18 December, 2022 11:04 AM IST | Ahmedabad | Shailesh Nayak
આ નગર ભલભલાને શીખવે છે મૅનેજમેન્ટના બોધપાઠ
કૉર્પોરેટ કંપનીઓએ આવું કામ કરવું હોય તો કદાચ મોટો સ્ટાફ જોઈએ, ઇવેન્ટ મૅનેજમેન્ટને લાવવી પડે, માતબર બજેટ જોઈએ; પણ અહીં તો ઝીરો બજેટ જેમાં મૅનેજમેન્ટ અને પ્લાનિંગનું કામ સંતોએ અને કન્સ્ટ્રક્શન, આર્ટ, ઍડમિન, રસોઈ સહિતનાં કામો હરિભક્તોએ ઉપાડી લીધાં એને કારણે જે વસ્તુ કરોડો રૂપિયાથી પણ કરવી અઘરી થઈ પડે એ સમર્પિતતાના ઈંધણથી બહુ સહજ બની ગયું
એક સમયે જ્યાં નીલગાયો ફરતી હતી અને બાવળિયાનું જંગલ ફેલાયેલું હતું, ઊબડખાબડ જમીન પર સંતુલન રાખીને ચાલી પણ ન શકાય એવી જગ્યા હતી ત્યાં આજે અદ્ભુત શબ્દ નાનો લાગે એવું વિશાળ પ્રમુખસ્વામીનગર ઊભું થયું છે. ૬૦૦ એકરમાં પથરાયેલું આ નગર કેવું હશે એની વાત તો આપણે કરી હતી, પણ ગયા અઠવાડિયે જ્યારે એ ખરેખર ભક્તો માટે ખુલ્લું મુકાયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૌતમ અદાણી, પંકજ પટેલ, પરિમલ નથવાણી, ટી. એસ. કલ્યાણ, જી. એમ. રાવ જેવા ગુજરાતના બિઝનેસ-ટાઇકૂન પણ મોંમાં આંગળાં નાખી ગયા છે.
કદાચ આ નગર જેટલા ઓછા સમયમાં અને જે રીતે બન્યું છે એ મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે અને કૉર્પોરેટ હાઉસિસ માટે પણ કેસ-સ્ટડીરૂપ બનશે. એનું કારણ એ કે આખું કામ સ્વયંસેવકોના બળ પર ઊભું થયું છે. બાવળ કાપવાથી માંડીને અહીંની જમીનને સમથળ કરવાનું કામ હોય કે આજે અદ્ભુત નગરીના સર્જન પછી એને સાફસૂથરું રાખવાનું કામ હોય એ બધું જ સ્વયંસેવકો દ્વારા થયું છે. આ માટે સેંકડો લોકોએ પોતાની ધીકતી કમાણીનો ધંધો, નોકરી છોડીને પ્રભુસેવાના ભાવથી વૉલન્ટિયર તરીકે પોતાની સેવા આપી છે.
મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ક્લીન ઍન્ડ ગ્રીન પ્રમુખસ્વામી મહારાજનગર અચંબિત કરી દે એવું છે. એની દિવ્યતા અને ભવ્યતા આંખે ઊડીને વળગે એવી છે. અહીંના વાતાવરણમાં એક પ્રકારે શાંતિનો અને સદ્ભાવનો અહેસાસ થાય છે ત્યારે આજે જાણીએ અમદાવાદમાં શરૂ થયેલા અદ્ભુત, અવિસ્મરણીય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, સેવા, જ્ઞાનના મહિમાને ઉજાગર કરવાની સાથે-સાથે જીવનઘડતરની પ્રેરણા આપતા પ્રમુખસ્વામી મહારાજનગરની રચના કેવી રીતે થઈ, સંતો તેમ જ ડૉક્ટર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ સહિતના પ્રોફેશનલ્સથી માંડીને નોકરિયાત વ્યક્તિ અને યંગસ્ટર્સ કેવો સેવાયજ્ઞ કરી રહ્યા છે. આ સેવાયજ્ઞ કેમ અનોખો છે એની વાતો આજે કરીશું.
