12 October, 2022 03:53 PM IST | Mumbai | Pravin Solanki
સોહરાબ મોદી
૧૯૫૪માં ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ આપવાની શરૂઆત થઈ. ૧૯૫૫માં સૌથી પહેલો નૅશનલ અવૉર્ડ ‘મિર્ઝા ગાલિબ’ માટે સોહરાબ મોદીને એનાયત થયો. ‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મે ‘ઝાંસી કી રાની’માં થયેલી મોટી નુકસાનીમાંથી તેમને આંશિક રૂપે ઉગારી લીધા.
સોહરાબ મોદી અભિનીત ફિલ્મ ‘યહૂદી’ એક કોયડો બની ગઈ હતી. ફિલ્મ ખૂબ ચાલી, પણ કોને લીધે ચાલી? વાર્તાને લીધે? ગીત-સંગીતને લીધે? દિલીપકુમાર-મીનાકુમારીના અભિનયને લીધે? કે સોહરાબ મોદીના અભિનય અને તેમના મુખેથી બુલંદ અવાજે બોલાયેલા સંવાદોને લીધે? સોહરાબ મોદી સંવાદના સહારે અભિનયના શહેનશાહ દિલીપકુમારને ક્યારેક ઝાંખા પાડી દેતા હતા. સંવાદની નાટકીય અને નાટ્યાત્મક રજૂઆત માટે મોદીની ‘યહૂદી’, ‘પુકાર’, ‘શીશમહલ’, ‘પૃથ્વીવલ્લભ’, ‘સિકંદર’ વગેરે ફિલ્મો જોવાની યુવાન પેઢીને ખાસ ભલામણ કરું છું.
મોદી અભિનેતા કેમ બન્યા? મૅટ્રિક પાસ કર્યા પછી તેઓ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર મર્ઝબાનને મળવા ગયા. પૂછ્યું, ‘સાહેબ, તમે મને સલાહ આપો કે આગળ જતાં હું શું બનું? મર્ઝબાને કહ્યું કે તારો અવાજ, તારી ભાષણ કરવાની ઢબ, હિન્દી-ઉર્દૂ ભાષાનું જ્ઞાન જોઈને મને લાગે છે કે તારે કાં તો નેતા અથવા અભિનેતા બનવું જોઈએ. અને આપણને અભિનેતાસ્વરૂપ સોહરાબ મોદી મળ્યા.
૧૯૩૫માં ‘સ્ટેજ ફિલ્મ કંપની’ની સ્થાપના કર્યા પછી ૧૯૩૬માં એ કંપની ‘મિનરવા મૂવીટોન’માં બદલાઈ ગઈ. મોદી રામકૃષ્ણ મિશનના ફૉલોઅર હતા એથી તેમણે મિશનના બ્રહ્મચર્યના આદેશને ધ્યાનમાં રાખી પહેલી ફિલ્મ ‘આત્મરંગ’ બનાવી, જે સુપરફ્લૉપ નીવડી. પ્રેક્ષકો ગાળો દેતાં અડધી ફિલ્મે ઊઠી જતા. એક ‘શો’માં સૂટબૂટ પહેરેલી ચાર વ્યક્તિઓને અડધેથી ઊઠી જતી જોઈને મોદીએ તેમને રોકીને પૂછ્યું, ‘સાહેબાનો, ફિલ્મ ન ગમી? હું સોહરાબ મોદી, ફિલ્મનો નિર્માતા છું.’ ચારમાંના એકે કહ્યું, ‘અમારે એક અર્જન્ટ મીટિંગ આવી પડી હોવાથી ફરજિયાત ઊઠવું પડ્યું છે.’ મોદીએ પ્રશ્ન દોહરાવ્યો, ‘પણ ફિલ્મ ગમી કે નહીં?’ બીજાએ જવાબ આપ્યો, ‘આવા જ વિષય પર ફિલ્મ બનાવતા રહેજો. પ્રેક્ષકોને સારી ફિલ્મ જોવાની આદત પાડવી ખૂબ જરૂરી છે...’ એટલું કહીને ચારેય જણ નીકળી ગયા.
પછીથી તપાસ કરતાં મોદીને ખબર પડી કે એ ચારેય વ્યક્તિ મુંબઈ હાઈ કોર્ટના જસ્ટિસ હતા. મોદીને તેમની સલાહથી આત્મબળ મળ્યું.
સોહરાબ મોદી નિર્માતા હતા, અભિનેતા હતા, દિગ્દર્શક હતા અને ભારતીય સંસ્કૃતિના ચાહક હતા. ફિલ્મનો વિષય પસંદ કરવાનો તેમનો એક અનોખો અંદાજ હતો. તેઓ ચોક્કસપણે માનતા કે ફિલ્મ એક મનોરંજનનું માધ્યમ છે, પરંતુ મનોરંજનની સાથોસાથ સમાજને કંઈક સંદેશો જવો આવશ્યક છે.
