25 February, 2019 10:00 AM IST |
થોડા દિવસ પહેલાં મારી ઘડિયાળ-રિસ્ટવૉચ ગુમ થઈ ગઈ. ઘરના ખૂણે-ખૂણે શોધી. મળી નહીં. રાતના ઘરે આવ્યો ત્યારે હતી-પહેરેલી હતી એવું ઘરના સભ્યોએ એકમતે મને કહ્યું એટલે મને પણ વિશ્વાસ બેસી ગયો કે રાતના મારા હાથમાં હતી. તો સવારના કોના હાથમાં ગઈ? એ કંઈ બહુ કીમતી નહોતી પણ મને ખૂબ પ્રિય હતી. મિત્રો સહિત ઘરના સભ્યો પણ ઘણા વખતથી મને કહેતા કે બહુ જૂની થઈ ગઈ છે, બદલી નાખો. હું હસીને કહેતો કે કાલ સવારે હું પણ જૂનો લાગીશ તો મારાં સંતાનોને બદલી નાખવાની સલાહ આપશો? મારી દલીલમાં કોઈ વાજબી તર્ક નહોતો એ મને ખબર હતી, પણ કોઈ વસ્તુ વિશે લગાવ થઈ જાય ત્યારે એને છોડતાં કેવી લાગણી થાય એની એ લોકોને ખબર નહોતી.
વસ્તુની આટલી મમત થઈ જાય તો વ્યક્તિનું શું? કોઈ વ્યક્તિ કાયમ આપણી સાથે રહેતી હોય, હસીમજાક, વાદવિવાદ, વિચાર-વિનિમય સાથે કરતા હોઈએ, રોજ એકબીજાની ટીખળ કરતાં હોઈએ એવી વ્યક્તિ અચાનક, એકાએક, કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આપણી વચ્ચેથી અદૃશ્ય થઈ જાય ત્યારે સાલું આપણને કેવું લાગી આવે? કહ્યું છે કે ‘ન ગાતી હૈ, ન ગુનગુનાતી હૈ, મૌત આતી હૈ તો બસ ચૂપકે સે ચલી આતી હૈ.’
આ જ વાત સંદીપ ભાટિયાએ સરસ રીતે વ્યક્ત કરી છે.
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી
ઘર ઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પુજાય
એ કંઈ જેવી તેવી વાત નથી
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ
કાચ નદીને પેલે કાંઠે કંકુ-કંકણ પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી
લલિત વર્મા. સંગીતમાં ઉસ્તાદ, ગઝલકાર, ગઝલનું ગણિત-વ્યાકરણ જાણનાર, મ્યુઝિક ક્રિટીક, હઝલ પણ લખનાર, સુંદર વક્તા, સમારંભ સંચાલક આ બધા ઉપરાંત અમારા સહકાર્યકર, સાથી, ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં ૯ ફેબ્રુઆરીએ શનિવારે રાતના ૭-૩૦ની આસપાસ સાવ અચાનક, એકાએક ધુમાડો થઈ ગયા. વ્યક્તિમાંથી ફોટો બની ગયા, સહવાસમાંથી સંભારણું બની ગયા.
