09 January, 2025 08:49 AM IST | Mumbai | Rajul Bhanushali
પ્રતીકાત્મક તસવીર
આજે પ્રવાસી ભારતીય દિવસ એટલે કે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) દિવસ ઊજવવામાં આવે છે. આ નિમિત્તે કેટલીક એવી વ્યક્તિઓ અને પરિવારોને અમે મળ્યા જેઓ ઘણો સમય વિદેશમાં રહ્યા પછી સ્વદેશ પાછાં આવી ગયાં. એમ તો વિદેશની સરખામણીમાં આપણા દેશમાં ફલાણું નથી ને ઢીંકણું નથી એવી ઘણી ફરિયાદો છાશવારે ઊઠતી હોય છે. એમ છતાં એવાં કયાં પરિબળો છે જે તેમને પાછાં માતૃભૂમિ તરફ ખેંચી લાવ્યાં એ જાણવાનો રાજુલ ભાનુશાલીએ પ્રયત્ન કર્યો અને એના કેવા રસપ્રદ જવાબો અમને મળ્યા એ વાંચો
બાળક ડે કૅર ફૅસિલિટીમાં મોટું ન થાય, પરંતુ તેમને પણ નાના-નાની ને દાદા-દાદીનો પ્રેમ મળે એટલે પાછા આવી ગયા : શિવાંગી અંબાણી ગાંધી
શિવાંગી અંબાણી ગાંધી અને સમીર ગાંધી પાસે ઑસ્ટ્રેલિયન સિટિઝનશિપ છે. તેઓ ભારતમાં ઑચી પર એટલે કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા તરીકે રહે છે. વર્ષો ઑસ્ટ્રેલિયામાં વિતાવ્યાં, ત્યાંની નાગરિકતા પણ મળી. ત્યાર બાદ એક દિવસ તેમણે નક્કી કર્યું કે ભારત પાછાં જતા રહેવું છે. શિવાંગી અંબાણી કહે છે, ‘અમે ઑસ્ટ્રેલિયામાં સાત વર્ષ રહ્યાં પણ જ્યારે અમે વિચાર્યું કે હવે બાળક જોઈએ છે ત્યારે નક્કી કર્યું કે બાળક તો ભારત પાછાં જઈને જ પ્લાન કરવું કારણ કે અમારે અમારાં બચ્ચાંને તેમનાં નાના-નાની ને દાદા-દાદીનો પ્રેમ મળે એવું જોઈતું હતું. અહીં ઑસ્ટ્રેલિયામાં રહીએ તો અમારે બન્નેએ કામે જવું પડે અને બાળક ડે કૅર ફૅસિલિટીમાં મોટું થાય. એ વિચારીને પણ અમને જરાય સારું ન લાગ્યું. એ સૌથી મોટું કારણ હતું કે અમે ભારત પાછાં આવી ગયાં. અમને સતત એવું પણ લાગતું હતું કે અમારે અમારાં મમ્મી-પપ્પા જોડે રહેવું છે. અમે એટલાં બધાં દૂર હતાં કે વર્ષમાં એક વાર કે બે વર્ષમાં એક વાર માંડ તેમને મળવાનું થતું. કાં તો એ લોકો ત્યાં આવે કાં તો અમારે ભારત આવવું પડે અને એ પણ ગણતરીના દિવસો માટે જ આવી શકાય. આ બીજું કારણ હતું જે સતત અમને કનડ્યા કરતું અને આખરે અમે પાછાં આવી ગયાં. ઑસ્ટ્રેલિયામાં હતાં ત્યારે જ્યારે દિવાળી અને રક્ષાબંધન જેવા આપણા તહેવાર આવતા ત્યારે ઘરની બહુ યાદ આવતી. ત્યાં નાનાં-નાનાં ફંક્શન થતાં પણ ભારતમાં આપણા લોકો જોડે રહીને જે મજા આવે એ ત્યાં નહોતી. ભલે ત્યાં ઘણા વધારે પૈસા કમાતા હતા, અમુક વસ્તુ અને બાબતો તેમ જ લાઇફસ્ટાઇલ ઘણી સારી હતી પણ પોતાના લોકોની કમી ફીલ થતી. ઑસ્ટ્રેલિયામાં લોકો પોતપોતાની દુનિયામાં મગ્ન હોય. ઑફિસના લોકો જોડે ફ્રેન્ડશિપ એટલી ન વિકસે જેટલી મુંબઈમાં વિકસી છે. જ્યાં અત્યારે હું કામ કરું છું ત્યાં મારા જે ફ્રેન્ડ્સ બન્યા છે એ સાચા ફ્રેન્ડ્સ છે. એક સાદ પર દોડી આવે એવા. ત્યાં તો કામ પૂરતા ફ્રેન્ડ હોય, પછી એકબીજાને પૂછે પણ નહીં. જે કૅર અને કમ્યુનિટી ફીલિંગ ઇન્ડિયામાં છે એ બહાર નથી મળતી.’
