midday

જૈન સાધુ-સાધ્વીજીની પદયાત્રા સુરક્ષિત થાય એ માટે પોલીસના સહયોગથી શરૂ થયું છે એક અનોખું અભિયાન

14 September, 2023 03:20 PM IST  |  Mumbai | Ruchita Shah

આખા ભારતમાં જૈન સમાજના ચારેય ફીરકાનાં કોઈ પણ સાધુ-સાધ્વીજી વિહાર કરે ત્યારે પોલીસ તેમની સાથે હોય એવી અદ્ભુત વ્યવસ્થા ‘વિહાર પોલીસ સુરક્ષા’ અભિયાન થકી ઊભી થઈ છે
  પગપાળા વિહાર દરમ્યાન પોલીસની હાજરીથી એક તરફ સાધુ મહાત્માઓને સેફ્ટી મળી છે તો પોલીસને પણ સંસ્કરણ મળ્યું છે

પગપાળા વિહાર દરમ્યાન પોલીસની હાજરીથી એક તરફ સાધુ મહાત્માઓને સેફ્ટી મળી છે તો પોલીસને પણ સંસ્કરણ મળ્યું છે

આખા ભારતમાં જૈન સમાજના ચારેય ફીરકાનાં કોઈ પણ સાધુ-સાધ્વીજી વિહાર કરે ત્યારે પોલીસ તેમની સાથે હોય એવી અદ્ભુત વ્યવસ્થા ‘વિહાર પોલીસ સુરક્ષા’ અભિયાન થકી ઊભી થઈ છે. આ કૅમ્પેનને કારણે જૈન સાધુ-સાધ્વી સાથે વિહાર કરતા પોલીસ-અધિકારીઓના જીવનમાં પણ સાત્ત્વિકતા ઉમેરાઈ હોય એવા બનાવો બન્યા છે ત્યારે છેલ્લાં સાત વર્ષથી ચાલી રહેલી આ અદ્ભુત પ્રવૃત્તિ વિશે વિગતવાર જાણીએ

સામાન્ય રીતે જૈન સાધુ-સાધ્વીજી મહારાજની આચારશીલતા ભલભલાને દંગ કરી દે એવી ઉત્કૃષ્ટ અને કઠોર હોય છે. તેમનું જીવનધોરણ સર્વોચ્ચ સ્તરનું ઇકો-ફ્રેન્ડ્લી હોય છે. પાણીનો મિનિમમ ઉપયોગ, ઇલેક્ટ્રિસિટી કે વાહનોનો ઉપયોગ નહીં, સંગ્રહ નહીં એટલે મિનિમલિસ્ટનું જીવન જીવતા હોય. જોકે છેલ્લા એક દાયકામાં -પગપાળા ચાલીને નીકળતા જૈન મહાત્માઓના અકસ્માતના કિસ્સા વધી રહ્યા હતા. એ ટાળવા માટે કેટલીક સંસ્થાઓએ તેમને વિહાર દરમ્યાન વિવિધ રીતે સપોર્ટ કરવાનાં આયોજનો હાથ ધર્યાં, એમાં જ એક શ્રેષ્ઠ કક્ષાનું અભિયાન શરૂ થયું છે જેનું નામ છે વિહાર પોલીસ સુરક્ષા. આ અભિયાનની ખાસિયત એ છે કે પગપાળા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ રહેલા મહાત્મા સાથે પોલીસ હોય. યસ, પ્રશાસનની મદદથી, કેન્દ્ર સરકારના આદેશથી એક એવી વ્યવસ્થા ઊભી થઈ છે જેના અંતર્ગત આખા ભારતમાં ક્યાંય પણ કોઈ મહાત્મા વિહાર કરવાના હોય તો તેમને પોલીસ અને તેમણે આ સંસ્થાને આગોતરી પોતાના વિહારની વિગતો શૅર કરી હોય તો આ ગ્રુપ જે-તે ડિસ્ટ્રિક્ટની એસપી ઑફિસ અને રાજ્યની ડીજી ઑફિસમાં ઈ-મેઇલ અને ફેક્સ દ્વારા માહિતગાર કરવામાં આવે છે.

શરૂ કેવી રીતે થયું?

આ અભિયાનની શરૂઆત આજથી સાત વર્ષ પહેલાં થઈ હતી. પહેલા દિવસથી આ અભિયાન સાથે જોડાઈને સક્રિય ભૂમિકા ભજવી રહેલા મોક્ષેશ મોદી કહે છે, ‘ભરુચમાં એક મહાત્માનો ઍક્સિડન્ટ થયો અને એ જ ગાળામાં રાજસ્થાનમાં વિદ્વાન મહાત્મા જંબુદ્વીપવિજયજી મહારાજ સાહેબ અકસ્માતમાં કાળધર્મ પામ્યા પછી લાગ્યું કે હવે વિહારમાં જૈન સાધુ-સાધ્વી સુરક્ષિત નથી એટલે ઓમકાર સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સાત વર્ષ પહેલાં આ અભિયાનની શરૂઆત થઈ હતી. ઘણાં વર્ષોના ઑબ્ઝર્વેશનથી સાહેબજીના ધ્યાનમાં આવેલું‍ કે બદલાઈ રહેલા સમયમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના અકસ્માતને અટકાવવા માટે હવે સરકારની મદદ લેવી જોઈએ, જેમાં સરકારે સપોર્ટ કર્યો અને વિહાર દરમ્યાન પોલીસ પ્રોટેક્શન આપવાની શરૂઆત કરી. આનાથી સૌથી મોટો ફાયદો મહાત્માઓની સેફ્ટીનો થયો. માત્ર અકસ્માતથી જ નહીં પણ ઓવરઑલ બીજાં અસામાજિક તત્ત્વો દ્વારા ક્યારેક સાધ્વીજી ભગવંતોની થતી છેડતી જેવા બનાવોમાં પણ નિયંત્રણમાં આવી ગયા.’

