એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે

03 April, 2024 11:05 AM IST  |  Mumbai | Pravin Solanki

ICU એક એવું સ્થળ છે જ્યાં તમે યોગ-સાધનાવાળી પ્રક્રિયામાં આવી જાઓ છો.

હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પ્રવીણભાઈ સોલંકી ઝડપથી સાજામાજા થઈ જાય એ માટે તેમનાં પત્નીએ કોઈ કસર છોડી નથી.

અનિશ્ચિતતા એટલે જ જીવન, તમે ધારો કંઈક અને થાય કંઈક અલગ. એવું ન થાય તો જીવન કહેવાય નહીં. ગયા સપ્તાહે ‘બચત’ પરનો લેખ લખવા બેઠો ને હાંફવા લાગ્યો, શ્વાસ ચડવા માંડ્યો, ચક્કર આવવા લાગ્યાં. સંજોગોના પાલવે લેખની દિશા અને મારી દશા બદલી નાખી. લેખ તો પૂરો કર્યો, પણ મને કંઈક અધૂરું-ખૂટતું લાગતું હતું, પરંતુ રાતે ૧૨ વાગ્યા અને હું સૂઈ ગયો, સવારે કંઈક કરીશ એ આશાએ. 

લેખનો મારો મૂળ આશય વૃદ્ધાવસ્થા, સ્વાસ્થ્ય અને એ માટેના ખાસ બજેટનો હતો. મારે લોકોને સચેત કરવા હતા કે વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ ચિંતા કરવાની હોય તો સ્વાસ્થ્યની કરવાની હોય. રોગ એક એવી બેશરમ ચીજ છે જે ગમે ત્યારે તમારાં બારણાં ખટખટાવી શકે છે ને તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારે એનું સ્વાગત કરવું પડે છે. જે વાત હું લોકોને કહેવા માગતો હતો એ વાત સંજોગોએ મને વહેલી સવારે સમજાવી દીધી. સવારે ૬-૬.૩૦ વાગ્યાની આસપાસ અચાનક ઊંઘ ઊડી ગઈ ને અજંપો શરૂ થઈ ગયો. શ્વાસ લેવામાં મુશ્કેલી વધી, ચક્કર આવ્યાં... ઘરનાં બધાં ગભરાઈ ગયાં, પણ મારી દીકરી હેમાલી અને દીકરા દર્શને અગમચેતી વાપરી અમારા તારણહાર સમા ડૉ. હરેનભાઈ શાહને ફોન કરી દીધો. તરત જ તેમણે અમારા આશ્રયધામ સમા દોશી નર્સિંગ હોમમાં ડૉ. કિરણભાઈ દોશીને જાણ કરી અમને પહોંચવા કહ્યું. અમે પહોંચીયે એ પહેલાં બાહોશ યુવાન કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. મિતુલભાઈ શાહ હૉસ્પિટલ પહોંચી ગયા.
 મને સીધો ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં લઈ જવાયો, પણ હું પૂર્ણ ભાનમાં નહોતો. ICUમાં ધમાલ મચી ગઈ. મારા કુટુંબને બહાર મોકલી દેવામાં આવ્યું. મને વેન્ટિલેટર પર તાત્કાલિક લઈ લીધો, હાથ-મોઢા પર જુદી-જુદી નળીઓ ગોઠવાવા લાગી. નવાં-નવાં મશીનોના સાંનિધ્યમાં મારી ખાતરબર્દાસ્ત થવા લાગી. મારી ૮૪ વર્ષની ઉંમરમાં જીવનમાં આ પહેલી વાર  ICUનો અનુભવ હતો, પણ એ લેવા પૂર્ણ સજાગ નહોતો. સજાગ થયો સાંજે ૬ વાગ્યે. 

સવારના પહોરમાં ઘટના એવી અણધારી બની હતી કે કોઈ સગાંસંબંધી, આડોશીપાડોશી, મિત્રોને જાણ કરવાનો સમય ન રહ્યો કે ન એની દરકાર થઈ. લક્ષ્ય એક જ હતું મારો જીવ બચાવવાનું અને મારા બચવાનો યશ ICUની ડૉક્ટરની ટીમના નામે લખાયો હતો એનું ભાન મને સાંજે ૬ વાગ્યે થયું. મારી આંખ ખૂલી ત્યારે મેં નીરવ સ્તબ્ધતા અનુભવી. રૂમમાં એકદમ શાંતિ હતી. મારા હાથ-મોં-નાકમાં જાતજાતની નળીઓ હતી. મોઢા પર ઑક્સિજન-માસ્ક, બાજુમાં બે સિસ્ટર જુદા-જુદા મૉનિટર પરથી કોઈ વસ્તુની નોંધ કરી રહી હતી. વાતાવરણમાં સુગંધ અને દુર્ગંધ જેવું મિશ્રણ હતું.  હું જીવંત છું એનું ભાન ત્યારે થયું જ્યારે મારી વાઇફ જ્યોતિને રૂમમાં આવવાની રજા મળી અને તે મારી સામે આવીને ઊભી રહી. તેણે આવીને મારા માથા પર હાથ ફેરવ્યો, જે નર્સને ન ગમ્યું. વિનયપૂર્વક કહ્યું, ‘તેમને ઝાઝા ડિસ્ટર્બ ન કરશો.’ જ્યોતિ મારી સામે હસી, બોલી, ‘જોયુંને વાર્યા ન વર્યા ને હાર્યા વર્યાને. હવે ફરજિયાત આરામ કરવો પડશેને?’ તેના શબ્દોમાં ન કોઈ કડવાશ હતી, ન વ્યંગ હતો, ન કોઈ ઠપકો. કેવળ પ્રેમ હતો. મારી જીદ અને ઝનૂનના ચિતારનું દર્શન હતું. 
 
