ધ સ્પાય હૂ કેમ ઇન ફ્રૉમ ઇન્ડિયા વિકાસ યાદવનો ફિયાસ્કો દુનિયાભરમાં ગાજી રહ્યો છે

27 October, 2024 02:11 PM IST  |  Mumbai | Raj Goswami

અમેરિકાના ન્યાય વિભાગે તેના પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યાના અઠવાડિયા પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે ચાર મહિના તિહાર જેલમાં વિતાવ્યા હતા અને આ વર્ષે એપ્રિલમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો

વિકાસ યાદવ

સ્વતંત્ર ખાલિસ્તાનની હિમાયત કરનારા જાણીતા સિખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપ બાદ ભારતનો ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ વૈશ્વિક વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે. અમેરિકા અને કૅનેડાની નાગરિકતા ધરાવતો પન્નુ ભારતનો પ્રખર ટીકાકાર અને ખાલિસ્તાન ચળવળનો હિમાયતી છે.

US ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે વિકાસ યાદવને ભારત સરકારનો કર્મચારી ગણાવ્યો છે, જ્યારે ભારતે કહ્યું છે કે વિકાસ યાદવ હવે ભારત સરકારનો કર્મચારી નથી રહ્યો. આ મામલો જેટલો દેખાય છે એટલો સાદો નથી. વાસ્તવમાં ભારતનું ગુપ્તચર તંત્ર અને કંઈક અંશે ભારતની સરકાર આમાં ખરડાઈ છે.

લગભગ છ મહિના પહેલાં ૨૯ એપ્રિલે ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ અહેવાલ આપ્યો હતો કે જ્યારે રાષ્ટ્રપતિ બાઇડન વાઇટ હાઉસમાં વડા પ્રધાન મોદીની સરભરા કરી રહ્યા હતા ત્યારે ભારતીય જાસૂસી એજન્સીનો એક અધિકારી અમેરિકામાં મોદીના અગ્રણી ટીકાકાર ગુરપતવંત સિંહ પન્નુને ખતમ કરવા માટે ભાડૂતીઓની એક હિટ ટીમને નિર્દેશ આપી રહ્યો હતો.

૩૯ વર્ષનો વિકાસ યાદવ ભારતની રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (રૉ) માટે કામ કરતો હતો. તેના પર US ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં પૈસા લઈને હત્યા અને મની લૉન્ડરિંગનો સમાવેશ થાય છે. આરોપપત્રમાં લખવામાં આવ્યું છે કે વિકાસ યાદવે અમેરિકામાં રહેતા પન્નુને ખતમ કરવા માટે વિદેશથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જોકે આ કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના લેખમાં કહેવામાં આવ્યું છે કે પન્નુને નિશાન બનાવવાના ઑપરેશનને રૉના તત્કાલીન વડા સામંત ગોયલે મંજૂરી આપી હતી.

આરોપપત્ર અનુસાર વિકાસ યાદવે નિખિલ ગુપ્તા નામના એક માણસ સાથે કાવતરું ઘડ્યું હતું, જેની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો, જ્યાં તે હાલમાં કસ્ટડીમાં છે. રૉઇટર્સના અહેવાલ મુજબ વિકાસ યાદવ પર પન્નુની હત્યા કરવા માટે નિખિલ ગુપ્તાને સોપારી આપવાનો આરોપ છે. વિકાસ યાદવે કથિત રીતે ષડયંત્ર ત્યારે ઘડ્યું હતું જ્યારે તે રૉમાં હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની USની રાજ્ય-મુલાકાતના લગભગ બે દિવસ પહેલાં ૨૦૨૩ની ૧૮ જૂને કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક સિખ મંદિરની બહાર માસ્ક પહેરેલા બંદૂકધારીઓ દ્વારા હરદીપ સિંહ નિજ્જર નામની વ્યક્તિની હત્યા કરવામાં
આવી હતી.

નિજ્જર ગુરપતવંત સિંહ પન્નુનો સહયોગી હોવાનું કહેવાય છે અને પન્નુની જેમ સિખ અલગતાવાદી નેતા અને ભારત સરકારનો પ્રખર વિરોધી હતો. US કોર્ટમાં દાખલ કરાયેલા આરોપોમાં જણાવ્યું હતું કે નિજ્જરની હત્યાના બીજા દિવસે ૧૯ જૂન ૨૦૨૩ના રોજ નિખિલ ગુપ્તાએ હિટમૅનને કહ્યું કે પન્નુ પણ લક્ષ્ય છે અને અમારી પાસે ઘણાં લક્ષ્યો છે.

આરોપો અનુસાર નિખિલ ગુપ્તાએ કહ્યું હતું કે નિજ્જરની હત્યાના પગલે હવે પન્નુને મારવા માટે વધુ રાહ જોવાની જરૂર નથી. US ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ કહે છે કે ૨૦૨૩ની ૨૦ જૂને વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુ વિશે એક સમાચાર અને સંદેશ મોકલ્યો હતો : આ હવે પ્રાથમિકતા છે.