આર્કિટેક્ચર છે ૬ઠ્ઠું પાસ સંત
વેલપ્લાન્ડ સાથે તૈયાર થયેલા પ્રમુખસ્વામી મહારાજનગર વિશે વાત કરતા મંગલશ્લોકસ્વામી કહે છે, ‘કોરોના પહેલાં સંસ્થાના મુખ્ય આયોજક સંતોની મીટિંગ થઈ હતી. કોરોના દરમ્યાન ઑનલાઇન મીટિંગ ચાલુ હતી. જોકે કોરોના પછી નગરના નકશા અને પ્લાનને આખરી ઓપ અપાયો. વિશ્વભરમાં મંદિરો છે એની ડિઝાઇનિંગનું કામ જે લોકોએ કર્યું છે એ પૈકીના એક શ્રીજીસ્વરૂપસ્વામી છે જેઓ પોતે ૬ઠ્ઠા ધોરણ સુધી ભણેલા છે, પણ પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી આજે વિશ્વના ખ્યાતનામ આર્કિટેક્ચર્સ પણ તેમનું કામ જોઈને દંગ થઈ જાય એવું તેમનું કાર્ય છે. તેમણે આખા નગરનું આર્કિટેક્ચર કર્યું છે. તેમની સાથે ઘણા એવા સંતો છે જેઓ પોતાના વિભાગમાં નિષ્ણાત છે, જેમ કે કોઈ ડેકોરેશનમાં, કોઈક લૅન્ડસ્કેપિંગમાં, કોઈક બાંધકામમાં. એ બધાની મીટિંગ થઈ અને ફાઇનલ ઓપ આપવામાં આવ્યો. જે જગ્યાએ નગર બન્યું છે એ ૨૦૦ ખેડૂતોની જગ્યા છે. આ જગ્યામાં નિરમાના માલિક કરસનભાઈ પટેલની પણ ૨૫ ટકા જમીન છે. બધા ખેડૂતોએ એક સહકારની ભાવનાથી સંસ્થાને આ ઉત્સવ માટે બે વર્ષ માટે જમીન આપી છે. ખૂબ મોટું સમર્પણ આ ખેડૂતોનું છે. અહીં પહેલાં જંગલ હતું, ચોમાસામાં પાણી ભરાઈ જતાં, બાવળિયા હતા એ કાઢીને લેવલિંગ કરવાનું હતું. કોરોના પૂરો થયા પછી અહીં સંતોની અવરજવર ચાલુ થઈ. નિખિલેશસ્વામીની દેખરેખ હેઠળ બીજા સંતો અને સ્વયંસેવકો કાર્યમાં જોડાયા. સ્વયંસેવકો માટે પ્લાનિંગ થયું કે કોણ એક વર્ષની સેવા આપશે, કોણ ૬ મહિના સેવા આપશે, કોણ મહિનાની કે ૧૫ દિવસની સેવા આપશે. આવા પ્લાનિંગ સાથે કામ શરૂ થયું. હરિભક્તો પોતાનો કામધંધો છોડીને સેવા આપવા અહીં આવ્યા. બાવળિયા હતા એ કાઢ્યા, પાણી ભરાતાં એ ઉલેચ્યાં, ઘણીબધી અગવડ વેઠીને સારા-સારા લોકોએ ખૂબ કામ કર્યું. સેવાનો દોર અવિરત ચાલતો રહ્યો અને આજે આપણે એક આખું નગર જોઈ રહ્યા છીએ. નોકરી કરતા હરિભક્તથી માંડીને ઉદ્યોગપતિઓના દીકરાઓ, તેમની ફૅમિલી અહીં સેવામાં જોડાઈ. વિશ્વભરના હરિભક્તોનો સામૂહિક પુરુષાર્થ છે, નહીં તો આ સેવાયજ્ઞ સફળ ન થાય.’
૨૫માંથી ૫૫,૦૦૦ સ્વયંસેવકો
છેલ્લા એક વર્ષથી નગરરચનાના કામમાં ઝડપ આવી અને દિવાળીનું વેકેશન તો હરિભક્તોએ સેવાકાર્યમાં કાઢ્યું એની વાત કરતાં મંગલશ્લોકસ્વામી કહે છે, ‘છેલ્લા વર્ષથી ઉત્તરોત્તર સ્વયંસેવકોની સંખ્યા વધતી ગઈ હતી. છેલ્લે દિવાળીમાં મહંતસ્વામીએ સૂત્ર આપ્યું હતું કે ‘આ વર્ષે દિવાળીનું વેકેશન તો નગરમાં જ.’ અને હરિભક્તોએ આ સૂત્રને ઝીલ્યું અને ૧૫,૦૦૦ જેટલા હરિભક્તો એક મહિના માટે અહીં સેવામાં આવી ગયા. એ પહેલાં અહીં પાંચથી સાત હજાર જેટલા હરિભક્તો સેવામાં હતા અને શરૂઆત તો પચીસથી ત્રીસ સ્વયંસેવકોથી થઈ હતી.’
