂબ પ્રખ્યાત છે. એક, ઊંટોને નિતનવાં કપડાં પહેરાવી કરાવવામાં આવતો ડાન્સ અને બીજી, દુલ્હન પ્રતિયોગિતા જેમાં યુવાન અને યુવતીઓ દુલ્હા અને દુલ્હનના આકર્ષક ડ્રેસિંગમાં સ્ટેજ પર પ્રવેશે છે અને તેમના ડ્રેસિંગ વિશે પ્રતિયોગિતા થાય છે.
વિશેષતા
પુષ્કરનો મેળો એટલે ઉજવણીનું તાદૃશ ચિત્ર તો ખરું જ ખરું. જ્યાં વસ્તુઓનો ભંડાર રચી શકો એટલી વિવિધતાના સ્ટૉલ્સ હોય. સ્ત્રીઓના હાથમાં મેંદી મૂકનારા કલાકારોથી લઈને બંગડી-બુટ્ટીઓ, ચામડાની વસ્તુઓથી લઈને પૂજાના સામાન અને કપડાંઓ, શણગાર વગેરે બધું જ જે સામાન્યતઃ બધા જ મેળાઓમાં હોય છે.
પણ આ બધાની સાથે પુષ્કરનો મેળો પ્રસિદ્ધ છે પ્રાણીઓના ખરીદ-વેચાણ માટે. આપણે જાણીએ છીએ કે મેળો તો કાર્તિકી એકાદશીથી શરૂ થાય છે પરંતુ અહીં ઊંટ અને બીજાં અનેક પ્રાણીઓ માટેના સ્ટૉલ્સ અથવા બજાર એના કેટલાક દિવસો અગાઉથી જ ભરાવા માંડે છે જેમાં સૌથી મુખ્યત્વે ઊંટોનું બજાર હોય છે. કહાની કંઈક એવી છે કે રાજસ્થાન મૂલતઃ રેતાળ રણ પ્રદેશમાં વિસ્તરેલું છે જેમાં પૌરાણિક સમયથી જ ઊંટ દ્વારા સવારી કરવાની અને બીજાં રોજિંદાં કામો ઊંટ પાસે લેવાની પ્રણાલી અને પરંપરા રહી છે. હવે બન્યું કંઈક એવું કે પુષ્કરનો મેળો સમગ્ર રાજસ્થાન માટે એક મહત્ત્વના પર્વ જેવો હતો. પરંતુ જે લોકો ગરીબ અને ઊંટ વિનાના હતા તેઓ આ મેળામાં આવવા સુધીની સફર કરી શકતા નહોતા. આથી એક સમયે રાજસ્થાનના જે-તે રાજવીઓએ એ ગરીબ પ્રજા માટે પોતાના અસ્તબલમાંથી ઊંટોની સેવા આપવાની જાહેરાત કરી. ગરીબ રાજવીનાં ઊંટ લઈ પુષ્કર મેળા સુધી જઈ-આવી શકતો.
એવામાં રાજવીના પ્રધાનોએ વપરાશમાં લેવાયેલાં એ ઊંટોની નસલ જોઈ એના બ્રીડિંગ અને ક્રૉસિંગ વિશે વાતો કરી સમજૂતી કરવા માંડી કે જે-તે પ્રધાન બીજા રાજવીના રાજ્યમાં જઈ કોઈ ખાસ ઊંટ સાથે પોતાની ઊંટડીનું ક્રૉસિંગ કરાવશે જેથી ઉત્તમ નસલનાં ઊંટ મેળવી શકાય. આ પ્રણાલી ધીરે-ધીરે પ્રચલિત થવા માંડી અને આ મેળાના પ્રસંગે ઊંટોનો વ્યાપાર શરૂ થયો. ઊંટ બાદ ધીરે-ધીરે ગધેડાથી લઈને ગાય, ભેંસ, બકરીઓ, ઘોડાઓ વગેરે જેવાં અનેક પ્રાણીઓ આ મેળામાં લાવવામાં આવ્યાં અને આજે તો હવે પુષ્કરનો મેળો ભારતનું સૌથી મોટું પ્રાણીઓનું હંગામી બજાર બની ચૂક્યું છે.
ટેન્ટ કે સ્ટૉલ બનાવી જે-તે પ્રાણીના માલિક કે વેચાણકર્તા આ મેળાની જગ્યાએ થોડા દિવસ માટે રહે છે. પોતાનાં ઊંટ કે બીજા પ્રાણીને ફેરવે છે જેથી ખરીદદાર એમને જોઈ શકે. ત્યાર બાદ એ પ્રાણીની નસલ અને ખાસિયત વિશે ચર્ચા થાય છે. એની ટ્રેઇનિંગ શું, કઈ અને કેવી રીતની થઈ છે એ ખરીદદાર માહિતી મેળવે છે, ચકાસે છે અને ત્યાર બાદ ભાવતાલ વિશે બન્ને વચ્ચે નેગોશિએશન પણ થાય છે. આખરે આ ચર્ચા ક્યારેક સોદામાં પરિણમે તો ક્યારેક માત્ર ચર્ચા બનીને રહી જાય.
બીજી વિશેષતા છે પ્રાણીઓના સાજ શણગારની સામગ્રી. અહીં આ મેળામાં માત્ર પ્રાણીઓની લે-વેચ થાય છે એવું નથી. અહીં ઊંટના સાજ શણગારની પણ અનેક વસ્તુઓ મળે છે. ગળાના હારથી લઈને નાકની નથ અને પીઠના ઓઢણથી લઈને પગનાં કડાં અને ઝાંઝર સુધીની અનેક સામગ્રીઓ. એટલું જ નહીં, ઘોડાના સ્ટાઇલિશ હેરકટિંગથી લઈને ઊંટની હેરસ્ટાઇલ કરી આપનારા સુધીના અનેક ઍનિમલ હેરડ્રેસર્સ માટે પણ આ મેળો એટલો જ મહત્ત્વનો હોય છે જેટલો પ્રાણીઓના ખરીદ-વેચાણ માટેનો હોય છે!
પુષ્કર - આજ પછી આપણે એટલું તો કહી જ શકીશું કે જો આ મેળાને કોઈ માત્ર પ્રાણીઓના ખરીદ-વેચાણના મેળા તરીકે ગણાવે તો આપણે કહી શકીશું કે મહાશય, જરા ઊભા રહો. પ્રાણીઓના ખરીદ-વેચાણ આ મેળાનું માત્ર એક રૂપ છે, એક ભાગ છે. આ સિવાય પુષ્કરના મેળાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અને માહાત્મ્ય પણ અદકેરું છે.