18 June, 2024 05:44 PM IST | Mumbai | Meet Dodia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
આમ જોવા જઇએ તો સમલૈંગિકતા અંગે હવે પહેલાં કરતાં વધારે છૂટથી વાત કરાય છે પણ કમનસીબે આ મોટાં શહેરોનું સત્ય છે. વળી સાવ એવું ય નથી કે સમલૈંગિક સમુદાય માટે લોકોનો અભિગમ એકદમ મોકળો અને સ્વીકારથી છલોછલ છે. ક્યાંક કચવાતે મને તો ક્યાંક આભડછેટથી સમલૈંગિકોને સ્વીકારાય છે. જૂન `પ્રાઇડ મંથ` તરીકે ઉજવાય છે. મૂળ તે LGBTQ+ (લેસ્બિયન, ગે, બાઈસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર/ક્વેશચનિંગ અને અન્ય) સમુદાયના અસ્તિત્વને તો ઉજવે જ છે પણ સાથે તેમની સંસ્કૃતિ, ઇતિહાસ અને હક માટેની લડતને માન્યતા આપે છે.
સપ્ટેમ્બર 2018માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતા કોઈ અપરાધ નથી એવો ચુકાદો આપ્યો અને અંગ્રેજોના કાળથી ચાલતી આવતી કલમ 377 જે સમલૈંગિક શારીરિક સંબંધોને ગુનો ગણાવતી તેને દૂર કરી. છતાં પણ આજે આપણા દેશમાં એવું માનનારા લોકોની ખોટ નથી કે આ સમલૈંગિકતા પશ્ચિમી વિચાર છે તેને ભારત સાથે કંઇ લેવા દેવા નથી. જો કે, ઈતિહાસકારો અને પૌરાણિક નિષ્ણાતોએ આ વાતને નકારી કાઢે છે. નિષ્ણાતોના મતે આ ચૂકાદાએ ભારતને તેના મૂળિયાં સાથે ફરી જોડી દીધો છે કારણકે આપણા ઇતિહાસમાં પ્રેમને દરેક સ્વરૂપે સ્વીકારાયો છે અને તેના પુરાવાઓ પણ ઘણાં છે.
સમલૈંગિકતા સદીઓથી માનવ ઇતિહાસનો ભાગ રહ્યો છે. આપણા દેશની વાત કરીએ તો પ્રાચીન સમયમાં લગભગ 3102 બીસીમાં વૈદિક યુગની જેમ જ નૉન-હેટ્રોસેક્સુયલ ઓળખની સમજ હતી. ગે અને લેસ્બિયન વૈષ્ણવ એસોસિએશન (ગાલ્વા) દ્વારા કરાયેલ સંશોધન સૂચવે છે કે સમલૈંગિકતાને "તૃતીયા પ્રકૃતિ" અથવા ત્રીજી પ્રકૃતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
બ્રિટિશરોએ 1861માં ભારતીય દંડ સંહિતામાં કલમ 377 દાખલ કરીને `સમલૈંગિકતા ` પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, સમલૈંગિકતાનું અપરાધીકરણ એ ભારતીય વૃત્તિમાં ન હતું પણ સમલૈંગિકતાને ગુનાહિત બનાવવું એ ધાર્મિક માન્યતાઓ મુખ્યત્વે ખ્રિસ્તી માન્યતાઓ પર આધારિત યુરોપિયન નૈતિકતાને પ્રતિબિંબિત કરતું હતું.
પ્રાચીન ભારતે વિવિધ લૈંગિક અભિગમ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની ઓળખને સમર્થન આપ્યું હતું. ધાર્મિક ગ્રંથો અને ઈતિહાસ પર નજર કરીએ તો સ્વાતંત્ર્ય પહેલા ભારતમાં લિંગ વિવિધતાને સ્વીકાર મળતો જ હતો છતાં પણ અધકચરી સમજને કારણે લોકોને લાગે છે કે તે ભારતના ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધની બાબત છે. આ લેખ લખવાનો આશય એ બાબતો પર નજર કરવાનો છે કે LGBTQA ભારતમાં ક્યાંક બીજેથી આવલો પ્રભાવ નથી પણ તે ભારતમાં પૂર્વકાળથી અસ્તિત્વમાં પ્રાચીન ભારતમાં સમલૈંગિકતાના અસ્તિત્વ અને સ્વીકારની વાત કરતાં દ્રષ્ટાંતો પર નજર કરીએ.
કૃતિવાસ રામાયણ
કૃતિવાસ રામાયણ રાજા ભગીરથની વાર્તાનું વર્ણન કરે છે, જેનો જન્મ બે સ્ત્રીઓના મિલનથી થયો હતો. આ પૌરાણિક લેખ જણાવે છે કે રાજા દિલીપની બે પત્નીઓ હતી અને તેઓ કોઈ વારસદાર છોડ્યા વિના મૃત્યુ પામ્યા હતા. આ પછી, ભગવાન શિવે રાણીઓના સપનામાં આવીને તેમને કહ્યું કે જો તેઓ એકબીજાને પ્રેમ કરશે તો તેમના મિલનથી એક બાળકનો જન્મ થશે. વિધવા રાણીઓએ ભગવાન શિવના આદેશ મુજબ કર્યું અને તેમાંથી એક ગર્ભવતી બની, આખરે રાજા ભગીરથનો જન્મ થયો. પૃથ્વી પર સ્વર્ગમાંથી ગંગા નદી લાવવા માટે ભગીરથ રાજા જાણીતા છે.