લખવાનો શોખ મને મસ્કતમાં ચેનપૂર્વક બેસવા નહોતો દેતો : હેમંત કારિયા
અમારા પરિવારના લગભગ ચાળીસેક જણ ત્યાં હતા એમ જણાવતાં કાંદિવલી રહેતા હેમંત કારિયા મુંબઈના જાણીતા સાહિત્યકાર છે અને ઘણાં વર્ષો મસ્કતમાં રહ્યા છે. તેઓ કહે છે, ‘એ સમયમાં એવું લગભગ નક્કી હતું કે છોકરા મોટા થાય એટલે મસ્કત જાય. હું પણ ગયો. મને નાનપણથી લખવાનો શોખ. હું ત્યાંથી મારા બાપુજીને કે મોટાભાઈને ફૅન્ટસી પ્રકારના પત્રો લખતો. આમ લખવાનો શોખ વધ્યો. મારા મોટાભાઈએ મને કહ્યું, મસ્કત ગુજરાતી સમાજમાં કવિ સંમેલનનું આયોજન થયું છે. તને કવિતા બોલવાની ઇચ્છા હોય તો ત્યાં જઈને અનિલ ભટ્ટને મળ. હું ગયો. એ દિવસે અનિલભાઈએ મને જમિયત પંડ્યા લિખિત પુસ્તક ‘ગઝલનું છંદશાસ્ત્ર’ આપ્યું અને કહ્યું કે વાંચો અને ગઝલ લખો. મને ખૂબ જ રસ પડ્યો અને મેં ગઝલ લખવાનું ચાલુ કર્યું. ત્યાં સરસ મજાની જૉબ હતી, કંપનીની કાર હતી. દર શુક્રવારે ફરવા જઈ શકાય એવી લક્ઝરી લાઇફ હતી. એ બધું છોડીને અહીં સેટ થવું અઘરું હતું, પણ લેખનક્ષેત્રમાં આગળ વધવું છે એવી જીદ મજબૂત હતી. લખવાનો શોખ મને ત્યાં ચેનપૂર્વક બેસવા નહોતો દેતો. અહીં પાછા આવવા માટે પત્ની પ્રવીણા અને મારી વચ્ચે લગભગ ગજગ્રાહ જેવું જ થતું, કારણ કે તે અહીં આવવા નહોતી માગતી અને મારું ત્યાં મન નહોતું લાગતું. હું જ્યારે ભારત પાછો આવતો હતો ત્યારે મારા કરતાં વધારે ખુશ મારી સાથે કામ કરતા લોકો હતા, કારણ કે ત્યાં એક વાર જે આવતા તેમને માટે મોટા ભાગે મસ્કત છોડીને આવવું મુશ્કેલ બનતું; પણ હું આવ્યો. સાહિત્ય મને અહીં પાછું ખેંચી લાવ્યું.’
અહીં આવ્યા એટલે મારા પેરન્ટ્સની અને પત્નીના પેરન્ટ્સની પણ સેવા કરી શક્યા : અજિત શાહ
ઘાટકોપરમાં રહેતા ૬૬ વર્ષના અજિત શાહ ૧૯૮૧માં અમેરિકા ગયા હતા. તેઓ ત્યાં ગયા, ભણ્યા-ગણ્યા, લગ્ન પણ ત્યાં જ કર્યાં અને એક દિવસ એવો આવ્યો કે ત્યાંની બધી જ માયા મૂકીને જ સ્વદેશ પાછા આવતા રહ્યા. તેઓ કહે છે, ‘પપ્પાએ કહ્યું કે આપણો દેશ, ઘરપરિવાર અહીં છે; આવી જાઓ એટલે હું આવી ગયો. એમ પણ મારી પત્ની સ્મિતાને પાછાં જ આવવું હતું. તે પોતાની ફૅમિલીને ખૂબ મિસ કરી રહી હતી. સાચું પૂછો તો પપ્પાએ કહ્યું એ સિવાય પણ ઘણાબધા ફૅક્ટર્સ હતા. અમેરિકા જેવા દેશમાં જીવન સાવ યંત્રવત્ જિવાતું હોય છે. જો તમારા કોઈ ફૅમિલી- મેમ્બર્સ ન હોય તો તમે એકલા પડી જાઓ. જોકે ફૅમિલી-મેમ્બર્સ હોય તોય બહુ મળી શકાતું નથી. ત્યાંની લાઇફ ઈઝી નથી. બીજું, પરિવાર બીજા સ્ટેટમાં હોય તો એ જુદા દેશ જેવું જ ગણાય! અરે ૫૦ માઇલ દૂર પણ રહેતા હોય તોય મળવું અઘરું છે. ત્યાંની લિવિંગ સ્ટાઇલ જુદી છે. બહારથી સાહ્યબી દેખાય, પરંતુ એની પાછળ કેટલીબધી મહેનત હોય છે એ બધાને નથી ખબર હોતી. પાછાં આવ્યા પછી બધું ફરીથી જમાવવામાં થોડી તકલીફ પડી, પણ મનમાં એવું હતું કે કંઈક તો કરી જ લઈશું અને કરી પણ લીધું. હવે