રાજકારણ અને સંતતિને કોઈ લેવાદેવા નથી, પણ સંતતિ અને રાષ્ટ્રને સીધો સંબંધ છે એ ભૂલતા નહીં

22 October, 2024 04:50 PM IST  |  India | Swami Satchidananda

ગઈ કાલના પેપરમાં એક સમાચાર વાંચીને મને મારી જ એક સલાહ ફરી યાદ આવી ગઈ. પહેલાં વાત એ સમાચારની કરું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવું કહ્યું કે બે કે બેથી વધુ બાળકો હશે એ પણ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડી શકશે.

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલના પેપરમાં એક સમાચાર વાંચીને મને મારી જ એક સલાહ ફરી યાદ આવી ગઈ. પહેલાં વાત એ સમાચારની કરું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવું કહ્યું કે બે કે બેથી વધુ બાળકો હશે એ પણ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડી શકશે. અત્યારે આવી બેથી વધુ બાળકોવાળી વ્યક્તિઓ ચૂંટણી નથી લડી શકતી, પણ ચંદ્રાબાબુ આ કાયદામાં ફેરફાર કરાવવાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે ચંદ્રાબાબુ એવી મનમાની ચલાવી શકવાના નથી અને એ ન ચાલે એમાં જ આપણી ભલાઈ છે, કારણ કે બે કે બેથી વધુ બાળકો તો મુસ્લિમોને હોય. જો આવા લોકો ઇલેક્શન લડી શકે તો પછી મુસ્લિમોને જ ટિકિટ મળે અને એવું થાય તો ખરેખર દેશ જોખમમાં મુકાઈ જાય. ચંદ્રાબાબુ મુસ્લિમતરફી છે એ સૌકોઈ જાણે છે, પણ મારે એના વિશે બીજી ટિપ્પણી નથી કરવી. હવે મારે વાત કરવી છે એ સલાહની જે હું વર્ષોથી આપતો રહ્યો છું.

વધુ ને વધુ બાળકો કરો અને જો તમે દેશનું હિત ઇચ્છતા હો તો એવો કાયદો લાવો કે ડૉક્ટર, આર્કિટેક્ટ, મોટા કસબીઓ કે પછી એ પ્રકારના પ્રોફેશનમાં હોય તેમણે ફરજિયાત બેથી વધારે બાળકો કરવાનાં. બહુ જરૂરી છે આ. જેનાં રંગસૂત્રો બહુ મહત્ત્વનાં છે એવા લોકો આજે દોઢડહાપણ કરીને એક બાળકથી સંતોષ માનતાં થઈ ગયાં છે. હું એને દોઢડહાપણ જ કહીશ, કારણ કે તેઓ એવું માને છે કે પોતે બહુ ડાહ્યા છે એટલે તેમણે આવો નિર્ણય લીધો; પણ ના, મારે મન એ રાષ્ટ્રદ્રોહી છે. રાષ્ટ્રના હિત ખાતર પ્રોફેશનલ અને ટૅલન્ટેડ લોકોએ બે કે એનાથી વધારે બાળકો કરવાં જ રહ્યાં. તમે જુઓ, આજે ડૉક્ટરના ઘરે એક બાળક હોય છે; પણ એની સામે શાકવાળા કે રિક્ષાવાળા, ટ્રકવાળાને ત્યાં ત્રણ-ચાર બાળકો હોય છે. મુસ્લિમો તો અટકવાનું નામ નથી લેતા. આવું જ ચાલતું રહ્યું તો એવો સમય આવશે કે દેશમાં સારા લોકો લઘુમતીમાં મુકાઈ જશે અને નબળા લોકોની ગુરુમતી બધા પર રાજ કરશે.

ચંદ્રાબાબુ જે બોલ્યા છે એ બફાટ છે અને આવો બફાટ કોઈ હિસાબે ચલાવી ન લેવાય, પણ હું જે કહું છું એ વિષયવસ્તુમાં ગંભીરતા છે. કુંવારા રહેવું કે પછી મોટી ઉંમર સુધી બાળકો ન કરવાં અને સમય આવ્યે એક બાળક સાથે સંતોષ અનુભવી લેવો. અરે કેટલાક તો પોતાના પ્રેમ ખાતર આખી જિંદગી કુંવારા રહીને વારસામાં મળેલા ઉચ્ચસ્તરીય DNAનું પૃથ્વી પરથી નિકંદન કાઢી નાખે છે. મારે મન આ અમાનવીય અને અનૈતિક વાત છે.