પ્રખ્યાત મોહિની અવતાર
મત્સ્ય પુરાણમાં એક રસપ્રદ વાર્તા છે જેમાં ભગવાન વિષ્ણુ એક સુંદર સ્ત્રી, `મોહિનીનું સ્વરૂપ ધારણ કરે છે. તેમનો ઈરાદો રાક્ષસોને છેતરીને સાગરને વલોવીને નીકળેલું અમૃત દેવતાઓને આપવાનો હતો. કથામાં આગળ એમ થાય છે કે મોહિનીને જોઈને, ભગવાન શિવ તેમના પ્રેમમાં પડ્યા, અને તેમના મિલનથી ભગવાન અયપ્પાનો જન્મ થયો, એવી વાર્તા પણ પ્રચલિત છે. વધુ એક પ્રાચીન કથા મુજબ, પંડાલમના પાંડ્યના શાસક રાજશેખર શિશુને દત્તક લે છે. એક કથામાં, અયપ્પાને “અયોની જટા” અથવા “બિન-યોનિમાંથી જન્મેલા” અને પછીથી હરિહરપુત્ર, “વિષ્ણુ અને શિવના પુત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આગળ જઈને પ્રખ્યાત યોદ્ધા બન્યા.
તામિલ મહાભારતના સંસ્કરણો અનુસાર વિષ્ણુ અવતાર કૃષ્ણએ પણ મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને અરાવન સાથે લગ્ન કર્યા. અરાવન જેને ઇરાવન તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે પોતાના મૃત્યુ પહેલા પ્રેમનો સ્વાદ લેવા માટે બલિદાન આપવાનું સ્વીકાર્યું હતું. અરાવનના મૃત્યુ પછી, કૃષ્ણએ થોડા સમય માટે મોહિની સ્વરૂપમાં શોક પાળ્યો હતો. અરાવનના લગ્ન અને મૃત્યુને દર વર્ષે થાલી તરીકે ઓળખાતી ધાર્મિક વિધિમાં યાદ કરવામાં આવે છે, જેમાં ભારતમાં તૃતીય પંથી (ટ્રાન્સજેન્ડર) કલાકારો કૃષ્ણ અને મોહિનીનું પ્રતિનિધિત્વ કરીને અરાવન સાથે લગ્ન કરે છે, ત્યારબાદ 18-દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ અરાવનની ધાર્મિક દફનવિધિ સાથે સમાપ્ત થાય છે, તામિલનાડુના એક ગામમાં આ ઉત્સવ આજે ઉજવાય છે.
અધ્યાય પુરૂષાયિતામાં સ્વૈરિણીનો પણ ઉલ્લેખ છે, જે એક સ્વ-ઇચ્છાવાળી અને સ્વતંત્ર સ્ત્રી છે જે અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બનાવવામાં વ્યસ્ત છે. પુસ્તકમાં એવા પુરૂષોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ બીજા પુરુષો તરફ આકર્ષિત થયા હતા. આ પુસ્તકમાં આવી વ્યક્તિઓને તૃતીયા-પ્રકૃતિ અથવા ત્રીજી પ્રકૃતિની વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
કામસૂત્રમાં આઠ પ્રકારના લગ્નનો ઉલ્લેખ કરાયો છે. ઉદાહરણ તરીકે, `ગાંધર્વ વિવાહ` એટલે કે સૌથી છાનાં રાખીને કરતાં લગ્નોમાં ગે લગ્ન અથવા લેસ્બિયન લગ્નને સ્વીકારાયા છે. ગાંધર્વ વિવાહ એટલે બે પ્રેમીઓની એકબીજા સાથેની સંમતિથી થતાં લગ્ન, જેમાં માતા-પિતાની મંજુરી સામેલ નથી હોતી.
અગ્નિ સંપત્તિ અને સર્જનાત્મક પ્રવૃત્તિના દેવતા, અન્ય દેવતાઓ સાથે સમલૈંગિક સંબંધો ધરાવતા હતા. તેમણે દેવી સ્વાહા સાથે લગ્ન કર્યા હોવા છતાં, અગ્નિનો ચંદ્ર દેવતા સોમ સાથે સમલૈંગિક સંબંધ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. મિત્ર અને વરુણને વૈદિક સાહિત્યમાં પુરૂષ ભક્તિ અને વ્યક્તિગત સંબંધના પ્રતીકો તરીકે દર્શાવવામાં આવ્યા છે (સંસ્કૃતમાં મિત્રનો અર્થ થાય છે “સાથી”).તેઓ હાથમાં ત્રિશૂળ, દોરડા, શંખ અને પાણીના કુંજા સાથે મોટી માછલી અથવા મગર પર સવારી કરતા હોય એવી રીતે પુરાણોમાં દર્શાવવામાં આવ્યા છે. તેઓ ઘણીવાર સાત હંસ દ્વારા ચલાવવામાં આવતા સુવર્ણ રથની બાજુમાં સવારી કરતા પણ બતાવવામાં આવે છે. પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં, મિત્ર અને વરુણ બે ચંદ્ર તબક્કાઓ અને સમલૈંગિક સંબંધો સાથે પણ સંબંધિત છે.
