કૈસે હો પાએગી અચ્છે ઇન્સાન કી પહચાન, દોનોં હી નકલી હો ગયે હૈં, આંસુ ઔર મુસ્કાન!

26 January, 2022 12:48 PM IST  |  Mumbai | Pravin Solanki

પારેવા જેવી છોકરી ફફડી ઊઠી. ઘરમાં બધા તેની સાથે વ્યવહાર પણ બરાબર રાખતા નહોતા. 

કૈસે હો પાએગી અચ્છે ઇન્સાન કી પહચાન, દોનોં હી નકલી હો ગયે હૈં, આંસુ ઔર મુસ્કાન!

ખાનદાની પાવલી હાથમાં રમાડતાં-રમાડતાં વડીલે વાત આગળ વધારી, ‘મારી પૌત્રી  પરણ્યાની પહેલી રાતે જ દુઃખી-દુઃખીનો દાળિયા બની ગઈ! છોકરો માણસમાં નહોતો, વળી કુટુંબ તરફથી તેને ધમકી આપવામાં આવી કે આ વાત જાહેર કરશે તો તેની ઇજ્જતના ધજાગરા ઉડાડવામાં આવશે. પારેવા જેવી છોકરી ફફડી ઊઠી. ઘરમાં બધા તેની સાથે વ્યવહાર પણ બરાબર રાખતા નહોતા. 
 ૬ મહિના સુધી પૌત્રી જળ વિના જેમ માછલી તરફડે એમ સદ્ભાવ વગરના ઘરમાં તરફડતી  રહી. કહેવું કોને? પિતાએ ગજા બહારનો ખર્ચ કરીને પરણાવી હતી. તેને કેવો આઘાત લાગશે એ વિચારે ચાલ્યું ત્યાં સુધી ચલાવ્યું, પણ આખરે સહન ન થતાં તેણે મારી પાસે વેદના ઠાલવી. મેં જરા પણ વિચાર્યા વગર કહ્યું કે ‘તું હમણાં ને હમણાં પહેરેલે કપડે ઘરમાંથી નીકળી જા. હું તને રાખીશ. બાકીની બધી ચિંતા તું મારા પર છોડી દે.’  
 હું છોકરાના બાપને મળ્યો. મને મીઠો આવકાર આપીને મારું સ્વાગત કર્યું. કહેવાય છેને કે જિંદગીમાં બધા કડવા અનુભવો મીઠા માણસો પાસેથી જ મળતા હોય છે. મેં બાપને થોડાક સમજાવ્યા, થોડાક ધમકાવ્યા ને પછી મનાવતાં કહ્યું કે ‘તમે રાજીખુશીથી મારી પૌત્રીને છૂટી કરી દો. છૂટાછેડા બાદ હું ભરણપોષણ પણ નહીં માગું. ફક્ત એક જ વિનંતી છે કે અમે ચડાવેલાં  ૮૦ તોલા ઘરેણાં અમને પાછાં કરી દો.’ 
 છોકરાનો બાપ મારી સામે ખંધું હસતાં બોલ્યો, ‘ભરણપોષણ ન માગવાના હો તો છૂટાછેડા  આપવામાં અમને કોઈ વાંધો નથી, પણ એક શરતે કે છૂટાછેડાનું કારણ જાહેર ન કરવું.’ મેં શરત મંજૂર રાખતાં કહ્યું, ‘નહીં થાય, મારું વચન છે. હવે એટલું કહો કે અમારાં ચડાવેલાં ઘરેણાં પાછાં ક્યારે મળશે?’ 
બાપ ફરીથી તીરછી નજર કરીને મારી સામે બોલ્યો, ‘ઘરેણાં તમારાં છે, તમારે જોઈતાં હોય ત્યારે તમે મેળવી શકો છો. ધંધા માટે અમારે પૈસાની જરૂર હતી એટલે અમે એ ગીરવી મૂકીને  લોન લીધી છે. તમે પૈસા ભરીને ગમે ત્યારે છોડાવીને લઈ જઈ શકો છો. હું તમને બધાં પેપર્સ આપું છું, ઊભા રહો, હું તમને કાગળિયાં આપું છું.’ 
 એમ કહીને તેઓ કાગળિયાં લેવા અંદર ગયા. હું ડઘાઈ ગયો. તેઓ આવે એ પહેલાં ઊઠીને ચાલતો થઈ ગયો. મને થયું કે મેં નાગાના ગામમાં ધોબીની દુકાન ખોલવાની મૂર્ખાઈ કરી છે.’ આટલું બોલીને વડીલ અચાનક ઊભા થતાં બોલ્યા, ‘રામ રામ રામ, મારાથી બહુ મોટો  અપરાધ થઈ ગયો છે, પ્રભુ મને ક્ષમા કરજે.’ મેં કહ્યું ‘શેનો?’ વડીલે કહ્યું કે મેં તેમને વચન  આપ્યું’તું કે છૂટાછેડાનું કારણ હું કોઈને નહીં કહું ને તોરમાં ને તોરમાં મારાથી તમને કહેવાઈ ગયું. તમારી દીકરીના સોગંદ ખાઈને વચન આપો કે આ વાત તમે કોઈને કહેશો નહીં.’ 
