17 September, 2023 09:15 AM IST | Mumbai | Dr. Vishnu Pandya
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ઘણા લોકોને નવાઈ પણ લાગે કે આપણા વડા પ્રધાનના એક નહીં ત્રણ જન્મ થયા છે. ચોથો સમય દેવતાના ગર્ભમાં છે. તેમના ત્રણ જન્મના સાક્ષી ઘણા હશે. ભૌતિક રીતે જન્મ વડનગરની ગલીમાં પિતા દામોદરદાસ મોદીને ત્યાં થયો. જાતિથી પર થઈ ગયેલા મોદીના વિરોધનું ભૂત જેમને વળગીને બેઠું એવા વિરોધીઓ તેમની કરમકુંડળી કાઢીને એવું કહે છે કે તે હિન્દુ ઘાંચી જાતિના છે. કેટલાક તેમને પછાત ઓબીસી ગણાવે છે તો વિદેશમાં એક ઓળખ કટ્ટર હિન્દુની છે જે હવે ધીમે-ધીમે ભૂંસાઈ રહી છે. એનું એક મુખ્ય કારણ એ છે કે તેઓ જાત-પાત અને સંપ્રદાયના ભેદભાવ તોડીને ભારતીય નાગરિકો દ્વારા ચૂંટણીમાં વડા પ્રધાન બન્યા - એક વાર નહીં, બે વાર. હવે ત્રીજી વાર પુનરાવર્તન થશે એવું મનાય છે. જોકે મણિ શંકર જેવા સાવ નીચી માનસિકતા સાથે મોદીને ‘નીચ’ ગણે છે અને જેઓ તેમની ડિગ્રી પાછળ પડી ગયા છે તેઓ અભણ વડા પ્રધાન ગણાવવા ભરચક કોશિશ કરવાનો ઇરાદો રાખે છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે સામાન્ય મધ્યમ વર્ગમાંથી મોદી ઉપલબ્ધિના શિખર પર પહોંચ્યા છે અને એના માટે સંઘર્ષ કર્યો છે. પ્રાથમિક માધ્યમિક શાળા પછીની તેમની સાર્વજનિક જીવનની ત્રણ તાલીમશાળા - એક વડનગરનું ભણતર, બીજી શાળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ સંસ્કાર લઈને પહેલાં ભારતીય જન સંઘ અને પછી ભારતીય જનતા પક્ષ. જોકે પ્રજાકીય પડકારો અને સમસ્યાઓની ઊંડી સૂઝ મળી ગુજરાતના નવનિર્માણ આંદોલનના સક્રિય નિરીક્ષણમાંથી અને પછી રાષ્ટ્રીય સ્તરે આંતરિક કટોકટી અને પ્રી-સેન્સરશિપના રાજકીય અને લોકતંત્ર પડકાર દરમિયાન. એ સમયે મોટા ભાગના રાજકીય નેતાઓ તો જેલમાં હતા, પણ કેટલાક ભૂગર્ભમાં રહીને સત્યાગ્રહ તેમ જ ભૂગર્ભ પત્રિકાઓનું આયોજન કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદી એમાંના એક હતા. તેમણે જે સફળતાથી વિવિધ પક્ષોનું અને લોકોનું સંકલન કરવાનું કામ કર્યું એમાંથી જાહેર જીવન વિશેના ઘણા પાઠ શીખવા મળ્યા હતા. એટલે હું તેમનો બીજો જન્મ ૧૯૭૫ની કટોકટી દરમિયાનનો ગણું છું. ત્યાં સુધી તો તેઓ મૂળભૂત સંગઠનાત્મક ક્ષેત્રની વ્યક્તિ હતા. પક્ષના મજબૂત સંગઠનનું અને નેતા-કાર્યકર્તાનો વિનિયોગ કરવાનું લક્ષ્ય પાર કરતાં-કરતાં તેમના માટે નવો દરવાજો ખૂલ્યો એ સીધો