સંખ્યાબંધ દેવતાઓને તૃતીય-લિંગ અથવા સમિલેંગિકતાના સમર્થકો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ અંગેના પુરાવાઓ ભગવાન વિશેનાં મહાકાવ્યો, કથાઓ તેમજ ધાર્મિક વિધિઓ અને વિધિઓ દ્વારા મળી શકે છે. કૉનર અને સ્પાર્ક્સના જણાવ્યાં મુજબ, અરાની એટલે જે અગ્નિ, પ્રેમ અને જાતીયતા (sexuality)નાં દેવી છે તેમનાં સન્માનમાં થતી ધાર્મિક વિધિઓ લેસ્બિયન એરોટિકા સાથે સંકળાયેલી છે. જેમ કે સ્ત્રીનું પ્રતીક ગણાતા હોય તેવા લાકડાના બે ટુકડાને ઘસવાં, જેને અધરરાણી અને ઉતરરાણી તરીકે ઓળખવામાં આવે છે તે આધ્યાત્મિક લેસ્બિયન- સમલૈંગિક સ્ત્રીઓ વચ્ચેના - સંબંધના પ્રતીક તરીકે તેમને એક કરવામાં આવે છે, જોડવામાં આવે છે.
લાકડાના આ ટુકડાઓને અગ્નિ દેવતાના માતા-પિતા એટલે કે માદા અને નરનાં પ્રતીક હોવાનું માનવામાં આવે છે. જેમને ઋગ્વેદમાં બે જન્મ લેનાર, બે માતા અને ક્યારેક ત્રણ માતાઓ ધાવનારા બાળક તરીકે વર્ણવવામાં આવ્યા છે. સ્વર્ગ અને પૃથ્વી તેમની માતાનાં નામ છે. જો કે, વૈદિક શાસ્ત્રોમાં, આ બંનેને નર અને માદા તરીકે દ્યોસ અને પૃથ્વી નામે ઓળખવામાં આવે છે. અમુક કથામાં બંન્ને માતાઓને બહેનો તરીકે પણ ઓળખવામાં આવી છે. સમારંભમાં વપરાતી બે લાકડીઓ અથવા અરાનીને નારી તરીકે ઓળખવામાં આવે છે. જો કે દેવતાઓ જ્યારે પણ સમલૈંગિક અથવા ઉભયલિંગી વહેવારમાં ભાગ લે ત્યારે આવા સંબંધો મોટેભાગે જાતીય આનંદ સિવાય ધ્યેયને પામવા માટે કરાયા હોય છે અને તે કોઈ વિધિ વિધાનનો હિસ્સો હોય છે.
ભગવદ ગીતામાં શ્લોક છે કે, "समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः । ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥" જેનો અર્થ એમ થાય છે કે, હું દરેક જીવમાં સમાન રીતે વસું છું. હું કોઇ પ્રત્યે દ્વેષ કે પૂર્વગ્રહ નથી ધરાવતો. પરંતુ જે ભક્તો મારી પ્રેમથી પૂજા કરે છે તે મારામાં વસે છે અને હું તેમનામાં વસું છું. જેમને યુનિવર્સલ લવર કહી શકાય, અથવા વૈશ્વિક પ્રેમમૂર્તિ કહી શકાય તેવા કૃષ્ણના આ શ્લોકમાં સર્વવ્યાપી ઇશ્વરિય પ્રેમની વાત છે, ભગવાન જ જો ભેદ-ભાવ ન કરતા હોય તો આપણે પામર માનવી કોઇને પ્રત્યે દ્વેષ કે ખુન્નસ રાખીને શું કરવા ધારીએ છીએ એવો પ્રશ્ન આપણને ચોક્કસ થવો જોઇએ.
હિંદુ ગ્રંથોમાં વિવિધ લૈંગિક ઓરિએન્ટેશનના વિવિધ ચરિત્રો છે. આમાં શિખંડી (ટ્રાન્સમેન), ચિત્રાંગદા અને બૃહન્નલા (ટ્રાન્સવુમન) છે, અને તેમની સાથેનો વહેવાર માનભર્યો છે, તેમની કથામાં ક્યાંય તેમનું અપમાન નથી થતું. ભાસે લખેલા "સ્વપ્નવાસવદત્તા" નામના પ્રાચીન સંસ્કૃત નાટકમાં લિંગ પરિવર્તન અને સમ-લિંગી પ્રેમના વિષયને આવરી લેવાયા છે.