નગર કેવું બનાવવું એના આઇડિયા વિશે વાત કરતાં સ્વામી કહે છે, ‘નગર એવું બનાવવાનો વિચાર હતો જ્યાં લોકો પ્રમુખસ્વામી મહારાજનો મહિમા સમજી શકે, સાથે-સાથે આપણી સનાતન ભારતીય સંસ્કૃતિની અસ્મિતા એમાં દૃઢ થાય, ભારતનું ગૌરવ વધે. ઘણાબધા વિચારો એકસાથે, એક જગ્યાએ પ્રસ્તુત કરવાના હતા. તમે નગર જોશો તો ખબર પડશે કે નગરની ફરતે સર્વિસ રોડ બનાવાયો છે. કોઈ ઇમર્જન્સી ઊભી થાય તો દોડાદોડી ન થાય એટલી સ્પેસ રાખવામાં આવી છે. શહેરનું ટાઉન પ્લાનિંગ હોય એના કરતાં વધારે વિચાર કરીને આ નગરનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. લાઇટની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સલામતીની વ્યવસ્થા સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ઉપરાંત અહીં વિઝિટર્સ આવવાના છે તેમના આવાસની વ્યવસ્થા શહેરમાં કરી છે, જેમાં જુદી-જુદી સ્કીમોના માલિકોને ધન્યવાદ છે કે તેમણે તેમના ફ્લૅટ, ઘર કે સંસ્થાને સેવા માટે આપ્યાં. સેવામાં આવેલા ૫૫,૦૦૦થી વધુ સ્વયંસેવકોમાંથી ૨૫થી ૩૦ હજાર સેવકોના ઉતારા બહાર છે. ૮૦,૦૦૦ સ્વયંસેવકો છે અને રોટેશન પ્રમાણે તેઓ સેવા આપી રહ્યા છે. અત્યારે ૫૫,૦૦૦ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, એટલે એક મોટું ગામ જ જોઈ લો. તેમને માટે રહેવાની સગવડ, દરજીની સગવડ, વાળંદની સગવડ, જમવાની સગવડ તેમ જ લૉન્ડ્રીની સગવડ પણ છે અને એના વિભાગો છે.’
પોતાની ડૉક્ટર તરીકેની પ્રૅક્ટિસ બંધ કરીને અમદાવાદના પીડિયાટ્રિક કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. વિશાલ ચાંગેલા જ્યારે જમીન સમથળ કરવાની હતી ત્યારથી અહીં સેવાકાર્ય કરી રહ્યા છે. કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર જાતે પેવરબ્લૉક, માટીનાં તગારાં ઊંચકીને, બાવળિયા કાપવા સુધીનું કામ કરનારા આ ડૉક્ટરે કદાચ ઘરમાં ભાગ્યે જ આવું કામ કર્યું હશે, પણ આ નગરમાં સમર્પણભાવ સાથે શ્રમદાન કરનારા ડૉ. વિશાલ કહે છે, ‘ગુરુ પ્રમુખસ્વામી પ્રત્યે ઋણ અદા કરવાની આ સુવર્ણ તક હતી. મને બાંધકામ ડિપાર્ટમેન્ટમાં સેવાનું કામ મળ્યું હતું. એ સમયે અહીં ઊબડખાબડ જમીન હતી. જમીનના લેવલિંગ માટે કાળી માટી પાથરતા, ટ્રૅક્ટરમાંથી તગારાં ભરીને જમીન પર ઢગલા કરતા અને પાવડાથી લેવલિંગ કરીને પછી પેવરબ્લૉક પાથરતા હતા. આ પેવરબ્લૉક ટ્રૅક્ટરમાંથી નીચે ઉતારવાના, એકથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાના અને જમીનમાં ફિટ કરવાના. રોજ અમે સવારે આવી જઈએ અને મોડે સુધી કામ કરતા હતા. એ સમયે મેં ૧૫ દિવસ મારી પ્રૅક્ટિસ બંધ કરીને અહીં સેવા આપી હતી અને હવે ૪૦ દિવસની રજા રાખીને આજે સેવા આપી રહ્યો છું.’