સમજાઈ રહ્યું છે કે પપ્પા અને પત્ની સ્મિતાનું કહેવું સાચું હતું. સાંજે તમે કામથી પાછા આવો અને આખી ફૅમિલી સાથે બેસીને જમો ત્યારે એ ભોજન કેટલું મીઠું લાગતું હોય છે. સાજામાંદા હોઈએ કે ક્યારેક બીજું નાનું-મોટું સંકટ આવી પડે તો પરિવારવાળા ગણતરીની મિનિટોમાં ગાડીઓમાં પહોંચી આવે છે. જે હૂંફ અહીં છે એ બીજે ક્યાંય નહીં મળે. અમે અહીં આવ્યાં એટલે મારા પેરન્ટ્સની અને પત્નીના પેરન્ટ્સની પણ સેવા કરી શક્યાં. ત્યાં જ સેટલ થઈ ગયાં હોત તો આ લહાવો ક્યાંથી મળત! મજાની વાત એ છે કે ત્રણ વર્ષ પહેલાં મારો મોટો દીકરો પણ ત્યાંથી પાછો આવી ગયો છે. મારો સાળો અને કાકા પણ ઘણાં વર્ષો ત્યાં રહ્યા અને પછી પાછા આવી ગયા છે. યુવાન હોઈએ અને કામ કરવાનું તેમ જ કમાવાની ધૂન હોય ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ જતી ઉંમરે તો દેશ જેવું કશું જ નહીં.`
અમેરિકા સરસ છે, સ્વચ્છતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારાં છે; પણ આખરે તો માતૃભૂમિનું ખેંચાણ જીતી ગયું અને અમે પાછાં આવી ગયાં. : પારુલ શાહ
પ્રભાદેવીમાં રહેતાં પારુલ શાહ ૨૦૦૪થી ૨૦૧૯ સુધી અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં રહ્યાં છે. તેઓ પોતાનાં કિડ્સના હાયર સ્ટડીઝ માટે ત્યાં શિફ્ટ થયાં હતાં. મારી સાઇડની આખી ફૅમિલી તેમ જ હસબન્ડની સાઇડની આખી ફૅમિલી પણ ત્યાં જ છે એમ જણાવતાં પોતાની વાત પારુલબહેન આગળ વધારે છે, ‘અમારું ગ્રીન કાર્ડ થઈ ગયું હતું. સંતાનોના એજ્યુકેશનનું વિચારીને અમે ત્યાં શિફ્ટ થયાં હતાં. અહીંનો બિઝનેસ વાઇન્ડ અપ કરી નાખ્યો પરંતુ ઘર નહોતું વેચ્યું. ત્યાં બન્ને કિડ્સ સરસ ભણવા લાગ્યાં. અમને સારી જૉબ મળી ગઈ. બધું સમુંસૂતરું ચાલવા લાગ્યું, પરંતુ અહીંની ખૂબ યાદ આવતી. વર્ષ- બે વર્ષ રડવામાં ગયાં. ક્યારેક લૉન્ગ ડ્રાઇવ પર જઈએ ત્યારે `યે દેશ હૈ તેરા, સ્વદેશ દેશ હૈ તેરા` સૉન્ગ લગાડીએ અને રડીએ. અમે સ્વાધ્યાયી છીએ. અમારું અહીં મોટું મિત્રવર્તુળ છે. ભલે અમેરિકા સરસ દેશ છે. ક્રાઇમ રેટ ઓછો છે, સ્વચ્છતા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે પરંતુ રિટાયર થયા પછી ત્યાં સમય કાઢવાનું ખૂબ અઘરું પડવા લાગ્યું. એમાં વિન્ટરના ચાર મહિના તો અત્યંત ટફ પડે. દેશ હૈયે હતો. છેવટે આ ભૂમિનું ખેંચાણ જીતી ગયું અને અમે પાછાં આવી ગયાં. બાળકો સેટ થઈ ગયા પછી તેમની ચિંતા કરવાની જરૂર ન રહી. આજની તારીખે અત્યંત ખુશ છીએ. જૂના મિત્રો સાથે ફરી જોડાણ થઈ ગયું. ગમતી પ્રવૃત્તિ કરીએ છીએ. હું મુક્તાનંદ NGO સાથે જોડાયેલી છું અને ચોથા ધોરણનાં બાળકોને અંગ્રેજી શીખવાડું છું. પોતે સંસ્કૃત શીખું છું અને શીખવાડું પણ છું. યોગ કરું છું. મારા હસબન્ડ અતુલ પણ અનેક પ્રવૃત્તિ કરે છે. દરેક નવા દિવસ સાથે અમારો એ વિશ્વાસ દૃઢ થતો જાય છે કે પાછાં આવવાનો નિર્ણય સારો હતો.’