શિવ, મોહિની, અથવા અય્યપ્પાની અવમાનના કર્યા વિના, પુરાણોમાં નિડરતાપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક ટાંકવામાં આવ્યું છે કે પુરુષથી સ્ત્રી અથવા સ્ત્રીથી પુરુષમાં પરિવર્તન સ્વીકાર્ય છે અને તેમને પસંદ પણ કરવામાં આવશે. ભલે વિષ્ણુ પુરાણ જેવા સાહિત્યમાં તેને નકારાત્મક ગણાતું હોય, અન્ય સાહિત્ય જેમ કે અર્ધશાસ્ત્ર, કામસૂત્ર અને પંચતંત્ર તેને સાહજિક ગણે છે.
જો હજારો વર્ષો પહેલા ભારતીયો સમલૈંગિકતાને કુદરતી અને સામાન્ય બાબત તરીકે સ્વીકારી શકતા હોય, તો આજે ભારતમાં LGBTQ+ સમુદાય પ્રત્યે નકારાત્મક રીતે પ્રતિક્રિયા આપવાનું કોઈ તાર્કિક કારણ નથી.
સમલૈંગિકતા અને વિવિધતા ધરાવતા ધાર્મિક સ્થાપત્યો અને શિલ્પો આ ઉપરાંત 6ઠ્ઠી અને 14મી સદીઓ વચ્ચે બાંધવામાં આવેલા મંદિરો, જેમ કે પુરી અને તાંજોરમાં, સ્પષ્ટ મૂર્તિઓ દ્વારા વિલક્ષણ સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. જો કે આધુનિક સમાજ આવા નિરૂપણને વર્જિત માને છે, આ પ્રાચીન કલાકૃતિઓ પ્રેમ અને ઇચ્છાના વિવિધ સ્વરૂપોનું પ્રદર્શન કરે છે.
200 એ.ડી.માં ભારતના વિવિધ મંદિરોની દિવાલોમાં લૈંગિક શિલ્પો કોતરવામાં આવ્યા હતા. સૂર્યમંદિર એ એવા સ્થળોમાંનું એક છે. આ સૂર્યમંદિર કોણાર્ક, ઓડિશામાં આવેલું છે. આ મંદિર સૂર્યદેવ, સુર્યના વિશાળ રથનું ભવ્ય પ્રતીક છે, જેમાં સુંદર રીતે સજાવટ કરેલી બાર જોડીઓનાં ચક્રો છે અને સાત ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે છે.
કોણાર્કનું સૂર્યમંદિર એક સૌને સમાવી લેતું સ્થળ છે જ્યાં બહુપત્ની વ્યવહાર,લેસ્બિયન સંબંધો, બહુપતિ વ્યવહાર અને અન્ય લૈંગિક કૃત્યોની છબીઓ દર્શાવવામાં આવેલી છે. આ બધામાં વિવિધ સમલૈંગિક શિલ્પોનો પણ સમાવેશ થાય છે. ભારતના અનેક મંદિરોમાં, જેમાં 700ના દાયકામાં બનાવેલા ખજુરાહો મંદિરના શિલ્પોનો પણ સમાવેશ થાય છે, જ્યાં મોટી સંખ્યામાં સમલૈંગિકતા દર્શાવતી શૃંગારિક કલા જોવા મળે છે.
અજંતા અને ઇલોરાની ગુફાઓમાના બૌદ્ધ મઠની છબીઓ ગૌતમ બુદ્ધની જીવનચર્યાને દર્શાવે છે. આ પ્રતિમાઓ અને ચિત્રો ઉચ્ચ વર્ગની સ્થાપત્યનું પ્રદર્શન કરે છે. મુખ્ય મુદ્દો એ છે કે બુદ્ધના ચિત્રોમાં અન્ય વિવિધ ચિત્રો પણ છે જે સેન્સ્યુયાલિટી અને કામુકતાને દર્શાવે છે. આ ચિત્રો પુરુષો અને સ્ત્રીઓને સમાન લિંગમાં સંભોગ કરતાં દર્શાવે છે.
મધ્ય યુગમાં સમલૈંગિકતા
બાબર જેવા ઐતિહાસિક પાત્રો, પ્રથમ મુઘલ સમ્રાટ, તેમના સમલૈંગિક આકર્ષણો માટે પણ પ્રખ્યાત હતા. બાબરના એક કિશોર બાલક બાબુરી પ્રત્યેના મોહનો ઉલ્લેખ તેના સ્મૃતિગ્રંથ "બાબરનામા"માં અને તેણે લખેલા પ્રેમ કાવ્યોમાં છે.
