જો જૂઠ લિખું તો તુઝે અપના લિખ દૂં, જો સચ લિખું તો ખુદ કો તેરા લિખ દૂં!

07 February, 2024 08:11 AM IST  |  Mumbai | Pravin Solanki

૨૦૧૮ની ૨૭ જાનીયુઆરીએ તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણવાળી ત્રણ સભ્યોની પૅનલે ચુકાદો આપતાં કહ્યું કે મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નથી.

અયોધ્યા રામ મંદિર

મંદિર-મસ્જિદ વિવાદમાં આવું જ કંઈક બની રહ્યું હતું. ૧૫૨૮માં મોગલ બાદશાહ બાબરે મંદિર તોડીને અયોધ્યામાં મસ્જિદ બાંધી એ પછી છેક ૧૮૫૯માં પ્રજા આળસ મરડીને વિરોધ કરવા ઊભી થઈ. આનો અર્થ શું? પ્રજા કયા ઘેનમાં હતી? અંદરો-અંદર વિખવાદ-એકતાનો અભાવ હતો કે કોઈ ભય-ખોફ, ડર હતો. લાગે છે કે એ સમયે એવો માહોલ હતો કે જે સાથે હતા તેઓ સમજતા નહોતા અને જેઓ સમજતા હતા તેઓ સાથે નહોતા. વિચાર કરો, સવાત્રણસો વર્ષ સુધી ગાઢ ઊંઘમાંથી જે માંડ-માંડ જાગ્યા હોય એની સ્ફૂર્તિ પણ કેવી હોય? કોઈ એક ધાર્મિક સ્થળનો વિવાદ ૫૦૦ વર્ષ સુધી ઉભડક રહે એ પણ એક બનાવ નહીં, ઘટના બની જાય. બાબરના સમયથી ચાલતો વિવાદ છેક આઝાદી પછી પણ કેટલાય વડા પ્રધાનો, સરકારો બદલાઈ ત્યાં સુધી ચાલતો જ રહ્યો. ૨૦૦૯ની ૨૮ નવેમ્બરે સંસદનાં બન્ને ગૃહમાં લિબ્રહાન આયોગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવને ક્લીન ચિટ આપવામાં આવી અને ૨૦૧૦માં હાઈ કોર્ટે ચુકાદો આપવાનું જાહેર કર્યું ત્યાં સુધીની વાત આપણે જોઈ ગયા. 

...અને ૨૦૧૦ની ૨૪ સપ્ટેમ્બરનો દિવસ આવી ગયો. હાઈ કોર્ટની લખનઉ પીઠના ત્રણ ન્યાયાધીશની બેન્ચે ચુકાદો આપ્યો કે વિવાદિત સ્થળનો એક તૃતીયાંશ હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે ફાળવવો અને બાકીની જમીન પર મંદિર બનાવો. બન્ને પક્ષો નારાજ થયા અને બન્ને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. ૨૦૧૧ની ૯ મેએ સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના ચુકાદાને રોકી દીધો અને સાથોસાથ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરી દીધી. 

૨૦૧૮ની ૨૭ જાનીયુઆરીએ તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણવાળી ત્રણ સભ્યોની પૅનલે ચુકાદો આપતાં કહ્યું કે મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નથી. સાથોસાથ પ્રસ્તુત કેસને પાંચ ન્યાયાધીશની પીઠિકાને સોંપી નવેસરથી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. 

૨૦૧૮ની ૨૯ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કહ્યું કે આ બાબતની સુનાવણી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉચિત પીઠનું ગઠન થશે અને ત્યાર બાદ થશે. જાન્યુઆરી ૨૦૧૯માં અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ પાંચ ન્યાયાધીશની સંવૈધાનિક પીઠની રચના થઈ, જ્યાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન. વી. રામન્નાનો સમાવેશ હતો. ૨૦૧૯ની ૧૦  જાન્યુઆરીએ એક નવો ફણગો ફૂટે છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એક મુદ્દો એવો ઉઠાવ્યો કે જસ્ટિસ યુ. યુ. લલિત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ વતી આ બાબતે ભૂતકાળમાં આ કેસ લડ્યા હતા એટલે જસ્ટિસ યુ. યુ. લલિતે પૅનલમાંથી ખસી જવું પડ્યું. વળી એક બીજો આંચકો આવ્યો જસ્ટિસ બોબડેનું અવસાન થયું અને ૨૦૧૯ની ૨૯ જાન્યુઆરીની પ્રસ્તાવિત સુનાવણી ટળી અને આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરી નક્કી થઈ. 