તમે વનરાજને જુઓ. એને ખબર જ છે કે એના સિવાય બીજો કોઈ રાજા નથી બનવાનો અને એ પછી પણ એ કુદરતના ક્રમને સાચવી દર વર્ષે બાળકને જન્મ આપે છે, જ્યારે આપણી સોસાયટીનો કહેવાતો બૌદ્ધિક વર્ગ તો જંગલમાં રહેતા જંગલી પ્રાણી જેવી માનસિકતા પણ ડેવલપ નથી કરી શક્યો. સારા DNA, સારાં રંગસૂત્રોનું જતન કરવું એ પણ એક પ્રકારની રાષ્ટ્રસેવા છે. નબળી મનોદશા ધરાવતા કે પછી હીન પ્રકારની માનસિકતા ધરાવતા લોકોના ઘરમાં સંતાનો વધતાં રહે એ તો જોખમ છે, પણ તમે તેમને એવું કરતાં રોકી ન શકો એટલે એમાં કશું બોલી ન શકાય, પણ એની સામે બૌદ્ધિક વર્ગને સમજાવવાનું કામ તો થઈ શકેને. સરકારે એ કામ કરવું જોઈએ અને એને માટે કૅમ્પેન ચલાવવું પડે તો એ પણ ચલાવવું જોઈએ.

જૈન અને પારસી બૌદ્ધિકતામાં સૌથી ઉપર આવે અને એ પછી પણ તમે જુઓ આજે જૈનો અને પારસીઓ લઘુમતીમાં મુકાયા છે. માત્ર સંતાનો ઓછાં કરવાં કે ન કરવાં એની માનસિકતા અહીં કામ નથી કરતી, એને માટે બીજાં પરિબળો છે; પણ એની ચર્ચા કરવાથી નાહકનો વિવાદ થશે (જેની સામે મને લગીરેય વાંધો નથી) એટલે એ પરિબળો પર ચર્ચા કરવાનું છોડીને પણ મારે એ તો કહેવું જ રહ્યું કે જો તેમને લઘુમતીમાંથી બહાર કાઢવાની દિશામાં કામ કરવામાં આવે તો તેમના સહિત દેશને પણ ખૂબ મોટો લાભ થાય, પણ એને માટે એ સમાજના આગેવાનોએ આગળ આવવું પડશે અને નક્કર પગલાં લેવાં પડશે. આજે જુઓ તમે, રતન તાતાના સીધા વારસ કોઈ નથી. વાત અહીં અડૉપ્ટેડ બાળકોની છે જ નહીં એ યાદ રાખજો.

આપણે ત્યાં કહેવત છે કે મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે. આપણે ત્યાં ઉક્તિ છે કે સિંહના બચ્ચાને ત્રાડ પાડતાં શીખવવું ન પડે. આ બધું રતન તાતા અને એ પ્રકારના બૌદ્ધિકોના વંશજોને પણ લાગુ પડે, પણ ક્યારે? ત્યારે જ્યારે તેમના વંશજો હોય, પણ જો તમે ડાયનોસૉર બનીને લુપ્ત થઈ જવા માગતા હો તો એમાં કોઈ કશું ન કરી શકે. ફરી મૂળ વાત પર આવું તો, નાયડુ જે બોલ્યા છે એને જો એ કાયદો બનાવવાની દિશામાં કામ કરશે તો એવું થવાનું નથી. રાજકારણ અને સંતતીકરણને ક્યાંય સ્નાનસૂતકનોય સંબંધ નથી; પણ હા, દેશ અને સંતતિને છે એ ભૂલતા નહીં.

સારા, ભણેલા, ટૅલન્ટેડ અને હોશિયાર લોકો વધુમાં વધુ સંતાનો કરે એ રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે.

n chandrababu naidu Education andhra pradesh columnists swami sachchidananda india Bharat national news