ત્યાર બાદ સરમદ કાશાનીની વાર્તા પણ પ્રખ્યાત છે. તે આર્મેનિયન વેપારી હતો જે અગળ જતાં એક સૂફી સંત બન્યો. વ્યાપાર માટે ભારત આવતી વખતે તેને અભયચંદ નામના હિંદુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તેણે પોતાનો વેપાર છોડી અભયચંદ સાથે તેમના વિદ્યાર્થી તરીકે થટ્ટામાં રહેવા લાગ્યા. આખરે ઔરંગઝેબ દ્વારા સરમદ કાશાનીની ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ તેને મૃત્યુ દંડની સજા આપવામાં આવી હતી.
અન્ય સૂફી સંત શાહ હુસૈનની રચનાઓમાં તેઓ માધો લાલ નામના હિંદુ છોકરા પ્રત્યેના પ્રેમનો દાવો કરાયો છે. આખરે, શાહ હુસૈન અને માધો લાલને લાહોરમાં એકસાથે દફનાવવામાં આવ્યા. કેટલાક ગ્રંથોમાં તેમના અવશેષો દૈવી પ્રેમનું પ્રતીક છે.
આ તમામ એ વાતના પુરાવા છે કે, સમલૈંગિકતા આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાની વિરુદ્ધ નથી જતી. તદુપરાંત, ઉપર જણાવેલા દાખલાઓ બ્રિટિશ કાળ પહેલાનાં ભારતમાં LGBTQ+ સમુદાયની હાજરી અને માન્યતાનો પુરાવો છે. ઇતિહાસ અને પુરાણોમાં મળેલી પ્રમાણોને આધારે અનુમાન લાગવવામાં આવે છે કે હોમો સેક્સ્યુઆલિટીને ગુનો ગણાવવો તે વિદેશી અવધારણ હતું અને જ્યાર કે સમિલેંગીક્તાને સ્વીકાર અને માન્યતા આપવી તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ હતો.
અધિકાર અને સ્વાતંત્ર જીવવા માટેની લડાઈ
1986માં પત્રકાર અશોક રાવ કવી દ્વારા સેવી મેગેઝિન માટે લખાયેલ લેખ ભારતની પ્રથમ જાહેર "કમિંગ આઉટ" સ્ટોરી તરીકે મહત્ત્વપૂર્ણ અવસર તરીકે ખ્યાતિ પામી હતી. કવીના સાહસે ભારતીય સમાજમાં LGBTQ+ વ્યક્તિઓના સમાજનો હિસ્સો હોય તેમ જોવા માટે તથા તેમના સ્વીકાર માટે માર્ગ ખુલ્લો કર્યો હતો.
1987, મધ્ય પ્રદેશની બે પોલીસ મહિલા લીલા અને ઉર્મિલાએ એકબીજા સાથે લગ્ન કરીને સામાજિક ધોરણોને પડકાર્યા. તેમની બહાદુરી સાંખી ન શકાઇ અને તેમને તેમના લગ્ન સમારોહ પછી ફરજમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
1990માં અશોક રાવ કવી દ્વારા ભારતની પ્રથમ ક્વિયર પુરુષો માટેનું મેગેઝિન, બોમ્બે દોસ્ત, શરૂ કરાયું અને તેને પગલે LGBTQ+ સમુદાયના અવાજો અને અનુભવો માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો. આ સામયિકે સમુદાયને એક સાથે લાવવામાં અને LGBTQ+ મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સમલૈંગિકોના સામવેશ અને સ્વીકારની મોટી ઘટનાઓ
કલકત્તાની રેઈનબો પ્રાઈડ પરેડ, 1999માં આયોજિત ભારતની સૌપ્રથમ ગે પ્રાઈડ પરેડ હતી. આ પરેડ LGBTQ ઈતિહાસમાં એક નોંધપાત્ર ક્ષણ બની ગઈ હતી. એકદમ સાધારણ શરૂઆત હોવા છતાં, આ પરેડે રાષ્ટ્રને સમલૈંગિકોના ગૌરવ અને દૃશ્યતાનો શક્તિશાળી સંદેશ મોકલ્યો હતો.
1999માં "લેસ્બિયન ઇમર્જન્સ" મેનિફેસ્ટો CALERI દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે ભારતીય સમાજમાં ક્વિયર મહિલાઓની અદ્રશ્યતા અને વંશીયકરણને અનુસરતું હતું. આ મેનિફેસ્ટો લેસ્બિયન અને બાઈસેક્સ્યુઅલ મહિલાઓના અવાજ અને અનુભવને મજબૂત બનાવવા, તેમજ સામાજિક નિયમો અને રૂઢિપ્રથાઓને પડકારવા માટે રચાયેલું હતું.
2001માં નાઝ ફાઉન્ડેશન અને ધ લૉયરઝ કલેક્ટિવ દ્વારા કલમ 377 વિરુદ્ધ પહેલી અરજી દાખલ કરવામાં આવી હતી જે ભારતમાં LGBTQના અધિકારો માટેના સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ ક્ષણ તરીકે નોંધાઈ હતી. આ કાનૂની પડકારનો હેતુ ભેદભાવપૂર્ણ કાયદાઓને રદ કરવા અને ક્વિયર વ્યક્તિઓના અધિકારોની વકાલત કરવાનો હતો.
