05 September, 2023 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘એક કામ કરો...’
‘ચંદરવો’ના પહેલા શોની તૈયારી ચાલતી હતી અને હું મેકઅપ કરવા બેઠી હતી એ દરમ્યાન જ પ્રવીણ જોષી મારી પાસે આવ્યા અને તેમણે પ્રેયર માટે આવવાનું કહ્યું, પણ મેં ના પાડી અને કહ્યું કે ‘તમે પ્રેયર કરી લો, મારી પ્રેયર હું અહીં, મારી રીતે કરી લઈશ...’
‘બિલકુલ નહીં...’ પ્રવીણે સ્પષ્ટ ના પાડી દીધી, ‘પ્રેયર આપણે બધાં સાથે કરીશું... આ જ અમારી પ્રથા છે. કલાકાર-કસબીઓ બધા સાથે સ્ટેજ પર આવે અને આપણે બંધ પડદે પ્રેયર કરીએ.’
પ્રવીણે કહ્યું પણ ખરું,
‘તમે તમારું બધું કામ પતાવી લો, પછી સાથે પ્રેયર કરીએ... ટેક યૉર ઑનટાઇમ... નો વરીઝ...’
પ્રવીણ બહાર નીકળવા માંડ્યા અને પછી અચાનક ઊભા રહ્યા અને કંઈક વિચારી તેઓ ફરી મેકઅપ-રૂમમાં આવ્યા,
‘શાંતિથી તૈયાર થઈ જા, તું આવશે તો ગમશે...’
‘તમે’માંથી ‘તું’ અને આ વખતે તેમના હાથમાં ફૂલ પણ હતાં...
કોઈ જાતની દલીલ વિના મેં હોઠ ભીડીને બસ સ્માઇલ સાથે તેમની સામે જોયું. પ્રવીણના એ ‘તું’કારા’માં સહેજ પણ તોછડાઈ નહોતી, એમાં ભારોભાર મીઠાશ હતી તો સાથોસાથ આત્મીયતા પણ હતી. હું પ્રવીણને જતા જોઈ રહી અને પ્રવીણ ગયા પછી મેં ફટાફટ મારો મેકઅપ પૂરો કર્યો. પહેલા સીનમાં જે કૉસ્ચ્યુમ પહેરવાના હતા એ પણ મેં ઝડપભેર ચેન્જ કર્યા અને હું સ્ટેજ પર ગઈ. એ સમયે કર્ટન બંધ હતો અને કર્ટન પાસે નટદેવતાની નાનકડી મૂર્તિ રાખવામાં આવી હતી.
નાટકના તમામ કલાકાર-કસબીઓ આવી ગયા હતા. માત્ર મારી રાહ જોવાતી હતી. હું જેવી પહોંચી કે તરત પ્રવીણે મારી સામે સ્માઇલ કર્યું અને પછી ધીમેકથી કહ્યું, ‘પ્રેયર ચાલુ કરો.’
એ આખી પ્રેયર દરમ્યાન મેં એક વાત ઑબ્ઝર્વ કરી હતી.
પ્રવીણનું ધ્યાન મારા પર હતું અને તેમના ચહેરા પર મંદ-મંદ સ્મિત હતું.
આ વાત મને કેવી રીતે ખબર પડી હશે એ તો તમે સમજી જ ગયા હશો, સાહેબ.
lll
આઇએનટીનો બધો આર્થિક વહીવટ પ્રાણજીવનકાકા સંભાળે. તેઓ આઇએનટીના અકાઉન્ટન્ટ હતા. નાનામાં નાની ચીજનો હિસાબ તેઓ રાખે. ફૂલ આવ્યાં હોય તો એનો પણ તેઓ હિસાબ લે. નાસ્તો આવ્યો હોય એનો તો હિસાબ લે, પણ સાથોસાથ નાસ્તામાં કઈ-કઈ વરાઇટી આવી હતી અને એ વરાઇટી શું ભાવમાં આવી હતી એવી નાનામાં નાની વિગત પણ લે. એવું નહીં કે ૫૦૦ રૂપિયાનો નાસ્તો આવ્યો એવું તમે કહો અને તેઓ ચલાવી લે. પાંચ-પાંચ પૈસા માટે, હા સાહેબ, એ સમયે પાંચ પૈસા પણ ચલણમાં હતા અને એ પાંચ પૈસા પણ મોટા હતા. આજે તો છોકરાઓને ૧૦ રૂપિયા આપો તોય કશું આવે નહીં, પણ એ સમયે તો પાંચ પૈસા બાળકોને આપ્યા હોય તો તેઓ રાજી-રાજી થઈ જતાં.
પ્રાણજીવનકાકા અને પ્રવીણને બને પણ બહુ. થોડા સમય પછી તો મને પણ તેમની સાથે ખૂબ બનવા માંડ્યું એ સહેજ તમારી જાણ ખાતર.
lll
‘કાકા, આજે પૈસા ઘરે ન લઈ જતા...’
નાટકમાંથી જે કલેક્શન થયું હોય એ કલેક્શન પ્રાણજીવનકાકાએ ઘરે લઈ જવાનું હોય અને બીજા દિવસે એ પૈસા આઇએનટીના અકાઉન્ટમાં જમા કરાવવાના હોય. આ વર્ષોનો શિરસ્તો હતો. ‘ચંદરવો’ નાટકનો શો રવિવારે હતો. સવારથી જ કાકા પણ ઑડિટોરિયમ પર આવી ગયા હતા, પણ જેવી પ્રેયર પૂરી થઈ કે તરત જ પ્રવીણે પ્રાણજીવનકાકાને ઉપર મુજબનું સૂચન આપી દીધું.