દરમ્યાન, એવું પણ બહાર આવ્યું છે કે વિકાસ યાદવની ગયા વર્ષે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. એનો અર્થ એ થયો કે તેનું અમેરિકામાં પ્રત્યાર્પણ નહીં થાય. FBIએ વિકાસ યાદવને વૉન્ટેડ યાદીમાં મૂક્યો છે એટલે હવે તે ભારતમાંથી તેના પ્રત્યાર્પણ માટે પણ કહી શકે છે.

ધી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમેરિકાના ન્યાય વિભાગે તેના પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યાના અઠવાડિયા પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે ચાર મહિના તિહાર જેલમાં વિતાવ્યા હતા અને આ વર્ષે એપ્રિલમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

દિલ્હીના રોહિણી વિસ્તારના એક વેપારીની હત્યાનો પ્રયાસ, ધાકધમકી અને અપહરણની ફરિયાદના આધારે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે વિકાસ યાદવની ધરપકડ કરી હતી. રોહિણીના વેપારીને તેના પરિચિતે વિકાસ યાદવ સાથે તેનો પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે તે એક વરિષ્ઠ સરકારી અધિકારી છે. આ વેપારીનું કામ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સાથે સંબંધિત છે એટલે પશ્ચિમ એશિયામાં તેના ઘણા સંપર્કો છે. વિકાસ યાદવે વેપારીને લોધી રોડ પર બોલાવીને એક કારમાં ધકેલી દીધો હતો અને લૉરેન્સ બિશ્નોઈના નામે પૈસાની માગણી કરી હતી.

નિયમો અનુસાર વિકાસ યાદવનું તેની સુનાવણી પૂરી થયા પછી જ પ્રત્યાર્પણ કરી શકાય છે. જો તે દોષી સાબિત થાય તો તેને ૧૦ વર્ષની સજા થશે. ભારતમાં કોર્ટ-કેસોની ગતિ પર નજર કરીએ તો વિકાસ યાદવની ટ્રાયલ હાલમાં પૂરી થાય એવું લાગતું નથી. આમાં દાયકાઓ લાગી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાએ વિકાસ યાદવના પ્રત્યાર્પણ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

વાયનાડમાં પ્રિયંકા ગાંધી અને નવ્યા હરિદાસ વચ્ચે જંગ

નેહરુ-ગાંધી પરિવારની ચોથી પેઢીનાં બાકી રહી ગયેલાં સદસ્યા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હવે બાકાયદા સંસદમાં પ્રવેશ કરવા તૈયાર છે. માતા સોનિયા અને ભાઈ રાહુલના પગલે તેઓ પણ ચૂંટણીમાં ઝુકાવી રહ્યાં છે. તેમણે કેરલાની વાયનાડ બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જો પ્રિયંકા વાયનાડથી ચૂંટાય તો પહેલી વાર લોકસભાનાં સભ્ય બનશે. ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની જાહેરાત સાથે જ કેરલામાં વાયનાડની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણી ૧૩ નવેમ્બરે યોજાશે. પરિણામ ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રિયંકાએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ પક્ષના મહાસચિવ તરીકે અને પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે સેવા આપી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીના થોડા દિવસો પછી કૉન્ગ્રેસે જૂનમાં જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સંસદીય મતવિસ્તાર જાળવી રાખશે અને કેરલામાં વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી તેમની ચૂંટણીની શરૂઆત કરશે. રાહુલે બન્ને બેઠકો પરથી જીત મેળવી હતી.

પ્રિયંકાએ વાયનાડમાં પોતાનું નામાંકન દાખલ કર્યાના એક દિવસ પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે ‘વાયનાડના લોકો મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને હું તેમના માટે મારી બહેન પ્રિયંકા ગાંધીથી વધુ સારા પ્રતિનિધિની કલ્પના કરી શકતો નથી. મને વિશ્વાસ છે કે તેઓ વાયનાડની જરૂરિયાતોનાં મજબૂત હિમાયતી અને સંસદમાં એક શક્તિશાળી અવાજ બનશે.’

પ્રિયંકા સામે BJPએ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યાં છે. ૩૯ વર્ષનાં નવ્યા કેરલાની કોઝીકોડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં બે વખત કાઉન્સેલર અને કૉર્પોરેશનમાં BJPનાં સંસદીય પક્ષનાં નેતા છે. તે BJPનાં પ્રદેશ મહાસચિવ પણ છે. તે કાલીકટ યુનિવર્સિટીની કે.એમ.સી.ટી. એન્જિનિયરિંગ કૉલેજમાંથી મેકૅનિકલ એન્જિનિયરિંગમાં ટેક ડિગ્રી ધરાવે છે. તે ૨૦૨૧ની કેરલા વિધાનસભાની ચૂંટણીમાં કોઝીકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી BJPનાં ઉમેદવાર હતાં, પરંતુ કૉન્ગ્રેસના ઉમેદવાર અહમદ દેવરકોવિલ સામે હારી ગયાં હતાં.