2001માં, મુંબઇ આધારિત ટ્રાન્સ એક્ટિવિસ્ટ ગૌરી સાવંતે સમાજિક નિયમોને પડકાર્યું અને એક અનાથ છોકરીને સંતાન તરીકે એડોપ્ટ કરવાનો નિર્ણય કર્યો, જેણે ટ્રાન્સ પેરન્ટહુડ વિશેના સ્ટેરિઓટાઇપ્સને પડકાર્યું. ગૌરી સાવંતની વાર્તાએ ટ્રાન્સજેન્ડર સમુદાયમાં સાહસ અને પ્રેમનું પ્રદર્શન કર્યુ છે અને અન્યોને પરંપરાગત કુટુંબ અને ઓળખાણની માટે પુનર્વિચાર કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલે 2006માં પોતાની સજાતીયતા વિશે જાહેરમાં કબુલાત કરી અને ભારતમાં LGBTQ દૃશ્યતા માટે વોટરશેડ ઘટના ગણાય છે. કૌટુંબિક દબાણનો સામનો કરવા છતાં, પ્રિન્સ માનવેન્દ્રની બહાદુરી અને નિખાલસતાએ વિલક્ષણ (queer)ઓળખની વધુ સ્વીકૃતિ અને સમજણનો માર્ગ મોકળો કર્યો.
2013માં "સત્યમેવ જયતે" ટીવી શો પર "ઑલ્ટરનેટ સેક્સ્યુઅલિટીઝને સ્વીકાર કરવી" તે વિશેના એક એપિસોડ મીડિયામાં સ્વીકૃતિ પ્રતિનિધિત્વ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બન્યો. આ એપિસોડનું આયોજન આમિર ખાને કર્યું હતું, જેમાં સ્ટેરિયોટાઇપ્સ પર વિચાર કરીને વિવિધ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન્સ અને જેન્ડર ઓળખાણની સ્વીકૃતિને પ્રમોટ કરવા માટે હતું.
જ્યારે સમાજે સમલૈંગિકોને પોતાનો જીવ લેવા મજબુર કર્યા
સમાજ સામેની લડાઈમાં આ સમાજમાં એક એવો પણ કિસ્સો છે જેમણે અનેક લોકોને આપઘાત કરવા માટે મજબૂર કર્યા છે. LGBTQ હોવાના અનેક પુરાવા ઉપલબ્ધ હોવા છતાં દેશમાં અનેક લોકો એવા જ છે જેઓ તેમનાથી જુદા વિચારવાળા લોકોને જીવવા નથી દેતા અને પોતાની માણસાઈ ભૂલીને બીજા વ્યક્તિને હેરાનગતી કરીને તેમને અંગે બેફામ બોલીને, અપશબ્દો વાપરીને અને હવે સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરીને તેમને પોતાનો જીવ લેવા મજબુર કરી દે છે. લોકોએ સમજવાની જરૂર છે કે સામી વ્યક્તિ પણ એ જ હાડ-માંસની બનેલી છે જેમાંથી તેઓ પોતે બન્યાં છે અને માટે અસમાન અભિગમને તેમણે બદલવાની તાતી જરૂર છે.
ગયા વર્ષે જ એવો જ એક કિસ્સો ૧૬ વર્ષના પ્રિયાંશુ સાથે બન્યો હતો. પ્રિયાંશુ LGBTQ સમુદાયથી હતો અને તેને મેકઅપ કરી રીલ્સ બનાવવું ગમતું હતું. તેની માતાના કહ્યા પ્રમાણે એક અમેરિકન યુટ્યુબર અને મેકઅપ આર્ટિસ્ટ જેમ્સ ચાર્લ્સને જોઈને તેને પ્રેરણા મળી હતી. તે પણ એવો જ બનવા માગતો હતો.પણ દિવાળીમાં સાડી પેહરીને સોશિયલ મીડિયા પર રીલ પોસ્ટ કર્યા બાદ પ્રિયાંશુંને સોશિયલ મીડિયા પર બૂલિઇંગ અને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો. 21 નવેમ્બર 2023ના રોજ પ્રિયાંશુએ આત્મહત્યા કરી લીધી. આ કિસ્સા બાદ અભિનેત્રી- એક્ટિવિસ્ટ ત્રિનેતા હલદાર ગુમ્મારાજુએ કહ્યું હતું કે પ્રિયાંશુ આત્મહત્યા કરવા માટે મજબૂર થઇ ગયો હતો. પોતાના રિલ્સના કોમેન્ટ સેક્શનમાં હોમોફોબિક કમેન્ટ્સ જોઈને તેને આ પગલું ભર્યું હતું. પ્રિયાંશુના એક રિલ પર 4,000થી વધુ હોમોફોબિક કમેન્ટ્સ હતી.