શા માટે ઊજવાય છે પ્રવાસી ભારતીય દિવસ?
નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) ડે ૯ જાન્યુઆરીએ ઊજવાય છે એની પાછળ ૧૯૧૫ની ગાંધીજીના જીવનની ખાસ ઘટના જોડાયેલી છે. આ દિવસે મોહનલાલ કરમચંદ ગાંધી સ્વતંત્રતાની ચળવળ ઉપાડીને ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાના આશયથી સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. આ દિવસ ભારતની સ્વતંત્રતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ દિવસ વિદેશમાં રહેતા ભારતીયોએ દેશના વિકાસ માટે આપેલા યોગદાન અને અચીવમેન્ટ્સને બિરદાવવા માટે થઈને પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. પહેલી વાર પ્રવાસી ભારતીય દિવસ ૨૦૦૩માં ઊજવવામાં આવ્યો હતો અને એ વખતે દર વર્ષે એની ઉજવણી થતી હતી. જોકે ૨૦૧૫ની સાલ પછીથી દર બે વર્ષે આ દિવસ સેલિબ્રેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ભારતમાં મેડિકલ ફૅસિલિટી સારી છે એટલું જ નહીં, ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓથી અમારું જીવન હર્યુંભર્યું થઈ ગયું છે : મનોજ ગાંધી
અંધેરીમાં રહેતા ૭૧ વર્ષના મનોજ ગાંધી અને તેમનાં પત્ની રેખા ૩૨થી વધુ વર્ષ દુબઈ અને યમનમાં રહ્યાં છે. રિટાયર્ડ થયા પછી ૨૦૧૮માં તેઓ ભારત પાછાં આવ્યાં. મનોજભાઈ કહે છે, ‘જેમ-જેમ રિટાયર થવાનો સમય નજીક આવતો ગયો તેમ-તેમ પાછાં આવવા માટે મન મક્કમ થતું ગયું. અહીં રહેતા પરિવારજનોએ એ વિચારને બળ આપ્યું અને અમે ત્યાંથી બધું જ વાઇન્ડ અપ કરીને પાછાં આવી ગયાં. ત્રણ દાયકાથી વધુ સમય એ દેશમાં વિતાવ્યો હતો. અહીં અને ત્યાંમાં પ્યૉરિટી અને ક્વૉલિટીનો ફરક છે. સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી છે ફૂડ પણ પ્યૉર મળે અને પૉલ્યુશન નહીંવત્ છે. પરંતુ એની સામે બીજી ઘણીબધી રીતે ઇન્ડિયા પર્ફેક્ટ છે. અહીં મેડિકલ ફૅસિલિટીઝ ઘણી સારી છે. પરિવાર તો છે જ પણ આપણા સમાજ સાથે પણ આપણે કનેક્ટેડ રહીએ. ત્યાં તો વીક-એન્ડ સિવાય કોઈનેય મળી શકાતું નથી. અહીં મન થાય ત્યારે મેળાવડા કરો. નિવૃત્ત માણસ માટે પોતાનો દેશ આશીર્વાદ સમાન છે.’ મનોજ ગાંધીની વાતને આગળ વધારતાં તેમનાં પત્ની રેખાબહેન કહે છે, ‘ત્યાં મિત્રો ખૂબ હતા. બધા સાથે પારિવારિક સંબંધો હતા, પરંતુ પરિવાર તો પરિવાર જ હોય. અમે બાળકોને બેટર ફ્યુચર આપી શકીએ એટલા માટે બીજા દેશમાં સેટલ થયાં હતાં. એ જવાબદારીઓ પૂરી થઈ ગઈ. બીજું, સ્ત્રીઓને તો હજી ઘરમાં કંઈક ને કંઈક કામકાજ હોય પરંતુ રિટાયર થયા પછી પુરુષને ખૂબ અઘરું પડે. તે કંઈ ઘરનાં કામકાજ કરવાના નથી તો આખો દિવસ શું કરવાનું! અહીં ધાર્મિક અને સામાજિક ઍક્ટિવિટીથી જીવન ધમધમે છે. મનોજે જૈનિઝમનું ભણવાનું ચાલુ કર્યું છે. આખો પરિવાર અહીં છે. સરસ મજાનો સમય પસાર થઈ રહ્યો છે. પાછા આવી ગયા છીએ એનો જરાય અફસોસ નથી.’