તમે સેવા આપવા આવ્યા છો તો તમને આર્થિક રીતે લૉસ નથી થતું? એના જવાબમાં ડૉક્ટર કહે છે, ‘નેપોલિયન પણ ખાલી હાથે ગયો હતો. હું અહીં જ્યારે પથ્થર ઊંચકતો અને એને ગોઠવતો ત્યારે એવું ફીલ કરતો હતો કે આપણા ખરાબ સ્વભાવને ભગાવીને અને ગુરુ કાઢીને સારા સ્વભાવની ગોઠવણ કરે છે.’
જેમણે ઘરે કોઈ દિવસ પાણીનો ગ્લાસ જાતે ભર્યો નથી એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભરતડકે શરબત બનાવીને જંગલ જેવી જગ્યામાં કામ કરતા સ્વંયસેવકોને શોધીને તેમને શરબત પિવડાવવાની સેવા કરનારા ડૉ. પ્રેરક સોની કહે છે, ‘મને એમ થતું કે સવારે ઑફિસ જઈએ, સાંજે ઘરે પાછા આવી જઈએ અને આમ જ જીવન પૂરું થઈ જશે, પણ મહોત્સવની સભા ચાલતી હતી એટલે થયું કે ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું મારા પર ઋણ છે. આ તક મારે ગુમાવવી નથી. એટલે હું મારા ઘરેથી ઑફિસ જવાને બદલે સીધો જ શતાબ્દી ગ્રાઉન્ડમાં પહોંચી ગયો મારી લાઇફમાં આ રીતે પહેલી વાર સેવાકાર્યમાં જોડાયો હતો. એ વખતે મને એ વખતે કિચન વિભાગમાં કામ સોંપ્યું હતું. જાન્યુઆરી–ફેબ્રુઆરીનો સમય હતો. સ્વયંસેવકો કામ કરતા હતા. સંતો પણ એ વખતે હાર્ડવર્ક કરતા હતા. મારી સાથે અન્ય સ્વયંસેવકો અહીં કામ કરતા, બીજા લોકો માટે રસોઈ પીરસતા અને જમવા માટેનું ધ્યાન રાખતા. આ ઉપરાંત હું સિરપમાંથી શરબત બનાવતો હતો. જોકે મેં કોઈ દિવસ ઘરે શરબત બનાવ્યું નથી. શરબત બનાવીને જ્યાં સ્વયંસેવકો કામ કરતા ત્યાં ખૂણે-ખૂણેથી તેમને શોધીને ધોમધખતા તડકામાં શરબત પિવડાવવાનું કામ કરતો. ૬૦૦ એકર જમીન પર લગભગ ૨૫૦ સ્વયંસેવકો લેવલિંગનું કામ કરતા હતા. કોઈક ખોદકામ કરતું તો કોઈક જેસીબી ચલાવતું હતું. એ સમયે મેં ત્રણ મહિના સેવા આપી હતી.’
સાત મહિનાથી સેવા
નગર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું એમાં સેવા આપી રહેલા હરિભક્તોને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં તેમની વ્યવસ્થાની દેખરેખના કામમાં જોડાયેલો ૨૧ વર્ષનો અમિત પંચાલ કહે છે, ‘એ સમયે મેં ઉતારા વિભાગમાં સાત મહિના સેવા આપી હતી. જે સત્સંગી અહીં સેવા કરવા આવ્યા હોય તેમના ઉતારાની સુવિધા સાચવવાની સેવા કરતો. ગાદલાંની વ્યવસ્થા, રૂમ ચેક કરવાની, લાઇટ–પંખા ઓકે છે કે નહીં એ બધું હું જોતો હતો. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે મને હેત છે. જીવનમાં આવાં કામ કરવાથી જીવન સુધરી જાય, સારા સંસ્કાર આવે. હવે હું લાઇટ ઍન્ડ સાઉન્ડ શો થાય છે ત્યાં સેવાકાર્યમાં જોડાયો છું.’