એટલું કહીને વડીલ ભીની આંખે ખાનદાની પાવલી મંદિરમાં પધરાવીને નીકળી ગયા. થયું કે  એક કડવા અનુભવથી ખાનદાની પાવલી ત્યજી દેવાની? મનમાં બહુ ઊતર્યું નહીં, વાત ગહેરી લાગી. મોકો મળે ત્યારે વડીલ પાસે વાત કઢાવીશ એવું વિચારતાં વળી પ્રશ્ન થયો કે ખાનદાની એટલે શું? કુલિનતા, સજ્જનતા, ઔદાર્ય, ઐશ્વર્ય, પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા સંસ્કાર, વિનય, વિનમ્રતા, ક્ષમાશીલ હોવું? ખાનદાની શબ્દમાં ઘણા બધા ગુણોનો સમાવેશ કરી શકાય. આજે આ બધા ગુણોનો દુકાળ પડ્યો છે. 
ઉપરની વાત પરથી મને એક લોકવાર્તા યાદ આવી ગઈ, જેમાં ખાનદાનીની ખરી સુગંધ માણવા મળે છે...
 બે જિગરજાન લંગોટિયા મિત્રો. બાળપણથી સાથે રમ્યા, ભમ્યા, સુખ-દુઃખમાં સાથે રહ્યા. એક અમીર, એક ગરીબ, પણ પૈસાની દીવાલ બન્નેને ક્યારેય નડી નહોતી. 
ગરીબની દીકરીની સગાઈ એક ખમતીધર મોટા ઘરમાં થઈ, પણ ગરીબ લગ્નનું ટાળતો રહ્યો. કેમ કે સામો પક્ષ લગ્ન ધામધૂમથી થાય એવું ઇચ્છતો હતો અને ગરીબ એની જોગવાઈમાં પડ્યો હતો. એક દિવસ છોકરાનો બાપ અચાનક ગરીબના ઘરે આવી ચડ્યો અને ધમકીભર્યા  સ્વરે કહ્યું કે ‘આઠ દિવસની અંદર લગ્નનું મુહૂર્ત કઢાવો નહીંતર સંબંધ ફોક સમજી લેજો.’ 
 એ રાતે ગરીબની ઊંઘ વેરણ થઈ ગઈ. શું કરવું? કેમ કરવું? ક્યાં જવું? કોને કહેવું?  વિચારોનાં વમળમાં અચાનક તેને અમીર મિત્રની યાદ આવી ગઈ, પણ મનમાં થયું કે માગવું  કઈ રીતે? માગીને દોસ્તી ગુમાવવાનો વારો આવ્યો તો? પણ દીકરી ખાતર તેણે સ્વમાનનો  ભોગ આપવાનું નક્કી કર્યું. સવાર પડે  એ પહેલાં વિચાર બદલાઈ જાય એ પહેલાં મોડી રાતે જ  તે અમીર દોસ્તના ઘરે પહોંચી ગયો. 
અડધી રાતે દોસ્તને આવેલો જોઈને અમીર અચંબામાં પડી ગયો. પ્રેમથી બેસાડીને પૂછ્યું, ‘કોઈ કારણ વગર તું કવેળા આવે જ નહીં. જરા પણ સંકોચ રાખ્યા વગર કહે શું તકલીફ છે ભાઈ?’  દોસ્તે થોથવાતાં-થોથવાતાં, ત્રુટક-ત્રુટક સ્વરે બધી વાત કરી. અમીર દોસ્તે કહ્યું, ‘ગાંડાભાઈ, આટલી વાતમાં આટલો બધો સંકોચ? બોલ કેટલા રૂપિયા જોઈએ છે?’ પેલાએ કહ્યું, ‘પચાસેક  હજાર ચાલશે.’ અમીરે કહ્યું, ‘પચાસેક હજારમાં કાંઈ ન થાય’ એમ કહીને તેણે એક લાખ રૂપિયા દોસ્તના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ લે, પાછા આપવાની ચિંતા ન કરતો, અપાય તો આપજે. મૂંઝાતો નહીં, તારી દીકરી એ મારી દીકરી છે એમ સમજી લેજે.’ 
 ગરીબ ગદ્ગદ થઈ ગયો. દોસ્ત ગયા પછી અમીર દોસ્ત ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો, કપાળ કૂટ્યું, માથું કૂટ્યું. પત્ની એકદમ ગભરાઈ જતાં બોલી, ‘આમ એકાએક તમને શું થઈ ગયું?’ ‘મને મારી જાત પ્રત્યે નફરત થઈ ગઈ છે. હું જાણતો હતો કે તેની દીકરીની સગાઈ થઈ છે, મને તેની પરિસ્થિતિની પણ ખબર હતી છતાં સામે ચાલીને મને મદદ કરવાનું કેમ ન સૂઝ્‍યું?  શરમિંદા બનીને, સ્વમાન છોડીને તેણે મારા ઘરે આવવું પડ્યું એ મારા માટે શરમ છે, નાકામી છે. માગો તો આપનારા ઘણા મળી રહે, પણ સમય 
સાચવીને જે સામે ચાલીને આપે એ જ સાચો દોસ્ત કહેવાય.’ 
   આ છે ખાનદાની. 

ખાનદાની એટલે શું? કુલિનતા, સજ્જનતા, ઔદાર્ય, ઐશ્વર્ય, પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા સંસ્કાર, વિનય, વિનમ્રતા, ક્ષમાશીલ હોવું? ખાનદાની શબ્દમાં ઘણા બધા ગુણોનો સમાવેશ કરી શકાય. આજે આ બધા ગુણોનો દુકાળ પડ્યો છે.

સમાપન 
બેશક ઘર કી દીવારેં ટૂટ ગયી 
પર સલીકા આજ ભી સ્વમાની હૈ 
બહુત કમ બચે હૈં ઐસે ઘર મહોલ્લે મેં  
જહાં લોગ જિદ્દી ઔર ખાનદાની હૈ!

columnists Pravin Solanki