પરિવર્તન આવ્યું છે

પગપાળા વિહાર દરમ્યાન પોલીસની હાજરીથી એક તરફ સાધુ મહાત્માઓને સેફ્ટી મળી છે તો પોલીસને પણ સંસ્કરણ મળ્યું છે. કેટલાક દાખલા આપતાં મોક્ષેશભાઈ કહે છે, ‘એક બહુ જ અદ્ભુત યોગ થતો હોય છે જ્યારે પોલીસ અધિકારીઓ મહાત્માઓ સાથે પગપાળા ચાલતા હોય છે. તેમની સાથેનો રૅપો ધીમે-ધીમે જીવનપરિવર્તન પણ લઈ આવતો હોય છે. જેમ કે એવા ઘણા પોલીસ-અધિકારીઓ છે જેઓ વ્યસનમુક્ત બન્યા, વધુ સાત્ત્વિક જીવન જીવવા માટે પ્રેરાયા હોય, નૉનવેજ ખાવાનું છોડી દીધું હોય. ધાર્મિક બાબતોને લઈને તેમની જિજ્ઞાસાનું સમાધાન થયું છે. તેમનું ઓવરઑલ જીવનધોરણ વધુ આધ્યાત્મિક બન્યું હોય એવા અઢળક ફીડબૅક અમને પોલીસ-અધિકારીઓ પાસેથી મળ્યા છે. એક નાનકડી પહેલથી ઘણી રીતે હકારાત્મક બદલાવો અમે જોઈ રહ્યા છીએ.’

કોઈ ભેદ નહીં

આજકાલ ડિફરન્સ ઑફ ઓપિનિઅનનો બહુ જ મોટો જંગ ચારેય બાજુ ચાલી રહ્યો છે. પરસ્પરના ભેદ વ્યક્તિઓ અને સમુદાયો વચ્ચે ડિસ્ટન્સ વધારવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ સંસ્થા કોઈ પણ ફીરકાના મહાત્મા હોય, તેમને આ સેવાનો લાભ મળે એના પ્રયાસો કરી રહી છે. મોક્ષેશભાઈ કહે છે, ‘શ્વેતાંબર મહાત્મા હોય, દિગંબર, સ્થાનકવાસી કે તેરાપંથી; આમાંથી કોઈ પણ કેમ ન હોય, વિહાસ પોલીસ સુરક્ષા દરેક માટે છે. અમને જો રૂટ મળ્યો હોય તો તેમને ત્યાં પોલીસ પહોંચ્યા જ હોય એટલું જ નહીં, વિહારની આગલી રાતે અમે પોલીસ અને એ મહારાજસાહેબ સાથે કન્ફર્મ કરીએ અને વિહાર પતી ગયા પછી પણ તેઓ સેફલી પહોંચી ગયા કે નહીં એનું ફૉલોઅપ પણ અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે. અમે ક્યાંય જતા નથી. અમારા ઘરે રહીને જ કો-ઑર્ડિનેશનનું કામ સંભાળી રહ્યા છીએ. અત્યારે તો ચાતુર્માસને કારણે વિહાર નથી થતા પરંતુ બાકીના આઠ મહિનામાં દરરોજના લગભગ દોઢસો જેટલા વિહારો થતા હોય છે. ઓવરઑલ આ વ્યવસ્થાને લીધે ઘણીબધી દુર્ઘટનાઓ થતી અટકી છે. અકસ્માતો પણ નોંધનીય રીતે ઘટ્યા છે.’

કેવી રીતે કામ કરે?

વિહાર પોલીસ સુરક્ષાનું લગભગ ૨૭ યુવાનોનું ગ્રુપ છે જેઓ તમામ પ્રકારની ઈ-મેઇલ અને કો-ઑર્ડિનેશનની વ્યવસ્થા સંભાળે છે. મોક્ષેશભાઈ કહે છે, ‘સૌથી પહેલાં તો અમે વિવિધ સંઘોમાં જઈ-જઈને મહાત્માઓને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની જાણ કરી. આજે પણ અવેરનેસનું એ કાર્ય ચાલુ છે. જે પણ સાધુ-સાધ્વી મહારાજ વિહાર કરવાનાં હોય તો તેમણે પોતાનો રૂટ અમારી સાથે શૅર કરવાનો હોય. એ રૂટ અમારી ટીમ વતી તેમના વિસ્તારની ડિસ્ટ્રિક્ટના સિનિયર પોલીસ અને ડેપ્યુટી જનરલ પોલીસમાં એની જાણ કરવામાં આવે છે. અમને આજ સુધી પોલીસ અને પ્રશાસન તરફથી અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો છે. સમય-સમય પર અમે પણ આ પોલીસમાં કામ કરતા કન્ટ્રોલ અધિકારીઓ સાથે મિલન ગોઠવીએ છીએ. તેમનું બહુમાન પણ કરીએ.’

jain community life and style culture news columnists