નોકરી છોડી દીધી
પ્રમુખસ્વામી મહારાજ માટે હરિભક્તોને આદર સન્માન છે અને એટલે જ તેમના મહોત્સવમાં સેવા કરવાની તક મળતાં ૧૫ વર્ષથી સિનિયર અકાઉન્ટન્ટ તરીકે સર્વિસ કરતાં મહિલા હરિભક્તને નોકરીમાંથી લાંબી રજા ન મળતાં પળનો પણ વિચાર કર્યા વગર મહોત્સવમાં સેવા કરવા માટે નોકરી છોડી દીધી અને સેવા કરવા આવી પહોંચ્યાં છે. આ સેવાભાવી મહિલા હિરલ રાવલ કહે છે, ‘હું સિનિયર અકાઉન્ટન્ટ તરીકે જૉબ કરતી હતી. કંપનીનું અકાઉન્ટ હૅન્ડલ કરતી હતી. મહોત્સવમાં સેવા આપવા માટે રજા માગી હતી, પણ રજા આપવાની ના પાડતાં મેં જૉબ છોડી દીધી અને સેવા માટે આવી ગઈ છું. સ્વામીજીનો મહિમા એવો છે કે મેં જૉબ છોડી, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નથી કે કોઈએ વિરોધ કર્યો નથી.’
ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા
રોજ એક લાખ કરતાં વધુ લોકો આવતા હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજનગર ચોખ્ખુંચણક છે. એટલું જ નહીં, પાણીની વેસ્ટ બૉટલમાંથી ડસ્ટબિન બનાવીને નગરમાં મૂક્યાં છે એ વિશે વાત કરતાં સ્વચ્છતા વિભાગની દેખરેખ રાખતા સાધુ મુનીસેવાદાસસ્વામી કહે છે, ‘નગરને સાફ રાખવા માટે હાલમાં ૧૭૦૦ સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે મને વાત કરી હતી કે આપણે હંમેશાં નગરને સ્વચ્છ રાખવું. સ્વચ્છતા હશે તો બધાને ગમશે. એટલે પ્રમુખસ્વામી મહારાજની રુચિ પ્રમાણે આ સ્વચ્છતાનું આયોજન કર્યું છે. ફૂડ-વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવશે તેમ જ પાણીની વેસ્ટ બૉટલ એકઠી કરીને એનાં ડસ્ટબિન બનાવી રહ્યા છીએ અને એ નગરમાં મૂકવામાં આવ્યાં છે. યુઝ કરેલી પાણીની બૉટલ એકઠી કરીને એને સાફ કરી ડસ્ટબિન બનાવી રહ્યા છીએ. ૫૦થી ૫૫ બૉટલમાંથી એક ડસ્ટબિન બને છે અને એમાં બેથી ત્રણ કિલો કચરો એકઠો થઈ શકે છે. ડસ્ટબિન બનાવવાનું કામ હરિભક્તો કરી રહ્યા છે.’
સેવા, સમર્પણ અને આદર-સત્કારની સાથે જીવન જીવવાની કળા શીખવવા ઉપરાંત આદર્શ અને નીતિમૂલ્યો સાથે સમયની સાથે જીવનને સાર્થક કેમ બનાવવું એની દિશા ચીંધતો આ મહોત્સવ સુદૃઢ જીવવનું ભાથું બાંધી આપી રહ્યો છે.
સાડાઆઠ લાખ બબલ્સથી બન્યું છે આ પેઇન્ટિંગ
પ્રમુખસ્વામી મહારાજનગરમાં દૂરથી એક ૪૫X૨૫ ફુટનું પ્રમુખસ્વામી મહારાજના આછા સ્મિત સાથેનું નયનરમ્ય વિશાળ પેઇન્ટિંગ દેખાય છે. આમ તો અન્ય પેઇન્ટિંગ જેવું દેખાતું આ પેઇન્ટિંગ બીજા પેઇન્ટિંગ કરતાં સાવ જુદું છે અને આ પેઇન્ટિંગને લંડનમાં બે, પાંચ કે પચીસ, પચાસ બહેનોએ નહીં, પરંતુ ૧૧ વર્ષની દીકરીથી લઈને ૭૫ વર્ષનાં વયસ્ક વૃદ્ધા સહિત ૧૪૧ મહિલાઓએ એકઠાં થઈને અદ્ભુત સર્જન કર્યું છે. આ પેઇન્ટિંગ બનાવવામાં ૩૩૫ લિટર રંગ, ૨૧,૦૦૦થી વધુ સોય અને ઇન્જેક્શનનો ઉપયોગ થયો છે.
