16 March, 2025 02:14 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં બે અદ્ભુત અને ઊંડા ક્વૉટ્સ વાંચવામાં આવ્યા. જેને વાંચ્યા બાદ મનના કે અંતરના ઊંડાણમાં ઊતરવું પડે. એક વિધાન મહાન ક્રાન્તિકારી ફિલસૂફ સૉક્રેટિસના શિષ્ય પ્લેટોનું છે જે કહે છે કે વાસ્તવિકતા મન દ્વારા ઊભી થાય છે, આપણે આપણા મનને બદલીને આ વાસ્તવિકતાને બદલી શકીએ છીએ. બીજું વિધાન પ્લેટોના શિષ્ય ઍરિસ્ટોટલનું છે જે કહે છે કે પાગલપનના સાથ વિના કોઈ પણ મહાન દિમાગ અસ્તિત્વ ધરાવી શકતું નથી.
મન એક અગાધ રહસ્ય છે, સુખ અને દુઃખ મનનાં જ સર્જન ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સુખ અને દુઃખ મનની જ અવસ્થા છે. ત્રીજા શબ્દોમાં કહીએ તો માણસ પાસે કેટલી પણ ધન-સંપત્તિ હોય, પરંતુ જો તેનું મન રાજી નહીં હોય તો તે સુખ ફીલ કરી શકશે નહીં, એ જ રીતે માણસ સાવ સાધારણ સ્થિતિમાં હોવા છતાં જો તેનું મન ખુશ હશે તો એ દુઃખને ફીલ કરશે નહીં. માનવમનની રચના અને રહસ્ય એવાં નોખાં અને ગજબનાં છે કે મન માણસ પાસે ધારે એ કરાવી શકે, પરંતુ માણસ જ્યાં સુધી મનને નિયંત્રણમાં લાવી શકે નહીં ત્યાં સુધી માણસ પોતાના જ મન પાસે પોતાનું ધાર્યું કરાવી શકતો નથી. એટલે જ કહે છે કે મનને જીતી લે તે દુનિયા જીતી લે છે. આ મન પોતે જ કલ્પના કરીને વાસ્તવિકતા ઊભી કરે છે, જેને બદલવા માટે માણસે મનને જ બદલવું પડે છે.
ઍરિસ્ટોટલના વિધાન પર આવીએ તો એ મનની અગાધ શક્તિની વાત કરતાં કહે છે, ‘કોઈ પણ મહાન દિમાગમાં ચોક્કસ અંશે એક ગાંડપણ રહે છે. અર્થાત્, મહાન માણસો કે નોખા માણસો ક્યાંક પાગલ જેવા લાગે જ. કંઈક ગ્રેટ કરવા માટે ચોક્કસ મેડનેસ જરૂરી હોય છે.
આ જગતના અનેક ઇતિહાસ ખોલીને જોવામાં આવે તો દરેક મહાન હસ્તીઓ ક્યાંક ને ક્યાંક પાગલ જેવી લાગી હશે, સમાજ કે દુનિયાએ તેમને એ સમયે નકાર્યા હશે કે તરંગી પણ ગણ્યા હશે. આવા માણસો તેમના સમયમાં જિદ્દી કે ધૂની પણ લાગ્યા હશે. બાય ધ વે, આ પાગલપન એટલે શું? એ જ કે દુનિયા શું કહેશે, શું વિચારશે? એની ચિંતા કર્યા વિના લક્ષ્યને હાંસલ કરવા મચ્યા રહેવું, કોઈ પણ હદે આગળ વધવું, જિંદગીને પણ દાવ પર મૂકી દેવી વગેરે. આવા માણસો ડાહ્યા કે વ્યવહારુ કે ગણતરીબાજ હોઈ શકે નહીં.
માણસ પોતાના જીવનની વાસ્તવિકતાને પોતાના મનથી પરિવર્તિત કરી શકે છે. આ જ છે, મનની શક્તિ. મન ચાહે એ કરી શકે છે, મનનું ચાહવું મહત્ત્વનું છે. કહેવાય છે કે આ જગતને ગાંડા માણસોએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એના કરતાં અનેકગણું નુકસાન ડાહ્યા માણસોએ પહોંચાડ્યું છે. આ ડાહ્યા માણસો કોણ, કેટલા અને કેવા એ સમજાવવાની જરૂર છે ખરી?