હાથમાં લાકડી, શનિનો ચહેરો, કપાળ પર અનુભવ અને આક્રોશની કરચલીઓ, સુકલકડી દેહ, વળેલા કંધા, કિસ્મતની જેમ ચોળાયેલાં પૅન્ટ-શર્ટ, આંખો પર ચશ્માં, ચશ્માંમાં ભેજ, આંખમાં તેજ, મૃદુ વાણી, વાણી પર નિયંત્રણ, ભાષા પર કાબૂ, માતબર શબ્દભંડોળ, માતૃભાષાની માફક જ ઉદૂર્, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પણ જબરી પકડ, ખડખડાટ ભાગ્યે જ હસે, તેમના સ્મિતમાં દર્દની ઝલક, વિશાળ અને પ્રેમાળ પરિવારથી ઘેરાયેલા છતાં એકલપંડા, ધુની, ગુમાની છતાં સ્વમાની, સ્વમાનમાં પણ અભિમાનની ઝલક, કલાપિને કવિ ન માનનારા છતાં તેની પંક્તિઓ ‘નથી નથી મુજ તત્વો વિશ્વથી કંઈ મેળ લેતાં, અમારા રાહ ન્યારા છે’ ને અનુસરનારા હતા. એક વાક્યમાં તેમની ઓળખાણ આપવી હોય તો તેમનામાં બાïળકનું ભોïળપણ, યુવાનોની ઈર્ષા અને વૃદ્ધોની જીદ હતી. જીવતાને અમર રહો કહેવાની ખુશામત તેમને આવડતી નહોતી, પણ મરતાને ‘મર’ કહેવાની હિંમત તેમનામાં હતી. તે તેમના પોતાના રચેલા એક ચોક્કસ દાયરામાં કેદ
થયેલા હતા. એમાંથી બહાર નીકળવાનો મોકો ભવન્સ કલ્ચરલ સેન્ટરને કારણે મળ્યો. ભ. ક. સેન્ટર થકી જૂના મિત્રો, કલાકારો, શાગીર્દો, ઉસ્તાદો, શિષ્યોને મળવાની તક મળી, નવા કલાકારો, નવા શ્રોતાઓનો અહેસાસ સાંપડ્યો. તેમનાં જ્ઞાન અને અનુભવનો અરસપરસને લાભ મળ્યો.
મૃત્યુ જીવનની એક નિશ્ચિત ઘટના છે ને એ નિશ્ચિત ઘટના એટલી બધી અનિશ્ચિત છે કે કોઈ એનો તાગ મેïળવી શક્યું નથી. મૃત્યુ વિશે આડેધડ ઘણુંબધું લખાયું છે, બોલાયું છે. આડેધડ એટલા માટે કહું છું કે મૃત્યુનો અનુભવ લઈને કોણ લખી શક્યું છે? અનુભવ વગરનું લખાણ માત્ર એક અનુમાન, કલ્પના કે તર્ક-તરંગ જ હોઈ શકે. મૃત્યુ વિશે એટલું જ સ્પષ્ટ કહી શકાય કે મૃત્યુ એટલે જગતના મટીને જગદીશનું થઈ જવું. ગુજરાતીમાં એક સરસ રૂઢિપ્રયોગ છે, ‘ફલાણાભાઈ આજે સવારે દેવ થઈ ગયા!’ માણસ મૃત્યુ પામે કે તેના દુર્ગણો ધરતીમાં દટાઈ જાય અને સદ્ગુણો સાથે સિધાવે છે ને દેવત્વ પામે છે. એટલે તો આપણે હંમેશાં મૃતકના સદ્ગુણોને જ યાદ કરીએ છીએ કે યાદ આવે છે. કોઈને આખાબોલી અંજલિ આપવી એક કળા છે. બાકી તો ‘બદલ જાતી હૈ ઝિંદગી કી સચ્ચાઈ ઉસ વક્ત જબ કોઈ તુમ્હારા તુમ્હારે સામને તુમ્હારા નહીં હોતા.’
તે જ્યારે-જ્યારે સંગીતના કાર્યક્રમોનું સંચાલન કરતા ત્યારે-ત્યારે તેમના મનગમતા શેરનું પુનરાવર્તન કરવાનું ટાળી શકતા નહીં. હું જ્યારે તેમને ઘણી વાર ટોકતો ત્યારે એ કહેવાયું શ્રોતાઓ અને કલાકારો દરેક કાર્યક્રમમાં જુદા-જુદા હોય છે, તમને જે પુનરાવર્તન લાગે છે એ એ લોકો માટે નવું છે. વર્ષોથી હાસ્યકલાકારો એકના એક જોક કરે છે, કવિ સંમેલનમાં કવિઓ એકની એક રચનાઓ માથે ઠોકે છે, સુગમ સંગીતના કાર્યક્રમોમાં વર્ષોથી ‘તારી આંખનો અફીણી’ અને મોર બની થનગાટ કરે ઝીંક્યે રાખે છે એનું શું?