૬ દિવસ ICUમાં રહ્યો ને જાણે મારી પ્રજ્ઞાને પોષણ મળતું હોય એમ હર ઘડીએ હર પળે નવા રંગ, નવા ઢંગ, નવા વિચાર કરવા લાગ્યો. હું જાણે જુદી દુનિયામાં હોઉં એવો ભાસ થયો. સામાન્ય રીતે હૉસ્પિટલમાં ICU એ બહુ ભડકાવનારું, બિહામણું નામ છે. કેટલાક માને છે કે ICU રૂમ એટલે યમરાજ સાથે ઇન્ટરવ્યુ આપવાનું સ્થળ, તો કેટલાકને મન ICU રૂમ એટલે સ્વર્ગ કે નર્કની વચ્ચે આવતું ટોલ નાકું. પરંતુ ૬ દિવસના મારા ICUના વનવાસમાં હું મારા ૮૪ વર્ષના જીવનમાં જે ન શીખી શક્યો કે જે ન શીખવા મળ્યું એમાંનું ઘણું મેં આત્મસાત કર્યું છે. જે સમય આવ્યે હું મારા પ્રિય વાચકો સામે જરૂર મૂકીશ. તમને કદાચ લાગશે કે આ સ્મશાનવૈરાગ્ય જેવી ભાવનાનું કારણ હશે, પણ ના, સ્માશનમાં ઉદ્ભવેલો વૈરાગ્ય અન્યના અનુભવનો પ્રસંગ હોય છે. ICUમાં આપણા જીવનમાં જ આવેલા પ્રસંગ હોય છે અને એ સીધો આપણને જ સ્પર્શતો હોય છે. 

ICU એક એવું સ્થળ છે જ્યાં તમે યોગ-સાધનાવાળી પ્રક્રિયામાં આવી જાઓ છો. હું ICUમાં આવ્યો ત્યારે હોળીનો માહોલ હતો. એ જ અરસામાં ફિરોઝ ભગત-અપરા મહેતાની જોડીવાળા મારા નાટક ‘પાર્ટનર મસ્ત તો લાઇફ જબરદસ્ત’ના ૧૦૦મા પ્રયોગની ઉજવણીના અવસરની તૈયારી થઈ રહી હતી. વળી એ જ અઠવાડિયામાં મારા નવા નાટક ‘ડેથ વૉરન્ટ’ના એકસાથે પાંચ પ્રયોગની હારમાળા ઘાટકોપરમાં હતી જેમાં પહેલા ત્રણ પ્રયોગમાં તો મેં હાજરી પણ પુરાવી, તો મારા મિત્રોનો એક વર્ગ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મારી અને જ્યોતિની ૬૦મી લગ્નજયંતી ઊજવવા ઉત્સુક હતો, કારણ કે આજકાલ લોકોનાં લગ્ન ૬૦ મહિના ટકતાં નથી જ્યારે તમે ૬૦ વર્ષથી સાથે છો, એટલું જ નહીં, એકબીજા માટે અનિવાર્ય છો એ પણ જેવીતેવી સિદ્ધિ નથી. વધુમાં વિશ્વ રંગભૂમિ દિવસનાં વાજાં વાગી રહ્યાં હતાં, પણ ત્યારે આ બધામાંનું મને કશુંય સ્પર્શ્યું નહોતું. હું મૂઢ હતો કે મારામાં મગ્ન હતો, મને કાંઈ સમજાતું નહોતું, ન મૃત્યુનો ભય હતો, ન જીવવાનો આનંદ હતો. ન હું સ્થિતપ્રજ્ઞ હતો, ન સમાધિસ્થ હતો. તો હું શું હતો? આવતા સપ્તાહે...

સમાપન
માણસ જ્યારે જન્મે છે ત્યારે તેની પાસે ફક્ત શ્વાસ હોય છે કોઈ નામ નથી હોતું, માણસ જ્યારે મરે છે ત્યારે તેની પાસે નામ તો હોય છે, પણ શ્વાસ નથી હોતો. આ નામ અને શ્વાસ વચ્ચેની યાત્રા એટલે જીવન.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists Pravin Solanki life and style