મોદીની કારકિર્દી તેમ જ વ્યક્તિગત જીવનમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા. તેમની પ્રેમકહાનીને લીધે તો ખાસ ‘પરખ’ નામની ફિલ્મમાં હિરોઇન મહેતાબ બાનુ સાથે આંખમીંચોલી થઈ અને પ્રેમમાં પરિણમી. લગ્ન બાબત તકલીફ એ હતી કે મહેતાબ ડિવૉર્સી હતી. તેને ઇસ્માઇલ નામનો એક પુત્ર પણ હતો. વધુમાં તે ગુજરાત રાજ્યના એક નવાબની પુત્રી હતી.
આ બધું તો ઠીક, લગ્ન માટે મહેતાબની એક આકરી શરત હતી કે લગ્ન પછી પુત્ર ઇસ્માઇલ તેમની સાથે જ રહેશે. મોદીને એ શરત માન્ય હતી, પણ પરિવારને એ હરગિજ મંજૂર નહોતું. ઘણો વાદ-વિવાદ-વિખવાદ થયો. છેવટે, નાછૂટકે મોદીએ પરિવાર છોડ્યો. બન્નેને એક પુત્ર પણ થયો જેનું નામ મહેલી હતું.
મોદીએ માત્ર ઐતિહાસિક જ નહીં, સામાજિક ને ધાર્મિક ફિલ્મો પણ બનાવી હતી. મોટા ભાગની ફિલ્મો સફળ રહી. ૬૦ના દસકામાં તેમના નામના સિક્કા પડતા હતા. કે. આસિફ દિગ્દર્શિત ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ લોચામાં પડી હતી, લંબાતી જતી હતી, બેસુમાર પૈસા ખર્ચાઈ રહ્યા હતા. આખરે નિર્માતા શાપુરજી પાલનજીએ દિગ્દર્શક બદલી નાખવાનો વિચાર કર્યો અને એને સ્થાને સોહરાબ મોદીને ગોઠવવા મીટિંગ પણ કરી. સોહરાબ મોદીએ જવાબ આપ્યો કે કોઈ બીજાના હક પર તરાપ મારવાનું મને નહીં ગમે, તે પોતે મને કહેશે તો પણ હું નહીં પડું. ક્યા બાત હૈ!
મોદીનું એક સપનું હતું સમ્રાટ અશોક પર ફિલ્મ બનાવવાનું. એને માટે તેમણે બે વર્ષ સુધી સંશોધન પણ કર્યું. એક વર્ષ સુધી સ્ક્રિપ્ટ પર કામ કર્યા પછી તેમણે તેમના બધા નિયમિત ડિસ્ટ્રિબ્યુટરોને બોલાવીને પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મની જાહેરાત કરી આખો પ્લાન સમજાવ્યો. ડિસ્ટ્રિબ્યુટરો ખૂબ પ્રભાવિત થયા. વાત-વાતમાં એક જણથી પુછાઈ ગયું, ‘ફિલ્મનો હીરો કોણ હશે?’ બસ... ખલ્લાસ... મોદીનું મગજ ફરી ગયું. મોદીએ જવાબ આપ્યો, ‘તમારો સવાલ મારા કાળજા પર ઘા કરી ગયો છે. આ સવાલનો અર્થ એક જ થાય છે કે તમારો મારા પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. હું આ ફિલ્મ બનાવવાનું માંડી વાળું છું.’ અને ખરેખર એ ફિલ્મ ન બની. આવી હતી તેમની
ખુમારી-ખુદ્દારી.
૧૯૫૪માં ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ આપવાની શરૂઆત થઈ. ૧૯૫૫માં સૌથી પહેલો નૅશનલ અવૉર્ડ ‘મિર્ઝા ગાલિબ’ માટે સોહરાબ મોદીને એનાયત થયો.
‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મે ‘ઝાંસી કી રાની’માં થયેલી મોટી નુકસાનીમાંથી તેમને આંશિક રૂપે ઉગારી લીધા.
૧૯૬૦માં દસમા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે જ્યુરીના સભ્ય તરીકે મોદીની નિમણૂક થઈ. ૧૯૮૦માં દાદાસાહેબ ફાળકે અવૉર્ડ પણ તેમને એનાયત થયો.
૧૯૭૯થી તેમની તબિયત લથડવા માંડી. લાકડીના ટેકા વગર તેઓ ચાલી શકતા નહીં, પરંતુ હોંસલો એટલો જ બુલંદ હતો. ૧૯૮૩માં તેમણે ‘ગુરુદક્ષિણા’ ફિલ્મનું મુહૂર્ત કર્યું, પણ બીજે જ દિવસે તેઓ પથારીવશ થયા. જાહેર થયું કે તેમને કૅન્સર છે. ૧૯૮૪ની જાન્યુઆરીની ૨૪ તારીખે તેમનો ધી એન્ડ થઈ ગયો. એ સાંજે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું!
સમાપન
યે કફન, યે કબ્ર, યે જનાઝે રસમે-શરિયત હૈ
મર તો ઇન્સાન તબ હી જાતે હૈં
જબ યાદ કરનેવાલા કોઈ નહીં હોતા હૈ!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)