આ જુદા જ પ્રકારનું પેઇન્ટિંગ બનાવવામાં એકચિત્ત સાથે ધૈર્ય અને કુનેહ રાખનારા લંડનમાં રહેતાં દેવિકા પટેલ કહે છે, ‘બબલ્સથી બાપાનું પેઇન્ટિંગ બનાવતાં બહુ મહેનત લાગી છે, પણ અમારી મહેતન રંગ લાવી છે. આ પેઇન્ટિંગ કરવા માટે સવારે ૯થી રાતે ૧૦ વાગ્યા સુધી કામ ચાલતું હતું. એક પછી એક બબલ્સની પાછળ નંબરિંગ કરવાના, કલર કરવાના; એ કામ માટે એકાગ્રતા જરૂરી હતી. નંબરને કન્ટિન્યુ જોતાં ઘણી વાર ડબલ વિઝન પણ થતું અને ચક્કર પણ આવતાં એટલે થોડી-થોડી વારે બ્રેક લેવો પડતો હતો. બબલ્સમાં કલર ભરાઈ જાય પછી એને સુકાતાં દોઢ મહિનો લાગે. અમે એવી રૂમ પ્રિપેર કરી હતી જ્યાં હીટિંગ વધુ હોય, મૉશ્ચ્યુરાઇઝ ખેંચી લે એવાં મશીન મૂક્યાં હતાં. આ પેઇન્ટિંગ બનતાં ૬ મહિના લાગ્યા. ચિત્ર બની ગયા પછી એને અમે જોઈ જ રહ્યા, બોલી ન શક્યા અને આંખમાંથી અશ્રુ સરી પડ્યાં હતાં. આ કામ કરવામાં અમારી ફૅમિલીએ અમને બધાને બહુ સપોર્ટ કર્યો છે. અમને આનંદ એ છે કે બાપાનું પેઇન્ટિંગ બનાવવાનો અમને અવસર મળ્યો. બાપા કેટલીય વાર લંડન આવ્યા છે, અમારા પ્રશ્નોનું સમાધાન કર્યું છે એટલે અમારો વારો હતો કે અમે થોડું તો થોડું તેમનું ઋણ અદા કરી શકીએ.’
લંડનમાં આ પેઇન્ટિંગ જેમના માર્ગદર્શનમાં તૈયાર થયું તે અક્ષય પંડ્યા ઉપરાંત પેઇન્ટિંગ બનાવનાર હેતલ ભાવસાર, પારુલ પટેલ, નીતા પટેલ, વૈશાલી પટેલ, કૃષ્ણા પટેલ, નંદિની પટેલ, સોનલ પટેલ, શ્રદ્ધા પટેલ અને અંજુ પટેલ અહીં સેવા કરવા આવ્યાં છે.
ઍમેઝૉનના જંગલમાંથી આવ્યાં છે ખાસ કમળનાં પાન
પ્રમુખસ્વામીનગરમાં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ બની છે. એની આજુબાજુ નાનાં સરોવર બનાવવામાં આવ્યાં છે. એમાં પાનની ઉપર પ્રમુખસ્વામીની મૂર્તિ તરતી જોવા મળે છે. આ પાનને સંસ્કૃતમાં કમળપત્ર કહે છે અને એ વિક્ટોરિયા ઍમેઝૉનિકા પ્રજાતિનાં છે. કમળની સૌથી મોટી સાઇઝની એ પ્રજાતિ છે જે ઍમેઝૉનના જંગલમાં જ ઊગતાં જોવા મળે છે.
એક પાન ૩૫થી ૪૦ કિલો વજન ઊંચકી શકે એટલાં કદાવર અને મજબૂત છે. સંધ્યાકાળ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા એના પર મૂકવામાં આવી ત્યારે પણ એ પાન તરતું રહ્યું હતું. સરોવરમાં જે પાન તરી રહ્યાં છે એ ખાસ ઍમેઝૉનના જંગલમાંથી સંભાળીને લાવવામાં આવ્યાં છે. વિક્ટોરિયા ઍમેઝૉનિકાનાં પાન વધુમાં વધુ ૧૦થી ૨૬ ફુટ પહોળાં હોય છે. આ પાન ઍમેઝૉન નદીના છીછરા પાણીમાં ઊગે છે.