આ વખતે વાયનાડ લોકસભા બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પ્રિયંકા કૉન્ગ્રેસ માટે મહત્ત્વનો ચહેરો છે અને નવ્યા હરિદાસને BJP માટે યુવા અને ઊર્જાસભર વિકલ્પ માનવામાં આવી રહ્યાં છે. કૉન્ગ્રેસને એવી આશા છે કે સોનિયા અને રાહુલની સાથે પ્રિયંકા પણ જો સંસદમાં હશે તો પાર્ટીનો અવાજ બુલંદ થશે અને યુવા અને ખાસ કરીને મહિલા કાર્યકરોમાં આશાનો સંચાર થશે જેની અત્યારે બહુ જરૂર છે.

દરમ્યાન, રાજ્યના સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)ના વરિષ્ઠ નેતા સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે. કોઝીકોડ જિલ્લાના નાદાપુરમ મતવિસ્તારના ભૂતપૂર્વ વિધાનસભ્ય મોકેરી કૃષિક્ષેત્રના મુદ્દાઓને ઉકેલવાના તેમના કાર્ય માટે જાણીતા છે. તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વાયનાડથી લડી હતી, જ્યાં તેઓ કૉન્ગ્રેસના ઉમેદવાર એમ. આઇ. શાનવાસ સામે હારી ગયા હતા.

દિલ્હીમાં પ્રદૂષણની રાજનીતિની ઋતુ આવી

દિલ્હીમાં શિયાળો શરૂ થયો છે એ સાથે પ્રદૂષણની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. દિવાળી પહેલાં જ દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. હવાનું પ્રદૂષણ એ સ્તરે પહોંચી ગયું છે કે લોકોની આંખો બળવા લાગી છે. દિલ્હીમાં બગડતી આબોહવા વચ્ચે હૉસ્પિટલોમાં શ્વસનના કેસોમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. શ્વસનરોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બાળકો અને વૃદ્ધો પ્રદૂષણની ખરાબ અસરોથી સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને ધૂળના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપી હતી.
દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશીએ કહ્યું હતું કે પ્રદૂષણનું અસલી કારણ BJP છે. આતિશીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દિલ્હીના લોકોએ સમજવું જોઈએ કે વાયુપ્રદૂષણ હોય કે જળપ્રદૂષણ, એ BJPની ગંદી રાજનીતિને કારણે છે. આજે યમુના પ્રદૂષિત થઈ રહી છે, કારણ કે હરિયાણા અને ઉત્તર પ્રદેશ અહીં ઔદ્યોગિક કચરો છોડી રહ્યાં છે.’

BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે ‘યમુના નદીનું પાણી ઝેરી બની ગયું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૨૦૨૫ સુધીમાં યમુના નદીને સાફ કરવાનું વચન આપ્યું હતું એમાં કશું થયું નથી. લોકો જ્યારે યમુના નદીમાં છઠપૂજાનો તહેવાર ઊજવશે ત્યારે કેવા-કેવા રોગનો ભોગ બનશે?’

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશીને પત્ર લખીને આ મામલે પાડોશી રાજ્યો પાસેથી મદદ માગવાનું સૂચન કર્યું છે. તેમણે પોતાના તરફથી મદદની રજૂઆત પણ કરી હતી. આ માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું છે કે વધતા પ્રદૂષણને કારણે હૉસ્પિટલોમાં દરદીઓ વધવા લાગ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ફરી એક વાર વિવાદ શરૂ થયો છે. છેલ્લાં બે વર્ષથી ઉપરાજ્યપાલ તરીકે તેમણે પાડોશી રાજ્યોના મુખ્ય પ્રધાનોને ઘણી વખત પત્ર લખીને મદદ માગી છે. તેમણે કહ્યું છે કે ‘હું એ હકીકતથી વાકેફ છું કે પાડોશી રાજ્યોમાંથી આવતો ધુમાડો દિલ્હીની સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે અને જો જરૂર પડશે તો હું તેમને ફરી અમારી મદદ કરવા વિનંતી કરીશ. જોકે આપણે બીજાને દોષ આપતાં પહેલાં અથવા તેમની મદદ લેતાં પહેલાં આપણું પોતાનું ઘર વ્યવસ્થિત કરીએ.’ આ દરમ્યાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે BJP પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે એ મૂળભૂત જરૂરિયાતો પર ધ્યાન નથી આપી રહી.

columnists india political news bharatiya janata party congress priyanka gandhi assembly elections