‘કેમ?’
‘કાકા, પહેલો સીન પૂરો ન થાય ત્યાં સુધી એ પૈસા તમારી પાસે જ રાખજો, બીજા સીનમાં લાફ્ટર આવવાના શરૂ થઈ જાય એ પછી તમે પૈસા લઈને નીકળી જજો.’
‘પૈસા પાછા આપવાનું મનમાં ચાલે છે?’
કાકાએ હસતાં-હસતાં જ પ્રવીણને પૂછ્યું અને તરત જ જોષીએ હા પાડી દીધી.
‘હા, એ નિયમ અહીં પણ લાગુ પડશે...’ પ્રવીણના ચહેરા પર જબરદસ્ત આત્મવિશ્વાસ હતો, ‘જો નાટક ન ગમે તો પૈસા પાછા... બીજા સીનમાં બહાર નીકળીને તમારે વિન્ડો પર ઊભા રહી જવાનું. તમને કોઈ સવાલ પણ નહીં કરવામાં આવે, તમારી ટિકિટના પૈસા તમને પાછા મળી જાય.’
પ્રવીણનો આ જે વિશ્વાસ હતો એ સાહેબ, ભલભલાનું દિલ જીતી લે એવો હતો. ‘ચંદરવો’ નાટક પણ હટકે હતું. એનો વિષય આજે પણ ઘણાને બોલ્ડ લાગે એ પ્રકારનો હતો. મેં તમને અગાઉ ‘ચંદરવો’ની વનલાઇન કહી હતી, આજે ફરી એક વાર રિપીટ કરી દઉં, જેથી તમને એ યાદ આવી જાય.
ફ્રાન્સથી એક છોકરી ઇન્ડિયા આવે છે અને ઇન્ડિયા આવીને તે એક પ્રોફસરને મળે છે. પ્રોફેસરને તે પહેલેથી ઓળખે છે. પ્રોફેસરને મળીને તે કહે છે કે તને મારા ફાધરે આ જગ્યાએ ફ્રાન્સમાં જોયો હતો. તું બુદ્ધિશાળી છે, વિદ્વાન છે, હોશિયાર છે અને સામે હું પણ અમુક અંશે એવી જ છું એટલે મેં નક્કી કર્યું છે કે હું તારા બાળકની મા બનીશ, મને તું બાળક આપ...
આ નાટકનો બીજો સીન હતો, કહો કે આ સીન આખા નાટકનું હાર્દ હતો અને જો કોઈ જુનવાણી માનસિકતાની વ્યક્તિ ઑડિયન્સમાં બેઠી હોય તો તેને આ સીનમાં જ ઝાટકો લાગવાનો હતો. પ્રવીણે નક્કી કર્યું હતું કે આ વાત ઑડિયન્સ સમક્ષ આવી જાય અને ઑડિયન્સ એ વાતને બરાબર રીતે પચાવી લે, નાટકનું હાર્દ સમજી જાય અને ત્યાર પછી પણ નાટક સાથે જોડાયેલા રહે તો જ બૉક્સ-ઑફિસનું કલેક્શન ઘરે લઈ જવું, અન્યથા એ કલેક્શન ઑડિયન્સને પાછું આપી દેવું.
સાહેબ, આ જે માનસિકતા હતી, આ જે તૈયારી હતી એ તૈયારીએ જ તો પ્રવીણ જોષીને ‘ધ ગ્રેટ પ્રવીણ જોષી’ બનાવવાનું કામ કર્યું હતું.
lll
‘કાકા, આજે પૈસા ઘરે ન લઈ જતા...’
પ્રવીણના શબ્દો સાંભળીને હું તો અવાક્ બનીને તેને જોતી જ રહી ગઈ. મારી આંખોમાં તેને માટેનો અહોભાવ હતો, તો સાથોસાથ નાટકમાં હવે શું થશે એ વાતનો ડર પણ મારી આંખોમાં સ્વાભાવિક રીતે આવી ગયો હતો, પણ પ્રવીણ જેનું નામ, તેમના ચહેરા પર તો બિલકુલ નિરાંત હતી. એવી નિરાંત જાણે તેમને ખબર જ હોય કે પોતે જે કામ કર્યું છે એનું પરિણામ શ્રેષ્ઠ જ આવવાનું છે.
‘ચંદરવો’નું રિઝલ્ટ શું આવ્યું એની વાત હવે આપણે કરીશું આવતા મંગળવારે.
ફ્રાન્સથી એક છોકરી ઇન્ડિયા આવે છે અને ઇન્ડિયા આવીને તે એક પ્રોફસરને મળે છે. પ્રોફેસરને મળીને તે કહે છે કે તને મારા ફાધરે આ જગ્યાએ ફ્રાન્સમાં જોયો હતો. તું બુદ્ધિશાળી છે, વિદ્વાન છે, હોશિયાર છે અને સામે હું પણ અમુક અંશે એવી જ છું એટલે મેં નક્કી કર્યું છે કે હું તારા બાળકની મા બનીશ, મને તું બાળક આપ.