પગાર, પ્રમોશન, પોઝિશન મેળવવાની દોટમાં આવે છે પ્રેશર, સ્ટ્રેસ અને ડિપ્રેશન

06 October, 2024 03:33 PM IST  |  Mumbai | Jayesh Chitalia

કૉર્પોરેટ જૉબમાં કામકાજનું પ્રેશર ભારે રહે છે, કલાકોના કલાકો કામ કરવું પડે, ઘરે આવ્યા બાદ પણ એક યા બીજા સ્વરૂપે કામ ચાલુ રહે, વર્ક લાઇફ બૅલૅન્સ કરવાનું કઠિન બને

પ્રતીકાત્મક તસવીર

ભારતની ટોચની કંપની લાર્સન ઍન્ડ ટૂબ્રોની જગતભરમાં અનોખી અને ઊંચી ઓળખ ઊભી કરનાર હસ્તી એ. એમ. નાયક (અનિલ એમ. નાયક)ની જીવનકથાનું પુસ્તક ‘ધ મૅન હુ બિલ્ટ ટુમોરો’માં એક પ્રસંગ છે. લાર્સનમાં જોડાવા માટે ૧૯૬૪માં બાવીસ વર્ષના એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટ અનિલ નાયકને ફાઇનલ ઇન્ટરવ્યુ પાસ કર્યા બાદ તેમના એ સમયના સખત સ્વભાવના બૉસ તરફથી નોકરીના પ્રથમ દિવસે જ એવું કહેવાયું કે મેં નોકરીમાં રાખ્યા બાદ ૩૮ એન્જિનિયરોને કાઢી મૂકયા છે; જોજે, તારો નંબર ૩૯મો ન હોય. એ નાયકસાહેબ લાર્સનમાં કયાંથી કયાં પહોંચ્યા એ આજે સૌની સામે છે, આજે તેઓ ૮૦ પ્લસની ઉંમરે પણ સક્રિય છે.

આ પ્રસંગ વાંચતાં-વાંચતાં તાજેતરમાં કૉર્પોરેટ સેક્ટરમાં વિવિધ કંપનીઓમાં નોકરીના સ્ટ્રેસ બાબતની ચર્ચા સામે આવી ગઈ. કૉર્પોરેટ જૉબમાં કામકાજનું પ્રેશર ભારે રહે છે, કલાકોના કલાકો કામ કરવું પડે, ઘરે આવ્યા બાદ પણ એક યા બીજા સ્વરૂપે કામ ચાલુ રહે, વર્ક લાઇફ બૅલૅન્સ કરવાનું કઠિન બને. લાખો-કરોડોના પગાર પામતા ઉચ્ચ અધિકારીઓ સતત તનાવ અને દબાણ હેઠળ જીવતા રહે છે જેમાં યંગ જનરેશન પણ જોડાઈ ગયું છે જેમને પર્ફોર્મન્સ પ્રેશર નડતું રહે છે. પ્રમોશન, કૉમ્પિટિશન, પોઝિશન વગેરેની દોટમાં જીવન ઘણી વાર અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણા ડિપ્રેશનમાં જતા રહે છે, પરંતુ એ સમજાય એ પહેલાં ઘણાના જીવન સમાપ્ત પણ થઈ જાય છે. આ માટે ક્યાંક વર્ક કલ્ચર પણ જવાબદાર ગણાય. કંપનીઓ બિઝનેસ હરીફાઈમાં આગળ રહેવા કર્મચારીઓ-અધિકારીઓનો ભોગ લઈ લેતી હોય છે એનો એને ખ્યાલ રહેતો હશે કે કેમ એ સવાલ પણ પાયાનો છે. ચોક્કસ મજાની ચોક્કસ સજા પણ હોય છે.

આ વિષયનાં ઘણાં કારણો મનોવૈજ્ઞાનિક છે. આજના સમયનો માણસ એટલો બેચેન થઈ ગયો છે કે જો તે બહુ કામ નહીં કરે તો પાછળ રહી જશે, તેની કમાણી સીમિત રહી જશે, તેનો ગ્રોથ નહીં થાય, તે કાયમ માટે મિડલ-ક્લાસ જ બની રહેશે એવો ભય તેને રહ્યા કરે છે. તેને હાઈ લાઇફ-સ્ટાઇલ જોઈએ છે, તેને જીવનનાં તમામ સુખ-સુવિધા માણવા છે, પરિવારને પણ એ સુખ-સુવિધા આપવા છે. મોટો ફ્લૅટ, કાર, ફૉરેન ટૂર, પાર્ટીઓ તેની માટે આવશ્યકતા બની જાય છે. અલબત્ત, બહુ બધા કલાકો કામ કરવું એ જ માત્ર હાર્ડવર્ક નથી, પરંતુ એમ કરતી વખતે લક્ષ્ય શું રાખવું એ મહત્ત્વનું છે.

કૉર્પોરેટ સાઇકોલૉજીમાં સતત જીવતા માણસોને આગળ ન વધવું એ પાછળ જવા બરાબર લાગે છે. તેઓ સતત બીજાઓ સાથે પોતાની તુલના કરતા રહે છે જેમાં તે પોતાનાથી આગળના લોકોને જ જુએ છે, પાછળનાને નહીં. સંતોષ શબ્દ તેને અવરોધ જેવો લાગે છે. હાર્ડ વર્ક, પ્રગતિ અને વિકાસ આવકાર્ય છે, પરંતુ કોના ભોગે આમ કરવાનું છે? કેટલું ઝડપી આ જોઈએ છે? ક્યાં આ દોટ અટકશે? એ સવાલોના જવાબો નક્કી નહીં કરી શકનાર માણસની ગાડી વગર બ્રેકની બની જાય છે જ્યાં અકસ્માત ન સર્જાય તો જ નવાઈ. ૧૯૬૪ અને ૨૦૨૪માં પણ હાર્ડ વર્કનું મહત્ત્વ ખરું, પરંતુ હાર્ડ વર્ક પણ એટલું જ જરૂરી છે. જીવનનું વિઝન અને લક્ષ્ય શું છે એ પણ જાણો અને પામો.

columnists jayesh chitalia