૨૦૧૯ની ૨૬ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સલાહ આપતાં કહ્યું કે આ આખી બાબત ચર્ચાવિચારણા-મધ્યસ્થી દ્વારા જ ઉકેલાય એ ઇચ્છનીય છે. એક પણ ટકો જો એમ લાગતું હોય કે આ બાબત મંત્રણા દ્વારા ઉકેલી શકાશે તો એ પગલું જ ઉચિત છે. સુપ્રીમ કોર્ટે એની દેખરેખ હેઠળ વિવાદ ઉકેલવા, મધ્યસ્થી કરવા તૈયાર થઈ. ૨૦૧૯ની ૬ માર્ચે મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો, પણ હિન્દુ મહાસભા અને રામલલ્લા પક્ષે એવું કહીને અસહમતી દર્શાવી કે આમજનતા મધ્યસ્થી દ્વારા અપાયેલો ચુકાદો નહીં સ્વીકારે. સુપ્રીમ કોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો. 

૨૦૧૯ની ૮ માર્ચે સુપ્રીમ કોર્ટે શ્રી શ્રી રવિશંકર, શ્રીરામ પાંચુ અને જસ્ટિસ એફ. એમ. ખલીફુલ્લાની નિમણૂક મધ્યસ્થી માટે કરી, પણ ૨૦૧૯ની બીજી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થી દ્વારા આ કેસ ઉકેલવો સંભવ નથી. સાથોસાથ એવું પણ જણાવ્યું કે ૬ ઑગસ્ટથી આ કેસની સુનાવણી પ્રતિદિન થશે. ૨૦૧૯ની ૧૫ ઑક્ટોબર સુધીની એની સમયમર્યાદા નક્કી કરી. 
 અને એ મંગળ દિવસ આવી પહોંચ્યો, ૨૦૧૯ની ૯ નવેમ્બર., સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ચુકાદામાં જણાવ્યું કે રામજન્મભૂમિની ૨.૭૭ એકર જમીન હિન્દુ પક્ષને આપવી, એનો માલિકી હક્ક કેન્દ્ર સરકાર પાસે રહેશે. એ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો કે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવી. 

‘સૌ સારું જેનું છેવટ સારું...’ એક જટિલ, વિકટ પ્રશ્નનો સેંકડો વર્ષ પછી અંત આવ્યો. સુખદ અંત. ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટ બીજી એક ઐતિહાસિક તારીખ બની. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લીધો. નરેન્દ્ર મોદીજીના જીવનનો આ એક અનમોલ પ્રસંગ બની ગયો અને ૨૦૨૪ની  ૨૨ જાન્યુઆરી દેશ અને દુનિયાઆખી ‘રામ રામ’ બની ગઈ. 

સમાપન
શ્રીરામે જ્યારે જાણ્યું કે તેમના નામે પથ્થર તર્યા અને સેતુબંધ તૈયાર થઈ ગયો એ વાત તેમને માનવામાં જ નહોતી આવી. પ્રત્યક્ષ પ્રમાણ મેળવવાના આશયથી તેઓ હનુમાનજીને લઈને સમંદરકિનારે પહોંચી ગયા. એક મોટો પથ્થર ઉપાડીને પોતાનું નામ લઈને સમુદ્રમાં ફેંક્યો અને ડૂબી ગયો. હનુમાન સામે જોઈ બોલ્યા, ‘તમે લોકો બધા નાહકનો મારો મહિમા કરી મને પોરસ ચડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરો છો. તમે પ્રત્યક્ષ હમણાં જોયું કે મેં નાખેલો પથ્થર ડૂબી ગયો. આવું કેમ બન્યું?  હનુમાનજીએ મંદ સ્મિત કરતાં કહ્યું, ‘આવું જ બને, આવું જ બનવું જોઈએ; કારણ કે જેને રામ તરછોડે તેને કોણ તારે?’ 

columnists Pravin Solanki ayodhya ram mandir