રાજકારણ અને સત્તાકારણનો. રાજ અને સત્તા બન્નેની પ્રાપ્તિ માટે ભાજપમાં શું કરવું જોઈએ એનું ગંભીર ચિંતન ૧૯૮૦થી શરૂ થયું. એ સમયનાં આંદોલનોની વ્યાપકતાનો અભ્યાસ કરવાથી એનો અંદાજ મળે છે. આ નૂતન જન્મ મોદી માટે યાત્રાઓથી ચૂંટણી સુધીનો રસ્તો દર્શાવે છે. એમાં પ્રથમ ગુજરાતના મુખ્ય પ્રધાન દરમિયાન પ્રાદેશિક રાજનીતિની પાઠશાળા કે કૉલેજમાં અનેક પડકારો (જેમ કે ગોધરાકાંડમાં વૈશ્વિક કક્ષાએ બદનામીના પ્રયાસો)નો સામનો કર્યો અને બીજી તરફ પ્રાદેશિક વિકાસમાં અસ્મિતાનું ગૌરવ ઉમેરીને આગેકદમનો પુરુષાર્થ કર્યો. આ બન્ને તેમને ૨૦૧૪માં રાષ્ટ્રીય કક્ષાએ વડા પ્રધાનના સિંહાસન તરફ લઈ જવામાં સાર્થક સાબિત થયા. આ તેમનો ચોથો રાજકીય જન્મ! પાંચમો હજી બાકી છે એ વૈશ્વિક નેતૃત્વનો છે, જેની પગદંડી પર મોદીએ પગલાં માંડવાનું શરૂ કરી દીધું છે. આપણે આ તમામ જન્મદિવસોની શુભેચ્છા ભારતીય વડા પ્રધાનને અચૂક આપીએ!
આખા દેશમાં વિવિધ યોજના સ્વરૂપે વડા પ્રધાનનો જન્મદિવસ ઊજવાઈ રહ્યો છે એને આબાદ રીતે ભાજપે આગામી ચૂંટણી સાથે જોડી દીધો છે. આનાથી તેમને બેવડો લાભ થાય એ સ્વાભાવિક છે. ગઈ કાલે હું વારાણસી હતો. એક ઉદાહરણ આપું તો ત્યાં ગંગા નદીના ૮૪ ઘાટ પર જે નૌકાઓ પ્રવાસીઓને દર્શન કરાવવા લઈ જાય છે એમના માટે પ્રદેશ સરકારની યોજના મુજબ દરેક નૌકાને મશીનરી માટે મદદ મળે છે અને ડીઝલથી પ્રદૂષણ થતું હતું એટલે એનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. અમારો નાવિક કહેતો હતો કે અમે અમારા એમપીના જન્મદિવસને યાદ કરવાના છીએ, કારણ કે પહેલાં અમે એક સફરમાં માંડ ૧૦૦ રૂપિયા કમાતા હતા અને હવે ૧,૦૦૦ કમાઈએ છીએ! આ એક સામાન્ય નાગરિકનો પ્રતિભાવ છે. દેશવ્યાપી બૅન્કોમાં ખેડૂતોનાં ખાતાંમાં વર્ષે છ હજાર રૂપિયા જમા થાય છે. આવું પહેલાંની સરકારોને કેમ સૂઝ્યું નહીં હોય? ત્રણ તલાકમાંથી મુક્તિ મેળવનારી મહિલાઓના પ્રતિભાવ પણ મહત્ત્વના છે. મોદીની વ્યૂહરચનાનું મુખ્ય રહસ્ય એ છે કે તેઓ સાર્વજનિક પીડાને સમાપ્ત કરતી યોજનાઓ પર વધુ ધ્યાન આપે છે. એનાથી એમને સ્વાભાવિક રીતે યશ અને લોકપ્રિયતા મળે તો દુખી થવાને બદલે વિરોધ પક્ષોએ તેમની પાસે જે શક્તિ-મતિ છે એનો ઉપયોગ કરીને પોતાની લીટી મોટી કરવી જોઈએ. માત્ર ટીકાઓથી હવે પ્રજામાં ખાસ અસર થતી નથી. અગાઉ જેવા અસરકારક વિપક્ષી નેતાઓ પણ ક્યાં છે? જન્મદિવસ ભલે વડા પ્રધાનનો હોય, આત્મમંથન તો વિરોધ પક્ષોએ પણ કરવું જોઈએ.