આવી બાબતને લીધે આત્મહત્યા કરનાર પ્રિયાંશુ એકમાત્ર યુવાન લોહી નથી જેણે પોતાનો જીવ લીધો. આ પહેલા આર્વે મલ્હોત્રાએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં આપઘાત કરીને પોતાના જીવનનો અંત લાવ્યો હતો. આર્વે ગ્રેટર ફરીદાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં 16 વર્ષનો વિદ્યાર્થી હતો જેણે તેની માતા માટે એક સુસાઈડ નોટ છોડી હતી જેમાં લખ્યું હતું કે તે સ્કૂલમાં થતી હેરાનગતિ અને સેક્સ્યુઅલ અસોલ્ટ અને તેની સેક્સ્યુઆલિટીને લઈને તેને સતત હેરાન કરતાં છોકરાઓનો ભોગ બન્યો હતો. જેના કારણે તેણે આખરે આત્મહત્યા કરવાનું પગલું લીધું છે. તની મમ્મી આરતીએ ન્યાય મેળવવાનો બહુ પ્રયાસ કર્યો છે પણ તેને હજી સુધી તો નિરાશા જ સાંપડી છે.
બુલિઇંગ થવું આ દેશમાં હજારો ક્વિયર બાળકોના જીવનની વાસ્તવિકતા છે, પરંતુ આપણા દેશની શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં તેનો સામનો કરવા માટે કોઈ નિયમ નથી. શાળાઓ અને સંસ્થાઓ દ્વારા LGBTQ+ લોકો સાથે વ્યવહાર કરવા માટે કોઈ પદ્ધતિ અથવા ગાઈડલાઇન્સ સાથે જાગૃતિ નથી ફેલાવી.
12 મે 2020ના દિવસે 21 વર્ષની બાય-સેક્સ્યુઅલ અંજના હરીશે પણ આપધાત કર્યો હતો. આપઘાત કરવાનું મુખ્ય કારણ હતું કે તેના પરિવારે તેને એક ડિ-એડિક્શન અને માનસિક આરોગ્ય કેન્દ્રમાં કન્વર્ઝન થેરાપી માટે બળજબરીથી દાખલ કરી. આપઘાત કરતાં પહેલાં અંજનાએ પોતાનો આપવીતી કહેતો વીડિયો સોશિયલ મીડિયા અપલોડ કર્યો હતો. તેણે પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી.
201માં, ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટીએ સમલૈંગિકતા પર તેના સત્તાવાર વલણની જાહેરાત કરી, ભારપૂર્વક જણાવ્યું કે લોકોએ `સમલૈંગિકતાને બીમારી તરીકે જોવાનું લેવાનું બંધ કરવું જોઈએ`. આમ તો સમલૈંગિકતાને લગતી કન્વર્ઝન થેરાપી પર પ્રતિબંધ મૂકવો એ જ આગલું પગલું હોવું જોઇએ પણ છતાં ય આજે આવો ગેરકાયદેસરનો અત્યાચાર થેરાપીને નામે ચાલી રહ્યો છે.
ભારતમાં LGBTQ+ સમુદાયના હાલના સંઘર્ષો
LGBTQ+ વ્યક્તિઓ હજી પણ અનેક વખત શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર, હેરાનગતિ અને ઉત્પીડન સહિતના ધિક્કારનાં ગુનાઓનો ભોગ બને છે. જેનાથી આ સમુદાયમાં ભય અને અસલામતી ફેલાય છે અને શારીરિક અને માનસિક સુખાકારી પર પણ અસર કરે છે. મોટા શહેરોમાં LGBTQ+ના મુદ્દાઓને હવે થોડી મોકળાશ અને સ્વીકાર મળવા લાગ્યાં છે પણ હજી પણ એવા વિસ્તારો છે, ગામડાં છે, નાના શહેરો છે જ્યાં સમલૈંગિક કે અન્ય જેન્ડરમાં પોતાને ગણાવતા લોકો સમાજના બહિષ્કાર અને ધિક્કારના ડરથી પોતાની ઓળખ છુપાવી રાખે છે.
LGBTQ+ સમુદાયના યુવાનોને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવે આવે છે. ઘણાંઓએ તો પોતાની પર થતા અત્યાચારથી બચવા માટે પોતે જ ઘર છોડી દીધું છે. ઘર છોડવું પડે એટલે જરૂરી શિક્ષણ અને સામાજિક સહાયતા ન મળે. તેમ જ તેમના જીવનના નિર્માણાત્મક વર્ષો દરમિયાન આર્થિક સપોર્ટના નહીં મળતા તેમના સામાજિક આચરણો અને પ્યુબર્ટીના સમયમાં તેઓ ડ્રગ્સ અને અસુરક્ષિત સેક્સની જાળમાં ફસાઈ જાય છે. ઘણીવાર તેઓ દેહવ્યાપારમાં કે હ્યુમન ટ્રાફિકિંગમાં પણ ફસાય છે.
સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાએ LGBTQ+ સમુદાય માટે હજી સુધી શું કર્યું છે?