બાળકોના જ રિવ્યુ લઈને બનાવી બાળનગરી
પ્રમુખસ્વામી મહારાજનગરમાં બનાવેલી બાળનગરી અન્ય જગ્યા કરતાં કંઈક વિશેષ છે. એ એટલા માટે કે આ બાળનગરી કેવી રીતે બનાવવી એ માટેના રિવ્યુ બાળકો પાસેથી જ લઈને અહીં બાળનગરીનું સર્જન કરવામાં આવ્યું છે.
અહીં બાળનગરીનું સર્જન પાંચ સિદ્ધાંતોના આધારે કરવામાં આવ્યું છે એની વાત કરતાં યતીન માવાણી કહે છે, ‘બાળનગરી માટે છેલ્લાં બે વર્ષથી સંતો અને કાર્યકરો પ્લાનિંગ કરતા હતા. ગમ્મત સાથે જ્ઞાન મળે એવું કરવાનું હતું અને એ ઉપરાંત શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સત્સંગ એ પાંચ સિદ્ધાંતો બાળકોમાં કેવી રીતે આવે એને લઈને પ્લાનિંગ ચાલતું હતું. બહાર બાળકોના કેવા શો થાય છે એનું રિસર્ચ કરવામાં આવ્યું. યુકે, યુએસએ, દુબઈના એક્સ્પો જોયાં. આ પહેલાં ૧૯૯૨ અને ૧૯૯૫માં બાળનગરીઓ બની હતી એના ફીડબૅક ઉપરાંત અમે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, મુંબઈ, દિલ્હીનાં બાળકોના એટલે કે ગ્રામ્ય લેવલથી મેટ્રો સિટી સુધી દરેક પ્રકારનાં બાળકોને કેવું ગમે એના રિવ્યુ બાળકો પાસેથી લીધા.’
બાળનગરીમાં થતા શો વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘અહીં ત્રણ શો થાય છે. એક છે ધ સી ઑફ સુવર્ણા. આ શોમાં સુવર્ણા માછલીની જર્નીની વાત છે, જેમાં પ્રમુખસ્વામી બાળકોને જે વાત કરતા કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ એટલે સફળતા એ વાતને વણી લઈને આ શો છે જેની રજૂઆત બાલિકાઓ જ કરે છે. બીજો શો છે ધ જંગલ ઑફ શેરુ, જેમાં તમારામાં અનંત શક્તિઓ રહેલી છે અને ગુરુની આજ્ઞાથી આગળ વધો તો સફળતા મળશે એવો મેસેજ આપે છે. ત્રીજો શો છે ધ વિલેજ ઑફ બુજો. આ વિડિયો-શો છે. આ શોમાં આદિવાસી બાળકની વાત છે અને બાળકો માતાપિતાનો આદર કરતાં થાય એ મેસેજ છે. ૧૫૦ બાળકો શેરુમાં અને ૧૫૦ બાલિકાઓ સુવર્ણા-શોમાં લાઇવ પર્ફોર્મ કરે છે. અટલાદરા, ગોંડલ અને રાંદેર વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ અહીં પર્ફોર્મ કરે છે. તેઓ છેલ્લા ૬ મહિનાથી પ્રૅક્ટિસ કરતાં હતાં. આ સ્ટુડન્ટ્સનો અભ્યાસ ન બગડે એ હેતુથી તેમના અભ્યાસની વ્યવસ્થા કરીને અહીં નગરમાં કલાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૫૦ બાળકો પર્ફોર્મ કરે ત્યારે બીજા ગ્રુપને શિક્ષકો ભણાવે છે. બાળકો દ્વારા તૈયાર થયેલી આ નગરી છે, એમાં તેમના વિચારો લીધા છે. બાળકો આ નગરીનું સંચાલન કરે છે, બધા શો રન કરે છે, બધાનું સ્વાગત કરે છે. બાળનગરીમાં ૪૫૦૦ બાળકો શો, નિયમ કુટિર, ટૅલન્ટ સ્ટેજ સહિતની વિવિધ પ્રવૃતિઓમાં સેવા આપે છે.’