તેમની વાતમાં વજૂદ તો હતું જ, પણ એક હકીકત એ પણ છે કે અમુક રચનાઓ સનાતન હોય છે. ગમે ત્યારે, ગમે તેટલી વખત સાંભળવી ગમે છે. તેમના મનગમતા શેરોમાં પણ એ સનાતનપણું હતું.
આ પણ વાંચોઃ અગર હોતે સભી અપને તો બેગાને કહાં જાતે?
કુદરત કો ના પસંદ હૈ, સખ્તી ઝબાન મેં
પૈદા નહીં કી ઇસલિએ હડ્ડી ઝબાન મેં
કાર્યક્રમની શરૂઆત કરતાં તે દોહરાવતા કે
દાદ કી દૌલત દિજીએ લગન આપ કી લાગત
સપ્ત સુરોં સે કરતે હૈ હમ આપકા સ્વાગત!
કે
‘સા’ એ સુબહ શુરુ, ‘ની’ સે નિશા ઢલે
હમારે બીચ ઇસ તરહ સુરોં કા કારોબાર ચલે
તેમને ગમતી બે રચનાઓ તો ખરેખર દિલ અને દિમાગને તર કરે એવી છે.
કિતના રોયે કિસ કે આગે જીવન જામા જર જર લાગે
સોતે રહતે હૈં અભાગે સાંસ કી સૂઈ વક્ત કે ધાગે!
અને
અફવા થી મેરી તબિયત ખરાબ હૈ
લોગોંને પૂછ પૂછ કર બીમાર કર દિયા
દો ગજ સહી મગર મિલ્કિયત તો હૈ
માતૈ તુને મુઝે ઝમીંદાર કર દિયા
લલિત વર્માએ સંગીત ક્ષેત્રે ઘણું કામ
કયુર્ં છે. ‘નોટેશન’ના તેઓ માહેર હતા.
સૂર, તાલ, લય પર બોલતાં તેમને
સાંભળવાની મજા કંઈ ઓર હતી. તેમના ત્રણ ગઝલસંગ્રહો અને એક હઝલસંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ï
છેલ્લે...
તેમની ગઝલના કેટલાક શેર.
મૌનના સામ્રાજ્યમાં વાણીનું નડતર છે જ ક્યાં
પ્રેમમાં આમેય ભાષા, શબ્દ, અક્ષર છે જ ક્યાં?
જીવનમાં નિરાંત હતી કોણ માનશે? દૂર નાત-જાત હતી કોણ માનશે?
એક આત્મા થયો અનેકનો ધણી, કાયા આ રખાત હતી કોણ માનશે?
કોઈ પણ કિંમતથી છોડાવો મને કાળના કબજે રહેલો બાન છું,
જન્મ આ એની જ જાહેરાત છે, એમના અસ્તિત્વનું એલાન છું
કોણ લયમાં છે? ધબકતું કોણ રહે છે શ્વાસમાં?
હું ફક્ત માધ્યમ બનું છું, તાલ પૂરતો હોઉં છું
સારમાં પણ હું નથી, અણસારમાં પણ હું નથી
હું તો ઘટનાના ફક્ત અહેવાલ પૂરતો હોઉં છું
ભરોસાનું મળે છે એક ચોક્કસ સ્થળનું સરનામું
નથી પાક્કું મળી શકતું કહો અટકળનું સરનામું
જ્યાં નિહાળ્યું ત્યાં એ પહેલો નીકળ્યો
કાળ મુજથી સ્હેજ વહેલો નીકળ્યો
જિંદગીભર બોજ મેં કીધો વહન
અંતમાં ખાલી જ થેલો નીકળ્યો
કેટલુંયે થાય છે કેવળ ફરજના નામ પર
ધ્યેય હીણાં આ જીવનમાં કંઈક કામો હોય છે
બાïળપણ, યૌવન, બુઢાપો, મોત મારી દૃષ્ટિએ
જિંદગીની જાતરાનાં ચાર ધામો હોય છે
વર્માજીએ ઘણાબધા પાણીદાર શેર-ગઝલ લખ્યાં છે, પણ સ્થળસંકોચ નડે છે.