ગયા ઑક્ટોબરમાં, સમલૈંગિક લગ્ન અંગેની અરજીની સુનાવણી દારમિયાન અદાલતે નિર્દેશ આપ્યો હતો કે LGBTQ+ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે એમનાં પ્રત્યે પેનલની રચના કરવામાં આવે અને તે સાથે સચિવ, LGBTQ+ સમુદાયના લોકોને જરૂરી વસ્તુઓ અને સેવાઓ મળે અને સામાજિક કલ્યાણ યોજનાઓ અથવા અન્ય લોકો વચ્ચે હિંસાનો ભયનો સામનો કરવામાં કોઈ ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે સુનિશ્ચિત કરવા પગલાં સૂચવશે.
હવે કેન્દ્ર સરકાર શું કરશે તેવો પ્રશ્ન LGBTQ સમુદાયને થઈ રહયો છે. કારણ કે સેઇમ સેક્સ મેરેજને કાયદેસર કરવા માટેની સુનાવણીમાં કેન્દ્રી સરકારે તેનો વિરોધ કર્યો હતો અને લોકસભા ચૂંટણના મેનિફેસ્ટોમાં પણ ફક્ત ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે કૉંગ્રેસ સરકાર દ્વારા જLGBTQ+ લગ્નને સિવિલ યુનિયનનો દરજ્જો આપવાનો વાયદો આપ્યો છે અને ભેદભાવ બંધ કરવા સંવિધાનમાં બદલાવ કરી કાયદા બનવાનું કહ્યું છે.
પરંતુ LGBTQ+ એક્ટિવિસ્ટ લોકોએ કહ્યું કે બંને પાર્ટીઓના મેનિફેસ્ટો નિરાશાજનક હતા, બીજેપીએ મોટાભાગે ગે, લેસ્બિયન અને બાયસેક્સ્યુઅલ લોકોની સંપૂર્ણ રીતે અવગણના કરી છે તો કૉંગ્રેસે માત્ર વાયદા આપી સમાન-લિંગી યુનિયન્સને માન્યતા આપવાની ઉલ્લેખ કર્યો છે આ રીતે LGBTQ+સમુદાય માટેના વિચારો અને તેમના અધિકાર માટેની આશા લટકતી તલવાર સમાન છે, પણ તેમ છતાં LGBTQ+ સમુદાયના લોકો હજી એટલી આશા લઈને બેઠા છે કે તેમના પર થતો અત્યાચાર બંધ થશે અને તેમની સુરક્ષા અને સલામતી માટે કાયદા બનશે. આ સાથે તેમને પણ હેટ્રો- સેક્સ્યુઅલ યુગલની જેમ લગ્ન કરવાની છૂટ, એમને મળતા અધિકારીઓની સાથે મળશે તેવી આશા છે.
એ જોવું રહ્યું કે શું સરકાર એવા કાયદા બનાવશે જે LGBTQ+ લોકો સાથે થતાં ભેદભાવ, દ્વેષપૂર્ણ ગુનાઓ અને હિંસાથી રક્ષણ આપે?. LGBTQ+ સમુદાય સાથે થતા અન્યાયો અને અત્યાચારો સામે રક્ષણ મળે એવા કાયદા બનશે ખરા?
દરેક માણસના હ્રદયનો આકાર સમાન હોય તો તે કોને પ્રેમ કરે છે અને પોતાની જાતને શું માને છે તે મામલે ભેદભાવ કરવાનો હક સમાજને શા માટે હોવો જોઇએ? સમલૈંગિકતા માત્ર શારીરિક સંબંધો પુરતી સિમિત નથી હોતી તે આપણે સૌએ સમજવાની જરૂર છે. આ વ્યક્તિગત પસંદ અને ઓળખનો મામલો છે. કોઇ ડાબા હાથે લખે અને કોઇ જમણા હાથે - પણ આ ફેરફારથી તેમનું માણસ હોવું ઓછું વત્તું નથી થઇ જતું અને માટે જ તેમના પ્રત્યેની માણસાઇ, તેમના હકોમાં કોઇ ફેર ન હોવો જોઇએ. પ્રેમ કરવાનો અધિકાર દરેકને છે અને પોતાનું જીવન પોતાની રીતે જીવવું પણ દરેકનો અધિકાર છે.
ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં જેને સ્વીકાર મળ્યો છે તેને પડકારીને કે ધિક્કારીને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ નહીં પણ સંકુચિતતાના અંધકાર તરફ જઇશું. આજે સમાજમાં મોકળાશ છે અને વિવિધતામાં એકતા જેની ઓળખ છે એવા આપણા દેશના સમાજે પણ સૌને એ જ મોકળાશથી, ખુલ્લા મન સાથે સ્વીકારવા જોઇએ. કોઇ કોને પ્રેમ કરે છે અને પોતાની જાતની શું ઓળખ લઇને જીવવા માગે છે એ નક્કી કરવાનો હક માત્રને માત્ર તે વ્યક્તિનો છે બીજા કોઇનો નહીં.
(તમામ તસવીરો પ્રતીકાત્મક, AI જનરેટેડે)