સિવિક સેન્સ સ્કૂલમાં નહીં, ઘરમાં અને પેરન્ટ્સે જ શીખવવાની હોય

10 May, 2024 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોસાયટીમાં રહીએ છીએ તો બાળકને સિવિક સેન્સ આપવાની જવાબદારી તેના પેરન્ટ્સની છે.

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં સિંગલ ટાઇમ યુઝ કરી શકાય એવી પ્લાસ્ટિકની વસ્તુ પર ક્યારથી બૅન આવી ગયો છે એ યાદ છેને? પેલા અમુક માઇક્રોનથી ઓછાં પ્લાસ્ટિકનાં ઝભલાં વાપરવા પર પણ બૅન છે અને એ પછી પણ આજે બધી જગ્યાએ એ બધી વરાઇટી ખુલ્લેઆમ આપવામાં આવે છે અને આપવામાં આવતી હોય તો નૅચરલી એ ક્યાંક તો બને છે, ક્યાંક તો હોલસેલમાં વેચાય છે એટલે જ આપણા સુધી પહોંચે છે. મને ખરેખર સમજાતું નથી કે નિયમોની બાબતમાં આપણે આ સ્તરે બેદરકાર કઈ રીતે હોઈ શકીએ? તમે જુઓ. પપ્પાની આંગળી પકડીને ચાલતું બાળક રસ્તા પર બર્ગરનું રૅપર ફેંકે કે પછી હાથમાં રહેલી પાણીની પ્લાસ્ટિકની બૉટલ ફેંકે અને પપ્પા કે મમ્મી એ બાળકને સમજાવે પણ નહીં. સિવિક સેન્સ એક પણ સ્કૂલમાં શીખવવામાં નથી આવતી, એ તો તમારે ઘરમાં જ શીખવવી પડે, પણ મોટા ભાગના પપ્પા એવું માને છે કે આપણે સારી સ્કૂલમાં બાળકનું ઍડ્મિશન લઈ લીધું એટલે જવાબદારી પૂરી થઈ ગઈ અને મમ્મી એવું માને કે આપણે ઇતર પ્રવૃત્તિમાં બાળકને લાવવા-મૂકવાનું કામ કરી લીધું એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. ના, એવું નથી. એ સિવાય પણ બીજી એટલી જવાબદારીઓ છે જે નિભાવવાની હોય છે અને સૉરી ટુ રાઇટ, પણ એ નિભાવવામાં મોટા ભાગના પેરન્ટ્સ ફેલ જાય છે.

આપણે ઘરને લગતી બધી ડિસિપ્લિન બાળકને શીખવીશું, પણ જાહેર સ્થળોએ ગંદકી ન કરવા જેવી બેઝિક વાત તેને નહીં સમજાવીશું. આપણે બાળકને એ સમજાવીશું કે વૉશરૂમનો ઉપયોગ કર્યા પછી હૅન્ડ વૉશ કરવાના, પણ એ નહીં સમજાવીએ કે જાહેર સ્થળોએ થથૂંકવાનું નહીં. માનું છું કે આપણે નાના હતા ત્યારે એ બધું આપણને પણ શીખવા નહોતું મળ્યું એટલે કદાચ આવી વાતોની આપણે પણ બહુ કૅર કરી નહીં પણ એ સમય અને આજના સમય વચ્ચે બહુ મોટો તફાવત છે. એ સમયે બાળક પાસે આટલી એક્સ્ટ્રા ઍક્ટિવિટી કરાવવામાં નહોતી આવતી, પણ આજે દરેક મમ્મીઓ એ કરાવે છે. મારો કોઈ એમાં વિરોધ નથી, પણ મારું કહેવું એ છે કે બધું કરાવવા જતાં જે અગત્યનું છે, જે મહત્ત્વનું છે એ કેવી રીતે આપણે ચૂકી શકીએ?

સોસાયટીમાં રહીએ છીએ તો બાળકને સિવિક સેન્સ આપવાની જવાબદારી તેના પેરન્ટ્સની છે. આપણને અમેરિકા ને યુરોપ ને એ બધી કન્ટ્રીઓ બહુ ગમે છે, એ લોકોની રહેણીકરણી ગમે છે, પણ એ જ પ્રકારની રીતભાત અપનાવવાની વાત આવે તો આપણને તકલીફ પડી જાય છે. મને કહેવા દો કે આપણી માનસિકતા બહુ તકલાદી છે, જેમાંથી બહુ જલદી બહાર આવવામાં સાર છે.

અહેવાલ : રાજીવ મહેતા

columnists life and style